Home Blog Page 96

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર, માલભાડું 3% સુધી મોંઘું થવાની શક્યતા

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર હવે દેશના પરિવહન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને કારણે માલ પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સે જણાવ્યું હતું કે ઈંધણના વધતા ભાવોને કારણે માલભાડા એટલે કે ફ્રેટ કોસ્ટમાં અંદાજે 3 ટકા સુધી વધારો થઈ શકે છે. સાથે જ તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ આ વધારાનો બહાનો બનાવીને વસ્તુઓના ભાવમાં અતિશય વધારો ન કરે.

કોલકાતામાં ચારેય મહાનગરોની સરખામણીએ સૌથી વધુ ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે. અહીં પેટ્રોલના ભાવમાં ₹3.29નો વધારો થતાં ભાવ ₹108.74 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ ₹3.11 મોંઘું થતાં ₹95.13 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

અન્ય શહેરોમાં કેટલો થયો વધારો?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹97.77 અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટર થઈ ગયો છે.
  • મુંબઈમાં પેટ્રોલ ₹106.68 અને ડીઝલ ₹93.14 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલ ₹103.67 અને ડીઝલ ₹95.25 પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે.
  • ગુજરાતમાં પેટ્રોલ ₹97.95 અને ડીઝલ ₹93.73 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
  • રાજ્યોમાં વેટના દર અલગ હોવાના કારણે ભાવોમાં તફાવત જોવા મળી રહ્યો છે.

માલભાડા પર કેટલો પડશે અસર?
ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલ્ફેર એસોસિએશનના સંયુક્ત સચિવ સુનીલ અગ્રવાલ એ જણાવ્યું હતું કે હાલની ભૂ-રાજકીય પરિસ્થિતિને જોતા ઈંધણના ભાવમાં વધારો પહેલાથી જ અનુમાનિત હતો. તેમના જણાવ્યા મુજબ ઈંધણ મોંઘું થતાં માલ પરિવહન ખર્ચમાં અંદાજે 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જોકે કુલ ટ્રાન્સપોર્ટ ખર્ચ પર તેની અસર મર્યાદિત રહેશે.

તેમણે સરકારને અપીલ કરી હતી કે વેપારીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો બહાનો બનાવીને સામાનના ભાવમાં બિનજરૂરી અને અસંગત વધારો ન કરે. તેમણે ઉમેર્યું હતું કે ટ્રક ઓપરેટર્સ પહેલેથી જ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે, તેથી રાજ્ય સરકારોએ સ્થાનિક ટેક્સ અને લિવીમાં રાહત આપી મદદ કરવી જોઈએ.

કેબ ઓપરેટર્સને પણ વધ્યો બોજ
બીજી તરફ, પશ્ચિમ બંગાળ ઓનલાઈન એપ કેબ ગિલ્ડના મહાસચિવ ઇન્દ્રનીલ બેનર્જી એ જણાવ્યું હતું કે ઈંધણના વધેલા ભાવને કારણે કેબ ઓપરેટર્સ પર દરરોજ ₹50થી ₹60 સુધીનો વધારાનો બોજ પડશે. તેમણે પણ રાજ્ય સરકાર પાસે ટેક્સમાં રાહત આપવાની માંગ કરી છે જેથી વધેલી કિંમતોની અસર ઓછી થઈ શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉછાળો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ છેલ્લા 11 અઠવાડિયા સુધી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, પરંતુ સતત વધી રહેલા ખર્ચને કારણે હવે ભાવમાં આંશિક વધારો કરવો પડ્યો છે.

આવતા વર્ષથી NEET-UG પરીક્ષા ઓનલાઈન, સરકારે કરી 6 મોટી જાહેરાત

0

દેશભરમાં 3 મેના રોજ લેવામાં આવેલી NEET-UG પરીક્ષા બાદ પેપર લીક મામલો સામે આવતા ભારે વિવાદ ઉભો થયો હતો. જેના પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે NEET-UG પરીક્ષા ફરીથી 21 જૂન, 2026ના રોજ યોજાશે. આ અંગેની તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરીક્ષાની તૈયારીઓ તેમજ પેપર લીક મામલે ચાલી રહેલી તપાસ વિશે માહિતી આપી હતી.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ સ્વીકાર્યું હતું કે પેપર લીક મામલે પ્રણાલીગત ભૂલ થઈ હતી અને તેની જવાબદારી પણ લીધી હતી. સાથે જ NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે 6 મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી હતી.

સરકાર દ્વારા કરવામાં આવેલી મુખ્ય જાહેરાતો મુજબ, તમામ ઉમેદવારોને 14 જૂન સુધીમાં તેમના એડમિટ કાર્ડ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું શહેર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે. ઉમેદવારો માટે ખાસ પરિવહન વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે.

સરકારે વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવાનો પણ નિર્ણય લીધો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વધારાના મિનિટનો સમય મળશે. સાથે જ ઉમેદવારો પર કોઈપણ પ્રકારનો વધારાનો નાણાકીય બોજ ન પડે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

સૌથી મોટી જાહેરાત તરીકે સરકારે જણાવ્યું છે કે આવતા વર્ષથી NEET-UG પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. આ નિર્ણય પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પુનઃ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. NTAએ જણાવ્યું હતું કે ભારત સરકારની મંજૂરી બાદ NEET (UG) પરીક્ષા હવે રવિવાર, 21 જૂન 2026ના રોજ યોજાશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારો અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ ફક્ત સત્તાવાર NTA ચેનલો પરથી જ માહિતી મેળવે. સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો વધુ માહિતી માટે 011-40759000 અથવા 011-69227700 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત neet-ug@nta.ac.in પર ઈમેલ દ્વારા પણ માહિતી મેળવી શકાશે.

ગુજરાતી ફિલ્મ ‘લાલો’એ રચ્યો ઈતિહાસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી છે અને આ સિદ્ધિ મેળવનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. ગુજરાતી સિનેમાને વૈશ્વિક ઓળખ અપાવનાર આ ફિલ્મે ભારતની સંસ્કૃતિ અને કથાને આંતરરાષ્ટ્રીય દર્શકો સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે.

ફિલ્મની આ ઐતિહાસિક સફળતા બાદ નિર્માતાઓએ ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર સફરમાં સાથ આપનાર ચાહકોનો આભાર માન્યો હતો. ફિલ્મની ગ્લોબલ ઓળખને લઈને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફિલ્મના નિર્દેશક અંકિત સખિયા એ નિવેદનમાં જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘લાલો’નું પહોંચવું અમારા માટે ગર્વની વાત છે. અમારી ભાષા, અમારી સંસ્કૃતિ અને આ ફિલ્મ અમને અહીં સુધી લાવી છે. ગુજરાત અને તેની સંસ્કૃતિના એક નાનકડા ભાગને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો મોકો મળવો એ સન્માનની વાત છે. અમને આશા છે કે આ ફિલ્મ ભાષાની સીમાઓ પાર કરીને લોકોના દિલ સુધી પહોંચશે.”

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ એક આધ્યાત્મિક અને ભાવનાત્મક ગુજરાતી ડ્રામા ફિલ્મ છે, જેમાં રીવા રચ, શ્રુહદ ગૌસ્વામી અને કરણ જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થઈ હતી, જ્યારે બાદમાં 6 માર્ચે તે SonyLIV પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

માત્ર 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા. ગુજરાતી સિનેમામાં આ ફિલ્મે અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ચૂકી છે અને અન્ય ભાષાના દર્શકોમાં પણ લોકપ્રિય બની રહી છે.

ફિલ્મની વાર્તા એક સામાન્ય રિક્ષાચાલકના જીવન પર આધારિત છે, જે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારબાદ તેની જિંદગીમાં ભગવાન શ્રીકૃષ્ણની એન્ટ્રી થાય છે અને તેની સમગ્ર જિંદગી બદલાઈ જાય છે. આ અનોખી અને ભાવનાત્મક સ્ટોરીએ દર્શકોના દિલ જીતી લીધા છે.

‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર ઈતિહાસ જ રચ્યો નથી, પરંતુ બોલિવુડ અને સાઉથ સિનેમાના અનેક રેકોર્ડને પણ પાછળ છોડી દીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોનાના ભાવમાં ફરી ઉછાળો: આયાત જકાત વધતા બજારમાં સતત તેજી, ચાંદી સસ્તી થઈ

0

દેશભરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 15 મેની સવારે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાના દરમાં ફરી તેજી નોંધાઈ હતી. સરકારે સોના અને ચાંદી પર આયાત જકાતમાં વધારો કર્યા બાદ ભાવ ઘટવાની આશા હતી, પરંતુ તેની વિપરીત સોનાના ભાવ સતત વધી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,270 સુધી પહોંચી ગયો છે, જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

દિલ્હીના બુલિયન બજારમાં એક દિવસ અગાઉ 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં ₹650નો વધારો નોંધાયો હતો અને ભાવ ₹1,66,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. બજારમાં સતત વધી રહેલી કિંમતોને કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ચિંતા જોવા મળી રહી છે.

સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. પ્લેટિનમ પર પણ ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે. સોના-ચાંદીના તાર, સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ પર પણ નવા કર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવી આયાત જકાત 13 મેથી અમલમાં આવી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ હાલમાં પ્રતિ ઔંસ $4,700.86 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,960 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,48,810 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 નોંધાયો છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,860 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,390 સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 15 મેની સવારે ચાંદીનો ભાવ ઘટીને ₹2,99,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવ ₹900 ઘટીને ₹2,96,600 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ ચાંદી $87.04 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહી છે.

નિષ્ણાતોના મતે સોના પર આયાત ડ્યુટીમાં કરાયેલા વધારાની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળશે અને સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મતે આયાત ડ્યુટી વધારવાથી આયાતમાં ઘટાડો થતો નથી, પરંતુ બજારમાં કિંમતો વધુ વધી જાય છે. જ્વેલરી વેપારીઓનું માનવું છે કે આયાત જકાત વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થા પર નિયંત્રણ લાવવું વધુ અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.

આગામી 24 કલાક આ રાજ્યો માટે ‘અતિભારે’! ભારે પવન સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર

0

દેશભરના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. India Meteorological Department (IMD) એ ઉત્તરપૂર્વ ભારત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. IMD અનુસાર 16 મે, 2026 આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ બનતા સમુદ્રમાંથી ભેજવાળા પવનો સક્રિય થાય છે, જેના કારણે વાદળોની રચના વધે છે અને અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. સાથે જ તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

આગામી દિવસોમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

પહાડી રાજ્યો માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 અને 16 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ ખરાબ હવામાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ દેશના અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત છે. ઉત્તર ભારત સહિત ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારે ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી ગરમીનું મોજું યથાવત રહી શકે છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

NEET-UG 2026 રી-એક્ઝામની તારીખ જાહેર, હવે 21 જૂને યોજાશે પરીક્ષા

0

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ભારત સરકારની મંજૂરી બાદ NEET-UG 2026ની રી-એક્ઝામની નવી તારીખ જાહેર કરી છે. હવે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG) પરીક્ષા રવિવાર, 21 જૂન 2026ના રોજ સમગ્ર દેશમાં ફરીથી યોજાશે. અગાઉ 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા દરમિયાન પેપર લીક થવાના આક્ષેપોને પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં દેશભરના આશરે 23 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. હવે નવી તારીખ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ફરી તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે.

NEET પેપર લીક મામલે વિરોધ તેજ, CBIની કાર્યવાહી ચાલુ

NEET પેપર લીક મામલે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સતત એક્શનમાં જોવા મળી રહી છે. આ મુદ્દે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી વિનીત જોશી, સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી સંજય કુમાર, NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ, CBSE ચેરપર્સન રાહુલ સિંહ તેમજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) અને નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બીજી તરફ, NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓ અને રાજકીય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે અમદાવાદમાં NSUIના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી.

CBI દ્વારા પણ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પાંચ આરોપીઓને 7 દિવસની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. તપાસ દરમિયાન રાજસ્થાનના સીકરથી માંગી લાલ બિન્વાલ, જમવારામગઢના દિનેશ બિન્વાલ અને વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરુગ્રામના યશ યાદવ તેમજ નાસિકના શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે શુભમ ખૈરનારે જ યશ યાદવને પેપર પહોંચાડ્યું હતું.

