Tuesday, Nov 11, 2025

સુરત ભાજપ વોર્ડ પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, સરાજાહેર પ્રતિબંધનો ભંગ

2 Min Read

સુરતમાં ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે ઉધના વિસ્તારમાં જાહેર માર્ગ પર જ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકનારી સુરત પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધનામાં આવેલા સાઇબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર ઊજવ્યો હતો. ખેરનારે તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે મળીને રસ્તા પર જ કેક કાપી હતી. આ દરમિયાન, તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર જોરદાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રમુખની આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુરત શહેરમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ પ્રકારની બેફામ ઉજવણી પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે.

આ સંજોગોમાં, ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ હવે સવાલ ઊઠી રહ્યો છે કે શું સુરત પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરશે? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

Share This Article