અનેક વિટંબણાઓ આવી અને પસાર થઈ ગઈ પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે ક્યારે પણ ટૂંકો રસ્તે જવાનો વિચાર સુધ્ધા કર્યો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુજરાત ગાર્ડિયન’ના પ્રારંભ વખતે શ્રધ્ધા અને નીતિ જાળવી રાખવાની કરેલી ટકોર ‘ગુજરાત ગાર્ડિયન’ અક્ષરશઃ પુરવાર કરી રહ્યું છે
અનેક લોભ, લાલચ અને જરૂરિયાત છતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના કમિટેડ પત્રકારો સહિત કર્મચારીઓની મુશ્કેલ સમયમાં હાથમાં હાથ મુકીને ટકી રહેવાના વિશ્વાસથી ‘ગુજરાત ગાર્ડિયન’ને સતત દોડતુ અને વિકસતુ રાખ્યું
સુરત, દ.ગુજરાત અને સમગ્ર ગુજરાતના રાજકીય, સામાિજક આગેવાનો, વેપાર, ઉદ્યોગ જગતે કટોકટીના સમય આપેલા અમૂલ્ય સહકારએ ‘ગુજરાત ગાર્ડિયન’ને ટકાવી દીધુ અને આગળ વધવાની પ્રેરણા પણ આપી
આજકાલ કરતાં કરતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના 14 વર્ષ પૂર્ણ થઈ ગયાં જાણે આખો હિમાલય પાર કરી ગયા જેવો અહેસાસ થઈ રહ્યો છે. ‘ગુજરાત ગાર્ડિયન’ની યાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો અને ‘ગુજરાત ગાર્ડિયન’ની યાત્રા પણ વડાપ્રધાન મોદીના રાજકીય કાળ જેવી રહી હતી. લોકોએ અનેક વખત એવું માની લીધું હતું કે, હવે નરેન્દ્ર મોદી સરકાર લાંબું નહીં ટકે, પરંતુ મોદી સરકારને ઊની આંચ આવી નથી. બલ્કે પ્રતિષ્ઠાભરી બંગાળની ચૂંટણીમાં મમતા દીદીને હરાવીને બંગાળ કબજે કરવા ઉપરાંત મમતા દીદીની TMCને વેરવિખેર કરીને અનેક ટુકડામાં વહેંચી નાંખી. મમતા જ્યાં બેસીને વાઘણની માફક ત્રાડ નાંખતાં હતાં એ TMCનું કાર્યાલય પણ છીનવી લીધું!
ખબર નથી, પરંતુ વડાપ્રધાન મોદીનો કોઈ રાજકીય ગ્રહ ચોક્કસ મજબૂત છે. અનેક રાજકીય ઉતાર-ચઢાવ અને ક્યારેક પોતીકા પણ સામે આવીને ઊભા થઈ ગયા હોવા છતાં નરેન્દ્ર મોદીને ઊની આંચ આવી નથી. લોકસભા ગૃહમાં અને ચૂંટણીના મેદાનમાં વિપક્ષો અને પ્રચાર માધ્યમોએ નરેન્દ્ર મોદી ઉપર અનેક હુમલા કર્યા હતા અને કરી રહ્યા છે. કેટલીક વખત તો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં નરેન્દ્ર મોદી અડીખમ રહીને બહાર આવ્યા હતા અને વિરોધીઓ ક્યાં ખોવાઈ ગયા એ તેમને પણ ખબર નહીં હોય.
ખેર, નરેન્દ્ર મોદીનો રાજકીય ઈતિહાસ લાંબી ચર્ચાનો વિષય છે, પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’નો પ્રારંભ કરાવતી વખતે નરેન્દ્ર મોદીએ કહેલા શબ્દો માનો કે આપેલી િશખામણ ‘ગુજરાત ગાાર્ડિયન’એ અક્ષરશઃ નિભાવી બતાવી છે. કપરાકાળના દિવસોમાં પણ ક્યારેય ટૂંકા રસ્તે જવાનો પ્રયાસ તો ઠીક વિચાર સુધ્ધાં કર્યો નથી. ‘ગુજરાત ગાર્ડિયન’નો એક તબક્કો એવો હતો કે, સંસ્થાને તાળાં મારી દેવા પડે એવી સ્થિતિ હતી, પરંતુ મનના કોઈ ખૂણામાં પણ ટૂંકા રસ્તે જવાનો વિચાર સુધ્ધાં કર્યો નથી અને આજકાલ કરતાં કરતાં આજે ૧૫મું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને ‘ગુજરાત ગાર્ડિયન’ ફરી અડીખમ રહીને આગળની યાત્રા કરી રહ્યું છે. ‘ગુજરાત ગાર્ડિયન’ની વિતેલા વર્ષોની સફરથી સુરત શહેર અને દિક્ષણ ગુજરાતના લોકો ઉપરાંત ગાંધીનગરથી દિલ્હી સુધીના બધા જ લોકો ખૂબ જ નજીકથી પરિચિત છે અને એટલે જ આજે ‘ગુજરાત ગાર્ડિયન’ માથું ઊંચું રાખીને ગૌરવભેર આગળ વધી રહ્યું છે.
