Saturday, May 16, 2026

NEET પેપર લીક બાદ NTAને ભંગ કરવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

2 Min Read

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઈને મોટી ખબર સામે આવી છે. NEET પેપર લીક મામલા વચ્ચે યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ માં અરજી દાખલ કરીને NTAને ભંગ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે હાલની નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ બનાવવામાં આવી છે, તેને રદ કરીને સંસદના કાયદા દ્વારા નવી વૈધાનિક રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવી જોઈએ.

અરજીમાં કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માંગ કરવામાં આવી છે કે સંસદમાં કાયદો લાવી એવી નવી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવામાં આવે, જેના પાસે સ્પષ્ટ કાનૂની અધિકારો હોય, પારદર્શિતાના કડક નિયમો હોય અને જે સીધી સંસદ પ્રત્યે જવાબદાર હોય. અરજદારોનું કહેવું છે કે દેશની સૌથી મોટી પરીક્ષાઓ યોજતી સંસ્થા માટે મજબૂત કાનૂની માળખું અને જવાબદારી વ્યવસ્થા હોવી જરૂરી છે. આ અરજી એવા સમયે દાખલ કરવામાં આવી છે જ્યારે NEET પેપર લીક કેસની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.

NEET કેસમાં ધરપકડ કરાયેલા માસ્ટરમાઇન્ડ ગણાતા લેક્ચરર પીવી કુલકર્ણીની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી છે. તપાસ એજન્સીઓ અનુસાર આ સમગ્ર નેટવર્કમાં પીવી કુલકર્ણી સિવાય અન્ય લોકોની પણ મોટી ભૂમિકા રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીવી કુલકર્ણી અને મનીષા વાઘમારે સાથે અન્ય બે લેક્ચરર પણ પેપર લીક કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) હાલમાં પુણે અને લાતુરમાં સતત દરોડા પાડી આ બંનેની શોધખોળ કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બંને લેક્ચરર NTA સાથે NEET પરીક્ષા સંચાલન સંબંધિત કામગીરીમાં જોડાયેલા હતા અને પીવી કુલકર્ણી સાથે મળીને કામ કરતા હતા. આરોપ છે કે પુણે ની એક સંસ્થામાં પીવી કુલકર્ણી, મનીષા વાઘમારે અને તેમના બે સાથી લેક્ચરરોએ વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રશ્નો અને તેના સાચા જવાબ નોટબુકમાં લખાવ્યા હતા.

CBI તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ મુજબ મનીષા વાઘમારેના નામે નવું બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ બેંક ખાતાને હાલ CBI દ્વારા સીઝ કરવામાં આવ્યું છે અને નાણાંકીય લેવડદેવડની તપાસ ચાલી રહી છે. હાલ CBI પીવી કુલકર્ણીના બંને ફરાર સાથીદારોની શોધમાં લાગી છે.

Share This Article