મેષ :
માનસિક અને શારીરિક તંદુરસ્તી : સૌથી પહેલા આપણે શનિની મોટી પનોતીની વાત કરીએ તો મેષ રાશિમાં માર્ચ 2025થી મે 2032 સુધી શનિની મોટી પનોતી છે. અહીં નવેમ્બર 2026થી જૂન 2027 સુધી શનિની પનોતીનો પહેલો તબક્કો ચાલુ છે, આ તબક્કો લોઢાના પાયે હોવાથી કષ્ટદાયક છે. અહીં નવેમ્બર 2026થી એક વર્ષની વાત કરીએ તો આ સમય દરમિયાન જૂન 2027 સુધી તબિયતની કાળજી રાખવાની છે. દાંતનો દુખાવો થાય અથવા ચશ્માના નંબર વધે એવું થઈ શકે છે. અહીં નવેમ્બર 2026થી ઘૂંટણનો દુખાવો થાય અથવા ઘૂંટણમાં ઈજા થાય એવું પણ શક્ય છે. હૃદયરોગના દર્દીઓએ આ વર્ષ દરમિયાન વધારે ધ્યાન રાખવાનું છે. બ્લડપ્રેશરના દર્દીઓએ એપ્રિલ 2027 સુધી વધારે ધ્યાન રાખવાનું છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નાની ઈજા થાય અથવા સર્જરી થાય એવું પણ શક્ય છે.

અહીં મેષ રાશિમાં નવેમ્બર 2026, એપ્રિલ 2027 અને જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં અકસ્માત થવાની શક્યતા પણ છે, જેથી કરીને “દુર્ઘટના સે દેરી ભલી” એમ સમજીને ચાલવું. શનિ વક્રી થઈને ફરી પાછો મીન રાશિમાં આવશે એટલા માટે તમારે ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે અહીં વ્યક્તિગત કુંડળીનો અભ્યાસ કરવો પણ જરૂરી બને છે.
પનોતી ચાલતી હોવાથી ઘણા બધા કામકાજમાં અવરોધ થાય, જેથી કરીને માનસિક રીતે તણાવ લાગે એ સ્વાભાવિક છે પરંતુ ચિંતા કરવા જેવું કંઈ નથી, આગળ જતા બધું સારું થશે અને પ્રગતિના દિવસો પણ આવશે. નવેમ્બરથી એપ્રિલ મહિનાની વચ્ચે થોડી એકલતા લાગે અથવા કાલ્પનિક ડર લાગે એવી શક્યતા છે પરંતુ વાસ્તવિક રીતે ગભરાવા જેવું લાગતું નથી.
કારકિર્દી, વ્યવસાય અને આર્થિક સ્થિતિ : હાલમાં શનિ મીન રાશિમાં તમારા ચંદ્રથી બારમે હોવાથી ખોટો ખર્ચ થાય અને આવક થોડી ઓછી થાય એવું બને, જેથી કરીને પૈસાની ખેંચ પડે પરંતુ જૂનથી થોડો સુધારો આવે એવી શક્યતા છે. જે લોકોને જોબ બદલવી હોય અથવા વેપાર બદલવો હોય એવા લોકો માટે પણ નવેમ્બર 2026થી 1 વર્ષ સુધીનો સમય યોગ્ય છે. આ સમય દરમિયાન તમારી આવકનું માધ્યમ બદલાય એવું શક્ય છે.

વેપારી લોકોએ કોઈ ખોટી પાર્ટીને માલનું ધિરાણ કરવું નહીં, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. જો સામેવાળી પાર્ટી સારી હશે તો તમારા પૈસા મોડેથી છૂટા થશે. જો તમે કંઈક લોન લીધી હશે તો લોન ચૂકવવામાં પણ થોડું મોડું થશે. અહીં તમારે પૂરેપૂરી કાળજીપૂર્વક આગળ વધવું પડશે. આ વર્ષ દરમિયાન વ્યાપારી બાબતે જે પણ કંઈ હરીફાઈ થતી હોય છે એ હરીફાઈમાં પણ તમારે થોડો સંઘર્ષ કરવો પડશે પરંતુ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2027માં આ હરીફાઈમાં તમને જીત મળે એવી શક્યતા પણ છે.

જે લોકો નોકરીમાં જોડાયેલા છે એમની પણ નવેમ્બર 2026થી 1 વર્ષના સમયગાળામાં નોકરી બદલાઈ શકે છે અથવા તો જૂની નોકરીમાં ટ્રાન્સફર આવી શકે છે. ખાસ કરીને ટ્રાન્સફર આવે એવા દિવસો નવેમ્બર 2026થી એપ્રિલ 2027ની વચ્ચે છે. જો આ સમયમાં ટ્રાન્સફર નહીં આવે તો જુલાઈથી ઓગસ્ટ મહિનામાં ટ્રાન્સફર આવે એવી શક્યતા છે. ઓવરઓલ જોઈએ તો આ વર્ષ દરમિયાન પૈસાની થોડી ખેંચ પડશે પરંતુ એ પછીના વર્ષો સારા રહેશે, જેથી કરીને હિંમત હારવી નહીં અને આશાવાદી બનીને આગળ વધવું. શનિની સાડાસાતી ચાલતી હોવાથી રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.
લગ્નજીવન અને પ્રેમસંબંધ : જે લોકો લગ્ન કરવા માટે ઉત્સુક છે એમને માટે અનુકૂળ સમય નવેમ્બર 2026થી ફેબ્રુઆરી 2027 સુધીનો છે. એ પછી જૂનથી નવેમ્બર 2027માં પણ લગ્ન અથવા સગાઈ (એંગેજમેન્ટ) ની વાત આગળ ચાલી શકે છે.

અહીં માર્ચથી મે 2027 લગ્નજીવન બાબતે કાળજી રાખીને આગળ વધવું. જે લોકો પરણેલા છે એમને આ સમયમાં પત્ની સાથે વાદવિવાદ થઈ શકે છે. જે લોકોનાં માત્ર એંગેજમેન્ટ થયાં છે એમણે પણ આ સમય દરમિયાન કાળજી રાખવી.
જે લોકો રિલેશનશિપમાં છે એટલે કે પ્રેમસંબંધમાં છે એમણે નવેમ્બર 2026થી 7 જુલાઈ, 2027 સુધી કાળજી રાખવી પડશે કારણ કે આ સમયમાં મંગળનું વક્રી અને માર્ગી ભ્રમણ કર્ક રાશિમાં તથા સિંહ રાશિમાં થશે જે લવ બ્રેકઅપનું કારણ બની શકે છે. જો તમારું લવ બ્રેકઅપ થાય તો નિરાશ થવું નહીં અને પ્રેક્ટિકલ માઈન્ડ રાખીને જીવનમાં આગળ વધવું.
ઘર, મિલકત અને વાહન : આ દિવાળીથી આવતી દિવાળીની વચ્ચે તમારું ઘર બદલાય અથવા તો ઓફિસનું એડ્રેસ બદલાય એવી શક્યતા છે. તમારે કોઈ નવી મિલકત કે વાહન લેવું હોય તો નવેમ્બર 2026થી જૂન 2027ની વચ્ચે તમે લઈ શકો છો અથવા જૂની મિલકતનું રીનોવેશન પણ કરાવી શકો છો. નવા વાહનની બાબતમાં પણ તમે ચોમાસા પહેલા નવું વાહન લઈ શકો એવી શક્યતા છે.
સંતાનસુખ : જે યુવતીઓ માતા બનવા માટે ઈચ્છુક છે એમને માટે નવેમ્બર 2026થી નવેમ્બર 2027 સુધી સકારાત્મક સમય છે. આ સમયમાં તમને ખુશખબર મળે અને તમારી ઈચ્છા પૂરી થાય એવી શક્યતા છે. જુલાઈ 2027થી સંતાન સુખ માટે વધારે ફેવરેબલ સમય છે. આ સમય દરમિયાન મેષ રાશિવાળા જાતકોના સંતાનો પ્રગતિ કરશે અને તમારા સંતાનો બાબતે તમારી ચિંતા ઓછી થશે અને હળવાશનો અનુભવ થશે.
