Monday, Aug 17, 2026

ગુજરાત ભાજપની ધુંધવાતી યાદવાસ્થળીમા સૌથી વધુ નુકસાન સુરતે સહન કરવું પડશે

10 Min Read

કેન્દ્રીય મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ સહિત મંત્રીઓની અને નેતાઓની ફોજ છે, પરંતુ સુરતીઓના વાજબી પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી

આંતરિક ગજગ્રાહમાં અહમ્ એટલી હદે હાવી થઈ ગયો છે કે, કારણ વગર કોઈ કોઈની સાથે વાત કરવા ઇચ્છતા નથી, એક સમયે આ જ લોકો એક ‌‌ડિશમાં નાસ્તો કરતા હતા

હર્ષ સંઘવીની રાજકીય પ્રગતિનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે, પરંતુ હર્ષ ક્યારે અને કોની સાથે કઈ રીતે વર્તવું એ વાતથી બિલકુલ સભાન છે, કારણ હર્ષ સંઘવીએ હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની બાકી છે

આ તરફ અનેક ચડતી-પડતીમાંથી પસાર થઈને સર્વોચ્ચ ટોચ ઉપર પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય પીઢતા ઓછી આંકી શકાય તેમ નથી, ભૂતકાળમાં એક તબક્કે સી.આર. પાટિલ કોરાણે થઈ ગયા હતા અને પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે તો ત્યાં સુધી કહ્યું હતું કે, કાશીરામના પેગડામા પગ ઘાલવાની સી.આર. પાટિલની તાકાત નથી, પરંતુ ત્યાર પછીની બદલાયેલી રાજકીય સ્થિતિનું સુરત સાક્ષી છે

આમ તો સુરતને ગુજરાતની આર્થિક રાજધાની,મિની ભારત, ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, બ્રિજ સિટી વગેરે વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે. તળસુરતીઓની વસ્તી ઘટીને કદાચ ૧૫ ટકા માંડ-માંડ બચી હશે. બીજી તરફ ૮૫ લાખની ફાટફાટ વસ્તીથી ઉભરાતા સુરત પાસે પોતીકા ૧૦ ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો છે. આ પૈકી સી.આર. પાટિલ કેન્દ્રીય મંત્રી છે અને ભાજપના ખમતીધર ગણો કે મજબૂત ‘ધરી’ પણ છે. જ્યારે હર્ષ સંઘવી રાજ્યના મજબૂત અને યુવાન, ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી છે. પ્રફુલ્લ પાનશેરિયા રાજ્યના આરોગ્ય મંત્રી છે. જ્યારે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. આ ઉપરાંત ત્રણ-ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સુરતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

પરંતુ પાછલા કેટલાક સમયથી સુરતનું જાણે કોઈ ધણીધોરી નથી. સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કર્યા બાદ જાણે આખું સુરત નેપથ્યમાં ધકેલાઈ ગયું છે. લાખો લોકોને રોજગારી આપનાર અને ભાજપના મજબૂત સમર્થક એવા સુરતના એટલી હદે બેહાલ થયા છે કે સુરતની સમસ્યા સાંભળનારું કોઈ નથી. કહેવા ખાતર કે દેખાવ ખાતર મંત્રીઓ, અધિકારીઓ આવન-જાવન કરે છે, પરંતુ સુરતની સમસ્યા, પ્રશ્નોની કોઈને પડી નથી. જાણે સુરત ગુજરાતનો હિસ્સો જ નથી.

ભાજપનો આંતરિક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. સુરત ભાજપની હાલત એવી છે કે, ભાજપ કાર્યાલયમાં પેન્સિલ ખરીદવી હોય તો પ્રદેશ કાર્યાલયમાંથી મંજૂરી મેળવવી પડે છે. સુરત મહાપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની કામગીરીના એજન્ડા પ્રદેશ કાર્યાલયને મોકલવા પડે છે અને પ્રદેશમાંથી સૂચના મળે એ રીતે કામ કરવાનું રહે છે. દ‌‌િક્ષણ ગુજરાતની સહકારી સંસ્થાઓમાં પણ પ્રદેશના ઈશારે જ કામ કરવામાં આવે છે.
પરિણામે ક્રમશઃ લોકોના કામ થતાં નથી અને નેતાઓ પણ ગજગ્રાહને કારણે કોઈ એકબીજા સાથે વાત કરવા રાજી નથી. આટલી હદે સ્થિતિ વણસી જવાથી પ્રજા પીડાઈ રહી છે.

તાજેતરમાં સુરતમાં ખાડીના વિનાશક પૂરની ઘટના વખતે લગભગ દરેક નેતાએ પોતાનો અલગ અલગ ચોકો ઉભો કર્યો હતો. સી.આર. પાટિલ, હર્ષ સંઘવી પોતાની રીતે પૂર પીડિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સુરત આવ્યા હતા, પરંતુ તેની મુલાકાત માત્ર ઔપચારિક બની રહી હતી અને વહીવટી તંત્રને થોડી ઘણી સૂચનાઓ આપીને ફરજ પૂરી કરી હતી. સુરતે ભૂતકાળમાં તાપીની રેલ, ખાડીના પૂર, પ્લેગ, કોરોના જેવી મહામારી જોઈ હતી, પરંતુ એ દિવસોમાં ‘ભાજપ નામે એક’ થઈને કામ કરાતું હતું. ભાજપ કાર્યાલય કાર્યકરોથી ઉભરાતું રહેતું હતું. લોકોને મદદ પહોંચાડવા ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો કાદવ-કીચડ ખૂંદીને લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હાલના બદલાયેલા સંજોગોમાં ભાજપમાં એકબીજાને પાડી દેવાનો કે હિસાબ ચૂકતે કરવાનો ખેલ ચાલી રહ્યો છે.

સુરતના ૧૦ ધારાસભ્યો પૈકી કુમાર કાનાણી, વિનુ મોર‌‌ડિયાનો અલગ ચોકો છે. જ્યારે બિચારા કાંતિ બલરને કોઈ પૂછવાવાળું નથી. અરવિંદ રાણા પાસે કોઈ લાંબા વિઝનની અપેક્ષા રાખી શકાય તેમ નથી. તેમના માટે ‘અશાંતધારો’ એકમાત્ર કામગીરી છે. આવી હાલત ઉધનાના ધારાસભ્ય મનુ પટેલની છે. મનુ પટેલ ભૂતકાળના કાપડ ઉદ્યોગના માથાભારે આગેવાન ગણાતા હતા, પરંતુ કોઈ ચમત્કારને કારણે તેઓ ધારાસભ્ય બની ગયા. પરંતુ તેમનું ધારાસભ્ય તરીકેનું કોઈ જ ‘કૌવત’ નથી. તેમની એવી કોઈ કામગીરી નથી કે જેની નોંધ લઈ શકાય.

આ બધાની વચ્ચે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સંદીપ દેસાઈ, મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને સંગીતા પાટિલ પોતપોતાના મતક્ષેત્રમાં પ્રભાવક રહ્યાં છે. સંગીતા પાટિલની એટલી ‘ધાક’ છે કે, તેમના મતક્ષેત્રમાં પગ મૂકવાની કોઈ હિંમત કરી શકતું નથી અને ભૂલેચૂકે કોઈએ હિંમત કરી તો તેનુ આવી બને. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈનો મત વિસ્તાર લિંબાયત બેઠકમાં પણ આવે છે, પરંતુ રીઢા રાજકારણી ગણાતા સંદીપ દેસાઈ પણ લિંબાયતમાં પગ મૂકતા ડરે છે. કેટલાંક લોકો સંગીતા પાટિલના મતવિસ્તારને કેન્દ્રશાસિત વિસ્તાર તરીકે ઓળખાવે છે. અલબત્ત, સંગીતા પાટિલની સતત અને સખત હાજરીને કારણે આજે પણ લિંબાયત મતક્ષેત્રમાં તેમની પકડ મજબૂત છે.

ભાજપને સંગઠનના માળખામાં અને સરકારના મંત્રી મંડળમાં ફેરબદલ બાદ પૂર્ણેશ મોદીએ પણ પોતાની જાતને સંકોરી લીધી છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવું મજબૂત પદ તેમની પાસે છે, પરંતુ આ પદનો સુરતની પ્રજાને કોઈ ફાયદો નથી. પૂર્ણેશ મોદી તેમનો મતવિસ્તાર (સુરત પશ્ચિમ) સાચવીને બેઠા છે. જાણે તેઓ લક્ષ્મણરેખાની બહાર આવવા ઇચ્છતા નથી. જ્યારે ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલનું મંત્રીપદ ગયા બાદ જાણે તેઓ સાવ નિષ્ક્રિય બની ગયા છે. મુકેશ પટેલની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી છે. કયા જૂથમાં રહેવું કે જવું એ તેમના માટે મોટો પ્રશ્ન છે. સી.આર. પાટિલ ગ્રુપના ગણાતા મુકેશ પટેલ આજકાલ સી.આર. પાટિલના કાર્યાલયમાં પણ જોવા મળતા નથી. આ તરફ સમગ્ર ભારતમાં એકમાત્ર બિનહરિફ ચૂંટાઈ આવેલા સાંસદ મુકેશ દલાલ પોતાની મસ્તીમાં જીવી રહ્યા છે.

ખેર, આ બધાની વચ્ચે ચમત્કા‌‌રિક ગુજરાતના રાજકારણ અને સરકારમાં સર્વોચ્ચ પદ સુધી પહોંચી ગયેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાની ઉંમરમાં પીઢ રાજકારણી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ હજુ ખૂબ લાંબી મંજિલ કાપવાની છે અને એટલે જ તેઓ કોઈ વિવાદમાં આવવા માંગતા નથી. કારણ, હર્ષ સંઘવીએ ગણતરીનાં વર્ષોના રાજકારણમાં ઘણા બદલાતા પ્રવાહો જોયા છે. હર્ષ સંઘવી યુવાન છે એટલે ઉત્સાહ અને તરવરાટ હોય શકે એ સ્વાભાવિક છે. પરંતુ આ તરવરાટ અને ઉત્સાહના અતિરેકમાં કોઈક ભૂલ કરવાથી તેમની પોઝિશન બદલાઈ શકે. આ બાબતે હર્ષ સંઘવી બિલકુલ સભાન છે. પરંતુ તેમનું રાજકીય વલણ બદલાયું છે, તેનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ છે.

