HomeNagar Charyaસુરતે વધુ એક સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા, નખ‌શિખ સજજન અને સેવાભાવી સંસ્થાઓના કર્ણધાર મહેન્દ્ર...

સુરતે વધુ એક સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા, નખ‌શિખ સજજન અને સેવાભાવી સંસ્થાઓના કર્ણધાર મહેન્દ્ર કતારગામવાળાનું નિધન

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

તબીબી, સામાજિક, ઔદ્યોગિક, બેં‌‌િકંગ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા મહેન્દ્ર કતારગામવાળાના નિધનથી અનેક સેવાભાવી સંસ્થાઓ અને સુરતના સમાજજીવને આઘાતની લાગણી અનુભવી

સુરતના પવિત્ર ભારતીમૈયા ટ્રસ્ટ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોસ્પિટલો, ગૌશાળા, ધાર્મિક સહિત અનેક કાર્યોના મહેન્દ્રભાઈ કર્ણધાર હતા. સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરી નર્મદા કિનારાના આશ્રમો અને છેક ઋષિકેશ અને કેદારનાથ સુધી તેઓ પ્રવૃત્ત હતા

સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેન, મહાજન અનાથાશ્રમના કારોબારી સભ્ય, સર્વોદય બેંકના ડિરેક્ટર સહિત અનેક સંસ્થાઓનો તેઓ પડછાયો હતા

રાજકારણ છોડીને સમાજસેવામાં પ્રવૃત્ત થયેલા મહેન્દ્રભાઈનો સનદી અધિકારીઓ સાથે ગજબ નાતો હતો, સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર છેક દિલ્હી સુધી તેમના મીઠા અને વિશ્વાસથી ભરેલા સંબંધો પથરાયેલા હતા

થોડા દિવસ પહેલા નિધન પામેલા સુરતના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર, પૂર્વ કુલપતિ અને રાજકીય સામાજિક આગેવાન ડૉ. કનુભાઈ માવાણી તેમના પડોશી હતા

સુરતમાં હવે ક્રમશઃ સંસ્કારો અને સમાજસેવાથી ભરેલી પેઢીના લોકો વિદાય લઈ રહ્યા છે સામે પક્ષે જૂની પેઢીની ખાલી જગ્યા ભરી શકે એવા લોકોની ખોટ વર્તાઈ રહી છે. સુરતની વસ્તી વધી અને વિસ્તાર વધ્યો પરંતુ સમાજજીવનને એક તાંતણે બાંધી શકે એવા આગેવાનો હવે બહુ ઓછા રહ્યા છે. સુરત માટે પોતાની મિલકતો અર્પણ કરી દેનાર ગોરધનદાસ પોપાવાળા જેવા અનેક મહાજનોની જગ્યાઓ હજુ પુરાઈ નથી

‘મહેન્દ્ર કતારગામવાળા’ સુરતનું આ એક એવું વ્યક્તિત્વ હતું કે જેની કોઇ જ ઓળખાણ આપવાની જરૂર રહેતી નહોતી ખૂબ જ શાંત અને મૃદુ સ્વભાવ છતાં કોઇપણ મુદ્દે ચર્ચા કરો તો એવું લાગે કે આ માણસ પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. સુરત શહેર ઉપરાંત અન્ય પ્રદેશની જાહેર સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાવાનો અને કામ કરવાનો મહેન્દ્રભાઇને ગજબનો નશો હતો. ખાસ કરીને તબીબી ક્ષેત્રે તેમની જબરદસ્ત હથોટી હતી. જાણે બીમારી અને સારવાર અંગે તેમણે પીએચડી કર્યું હતું. વળી દાયકાઓથી શરીરની એક સરખી કાઠી ધરાવતા ૭૬ વર્ષના મહેન્દ્રભાઇ માટે જાણે સમય થંભી ગયો હતો. જેમણે તેમને એક દાયકા પહેલા જોયેલા મહેન્દ્રભાઇને ફરી મળવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો એની એ જ કાઠી અને એનો એ જ સ્મિત લહેરાવતો ચહેરો જોવા મળે. કોઇએ ભાગ્યે જ મહેન્દ્રભાઇને ગંભીર જોયા હશે.
આઇએએસ, આઇપીએસ અધિકારીઓ સાથે તેમનો નાતો ગજબનો હતો. સુરતથી શરૂ કરીને વાયા ગાંધીનગર થઇને દિલ્હી સુધી સનદી અધિકારીઓમાં મહેન્દ્રભાઇ જબરદસ્ત પ્રભાવ ધરાવતા હતા. કોઇના પણ ગૂંચવાયેલાં કામોનો ઉકેલ લાવવાનો તેમને નિઃસ્વાર્થ શોખ હતો. તેમના માટે સમયની કોઇ પાબંધી કે ‘આરામ’ જેવો શબ્દ તેમના શબ્દકોષમાં નહોતા. સુરતનું પવિત્ર તીર્થધામ અઠવા સ્થિત અંબિકા નિકેતનના ટ્રસ્ટી મંડળના તેઓ દાયકાઓથી ટ્રસ્ટી હતા. ટ્રસ્ટ સંચાલિત ભારતીમૈયા હોસ્પિટલ, ભરત કેન્સર હોસ્પિટલ, ગૌશાળા, સ્કુલ, અશક્તાશ્રમ હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો સાથે મહેન્દ્રભાઇનું નામ માત્ર જોડાયેલુ નહોતું તેઓ વિવિધ સંસ્થાઓના અવિભાજ્ય અંગ જેવા હતા.
મહેન્દ્રભાઇને લોકોએ અનેક ભૂમિકામાં જોયા હશે. તેઓ સુરત શહેરના ભૂતપૂર્વ કોર્પોરેટર ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા. બિલ્ડીંગના નિર્માણ, ટેક્સટાઇલ, ખેતીવાડી, સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવા છતાં ભાગ્યે જ તેઓ પાસે સમયનો અભાવ હતો.
થોડા દિવસ પહેલા મહેન્દ્રભાઇને કોઇ ગંભીર બીમારી નહોતી પરંતુ તબીબો સારવારમાં કોઇ કસર છોડવા માંગતા નહોતા અને એટલે જ તેમને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઇની જાણીતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં તેઓ ફરી હરતાફરતા થઇ ગયા હતા કે જાણે તેમને કોઇ જ બીમારી નહોતી. તેમની વાત કરવાની પધ્ધતિ પણ એની એ જ હતી. વાત કરનારને અણસાર પણ આવતો નહોતો કે મહેન્દ્રભાઇ બીમાર પડ્યા હશે.