માતા-પિતા : ડિસેમ્બર 2026થી રાહુનું ભ્રમણ મકર રાશિમાં થશે, જેને કારણે મેષ રાશિવાળા જાતકોને એમના માતા-પિતાથી દૂર જવું પડે એવી શક્યતા છે. જેમના માતા-પિતાની ઉંમર વધારે છે એમણે પેરેન્ટ્સની તંદુરસ્તી વિશે કાળજી રાખવાની જરૂર છે, ખાસ કરીને પિતાની તંદુરસ્તી વિશે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. જો તમારે અભ્યાસ માટે કે વ્યવસાયના કારણોથી પ્રગતિ કરવા માટે માતા-પિતાથી દૂર જવું પડે તો એમાં કંઈ વાંધો નથી.
સામાજિક : જે લોકો સમાજસેવા અથવા રાજનીતિ સાથે જોડાયેલા છે એમને 24 જૂન, 2027થી સફળતા મળે અને સામાજિક બાબતે પ્રગતિ થાય એવી શક્યતા છે. જો તમે કોઈપણ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોય તો એમાં પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં તમને જીત મળે એવી શક્યતા છે. જો તમારા મોટા ભાઈ અથવા પડોશી સાથે કોઈ વાદવિવાદ હશે તો એ મતભેદનો પણ ઉકેલ આવી જશે. ખોટી ઉતાવળ કરવા કરતાં સામાજિક બાબતમાં કે કોઈપણ જાતના મતભેદની બાબતમાં જૂન 2027 સુધી રાહ જોવી અને પછીથી કામ કરવું યોગ્ય રહેશે.
વિદ્યાર્થીજીવન : વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સારું રહેશે. ડિસેમ્બર 2026માં રાહુ રાશિ બદલે એ પછી મેષ રાશિના વિદ્યાર્થીઓની પ્રગતિ થશે, ભણવામાં વધુ રસ પડશે, સારા માર્ક્સ આવશે પરંતુ મહેનત તો કરવી જ પડશે. સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સારા દિવસો છે, તમે મહેનત કરો તો જીતવાની શક્યતા છે.
શેરબજાર : જો તમે શેરબજારમાં કામ કરતા હોવ તો નવેમ્બર 2026 અને ડિસેમ્બર 2027માં સામાન્ય રાહત થશે અને જુલાઈ 2027થી ઓક્ટોબર 2027માં થોડો ફાયદો થઈ શકે તેવી શક્યતા છે.
કોર્ટકચેરી અને કાયદાકીય બાબતો : જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો જૂનથી ઓક્ટોબર 2027માં તમને રાહત થશે અથવા તો કેસનો નિકાલ આવશે પરંતુ એ પહેલા તમારે વકીલની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. જો તમે કોઈ લોન લીધી હોય તો લોન બાબતે પણ તમારે જૂન 2027 સુધી સાચવવું પડશે. વેપાર માટે તમારે જો કોઈ લાયસન્સ લેવા હોય તો એ બધું કામ પણ જૂન 2027 પછી સરળતાથી થશે.
વિદેશપ્રવાસ : જૂન 2027થી પ્રવાસ સંબંધિત કામકાજ સરળતાથી થશે. જો તમે ઘણા લાંબા સમયથી પ્રવાસ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારી ઈચ્છા પૂરી થશે. જો વિદેશ માટેના વિઝા અટકેલા હોય તો એ કામ પણ જૂન 2027થી સફળતાપૂર્વક થશે. પ્રવાસ માટે જૂનથી નવેમ્બર 2027 અનુકૂળ સમય છે.