આ બધાની વચ્ચે ફૂટપાથ ઉપરથી સીડીઓ ચડતા-ચડતા કેન્દ્રીય કેબિનેટ મંત્રીના સ્થાન સુધી પહોંચેલા સી.આર. પાટિલની રાજકીય તાકાતને અવગણી શકાય તેમ નથી. એક પોલીસ જવાનથી જીવનની કારકિર્દીની શરૂઆત કરનાર સી.આર. પાટિલે સામાજિક અને રાજકીય અનેક ચડતી-પડતી જોઈ છે. એક સમયે ભાજપના સુપ્રીમો ગણાતા કાશીરામ રાણા, ફકીર ચૌહાણનો સિતારો ચમકતો હતો ત્યારે સી.આર. પાટિલને ઘણાએ કોરાણે ઊભેલા જોયા હશે. એક સમયના ગુજરાત સરકારના મંત્રી નરોત્તમ પટેલ તો ત્યાં સુધી કહેતા હતા કે, કાશીરામ રાણાના પેગડામાં પગ મૂકવાની સી.આર. પાટિલની તાકાત નથી.

મતલબ નબળા સંજોગોમાં કોઈપણ ટપલીદાવ કરી જાય એ સી.આર. પાટિલ સારી રીતે જાણે છે, પરંતુ ટપલીદાવ કરનારની હાલત કેવી થઈ હતી તેનું આખું સુરત સાક્ષી રહ્યું છે. સી.આર. પાટિલનું જમા પાસું એ છે કે, એ કોઈના ખભાનો સહારો લેવાને બદલે પોતાની તાકાત ઉપર બાજી ખેલતા આવ્યા છે. ડાયમંડ જ્યુ‌‌બિલી બેંકકાંડ વખતે લગભગ બધાં જ એવુ માની રહ્યાં હતાં કે, સી.આર. પાટિલ હવે ફરી સક્રિય રાજકારણમાં નહીં આવે. પરંતુ વીતેલાં વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે, સી.આર. પાટિલ પોતાનું રાજકીય સામ્રાજ્ય ઊભું કરવામાં સતત સફળ રહ્યાં છે. સી.આર. પાટિલ એક વખત પણ ચૂંટણી હાર્યા નથી. બલ્કે સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્ય બન્યા વગર સીધા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાથે કેન્દ્રીય કેબિનેટમાં વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં મંત્રી બની ગયા છે.

સી.આર. પાટિલે વડાપ્રધાન મોદીનો વિશ્વાસ એટલી હદે સંપા‌‌િદત કર્યો છે કે, પ્રથમ હરોળના દસ મંત્રીઓમાં તેમનું સ્થાન છે અને હાલમાં વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર વારાણસી તેઓ સંભાળી રહ્યા છે. સી.આર. પાટિલ માટે પક્ષમાં અને સમાજમાં ઘણી-ઘણી વાતો ચાલતી રહે છે. આ વાતમાં કદાચ તથ્ય પણ હોઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, સી.આર. પાટિલ કોઈનો પણ ફોન ઉઠાવવામાં અને જવાબ આપવાના હંમેશાં આગ્રહી રહ્યા છે. તેમના વિરોધીઓ પણ આ વાત સ્વીકારશે કે કદાચ મિસ કોલ કર્યો હોય તો પણ સી.આર. પાટિલનો વળતો ફોન આવે જ.


ગુજરાત ભાજપની વર્તમાન વ્યવસ્થામાં સી.આર. પાટિલ વધુ પડતા સક્રિય દેખાતા નથી. પરંતુ પોતે નક્કી કરેલા કામ કરાવવામાં પીછો છોડતા નથી. આજે પણ સુરત અને દક્ષિણ ગુજરાતના મુદ્દે રાજ્ય સરકારે કોઈ નિર્ણય કરવો હોય તો સી.આર. પાટિલનો મત હંમેશાં લેવો પડે છે. બલ્કે એવું કહી શકાય છે કે, ગુજરાત ભાજપમાં હજુ પણ સી.આર. પાટિલનો ‘ખૌફ’ છે. સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ એક કોર્પોરેટ કંપનીના સીઈઓ જેવા છે અને સી.આર. પાટિલનો પડછાયો માનવામાં આવે છે. અલબત્ત, પરેશ પટેલ કે કોઈનો પણ વ્યક્તિગત સ્વભાવ બદલવો શક્ય નથી. ‘પ્રાણ અને પ્રકૃતિ’ને ક્યારેય પણ જુદા પાડી શકાય નહીં.

Share This Article