સરકારના મૌન વચ્ચે વિફરેલા સાંઢની માફક બેકાબૂ બનેલી મોંઘવારીએ જીવવાનું હરામ કરી નાંખ્યું; દૂધ, પેટ્રોલ, ગેસ, શાકભાજી, ભાડા અને કમ્મરતોડ શિક્ષણ-ફીમાં વધારાએ લોકોને કયાંયના રહેવા દીધા નહીં
અમેરિકાના ભુંરાટા બનેલા ટ્રમ્પની દાદાગીરી સામે આપણે સતત વામણા પુરવાર થયા; ટ્રમ્પ ધમકી આપતા રહ્યા અને આપણી વિદેશીનીતિ સરિયામ નિષ્ફળ નીવડી 2082નું વર્ષ આપણી આંતરરાષ્ટ્રીય નિષ્ફળતા માટે ધબ્બો બનીને રહી જશે
80 કરોડને મફત અનાજ આપવું ગૌરવપ્રદ નથી પરંતુ લોકોને બેકાર અને માયકાંગલા બનાવવાનું મિશન પુરવાર થશે, કારખાના ચલાવવા મજદૂર મળતા નથી કારણ કે મફતમાં અનાજ મળે છે, મફત અનાજ આપવા પાછળનો સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી
એક તરફ ‘વિકસિત ભારત’નું સપનું બીજી તરફ વેપાર-ઉદ્યોગનો ગગડતો ગ્રાફ અત્યંત ચિંતાજનક; હાલત એવી છે કે સ્થિતિ નહીં સુધરે તો અનેક કારખાનાં બંધ કરવા પડશે
પક્ષની આંતરિક સ્થિતિ પણ વખાણવાલાયક નથી, કેટલાક ‘સત્તા લાલસા’માં તો કેટલાક ‘ભય’થી ચૂપ બેઠા છે, પરંતુ ‘ભય’ અને ‘લાલચ’ ઓસરી જશે ત્યારે હાલત કલ્પના કરતા પણ ખરાબ થશે
ઇતિહાસ સાક્ષી છે કે મૂર્ખ સલાહકારો અને ખુશામતખોરોએ ભલભલી સલ્તનતોને માટીમાં મેળવી દીધી હતી, સરકારે આ બધાથી બચવા આંખ, કાન અને દિમાગ ખુલ્લા રાખવાની જરૂર છે
વિક્રમ સંવત 2082નું વીતેલું વર્ષ અનેક વિટંબણાઓથી ભરેલું પસાર થયું. રાજકીય, ઉદ્યોગ-વેપાર કે સામાિજક ક્ષેત્રે લગભગ દરેકે અસંમજસભરી સ્થિતિ વચ્ચે રોજેરોજ નવી સમસ્યાઓનો સામનો કરતા રહેવું પડ્યું, વેપાર-ધંધા, નોકરી બધું હતું, પરંતુ શાંતિ અને સ્થિરતા નહોતી. આર્થિક ઉન્નતિ નહોતી. દેશના મુઠ્ઠીભર લોકોને બાદ કરતા સરેરાશ લોકો સતત આર્થિક સંકટમાં ઘેરાયેલા રહેવા પામ્યા હતા અને તેની સીધી અસર દિવાળી, નૂતન વર્ષના તહેવારોની ઉજવણી ઉપર દેખાઈ રહી હતી. લોકોએ ઉજવણી કરી, પરંતુ ઉત્સાહ નહોતો. માર્કેટ ખુલ્લા હતા, પરંતુ ગ્રાહકો મળતા નહોતા. લોકોની આર્થિક બેહાલી એટલી હદે થવા પામી હતી કે લોકો વિચાર કરવાની સ્થિતિમાં રહ્યા નહોતા.
પાછલા વર્ષોને નજીકથી જોવામાં આવે તો ગત વર્ષ કરતા અગાઉના વર્ષો આર્થિક ક્ષેત્રે કે, રાજકીય ક્ષેત્રે વખાણવા લાયક નહોતા, પરંતુ ગત વર્ષની સમસ્યાઓએ તમામ સીમાઓ પાર કરી દીધી હતી. સરકારની નિર્ણાયક અસ્થિરતાને પગલે ગરીબ, મધ્યમ વર્ગ રોજ સવાર પડે ને મોંઘવારીનો માર સહન કરતો રહ્યો હતો, બલ્કે જીવન જરૂરિયાતના દૂધ, શાકભાજી, અનાજ, પેટ્રોલ, ડિઝલ, ગેસ સહિતની હાલત શેરબજાર જેવી થઈ ગઈ હતી. રોજરોજ વધતી જતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી હતી. બલ્કે ઘણા પરિવારોની હાલત આર્થિક કારણોસર એક સમયનો ઉપવાસ કરવો પડે એવી થવા પામી હતી.
