- ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, સામે પક્ષે હરિફોની છાવણી ખાલી છે, ભાનિર્ધાર સાથે કુદી પડશે તો ગુજરાતના રાજકારણમાં ચમત્કાર સર્જાશે
- સૌરાષ્ટ્રમાં ભાંગફોડ થવાની આશંકાઓનો ઉકેલ આવી ગયો, હવે આદિવાસી વિસ્તારોમાં ભગવો ફરી વળશે તો કોંગ્રેસનું નામોનિશાન ભુંસાઈ જશે
- આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં પગપેસારો કરવાનું સપનું શેખચલ્લી જેવું પુરવાર થશે, ચૂંટણીના પરિણામો પછી પક્ષમાં છે એ પણ ભાગી જશે
- કેન્દ્રીય નેતૃત્ત્વનો વિશ્વાસ અને સી.આર. પાટીલની વ્યૂહરચના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મીનમેખ ૧૫૦ પ્લસ બેઠકો અપાવશે; અલબત સી.આર. પાટીલનો ૧૮૨ બેઠકોનો લક્ષ્યાંક સાચો પણ પડી શકે
નસીબમાં જ ‘રાજયોગ’ લઈને જન્મેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને તે પૂર્વે પણ તેમની સામાજિક અને રાજકીય ઉજ્જવળ પ્રગતિનો રથ ક્યારેય પણ અટક્યો નથી, પોલીસદળમાં નોકરી, વેપાર, ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું અને અખબારી પ્રકાશનમાં પણ જોડાયા. પરંતુ અનેક મુશ્કેલીઓ વચ્ચે સી.આર. પાટીલની પ્રગતિનો રથ એક તસુભાર પણ પાછળ પડ્યો નથી. કપરા સંજોગોમાં વફાદારી જાળવી રાખવી એ સી.આર. પાટીલનું સૌથી મજબૂત જમાપાસુ રહ્યું છે. તેમની આજ પર્યન્તની રાજકીય કારકીર્દીમાં ક્યારેય પણ પક્ષ પલટો કરવાનો વિચાર સુદ્ધા કર્યો નથી. પક્ષનાં નેતૃત્ત્વના વિવાદમાં તેઓ કદાપી પક્ષકાર બન્યા નથી. બલ્કે નેતૃત્ત્વના વિવાદને ઉકેલવામાં હંમેશા કડીરૂપ ભૂમિકા ભજવતા આવ્યા છે. કદાચ આજની તેમની સ્થિતિ તેમની ભૂમિકાની ફળશ્રૃતિ પણ હોઈ શકે.
ભાજપનો ઉદયકાળ હતો ત્યારે સી.આર. પાટીલે જરાપણ વિચલીત થયા વગર કે કોંગ્રેસની જાહોજલાલીથી અંજાયા વગર ભાજપને મોટો કરવાની દિશામાં ‘એકલવ્ય’ જેવા પ્રયાસો કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતૃત્ત્વ સામે ઘણી વખત મતભેદ પણ થયા છે. ઘણાં નેતાઓએ તેમની અવગણના પણ કરી હશે, પરંતુ તેથી તેમણે ભાજપનો ત્યાગ કરવાનો કદાપી વિચાર કર્યો નથી. આજે ભાજપનો સૂર્ય મધ્યાહને છે, તેવા સમયે સી.આર. પાટીલને ગુજરાત ભાજપના સુકાની બનાવવાનો નિર્ણય શિર્ષ નેતૃત્ત્વએ ચોક્કસ વિચાર કરીને જ કર્યો હશે. ઘટાદાર વટવૃક્ષ જેવા બનેલા ભાજપ અને કેન્દ્ર સહિત દેશભરમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે પક્ષમાં આંતરિક અસંતોષ જરૂર હશે. ભાજપમાં ઘણાં એવા લોકો પણ હશે કે જેમને સી.આર. પાટીલ સામે વાંધો પણ હોઈ શકે, પરંતુ સી.આર. પાટીલ આવા નારાજ નેતાઓનું પણ ખૂબ જ આદર સાથે સન્માન કરતાં આવ્યા છે.
ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા તે દિવસથી જ તેમણે ભાજપની પ્રતિભાને સતત ઊંચાઈ ઉપર લઈ ગયા છે. રાજકીય પક્ષોમાં ચૂંટણી જીતવી એ નેતૃત્ત્વની સફળતાનો પહેલો માપદંડ છે અને આ માપદંડમાં સી.આર. પાટીલ હંમેશા સફળ ખેલાડી પુરવાર થતાં આવ્યા છે. ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ગામડાંનાં લોકો સાથે સીધો જ નાતો ધરાવતી સહકારી સંસ્થાઓમાં પણ ભગવો લહેરાવીને સી.આર. પાટીલ ગુજરાતમાં ભાજપને છેક છેવાડાના નાગરિક સુધી લઈ ગયા છે અને હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ૧૫૦ કરતાં વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક ચોક્કસ હાંસલ કરીને ભાજપના નેતૃત્ત્વએ તેમના ઉપર મુકેલો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવશે.
ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનું સુરતમાં આયોજન વિધાનસભાની ચૂંટણીનો એક ભાગ ગણી શકાય. બેઠક દરમિયાન થયેલા ભાષણો, વાતચીત અને પ્રશ્નોત્તરી આ બધા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અતિભવ્ય જીત હાંસલ કરવાનો મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ નબળી પડી છે અને ‘આપ’ તેનો ફાયદો ઉઠાવીને ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે, પરંતુ ‘આપ’ની મુરાદને બર આવવા દેવાશે નહીં. આમ પણ રાજયની મહાનગરપાલિકાઓની ચૂંટણી એક માત્ર સુરતમાં ‘આપ’ના ૨૭ સભ્યો ચૂંટાયા હતા. આ દિવસે જ સી.આર. પાટીલે ‘આપ’ને ગુજરાતમાંથી સાફ કરી નાંખવાનો સંકલ્પ કર્યો હતો અને સુરતમાં ‘આપ’ની હાજરીને ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ ગણાવી હતી.
થોડા સમય માટે એવી ભ્રમણા ઊભી કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થઈ શકે અને રાજકોટ શહેર અને અન્ય વિસ્તારમાં બનેલી રાજકીય ઘટનાઓ જોતા એવું લાગતું હતું કે, સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મુશ્કેલી થશે. આ બધાની વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં સક્રિય થઈ રહ્યાં હોવાનું ચિત્ર ઊભુ કરીને રાજકીય માહોલ ડહોળી નાંખ્યો હતો, પરંતુ પવન જોઈને નરેશ પટેલે પણ રાજકારણી બનવાની મહેચ્છાઓ સંકેલી લીધી હતી. સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપના ભગવાને રોકવાનું હવે લગભગ શક્ય નથી. વળી સૌરાષ્ટ્રનો ગઢ મજબૂત કરવાં સી.આર. પાટીલે સૌરાષ્ટ્રના વિવિધ સમુદાયના લોકો સાથે રાજકીય અને વ્યક્તિગત ‘નાતો’ જોડી દીધો હોવાથી હવે સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણામાં ભાજપના વિજય રથને રોકવાનું શક્ય જ નથી.
