પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે (25 ડિસેમ્બર) 100મી જન્મજયંતિ છે. વાજપેયી દેશના એવા નેતા હતા, જેમના વર્તન અને કાર્યોના વિરોધ પક્ષોના નેતાઓ પણ વખાણ કરે છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ભારતને નવી દિશા મળી. વાજપેયીનો કાર્યકાળ શિક્ષણ, સંદેશાવ્યવહાર, વિદેશ નીતિ અને દેશના વિકાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો.

અટલ બિહારી વાજપેયી દેશના સૌથી ચહિતા રાજકારણી, કવિ અને પ્રખર વક્તા હતા. અટલ બિહારી વાજપેયી દેશના 10માં વડાપ્રધાન હતા. જેઓ એ વિવિધ ત્રણ સત્ર દરમિયાન દેશના પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ કર્યું હતુ. પોતાની પાંચ દાયકાથી વધુ સમયની રાજકીય જીવન યાત્રા દરમિયાન અટલ બિહારી વાજપેયી કુલ નવ વખત લોકસભાના સાંસદ અને બે ટર્મ રાજ્યસભાના સભ્ય પદે રહ્યા હતા.
અટલ બિહારી વાજપેયી 1996માં ગાંધીનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા અને દેશના સિમિત સમય માટે વડાપ્રધાન બન્યા હતા. ગુજરાત સાથે અટલ બિહારી વાજપેયીનો સંબંધ અનેરો રહ્યો હતો. અટલ બિહારી વાજપેયી ગુજરાતની મુલાકાતોનો સિલસિલો જનસંઘની રચના પહેલાથી રહ્યો હતો. 1960માં પહેલી વાર જનસંઘે ગુજરાતની બોટાદ અને માણાવદર ખાતે બહુમતી પ્રાપ્ત મળવાથી અટલ બિહારી વાજપેયી ખુશ થયા હતા. 1968માં કચ્છના છડા બેટ પાકિસ્તાનને સોંપવાના નિર્ણય સામે અન્ય જનસંઘના સાથીઓ સાથે અટલ બિહારી વાજપેયી પણ હતા. અટલ બિહારી વાજપેયી ત્યારે કચ્છના નાના ગામમાં ફરી પોતાની વકૃત્વ કળાથી ગ્રામવાસીઓને જાગૃત કર્યા હતા.
અટલના કાર્યકાળમાં બંધારણ સમીક્ષા પંચની રચના પણ કરવામાં આવી હતી. વાજપેયી સરકારે ફેબ્રુઆરી 2000માં બંધારણમાં સુધારો કરવાની જરૂરિયાત અંગે વિચારણા કરવા માટે એક સમિતિની બેઠક બોલાવી હતી. બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી. આ કમિશનનો ભારે વિરોધ થયો હતો, જેના પછી વાજપેયી સરકાર બંધારણમાં સુધારાનું કામ આગળ નહતી વધારી શકી.
ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવેલા તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રાજ્યની પરિસ્થિતિથી ખુબ વ્યથિત હતા. દિલ્લી પરત થતા અગાઉ અમદાવાદ એરપોર્ટ પર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો, કે આપનો મુખ્યમંત્રી માટે શું સંદેશ છે ? આ પ્રશ્નના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ વિચારીને કહ્યું હતુ કે, મુખ્યમંત્રી માટે મારો ફક્ત એક જ સંદેશ છે. એ રાજ ધર્મનું પાલન કરે. કવિ હૃદય પ્રધાનમંત્રીનો આ સંદેશ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશને સોંસરો ઉતર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાથે બેઠેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાજપેયીની વાતની વચ્ચે કહ્યું હતુ કે, અમે પણ એ જ કરીએ છીએ સાહેબ. આ સાંભળીને વાજપેયીએ ઉમેર્યું હતુ કે, નરેન્દ્રભાઈ આ જ કરી રહ્યાં છે. આ સંવાદે રાજ્યની તત્કાલીન પરિસ્થિતિને બદલવાની મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો :-