શિવની નગરી કેદારનાથમાં આસ્થાના પૂર વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં હજારો શ્રદ્ધાળુઓ માટે ભક્તિનો આ માર્ગ હવે ભયાનક બની ગયો છે. કુદરતના આ કહેર વચ્ચે સુરતથી દર્શનાર્થે ગયેલા યાત્રીઓ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં અવિરત ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે સુરતના અલથાણ વિસ્તારના ૧૧ જેટલા નાગરિકો કેદારનાથમાં ફસાઈ ગયા છે. હાડ થીજવતી ઠંડી, ભયાનક ધુમ્મસ અને મોતનો ડર – આ ત્રિશંકુ પરિસ્થિતિ વચ્ચે અટવાયેલા પરિવારો માટે હવે એકમાત્ર આશા ગુજરાત સરકારની સક્રિયતા અને મદદ પર ટકેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના અલથાણ વિસ્તારમાંથી ૧૪ સભ્યોનું એક જૂથ ઉત્સાહભેર બાબા કેદારનાથના દર્શન માટે રવાના થયું હતું. જોકે, તેમનો આ આધ્યાત્મિક પ્રવાસ અચાનક કુદરતી આફતનો ભોગ બન્યો છે. કેદારનાથ પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે યાત્રા અધવચ્ચે જ થંભી ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક બચાવ કામગીરીમાં ૩ સભ્યોને હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે. પરંતુ હજુ પણ આ જૂથના ૧૧ સભ્યો ખુલ્લા આકાશ નીચે, માત્ર સામાન્ય તંબુઓના સહારે કપરી પરિસ્થિતિમાં જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
આ ભયાવહ સ્થિતિ વચ્ચે અલથાણના રંજનબેન પંચાલે સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો શેર કર્યો છે, જેણે સૌને હચમચાવી દીધા છે. વીડિયોમાં તેઓ અત્યંત ભાવુક અવસ્થામાં અને ધ્રુજતા અવાજે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આંખમાંથી વહેતા આંસુઓ સાથે તેઓ કહી રહ્યા છે કે, “હું રંજન પંચાલ… અમે પરમ દિવસે કેદારનાથ પહોંચ્યા હતા. સતત વરસાદના કારણે અમે અહીં ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. મારી ગુજરાત સરકારને બે હાથ જોડીને અપીલ છે કે અમને અહીંથી સહીસલામત અમારા ઘરે પહોંચાડવામાં મદદ કરે. અમારા ગ્રૂપમાં બીજા પણ ઘણા લોકો છે, પ્લીઝ… અમને હેલ્પ કરો.” તેમણે વીડિયોમાં કેમેરો ફેરવીને પહાડો પર છવાયેલું ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીમાં આશરો લઈ રહેલા અન્ય લાચાર યાત્રીઓની વાસ્તવિકતા પણ દર્શાવી છે.
સુરતમાં રહેતા તેમના પરિવારજનો સુધી આ વીડિયો પહોંચતા જ ઘરમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યાત્રીઓનો આક્ષેપ છે કે ઉત્તરાખંડના સ્થાનિક પ્રશાસન તરફથી તેમને કોઈ સંતોષકારક સહયોગ કે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી નથી. આવી વિકટ અને જીવલેણ સ્થિતિમાં પરિવારજનોએ મુખ્યમંત્રી અને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને તાત્કાલિક ધોરણે ઉત્તરાખંડ સરકાર સાથે ઉચ્ચ સ્તરે સંકલન સાધવા અનુરોધ કર્યો છે.
હાલમાં ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે, જે રેસ્ક્યૂ ઓપરેશન અને હેલિકોપ્ટર ઉડાન માટે મોટો પડકાર છે. છતાં, ફસાયેલા તમામ ૧૧ ગુજરાતી નાગરિકોને વહેલી તકે એરલિફ્ટ કરી હેમખેમ વતન પરત લાવવામાં આવે, તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. કુદરતના આ ક્રોધ સામે ભલે માનવી લાચાર હોય, પરંતુ સરકારની સંવેદનશીલ અને ત્વરિત કાર્યવાહી આ પરિવારો માટે સંજીવની સાબિત થઈ શકે તેમ છે.