મોંઘવારીનો વધુ એક માર: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો, નવી કિંમતો જાહેર

0

ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારત પર પડી રહી છે. આજે સવારે ભારતીયોને મોટો આંચકો લાગ્યો છે.દુધ,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ત્યારે લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રુપિયા પ્રતિ લીટરે વધારે થયો છે. તો સીએનજીના ભાવમાં પણ પ્રતિ 2 લીટર કિલોગ્રામે ભાવ વધ્યો છે.સીએનજી 2 રુપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. દેશની રાજધાનીમાં આ ભાવ વધારા બાદ સીએનજીનો ભાવ 79.09 રુપિયા થયો છે. આ પહેલા ગુરુવારે મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો.

આ પહેલા ગુરુવારના રોજ મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો. મહાનગર ગેસ લિમિટેડે સીએનજીની કિંમતમાં 2 રુપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે. નવા ભાવ લાગુ થયા બાદ મુંબઈ,થાણે,નવી મુંબઈ અને એમએમઆરના અન્ય વિસ્તારોમાં હવે સીએનજી 84 રુપિયા પ્રતિ કિલો વધ્યો છે. આ પહેલા ગ્રાહકોને 82 રુપિયા કિલોના હિસાબે ચુકવણી કરવાની રહેશે

જ્યારે મુંબઈમાં CNCના ભાવમાં પ્રતિ કિલો 2 નો વધારો થયો, ત્યારે યુનિયનોએ વિરોધ કર્યો. ઓટો રિક્ષા સંગઠનોએ ઓછામાંઓછા 1 રૂપિયાનો વધારો કરવાની માંગ વહીવટીતંત્ર સમક્ષ મૂકવામાં આવી છે. યુનિયન નેતાઓનું કહેવું છે કે, હાલમાં વાહન ચલાવવું આર્થિક રુપથી મુશ્કેલ થઈ રહ્યું છે.

હવે દિલ્હીમાં પણ સીએનજીના ભાવ વધ્યા છે. જેની સીધી અસર કેબ ડ્રાઈવરો પર પડી શકે છે. જેનાથી ઓટો ટેક્સીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ડિલીવરી અને ટ્રાન્સપોર્ટમાં સતત વધારો થઈ શકે છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સામાં પડે છે.તમને જણાવી દઈએ કે,પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બન્નેના ભાવમાં પ્રતિ લિટર 3નો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 97.77 થયો છે.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો

0

ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ- ડીઝલના ભાવ વધશે જ એવી અટકળો હતી જ અને એ સાચી પડી છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ અન્ય ચીજોના ભાવ પણ વધશે જ અને મોંઘવારી વિકરાળ બનશે. જો કે જે રીતે ક્રૂડના ભાવમાં વધારા બાદ પેટ્રોલિયમ કંપનીઓને ભારે ખોટ ભોગવવી પડી રહી છે, એ જોતાં આ વધારો છેલ્લો નહીં જ હોય. હજુ થોડા થોડા કરીને ભાવ વધારો થતો રહેશે.

દિલ્હીમાં, પેટ્રોલ હવે લિટરે 94.77 ને બદલે 97.77 રૂપિયાના ભાવે મળશે. જ્યારે ડીઝલના ભાવ લિટરે 87.67 થી વધીને 90.67 રૂપિયા થયા છે. નવા ભાવ આજથી, 15 મેના રોજ અમલમાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ પહેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 70 ડોલર હતા, જે હવે વધીને બેરલે 100 ડોલર થઈ ગયા છે. જો કે કોરોનાના સમયે ક્રૂડના ભાવ સાવ ઓછા થઈ ગયા હતા, એમ છતાં પેટ્રોલિયમ કંપનીઓએ ઊંચા ભાવે જ આપણને પેટ્રોલ અને ડીઝલ વેચ્યા હતા, ત્યારે હવે તેઓ લાંબા સમય સુધી કેમ ખોટ સહન કરી શકતી નથી ?

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે તેલ કંપનીઓ દબાણ હેઠળ હતી. તેથી, કંપનીઓએ તેમના નુકસાનને પહોંચી વળવા માટે આ પગલું ભર્યું છે. જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

LPG સપ્લાય વધારવા સરકારનો મોટો નિર્ણય, 40 હજાર કરોડના મેગા પ્લાનને મંજૂરી

0

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક થતા ભારતમાં ગેસ તંગી સર્જાઇ છે. જોકે ભવિષ્યમાં આવી સમસ્યાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે એક યોજના બનાવી છે જે અમલમાં મુકાય તો હોર્મુઝ સ્ટ્રેટની જરૂરિયાત પડશે નહી અને ગેસ ટેન્કરની ટેંશન દૂર થશે. ચાલો જાણીએ કે ભારત સરકારની યોજના શું છે.