પરંતુ ચહેરા ઉપર નહીં દેખાતી બીમારીએ ધીમે-ધીમે મહેન્દ્રભાઇને શિકાર બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ હરતાફરતા હતા. લોકોને, મિત્રોને મળતા હતા પરંતુ એક નિઃશબ્દ પડછાયો તેમને ઘેરી રહ્યાે હતો. પાછલા કેટલાક દિવસોથી મહેન્દ્રભાઇના ચહેરા ઉપર થાક અને કોઇક અમંગળ ઘટના બનવાના જાણકારોને નિર્દેશ મળી રહ્યા હતા અને ગત શુક્રવાર તા.૨૮/૦૮/૨૦૨૬ની વહેલી સવારે મહેન્દ્રભાઇ પટેલે અચાનક અનંતની યાત્રાની વાટ પકડી લીધી હતી. કોઇને પણ અણસાર આવવા દીધો નહોતો! કોઇને હેરાન કર્યા નહોતા કે કોઇ તબીબને દોડધામ કરાવી નહોતી. તેમના સ્વાભાવગત ઊંડા શ્વાસ લઇને સમાધીમાં લીન થઇ ગયા હતા.
મહેન્દ્રભાઇ કતારગામવાળાનાં નિધન સાથે સુરતના આકાશમાં કાળા વાદળો છવાઇ ગયા હતા. વહેલી સવારનો સૂર્ય પણ ઝાંખો ઝાંખો પ્રકાશ રેલાવી રહ્યો હતો. આકાશમાં ઉડતા પંખીઓનો કલરવ શાંત થઇ ગયો હતો. સુરતે એક મહાન સમાજ સેવક, એક શ્રેષ્ઠી મહાજન, ઉદ્યોગપતિ, અને યોગી જેવું જીવન જીવતો ‘ઓ‌‌િલયો’ ગુમાવ્યો હતો. મહેન્દ્રભાઇ સુરતના રંગ અવધૂત આશ્રમથી શરૂ કરીને નર્મદા કિનારાના અનેક આશ્રમો અને સંતો સાથે જોડાયેલા હતા. તેમના નિવાસે બાવા, સાધુ અને સંતોની કાયમી અવરજવર રહેતી હતી. ઘણી વખત તો તેઓ આગ્રહ કરીને મિત્રો, પરિચિતોને સંતોના આશ્રમમાં લઇ જતા હતા. વળી કોઇક દિવસ તેમના ઘરે કોઇ મહેમાન, મુલાકાતી કે સાધુ સંતો આવ્યા ન હોય એ દિવસ મહેન્દ્રભાઇ માટે અધુરો રહેતો હતો.
મહેન્દ્રભાઇ મોટા ગજાના બિલ્ડર અને ઉદ્યોગપતિ હોવા છતાં સામેના માણસને ભાગ્યે જ અંદાજ આવવા દેતા હતા. તેમને અનાયાસે મળવાનું થાય તો વાતો કરતા કરતા કલાકો ક્યારે નીકળી જાય તેનો અંદાજ રહેતો નહોતો. તેઓ અજાતશત્રુ હતા. જાહેર જીવનમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઇ ત્રીજો પક્ષ હોય મહેન્દ્રભાઇની હાજરી બધા જ પક્ષો માટે સ્વીકૃત હતી. બધાને એમ લાગતું હતું કે મહેન્દ્રભાઇ અમારા છે. વળી ક્યારેક આપણા ખભા ઉપર હાથ મૂકીને વાત કરતા હોય ત્યારે એટલા ભાવુક બની જતા હતા કે તેમની આંખોમાંથી વેદના, ચિંતા કે આનંદના ભાવ તરી આવતા હતા અને જ્યારે કોઇના કામમાં મધ્યસ્થી બનવાનું હોય ત્યારે તેઓ બધા જ કામ પડતા મૂકીને પરોપકાર માટે કલાકો ખર્ચી નાંખતા હતા. અલબત તેમને લોકોની ‘કડી’ બનવાનો ગજબનો નશો હતો.
ખેર, સુરતે એક નખશીખ સજ્જન સેવાભાવી સમાજશ્રેષ્ઠી ગુમાવ્યા છે. થોડા દિવસ પહેલા જ પૂર્વ ધારાસભ્ય સુરતના ભૂતપૂર્વ મેયર, સૌરાષ્ટ્ર યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ, શિક્ષણશાસ્ત્રી અને સેંકડો સંસ્થાઓ સાથે સંકળાયેલા ડૉ. કનુભાઇ માવાણીને સુરતે ગુમાવ્યા હતા. ડૉ. કનુભાઇ માવાણી પણ મહેન્દ્રભાઇના પડોશી હતા. સુરત ધીમેધીમે