અમેરિકાના ભુંરાટા થયેલા ટ્રમ્પે અનેક દેશોને બેહાલ કરી નાંખ્યા છે. સરકાર નહીં સ્વીકારે, પરંતુ આપણી વિદેશીનીતિ સરિયામ નિષ્ફળ રહી હતી. અમેરિકા સામે આપણે ઘૂંટણિયા ટેકવી દીધા હોય એવું સામાન્ય જનમાનસમાં ચિત્ર ઊભરી રહ્યું છે. ટ્રમ્પ જાણે ભારતને ગુલામ કે કઠપૂતળી સમજતા હોય એમ રોજેરોજ ડરાવી રહ્યા હતા. ઘણા લોકોએ તો કાલ્પનિક ભયના માર્યા અમેરિકાનો પ્રવાસ પણ બંધ કરી દીધો હતો. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયઓને હાથ-પગમાં બેડી પહેરાવીને લશ્કરના વિમાનમાં ભારત પરત મોકલીને ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓનું નહીં, પરંતુ સમગ્ર ભારત દેશનું અપમાન કર્યું હતું. કોઈપણ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને હાંકી કાઢવામાં આવે કે જેલમાં બંદી બનાવવામાં આવે એ માની શકાય, પરંતુ કેટલાક લોકોએ કરેલી ઘુસણખોરી માટે સમગ્ર દેશને અપમાનિત કરવામાં આવે ત્યારે સરકારે સચોટ જવાબ આપવો જ જોઈએ, પરંતુ આપણે ચૂપ રહ્યા હતા. આ ઘટના જ આપણી વિદેશનીતિની નબળાઈઓને જાહેર કરે છે.
ખેર, આમ પણ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ દિવસથી જ ભારત સાથે કોઈ જૂનું વેર વાળી રહ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. અમેરિકા સાથેના વણસતા સંબધોની સમસ્યાને એક બાજુએ રાખીને વાત કરીએ તો પણ વીતેલા વર્ષનો આપણો વિકાસ અને જાહેર જીવન ગ્રાફ સતત નીચે સરકી ગયો હતો. સરકાર દાવો કરે છે કે દેશના 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે, પરંતુ આ આપણી સિદ્ધિ નથી. કોઈ કુદરતી આપત્તિ કે વિપરીત સંજોગો ઊભા થયા હોય ત્યારે દેશના નાગરિકોને બચાવી લેવા માત્ર અનાજ નહીં, જીવન ધબકતું રાખવા બધું જ આપવું પડે એ માની શકાય પરંતુ કોઈપણ કારણ વગર દેશના નાગરિકોને માયકાંગલા બનાવી દેવાની પ્રવૃત્તિ માની શકાય તેવી નથી. કદાચ સરકાર રાજકીય ગણિત સાથે મફત અનાજ-િવતરણ કરતી હશે. પરંતુ સાવ મફતનું આપવાની યોજના લોકોને આળસુ બનાવી દેશે અને અન્ય સામાિજક દૂષણો પણ પેદા થવાનો ચોક્કસ ભય ઊભો થઈ શકે. ઘણા ઉદ્યોગક્ષેત્રે હાલમાં મજદૂરની સખત ખેંચ અનુભવાઈ રહી છે. મોટાભાગના ઉદ્યોગગૃહોની ‘માણસો મળતા નથી’ એવી સતત ફરિયાદો સાંભળવા મળે છે. કારણ, ગામડાના કે છેવાડાના પ્રદેશમાં રહેતા લોકોને પેટ ભરાય જાય એના કરતા વધારે મફતનું અનાજ મળી રહે છે, એટલે મહેનત કરવાની જરૂર નથી. કામદારો નહીં મળવાની સમસ્યાથી કંટાળીને ઉદ્યોગગૃહો હવે ‘ઓટોમેટાઈઝેશન’ તરફ ઢળી રહ્યા છે. જો મશીનથી કામ થઈ જતું હોય તો માણસ રાખવાની જરૂર નથી. અને આ સ્થિતિ દેશમાં બેરોજગારી, ભૂખમરાની સ્થિતિ પેદા કરી શકે.
હાલમાં AIને લઈને જે ચિંતાઓ ઉદ્દભવી રહી છે. એવી જ ચિંતા આવનારાં વર્ષોમાં કારખાનાં, ઉદ્યોગગૃહોમા પણ થઈ શકે. આપણને થોડા-થોડા દિવસે સાંભળવા મળે છે કે ફલાણી કંપનીએ આટલા માણસોને છૂટા કરી દીધા. આની પાછળ AI જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ભારત જેવા ખેતીપ્રધાન અને િવકાસશીલ દેશમાં મોટી માનવવસ્તીને આળસુ બનાવી દેવામાં આવશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ નહીં હોય. મતલબ આપણે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નું સપનું જોઈ રહ્યા છીએ કદાચ એ અધૂરું રહી જશે.
