કર્ક :
માનસિક અને શારીરિક તંદુરસ્તી : આ વર્ષ દરમિયાન તમારી રાશિમાં શનિની નાની પનોતી કે મોટી પનોતી નથી. આ વર્ષ દરમિયાન તંદુરસ્તીની બાબતમાં ધીમે ધીમે સુધારો આવશે. મોટે ભાગે આખા વર્ષ દરમિયાન તમારી તંદુરસ્તી સારી રહેશે. ઘણાં લોકોને નવેમ્બર અથવા ડિસેમ્બર 2026માં ગુપ્ત ભાગોમાં સમસ્યા થઈ શકે છે. ઘણા ઉંમરલાયક વ્યક્તિઓને જૂનથી નવેમ્બર 2027માં ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. હૃદયરોગના દર્દીઓએ ઓગસ્ટથી ઓક્ટોબર 2027ની વચ્ચે વધારે કાળજી રાખવી. ઘણાને નવેમ્બરથી માર્ચ 2027ની વચ્ચે દાંતનો દુખાવો પણ થઈ શકે છે. ચશ્માના નંબર વધી શકે છે. માર્ચથી એપ્રિલ વચ્ચે ઘણાં લોકોને માથામાં દુખાવો થાય એવું પણ શક્ય છે. રાહુ 5 ડિસેમ્બર, 2026થી મકર રાશિમાં ગોચર ભ્રમણ કરશે, જેથી કેતુ કર્ક રાશિમાં ગોચર ભ્રમણ કરશે. આ પરિસ્થિતિમાં એવું બની શકે કે કર્ક રાશિના વ્યક્તિઓને બિનજરૂરી ચિંતા થાય, કાલ્પનિક ડર અથવા તો વિચારવાયુની સમસ્યા થાય પરંતુ આ વર્ષ દરમિયાન ચિંતા કરવા જેવું કંઈ નથી.

આર્થિક સ્થિતિ અને વ્યવસાય : નવેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકમાં વધારો થશે. ખાસ કરીને નવેમ્બર-ડિસેમ્બર 2026માં અને એ પછી જાન્યુઆરી, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 2027—આ મહિનાઓમાં આવક સંબંધિત અને વ્યવસાય સંબંધિત ફાયદો થશે. જે લોકો નોકરી સાથે જોડાયેલા છે એમને પણ નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027ની વચ્ચે નવી નોકરી મળશે અથવા પગારવધારો થશે. એ પછી ફરી પાછું જૂન 2027થી નવેમ્બર 2027ની વચ્ચે નોકરીમાં પ્રગતિ થાય એવા દિવસો છે. થોડી ધીરજ રાખો અને ઈમાનદારીથી કામ કરો. આ વર્ષ દરમિયાન તમને સફળતા મળશે. જે લોકો વિદેશી વેપાર સાથે જોડાયેલા છે, એમની પણ જૂન 2027 પછી પ્રગતિ થશે. જો તમે વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ વર્ષ દરમિયાન તમને સફળતા મળશે. જૂનથી નવેમ્બર 2027માં વિદેશમાં નોકરી મળે એવી શક્યતા છે અને એમાં પણ સપ્ટેમ્બરથી નવેમ્બરમાં વધુ શક્યતા છે. આ વર્ષ દરમિયાન તમે લોન પણ ચૂકવી શકશો પરંતુ ફેબ્રુઆરીથી જૂન 2027માં લોન ચૂકવવામાં જરા તકલીફ પડશે, થોડું વહેલું-મોડું થશે.

લગ્નજીવન અને પ્રેમસંબંધ : આ વર્ષ દરમિયાન ડિસેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમારે લગ્નજીવનમાં સાચવવું પડશે. આ સમય દરમિયાન પત્ની સાથે વાદવિવાદ થઈ શકે છે અથવા તો પત્નીને નાના-મોટા હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. જે યુવાનો લગ્ન કરવા માટે ઇચ્છુક છે એમને માટે પણ આ વર્ષ સારું છે પરંતુ જૂન 2027થી લગ્નની વાતચીત ધીમી પડી જશે, જેથી દિવાળીથી જૂન મહિના સુધીમાં તમારે લગ્નની વાતચીતમાં વધુ રસ લેવો જોઈએ. જો તમારા જન્માક્ષર બરાબર નહીં મળતા હોય તો માર્ચ અને એપ્રિલ મહિનામાં સમસ્યા આવી શકે છે. ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં કર્ક રાશિમાં લગ્નજીવનની સમસ્યા થોડી વધારે છે.
જે લોકો પ્રેમસંબંધમાં છે, એમણે માર્ચ અને એપ્રિલ 2027માં થોડું ધ્યાન રાખવાનું છે. આ સમય દરમિયાન તમારો તમારા પાર્ટનર સાથે મતોભેદ (difference of opinion) થઈ શકે છે. જો તમે આ સમય સાચવી લો તો પછી આગળ જતા વધારે સમસ્યા નથી.

સંતાનસુખ : માતા બનવા માટે ઇચ્છુક મહિલાઓ માટે આ વર્ષ દરમિયાન સારો સમય છે—ખાસ કરીને જૂન 2027 પહેલા ગુડ ન્યૂઝ મળી શકે છે. જે મહિલાઓ પ્રેગ્નેન્ટ છે, એમણે ડિસેમ્બર 2026થી 7 જુલાઈ, 2027 સુધી પોતાની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું. આ સમય દરમિયાન મંગળની વક્રી-માર્ગી પરિસ્થિતિને કારણે ગર્ભવતી મહિલાઓને થોડોઘણો હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. જો કર્ક રાશિવાળા જાતકો પોતાના સંતાન વિશે ચિંતા કરતા હોય તો આ વર્ષ દરમિયાન ચિંતા કરવાની જરૂર નથી. તમારા સંતાનો આ વર્ષ દરમિયાન પ્રગતિ કરે એવું લાગે છે. તમારા સંતાન સંબંધિત કોઈ કામ જો અટકેલાં હોય તો એ કામ સફળતાપૂર્વક પાર પડશે, સાથે સાથે વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી બને છે.

માતા-પિતા : આ વર્ષ દરમિયાન કર્ક રાશિવાળા જાતકોના માતા-પિતાની તંદુરસ્તી એકંદરે સારી રહેશે. જૂન 2027થી તમારા માતા-પિતાની તંદુરસ્તી થોડી નરમ-ગરમ રહે એવું શક્ય છે, પરંતુ વધારે ચિંતા કરવા જેવું કંઈ નથી. જો તમારા માતા-પિતા મોટી ઉંમરના હોય તો તમારે ધ્યાન રાખવું પડશે, સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ લેવી. ખાસ કરીને ઓગસ્ટથી સપ્ટેમ્બર 2027ની વચ્ચે વધારે ધ્યાન રાખવું.
મકાન, વાહન અને મિલકત : 3 જૂન, 2027 ના દિવસે શનિ મેષ રાશિમાં આવશે અને નીચ અવસ્થામાં રહેશે. આ પહેલા તમે મકાન કે વાહન સંબંધિત કામકાજ કરી શકો છો. આ પહેલા તમે નવી મિલકત ખરીદી શકો છો અથવા તો જૂની મિલકતમાં રંગરોગાન કરાવી શકો છો. ચોમાસા પહેલા તમે નવું વાહન પણ ખરીદી શકો છો. એ પછી સપ્ટેમ્બરથી નવેમ્બર 2027માં પણ મકાન કે વાહન સંબંધિત કામકાજ થઈ શકે છે પરંતુ શનિના ગોચર ભ્રમણને કારણે આ કામકાજ થોડું મોંઘું પડશે અથવા મોડેથી થશે.
સામાજિક : સામાજિક બાબતે આ વર્ષ મધ્યમ રહેશે. જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે એમને માટે પણ આ વર્ષ મધ્યમ રહેશે. 15 એપ્રિલ, 2027 પછી સમાજસેવા બાબતે અને રાજનીતિ બાબતે થોડો સારો સમય છે, તે પછી તમને પ્રશંસા મળી શકે છે. જૂન-જુલાઈ પછી તમારા સામાજિક કે કૌટુંબિક પ્રશ્નોનો પણ ઉકેલ આવી શકે છે.
વિદ્યાર્થીજીવન : આ વર્ષ દરમિયાન કર્ક રાશિના વિદ્યાર્થીઓનું પ્રદર્શન સારું રહેશે. 25 એપ્રિલ, 2027 પહેલા આવતી બધી પરીક્ષાઓમાં તમારા સારા માર્ક્સ આવશે, ધારેલી જગ્યા પર એડમિશન મળી જશે, પરંતુ એ માટે પણ તમારે મહેનત તો કરવી જ પડશે. 25 એપ્રિલ, 2027 પછી મંગળ સિંહ રાશિમાં આવશે, જેથી કરીને તમારે વધુ મહેનત કરવી પડશે. 26 જૂન પછી ગુરુ પણ સિંહ રાશિમાં આવશે, જેથી કર્ક રાશિના વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. જે વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઈચ્છા છે એમને 26 જૂન પછી વિદેશના વિઝા મળી જતાં એ લોકો વિદેશ જઈ શકે છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : જો તમારા કોઈ સરકારી કામ અટકેલાં હોય તો નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં તમારું કામ સફળતાપૂર્વક પૂરું થઈ શકે છે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો એનો પણ ઉકેલ આવી શકે છે. ત્યારબાદ જૂનથી નવેમ્બર 2027માં પણ તમારા સરકારી કામકાજ સંબંધી અને કોર્ટ કેસનો ઉકેલ આવી શકે છે. આ જ સમય દરમિયાન લોન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ પણ મળી જશે. આ સમય દરમિયાન વેપારી વર્ગને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત લાયસન્સ કે બીજા લાયસન્સ પણ મળી જશે. જે લોકો વિદેશ જઈને નોકરી મેળવવા માંગે છે એમનું કામ પણ સફળતાપૂર્વક થઈ જશે. જો લગ્નજીવન સંબંધી તમારો કોર્ટ કેસ ચાલતો હોય તો ડિસેમ્બર 2026થી નવેમ્બર 2027ની વચ્ચે તમારા કેસનો ઉકેલ આવી શકે છે.
શેરબજાર : હાલમાં શેરબજારની પરિસ્થિતિ સારી નથી, પરંતુ જો તમે કોઈ કંપનીના શેર લીધા હોય તો થોભી જાવ કારણ કે જૂન-જુલાઈ 2027થી શેરબજારમાં થોડો સુધારો આવી શકે એમ છે પરંતુ કર્ક રાશિવાળા જાતકોને ફેબ્રુઆરીથી જૂન મહિનાની વચ્ચે પણ કોઈ નાની તક મળી શકે છે, જેમાં શેરબજાર સંબંધિત કામકાજ થઈ શકે છે.
વિદેશપ્રવાસ : ધાર્મિક પ્રવાસ કરવા માટે નવેમ્બર 2026થી જૂન 2027 સુધી અનુકૂળ દિવસો છે. આ સમય દરમિયાન તમે ધાર્મિક યાત્રા કરી શકો છો. ત્યારબાદ જૂન 2027થી આવતી દિવાળી સુધીમાં વિદેશયાત્રા પણ કરી શકો છો.