પ્રમાણિક, ખાનદાન અને જૂની પેઢીના આગેવાનોથી ખાલી થઇ રહ્યું છે. વર્તમાન સ્થિતિમાં ઉદાહરણ આપી શકાય એવા એકાદ બે ચહેરા સિવાય કોઇ રહ્યું નથી. કારણ ખબર નથી પરંતુ નવી પેઢીમાં કોઇક ઉણપ લાગી રહી છે. સમાજનું નેતૃત્વ કરી શકે એવા પ્રભાવશાળી કોઇ ચહેરા રહ્યા નથી અને થોડાઘણાં જે જીવી રહ્યા છે તેઓ પડદાની પાછળ ધકેલાઇને મૌન બનીને જમાનાની બદલાતી તાસીરને જોઇ રહ્યા છે.
કારણ રાજકીય, સામાજિક સ્તરે ઉભરી રહેલી નવી પેઢીને હવે આવા ‘વૃધ્ધ’ થઇ ગયેલા આગેવાનો, સમાજશ્રેષ્ઠીની પરવા નથી. આ તબક્કે આપણે સુરતના સમાજશ્રેષ્ઠી, દાનવીર, ગોરધનદાસ પોપાવાળાનું ચોક્કસ ઉદાહરણ આપી શકાય. ‘આ મારું સુરત’ કહીને પોતાની મિલકતો સમાજસેવા માટે દાનમાં ધરી દેનારાઓને આજે કોઇ યાદ કરતું નથી કે નવી પેઢીને કોઇ ઇતિહાસની યાદ અપાવતું નથી અને એટલે જ નવી પેઢીમાં જવલ્લે જ કોઇ સમાજશ્રેષ્ઠી પેદા થાય છે. નવી પેઢીના યુવાનો આધુનિક અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા હશે પરંતુ સમાજ માટે, પોતાના શહેર માટે, પડોશી માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા લોકો ખૂબ ઓછા હશે.
મહેન્દ્રભાઇ કતારગામવાળા કડવા પાટીદાર સમાજમાંથી આવતા હતા. તેઓ જન્મે અને કર્મે પણ પાટીદાર જેવી ખુમારી ધરાવતા હતા. પરંતુ તેઓને પાટીદાર આગેવાન તરીકે ભાગ્યે જ કોઇ ઓળખતું હતું. વળી તેઓ પાટીદાર કરતા ‘કતારગામવાળા’ તરીકે વધુ જાણીતા હોવાથી તેમની મૂળભૂત ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખ ભૂલાઇ ગઇ હતી.
તેમણે જાહેરજીવનની શરૂઆત વરાછા રોડનાં સાધના વિદ્યાલયના સેક્રેટરી તરીકે કરી હતી. ત્યાર પહેલા ૧૯૭૬માં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણ છોડીને અંબિકા નિકેતન ટ્રસ્ટ, મહાજન અનાથાશ્રમ, ચાઇલ્ડ વેલ્ફેર સોસાયટી, ભારતીમૈયા મેમોરિયલ ટ્રસ્ટ, ભારત કેન્સર હોસ્પિટલ, ચેમ્બર ઓફ કોમર્સ, સર્વોદય સહકારી બેંક, ઉપરાંત અનેક નામી અનામી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા હતા.
રક્ષાબંધન અને શુક્રવાર તા.૨૮મી ઓગષ્ટ ૨૦૨૬નો દિવસ સમગ્ર સુરત શહેર ઉપરાંત અનેક નામી-અનામી સંસ્થાઓ માટે આઘાતજનક નીવડ્યો હતો. સદ્ગતની અંતિમ યાત્રામાં જાણે આખું સુરત ઉમટી પડ્યું હતું અને અશ્વનીકુમાર સ્મશાનઘાટમાંથી નીકળતી અગ્નિની જવાળાઓનાં માધ્યમથી સદ્ગત મહેન્દ્રભાઇ કતારગામ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા હતા. સ્મશાન ઘાટમા નિરવ શાંતિ હતી સેંકડો લોકો હતા પરંતુ જાણે શબ્દો થીજી ગયા હતા લોકો નિઃશબ્દ થઇને સદ્ગતને અંતિમ વિદાય આપી રહ્યા હતા.

Subscribe

Latest stories

spot_img