વીતેલા વર્ષે માત્ર વેપાર, ઉદ્યોગ જ નહીં, સામાિજક ક્ષેત્રે પણ ભયાનક બેહાલી કરી નાંખી હતી. કોઈપણ કથળતી જતી હાલતની સમીક્ષા કરવાની અને સમયસર સુધારા કરવાની શાસકોની નૈતિક જવાબદારી છે, પરંતુ કમનસીબે નૈતિકતા જ ભુલાઈ ગઈ છે. આમ થવા પાછળ શાસક પક્ષની આંતરિક અવદશા અને સત્તાલક્ષી વહીવટ કારણભૂત ગણી શકાય. શાસકો નહીં સ્વીકારે, પરંતુ દેશની રાજકીય હાલત અત્યંત બદતર છે. િવપક્ષોનું કામ વિરોધ કરવાનું કે લોકોના પ્રશ્નો ઉજાગર કરવાનું છે. િવપક્ષની દરેક વાત ખોટી જ છે. એવું આખો બંધ કરીને માની લેવાથી સરવાળે સરકારે જ નુકસાન વેઠવું પડતું આવ્યું છે એનો વીતેલો ઈતિહાસ સાક્ષી રહ્યો છે. આંખ બંધ કરી દેવાથી સત્ય ભુંસાઈ જતું નથી, આ અફર વાત છે, પરંતુ ”વાઘના મોઢામાં કોણ હાથ નાંખે”?
આ તરફ દેશ ‘અમીર’ અને ‘ગરીબ’ના વાડામાં વહેંચાઈ રહ્યો છે. ક્રમશઃ મધ્યમવર્ગ સાફ થઈ રહ્યો છે. આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો દેશ વધુ ને વધુ કંગાલિયતમાં ધકેલાઈ જશે અને િવપરીત પરિણામો પણ આવી શકે. સાથે જ વકરી રહેલી અથવા તો વકરાવવામાં આવી રહેલી ‘કોમી’ માનસિકતાનું સમયસર સમાધાન કરવામાં નહીં આવે તો આવનારી પેઢીની હાલત કલ્પના કરતા પણ વધુ બદતર હશે. રાજકીય ઇરાદા પાર પાડવા કોઈ મનઘડંત ગણિત મૂકી શકાય, પરંતુ ગણિતને કાયમી રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવે તો ભાવિ પેઢીની સામાિજક સલામતી સામે ચાલીને જોખમ ઊભું કરવા જેવી સ્થિતિ પેદા થશે.
શાસક પક્ષની પણ આંતરિક સ્થિતિ વખાણવાલાયક નથી. કેટલાક લોકો ભયના માર્યા તો કેટલાક સત્તા-લાલચમાં ચૂપ બેઠા છે, પરંતુ જ્યારે ‘ભય’ અને ‘ લાલચ’ ઓસરી જશે ત્યારે પક્ષની હાલત કલ્પના કરતા પણ બદતર હશે. બની શકે કે પક્ષની નાવ મધદરિયે ડૂબી પણ શકે.
આશા રાખીએ કે વિક્રમ સંવતનું આવનારું 2083મું વર્ષ નવી આશાઓ અને ઊર્મિઓથી ભરેલું પુરવાર થાય અને દેશ ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરે અને આ કરવા માટે માત્ર થોડા સુધારા કરવાની જરૂર છે. સરકાર ‘આંખ, કાન અને િદમાગ’ ખુલ્લા રાખીને િનર્ણયો કરશે તો તમામ ભયાનકતાઓ ચપટી વગાડતા દૂર થઈ જશે. આ ઉપરાંત સરકાર કેટલાક ખુશામતખોર લોકોને દૂર કરીને પોતીકા વિશ્વાસુઓની વાત, સૂચનો, સલાહ લેવાનું શરૂ કરશે તો સ્થિતિ બદલતા વાર નહીં લાગે. પરંતુ સરકારે બંધ કરી દીધેલા દરવાજા ખોલવા પડશે અને તો જ સાચી અને વાસ્તવિક સ્થિતિ જાણી શકાશે અને આ સ્થિતિ દેશના સુનિશ્ચિત ભવિષ્યનું નિર્માણ કરવામાં કારગત સાબિત થશે. બાકી ભૂતકાળ સાક્ષી છે કે, ભલભલી સલ્તનતોને દુશ્મનોએ નહીં, પણ સ્વાર્થી સલાહકારોએ જ ડુબાડી હતી.








