કર્ણાટકની રાજધાની બેંગલુરુના મડાપટ્ટના વિસ્તારમાં આવેલી સ્ટોન ક્વોરીમાં ગુરુવારે વહેલી સવારે બનેલા ભયાનક અકસ્માતે સાત મજૂરોનો જીવ લીધો છે. કામ દરમિયાન અચાનક એક વિશાળ ખડક તૂટી પડતાં બિહારના સાત દૈનિક મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં અનેક અન્ય મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં આવેલી કાવેરી કંપનીની સ્ટોન ક્વોરીમાં ખોદકામની કામગીરી ચાલી રહી હતી. તે સમયે આશરે 15થી 20 મજૂરો સ્થળ પર હાજર હતા. ઉપરના ભાગમાં હિટાચી મશીન દ્વારા નવી ક્રશર યુનિટ માટે જગ્યા તૈયાર કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક એક વિશાળ ખડક પોતાની જગ્યાથી ખસી ગયો અને નીચે કામ કરી રહેલા મજૂરો પર ધસી પડ્યો. ઘટનામાં સાત મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
બેદરકારીની આશંકા, તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે હિટાચી મશીનના ઓપરેટરે નીચે મજૂરો કામ કરી રહ્યા હોવાની પૂરતી તકેદારી રાખી નહોતી. જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોઈ શકે છે. હાલ પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ શરૂ કરી છે.
અનેક મજૂરો ઘાયલ, બચાવ કામગીરી હાથ ધરાઈ
અકસ્માત બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ હટાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા મજૂરોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાક મજૂરોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૃતકો તમામ બિહારના રહેવાસી
પોલીસે જણાવ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મજૂરો બિહારના રહેવાસી હતા અને રોજિંદી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા. તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો તપાસમાં બેદરકારી કે સુરક્ષા નિયમોના ભંગની પુષ્ટિ થશે તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે વ્યક્ત કર્યો શોક
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે ખાણમાં કામ કરતા મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી ખાણ માલિકોની પ્રથમ જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર ખાણ સંચાલકો સામે સરકાર કડક કાર્યવાહી કરશે અને દોષિતોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.