દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી કુલ 14 આતંકવાદીઓને ઝડપી લઈને દેશમાં મોટાપાયે આતંકી હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી છ આતંકી પકડી પાડ્યા છે. તે ઉપરાંત ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાંથી બીજા આઠ આતંકવાદી ઝડપાયા છે.
ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો ઉપરાંત આતંકવાદનો પ્રચાર-પ્રસાર કરતું સાહિત્ય પણ જપ્ત લેવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન અલ કાયદા વિરુદ્ધ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી છે. રાંચી, કટક અને અલીગઢમાં દરોડા પાડીને આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે જેઓ જાહેર સ્થળોએ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ આતંકી જૂથનો નેતા રાંચીનો ડૉ. ઇશ્તિયાક છે જેણે ભારતમાં ખિલાફતની જાહેરાત કરી હતી.
પ્રાથમિક તપાસ અનુસાર આ મૉડ્યૂલનું સંચાલન રાંચીનો ડૉ. ઇશ્તિયાક કરતો હતો. તે દેશના વિવિધ વિસ્તારમાં મોટી આતંકવાદી ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હતો. મૉડ્યૂલના સભ્યોને અલગ અલગ સ્થળો પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવાડીથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા છ શંકાસ્પદની અટકાયત કરી છે.
શંકાસ્પદોની પૂછપરછ બાદ સ્પેશ્યલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કૂલ આઠ શંકાસ્પદની પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અત્યારે વિવિધ સ્થળો પર પૂછપરછ ચાલી રહી છે અને નેટવર્ક સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ થઇ શકે છે. કેટલાક સ્થળો પર અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે અને હથિયાર, દારૂગોળો, જેહાદી અને આતંકી સાહિત્ય વગેરે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ વિરૂદ્ધ ઝારખંડમાં લોહરદગા, હજારીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-