સુરતમાં ‘નીલેશ કુંભાણી વોન્ટેડ’ના પોસ્ટર લાગ્યાં

Share this story

નિલેશ કુંભાણીએ જે રીતે પોતાનું ઉમેદવારીપત્ર રદ થાય તે માટે ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જોકે, ફોર્મ રદ થતા સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. સુરતના હીરાબાગ બ્રિજ પર નિલેશ કુંભાણીના વોન્ટેડના પોસ્ટરો લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા એ પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે, “આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર…સુરત શહેરમાં કુંભાણીના પોસ્ટરો લાગતા માહોલ ગરમાયો છે.

સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી ૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.

નોંધનીય છે કે, સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો :-