અમેરિકામાં ટેક કંપનીના કૉફાઉન્ડરની ફૂટપાથ પર હત્યા

Share this story

અમેરિકામાં ફરી એકવાર એક ભારતીયની હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર લડાઈ દરમિયાન માર માર્યા બાદ ઘાયલ થયેલા ભારતીય મૂળના ૪૧ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે, તાજેતરમાં અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે.

પોલીસને ૨ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લગભગ ૨ વાગ્યે શોટો રેસ્ટોરન્ટની બહાર ‘ફિફ્ટીન્થ સ્ટ્રીટ નોર્થવેસ્ટ’ના ૧૧૦૦ બ્લોકમાં આ ઘટનાની માહિતી મળી હતી. જે બાદમાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વિવેક તનેજા નામનો ભારતીય મૂળનો વ્યક્તિ ફૂટપાથ પર ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તનેજા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચેની દલીલ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી અને આરોપીએ તનેજાને જમીન પર પટકાવી દીધો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું આ તરફ ગંભીર રીતે ઘાયલ તનેજાનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે. સીસીટીવીમાંથી આરોપીના ફૂટેજ મેળવ્યા છે.