સુરતમાં તોડબાજો પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે RTI એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરતી પોલીસની નજર હવે તોડબાજ કોર્પોરેટર પર પણ એટલી જ લાલ થતી જોવા મળી રહી છે. ત્યારે તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછામાં પતરાના ડોમ બનાવનાર પાસેથી કોર્પોરેટરને ખંડણી માંગવી ભારે પડી હતી. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછા ખાતે ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા રોનક પટેલે શુક્રવારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછા ભડીયાદરા ફાર્મની પાછળ રોનક પટેલ કામચલાઉ પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ પટેલ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોર્પોરેટર છું. પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ, એમ કહીને 7 લાખની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા આપવાની ના પાડતાં મારું ગળું દબાવ્યું હતું અને ચપ્પુ કાઢીને ડરાવી-ધમકાવીને 1 લાખ પડાવ્યા હતા. અન્ય એક ઘટનામાં કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતા.
કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અનેક લોકોને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી હતી. તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી 21 એપ્રિલ, 2023 ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તે સમયે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલા હતાં. રાજેશભાઈ મોરડીયા સાથે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.