સુરતના રાજકીય, સામાજિક, વ્યાપારી, ઉદ્યોગ આલમ અને જાહેર જીવન સાથે સંકળાયેલા પ્રત્યેક લોકો હરહંમેશ ‘ગુજરાત ગાર્ડિયન’ની સાથે ઊભા રહ્યા છે. જાહેર સમારંભો કે વ્યક્તિગત સમારંભોમાં ‘ગુજરાત ગાર્ડિયન’ને આગલી હરોળમાં સ્થાન આપવામાં આવે આનાથી મોટું ગૌરવ કયું હોઈ શકે? હમણા ‘ગુજરાત ગાર્ડિયન’ના ૧૫ વર્ષની યાત્રા સંદર્ભે કરવામાં આવેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પૂર્વ પો.કમિ. રાકેશ અસ્થાના, સુરતના સાંસદ ગોવિંદ ધોળકિયા, મુકેશ દલાલ, સુરત શહેર જિલ્લા ઉપરાંત દિક્ષણ ગુજરાતના લગભગ તમામ ધારાસભ્યો વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી અને સમગ્ર ઉદ્યોગ આલમના લોકોએ આપેલી હાજરી ‘ગુજરાત ગાર્ડિયન’ માટે ગૌરવ સમાન હતી. વળી માત્ર એક વર્ષે નહીં, દરેક વર્ષે આ બધાની હાજરીએ ‘ગુજરાત ગાર્ડિયન’ના ઉત્સાહમાં હંમેશાં વધારો કર્યો છે. વેપાર, ઉદ્યોગ માટે આર્થિક બાબત સૌથી અગત્યની છે, પરંતુ ખાસ કરીને પ્રચાર માધ્યમો માટે લોક સમૂહનું સમર્થન નહીં હોય તો પ્રકાશન ગમે તેટલું સુંદર હોય તોપણ નકામું છે. સાથે પ્રચાર માધ્યમો માટે ‘વિશ્વાસ’ એ સૌથી મહત્ત્વનું પાસું છે. પ્રચાર માધ્યમ ઉપર લોકોનો વિશ્વાસ હોવો એ અનિવાર્ય છે. ‘ગુજરાત ગાર્ડિયન’એ હંમેશાં વિશ્વાસ અને સમાચારોનું સાતત્ય જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે.
એક-એક ન્યૂઝને સાત વખત ચકાસ્યા પછી જ પ્રિન્ટિંગમાં મોકલવાનો સમગ્ર ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારનો હંમેશા આગ્રહ રહ્યો છે. વ્યક્તિગત ચારિત્ર્ય ઉપર કિચડ ઉડાડતા અહેવાલો હંમેશા બાજુમાં મૂકી દેવાએ ‘ગુજરાત ગાર્ડિયન’ની પરંપરા રહી છે. આ જ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગુજરાત ગાર્ડિયન’નો પ્રારંભ કરાવતી વખતે કહી હતી. જે વાત ‘ગુજરાત ગાર્ડિયને’એ શિલાલેખ સમાન જાળવી રાખી છે.
બદલાયેલા પ્રચાર માધ્યમો સાથે ‘ગુજરાત ગાર્ડિયન’ પણ બદલાયું છે. નવી પેઢીની ડિમાન્ડ પ્રમાણે ‘ગુજરાત ગાર્ડિયન’એ ડિજિટલ માધ્યમમાં પ્રવેશ કર્યો છે. મોબાઈલથી શરૂ કરીને ટી.વી. સ્ક્રીન ઉપર ‘ગુજરાત ગાર્ડિયન’ જોવા મળી રહ્યું છે. ડિજિટલ માધ્યમને કારણે વિદેશમાં રહેતા વાચકોને ખૂબ મોટી રાહત મળી છે અને હવે ગણતરીની સેકન્ડોમાં વિશ્વના અનેક દેશોમાં વસતા ગુજરાતી પરિવારોને સમયસર, બલ્કે સમય કરતાં પહેલાં ‘ગુજરાત ગાર્ડિયન’ મળી જાય છે અને ઈચ્છે ત્યારે વાંચી શકે છે. આ ઉપરાંત ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વીટર, એક્સ, વેબ, મેઈલ, અને યુટ્યુબ ઉપર ‘ગુજરાત ગાર્ડિયન’ વાંચી શકાય છે અને ડાઉનલોડ પણ કરી શકાય છે.
ખેર, ‘ગુજરાત ગાર્ડિયન’ની દોઢ દાયકાની સફરમાં કમિટેડ કર્મચારીઓ, પત્રકારોનો અદ્દભુત સહયોગ હરહંમેશ રહ્યો છે. મોટા પગારના આંકડામાં મોટી રકમની બાદબાકી કરવા છતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના વફાદાર કર્મચારીઓએ ક્યારેય પણ બીજો વિચાર કર્યો નથી. ટૂંકા પગારને કારણે મોંઘવારીમાં મન ભટકી જાય એ સ્વાભાવિક છે. કારણ કે, વર્તમાન ટૂંકી આવકમાં ઘર-પરિવાર ચલાવવું બાળકોના શિક્ષણનો ખર્ચ અને માતા-પિતાનું ગુજરાન કરવું માત્ર અઘરું નહીં, બલ્કે અસહ્ય છે અને તેમ છતાં વફાદારી જાળવી રાખવી એ પણ એટલી જ અઘરી છે.
ખેર, સમયની સાથે ‘ગુજરાત ગાર્ડિયન’ પણ કરવટ બદલી રહ્યું હોવાથી ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારમાં પણ નવી આશા સાથે ઉમંગ અને આનંદ છવાયેલો છે અને આવનારાં વર્ષોમાં નવી ઊંચાઈએ પહોંચવા સાથે વિસ્તરણનાં સપનાં સેવી રહ્યાં છે અને આ સપનાઓ ચોક્કસ સાકાર થશે. એવી દૃઢ આશા છે અને જ્યારે કુદરત, માતાજીનો માથે હાથ હોય ત્યારે કોણ રોકી શકે.