સૌરાષ્ટ્ર અકબંધ કર્યા બાદ સી.આર. પાટીલે ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત મતબેંક ગણવામાં આદિવાસી વિસ્તારોમાં પડાવ નાંખીને આદિવાસીઓને કોંગ્રેસના પ્રભાવમાંથી બહાર લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ રજૂ કરીને આદિવાસીઓના મનમાંથી કોંગ્રેસ જ તારણહાર હોવાની ભ્રમણા દૂર કરવામાં સફળ થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદિવાસી પ્રભાવિત વિસ્તારોમાં વારંવારની મુલાકાતો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિજાતિ લોકોના કલ્યાણ માટેની હારબંધ જાહેરાતોને પગલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કોંગ્રેસની પકડ ઢીલી પડવા સાથે મૂળિયામાંથી બહાર આવી રહી છે. રાજ્યના પૂર્વના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની લગભગ ૪૫ જેટલી બેઠકો છે. તમામ બેઠકો મીનમેખ કબજે કરવા ભાજપનો લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંક પાર પડી જશે તો ગુજરાત વિધાનસભાની ૧૫૦ કરતાં વધુ બેઠકો કબજે કરતા ભાજપને કોઈ જ નહીં રોકી શકે. અલબત સી.આર. પાટીલ આનાથી પણ આગળ વધીને વિધાનસભાની તમામ બેઠકો એટલે કે ૧૮૨ બેઠકો કબજે કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યાં છે.
ઘણાં લોકોને સી.આર. પાટીલના ગણિતમાં વિશ્વાસ નહીં બેસે, પરંતુ જેઓ સી.આર. પાટીલને નજીકથી ઓળખે છે તેઓ ચોક્કસ સી.આર. પાટીલના ગણિત સાથે સહમત થશે.
ગુજરાતનો રાજકીય સિનારિયો જોતા ભાજપનું નેતૃત્ત્વ એક થઈને નિશ્ચિય કરશે તો ૧૮૨ બેઠકો કબજે કરવાનું દૂર નથી. કોંગ્રેસ લગભગ મૃતપ્રાય હાલતમાં છે. કદાચ એવું પણ બની શકે કે આ વખતે કોંગ્રેસને ૧૮૨ બેઠકો માટે ઉમેદવારો પણ નહીં મળે. બીજી તરફ ‘આપ’નું કદાચ એવું ગણિત હશે કે કોંગ્રેસની ગેરહાજરીમાં ‘આપ’ને થોડી બેઠકો મળી જશે. પરંતુ આ ગણિત શેખચલ્લીના સપના જેવું પુરવાર થશે. મફત વીજળી, મફત તબીબી સારવાર વગેરે વગેરે ‘મફત’ના મુદ્દાઓ રજુ કરવાથી ગુજરાતના ભાજપને વફાદાર મતદારોનું મન બદલવાનું વિચારવા જેટલું આસાન નથી. વળી ગુજરાતના લોકો સ્વીકારી શકે એવું ‘આપ’ પાસે નેતૃત્ત્વ પણ નથી.
ગુજરાતની ચૂંટણીઓ આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યાં છે, એ પૂર્વે ગુજરાતનું રાજકીય ચિત્ર જોતા ચૂંટણીના પરિણામોમાં ચમત્કાર સર્જાઈ શકે. જોવા જઈએ તો તમામ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો ફરકાવવા માટે મેદાન સાફ છે.
સુરત ખાતેની ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં મોટાભાગની ચૂંટણીલક્ષી જ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રત્યેક પદાધિકારી, હોદ્દેદારોને ચૂંટણી જંગનો એક જ મંત્ર આપવામાં આવ્યો હતો. ભાજપનો વિજય તો મીનમેખ છે, પરંતુ ગુજરાતના કોઈ ખૂંણામાં પણ હરિફ પક્ષોને સ્થાન મળવું જોઈએ નહીં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે મળેલી ભાજપની કારોબારી બેઠકમાં કરાયેલા સંકલ્પ મુજબ ભાજપનું નેતૃત્ત્વ એકથઈને લડશે તો ગુજરાતના ખૂંણેખૂંણામાં ભાજપને પ્રસરી જતાં વિરોધીઓ પણ રોકી શકશે નહીં. અને કદાચ ગુજરાતમાં રાજકીય હરિફ પક્ષોને સાફ કરવાનું વિજય તિલક સી.આર. પાટીલનાં લલાટે લખાયેલું હશે.
આ પણ વાંચો –