સુરત PCR વાન ના પોલીસકર્મી પર હુમલો, ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાયવરોનો હલ્લાબોલ

Share this story

દેશભરમાં ટ્રક ડ્રાઈવર્સનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. જો કોઈ ટ્રક ડ્રાઈવર વાહનને ટક્કર મારીને સ્થળ પરથી ભાગી જાય છે તો તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થશે. આ ઉપરાંત મોટો દંડ પણ ભરવો પડશે. આ નિયમ આવ્યા બાદ લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે.

ટ્રક ચાલકોની હડતાળને કારણે મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. જો કે, હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય.

જો કે સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ વચ્ચે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. હાલ એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો એક પોલીસકર્મીને માર મારી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થર મારો કર્યો હતો. આ અંગેની જાણ કન્ટ્રોલ રૂમને કરાઈ હતી.

જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. જો કે, આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં હાલ વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

GUJCETની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન આજથી શરૂ

હિટ એન્ડ રનના કાયદાનો વિરોધમાં દેશભરમાં ચક્કાજામ