સિંહ :
શારીરિક અને માનસિક તંદુરસ્તી : સિંહ રાશિની 29 માર્ચ, 2025થી 3 જૂન, 2027 સુધી શનિની નાની પનોતી છે. આ પનોતી લોખંડના પાયે હોવાથી કષ્ટદાયક છે. અહીં શનિ ફરી વક્રી અવસ્થામાં જવાથી 20 ઓક્ટોબર, 2027થી 23 ફેબ્રુઆરી, 2028 સુધી લગભગ 4 મહિના પનોતી આવશે. આ પનોતી તાંબાના પાયે રહેશે. આ પનોતીને કારણે તમને લગભગ છેલ્લા દોઢ વર્ષથી હેલ્થમાં થોડું નરમ-ગરમ રહેતું હશે. કમરનો દુખાવો, દાંતનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. ચશ્માના નંબર વધી શકે છે.

આવનારા સમયમાં મંગળની પણ વક્રી અને માર્ગી પરિસ્થિતિને કારણે તથા રાહુ ડિસેમ્બર 2026થી મીન રાશિમાં પ્રવેશ કરશે એ કારણે તમારે સાચવવું તો પડશે જ. ખાસ કરીને નવેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે તમને હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. બ્લડપ્રેશર વધી શકે છે, નાની-મોટી ઈજા અથવા સર્જરી થઈ શકે છે. સાથે સાથે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી બને છે, એટલા માટે ખોટી ચિંતા કરવી નહીં.
આ વર્ષ દરમિયાન માનસિક રીતે તમને ચિંતા થાય, તણાવ લાગે એવી શક્યતા છે. ખાસ કરીને જૂન 2025થી જૂન 2027ની વચ્ચે તમને તણાવ વધારે લાગે એવું શક્ય છે પરંતુ આ સમય શાંતિપૂર્વક પસાર કરવાની જરૂર છે. આ સમયમાં તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો અને દર શનિવારે હનુમાનજીના મંદિરે હનુમાનજીના ચરણોમાં તેલ ચઢાવવાનું રાખો. ખાસ કરીને તમારે ડિસેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું છે કારણ કે આ સમય દરમિયાન રાહુનું ગોચર ભ્રમણ અને મંગળનું ગોચર ભ્રમણ માનસિક અને શારીરિક રીતે નુકસાન કરી શકે છે.

આર્થિક સ્થિતિ અને વ્યવસાય : તમારી આર્થિક સ્થિતિમાં પહેલેથી જ થોડી તંગી છે. નાની પનોતીને કારણે લગભગ છેલ્લા દોઢ વર્ષથી તમને આર્થિક તંગીનો અનુભવ થતો હશે. ખાસ કરીને જૂન 2027 સુધી આર્થિક રીતે થોડી પરેશાની રહેશે. જૂન 2027 પછી આર્થિક રીતે ધીમી ગતિએ સુધારો આવશે પરંતુ એ પહેલા ડિસેમ્બર 2026થી તમારે આર્થિક બાબતે વધારે કાળજી રાખવી પડશે. ખોટો ખર્ચો આવી શકે છે, ઘરમાં દવાઓનો ખર્ચ પણ આવી શકે છે. તમારી ઉઘરાણીના પૈસા ફસાઈ જાય એવું બની શકે છે.
આ વર્ષ દરમિયાન તમારે ખોટી જગ્યાએ માલનું ધિરાણ કરવું નહીં, કોઈને પણ ઉધાર આપતા પહેલા બે વાર વિચાર કરવો. જો તમને વેપારનો વિકાસ કરવા માટે નવી લોન જોઈતી હોય તો લોન મળી જશે. જો તમે વેપારના વિકાસ માટે લોન લો તો યોગ્ય છે પરંતુ જો તમે ડૂબતા વેપારને બચાવવા માટે લોન લેશો તો વધારે નુકસાન થશે. અહીં ‘હારેલો જુગારી બમણું રમે’ એવી હાલત થશે. લોન મેળવવા માટે પણ દિવાળીથી લગભગ 6-7 મહિના સુધી થોડો સંઘર્ષનો સામનો કરવો પડશે. આ વર્ષ દરમિયાન તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે, એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું, ખોટી લાલચ કરવી નહીં અને કોઈની વાતમાં આવવું નહીં.

જે લોકો નોકરીમાં જોડાયેલા છે એ લોકોએ પણ પોતાની નોકરી બાબતે નવેમ્બર 2026થી ઓક્ટોબર 2027 સુધી સાચવવું પડશે. અચાનક જ તમારી નોકરીમાં તકલીફ આવી શકે છે અથવા તો ટ્રાન્સફર આવે એવી પણ શક્યતા છે. જો તમને તમારી ચાલુ નોકરીમાં સંતોષ હોય તો નોકરી બદલતા પહેલા બે વાર વિચાર કરજો કારણ કે “આસમાન સે ગીરા ખજૂર મેં અટકા” એવી હાલત થઈ શકે છે. એટલા માટે બે વાર વિચારીને નોકરી બદલજો. જે લોકો નવી નોકરી શોધે છે એ લોકોને હાલમાં જે મળે તે ચલવી લેવું પડશે અને તમારા અનુભવમાં વધારો થાય એ વિચારે કામ કરવું પડશે પરંતુ 2027ની દિવાળી પછી તમારો ખૂબ સારો સમય આવશે.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : આ દિવાળીથી આવતી દિવાળી સુધી લગ્નજીવન માટે સારો સમય છે. જે લોકોના પહેલેથી લગ્ન થઈ ચૂક્યા છે, એમણે ફેબ્રુઆરીથી મે 2027ની વચ્ચે લગ્નજીવનમાં થોડી શાંતિ જાળવવી. કોઈ મોટી સમસ્યા થાય એવું લાગતું નથી પરંતુ જે લોકોનો લગ્ન વિષયક બાબતમાં પહેલેથી જ મોટો પ્રોબ્લેમ છે એમણે 5 ડિસેમ્બર, 2026 સુધી સાચવવું પડશે. જે યુવક-યુવતીઓના લગ્ન કરવાના બાકી હોય અને એ લોકો લગ્ન કરવા માટે ઇચ્છુક હોય તો આ દિવાળીથી આવતી દિવાળીની વચ્ચે લગ્ન થઈ શકે છે અથવા તો લગ્નની વાત પાકી થઈ શકે છે.
જે લોકો લવ રિલેશનશિપમાં છે, એમણે જૂન 2027 સુધી ખૂબ જ કાળજી રાખવાની છે, નહીં તો નાની એવી વાતમાં લવ બ્રેકઅપ થાય એવું શક્ય છે. ઓગસ્ટ 2027 પછી લવ રિલેશનશિપ માટે થોડાઘણા સારા દિવસો છે. આ વર્ષ દરમિયાન તમે ખોટી જગ્યાએ ફસાઈ જાવ અને તમારી સાથે ફ્રોડ થાય એવી શક્યતા પણ છે.

સંતાનસુખ : જૂન 2027થી લગભગ એક વર્ષ સુધી સંતાન સુખ માટે ખૂબ સારા દિવસો છે. જે મહિલાઓ માતૃત્વ ધારણ કરવાની ઈચ્છા ધરાવે છે એમની ઇચ્છા પૂરી થશે. આ સમય દરમિયાન પુત્રસંતાન આવે એવી શક્યતા વધારે છે. જે લોકોના પહેલેથી સંતાન છે એમને પણ સંતાન સંબંધિત સારું ફળ જ મળશે. એમની સંતાન સંબંધિત ચિંતાઓ જુલાઈ 2027થી ઓછી થશે અને એમના સંતાનો આગળ વધશે.
માતા-પિતા : આ વર્ષ દરમિયાન સિંહ રાશિના જાતકોએ જૂન 2027 સુધી માતા-પિતાની તંદુરસ્તીનું ધ્યાન રાખવું, ખાસ કરીને પિતાની તંદુરસ્તીનું વિશેષ ધ્યાન રાખવું.
મકાન અને વાહન : જે લોકોની નવું મકાન કે નવું વાહન લેવાની ઈચ્છા છે એ લોકો જૂન 2027 પહેલા નવું મકાન કે નવું વાહન લઈ શકે છે અથવા તો જૂના મકાનમાં રંગરોગાન કરાવી શકે એવી શક્યતા છે. તમારે લોન લઈને કામ કરવું હોય તો લોન પણ મળી જશે પરંતુ ગજા બહારનું કામ કરવું નહીં, પોતાની ચાદર જોઈને પગ પસારવા.
વિદ્યાર્થીજીવન : આ વર્ષ દરમિયાન સિંહ રાશિના વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ જૂન 2027થી સુધરશે. મહેનતના પ્રમાણમાં એ લોકોના સારા માર્ક્સ આવશે. જે લોકો રમતગમત સાથે જોડાયેલા છે એટલે કે જે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં રસ છે એમણે આ વર્ષ દરમિયાન વધારે મહેનત કરવી પડશે.
શેરબજાર : ભારતીય શેરબજારની વાત કરીએ તો જૂન 2027થી શેરબજાર થોડુંઘણું સારું રહેશે. સિંહ રાશિવાળા જાતકોને બજારમાં બે પૈસા દેખાય એવા દિવસો જૂનથી નવેમ્બર 2027ની વચ્ચે છે, એમાં પણ મોટેભાગે 24 ઓગસ્ટ, 2027 પછી સારું થાય એવી શક્યતા વધારે છે. લોન લઈને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : આ વર્ષ દરમિયાન તમારે કાયદાકીય રીતે ખૂબ જ સાચવવું પડશે, ખાસ કરીને ડિસેમ્બર 2026થી 27 ઓગસ્ટ, 2027 સુધી વધારે સાચવવું પડશે. આ સમય દરમિયાન લોન ચૂકવવામાં તકલીફ પડે એવું થઈ શકે છે, તમારો કોર્ટ કેસ વધારે લંબાઈ જાય એટલે કે વધારે લાંબો સમય ચાલે એવું શક્ય છે. તમારી સાથે ફ્રોડ થાય એવી પણ શક્યતા છે જેથી કરીને સાચવવું. તમારું નામ ક્યાંક આવી જાય અને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવું પડે અથવા ધર્મના કામમાં અડચણ આવે એવું પણ થઈ શકે. જે લોકોનો કૌટુંબિક બાબતે કોર્ટ કેસ ચાલતો હોય એમણે સપ્ટેમ્બર 2027 સુધી સાચવવાનું છે.
પ્રવાસ : ડિસેમ્બર 2026 પહેલા પ્રવાસ માટે સારો સમય છે. ડિસેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે પ્રવાસ તો થઈ શકે છે પરંતુ આ પ્રવાસમાં તકલીફ પડી શકે છે. આ સમય દરમિયાન જો પ્રવાસ કરવો હોય તો બધા ડોક્યુમેન્ટ સાથે રાખવા અને તબિયતની કાળજી રાખવી, જરૂરી દવાઓ પોતાની સાથે રાખવી. જો તમારે નવેમ્બર મહિનામાં પ્રવાસ કરવો હોય તો કોઈ પ્રોબ્લેમ થાય એવું લાગતું નથી. જે લોકો વિદેશના વિઝા માટે પ્રયત્ન કરતા હોય એમનું કામ મોટેભાગે 27 જાન્યુઆરી, 2027 સુધીમાં થઈ શકે છે. નવેમ્બર 2026 આ એક મહિનો વિદેશના વિઝા માટે વધારે અનુકૂળ છે.