મોદી સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે રૂપિયા 40,000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવ્યું છે. ભારત ગલ્ફ દેશોમાંથી અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમુદ્રની નીચે ઊભી પાઇપલાઇન નાખવાની યોજના પર વિચારી રહ્યુ છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે અને ઓમાનથી ભારત સુધી ગેસ પાઇપલાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ઓમાનથી ભારત સુધી પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત ડીપવોટર પાઇપલાઇન (MEIDP) પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹40,000 કરોડ થવાનો અંદાજ છે. આ પાઇપલાઇન 2,000 કિલોમીટર લાંબી હશે અને સમુદ્રની નીચે 3,450 મીટરની ઊંડાઈએ નાખવામાં આવશે. આ પાઇપલાઇન બનાવવામાં 5 થી 7 વર્ષનો સમય લાગી શકે છે અને તે ઓમાનને ગુજરાતના દરિયાકાંઠા સાથે સીધી રીતે જોડશે.

પ્રોજેક્ટ મુજબ પાઇપલાઇન ઓમાનથી ભારતમાં દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસ સપ્લાય કરશે. ભારતની કુદરતી ગેસની માંગ પણ સતત વધી રહી છે. વર્તમાન ગેસનો વપરાશ 190-195 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર છે, જે 2030 સુધીમાં વધીને 290-300 મિલિયન થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ આ માંગને પૂર્ણ કરી શકે છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય જાહેર ક્ષેત્રની કંપનીઓ GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા (EIL) અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ને પ્રોજેક્ટ પર કામ આગળ વધારવા માટે ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપવા જઈ રહ્યું છે. પાણીની અંદર ગેસ પાઇપલાઇન સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝના પૂર્વ-શક્યતા સંશોધન પર આધારિત છે. SAGE એ ડેમો પાઇપલાઇન બિછાવીને સંશોધન કર્યુ છે.

ઉત્તર પ્રદેશમાં આંધી-વાવાઝોડાનો કહેર: 96 લોકોના મોત, 38 જિલ્લામાં યલો એલર્ટ

0

ઉત્તર પ્રદેશમાં ભીષણ વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે ભારે તબાહી મચી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઝાડ પડવા, દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને ટીન શેડ ઉડવા જેવી ઘટનાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 96 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે રાજ્યના 38 જિલ્લાઓમાં વાવાઝોડું, વરસાદ અને વીજળી પડવા અંગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર બનેલી ચક્રવાત સિસ્ટમ અને દક્ષિણ રાજસ્થાનથી આવતા પૂર્વીય પવનોની અસરને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બુધવારે બપોર પછી શરૂૂ થયેલો હવામાનનો આ ફેરફાર સાંજ સુધીમાં મોટા વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.

UPના અનેક જિલ્લાઓમાં મોટી જાનહાનિ થઈ છે. ભદોહીમાં 10, પ્રયાગરાજ મંડળમાં 10, ફતેહપુરમાં 8, ઉન્નાવમાં 7, બદાયુમાં 6, બરેલીમાં 4, સીતાપુરમાં 2 અને રાયબરેલીમાં 1 મૃત્યુ નોંધાયું છે. આ સિવાય હરદોઈ, ઝાંસી, કાનપુર દેહાત, સંભલ, પ્રતાપગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. બરેલીમાં ભારે પવનના કારણે એક યુવક ટીનશેડ સાથે 50 ફુટ ઉંચે ઉડયો હતો અને 100 મીટર દૂર પટકાયો હતો.

ઉન્નાવ જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદ દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે. દહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાનું ઝાડ પડવાથી 70 વર્ષીય ખેડૂત રામ આશ્રયનું મોત થયું હતું. જ્યારે આસીવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરીનું ઝાડ પડવાથી 9 વર્ષના અંશનું મોત નીપજ્યું હતું. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર લખનઉ ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી છે.

અચાનક આવેલા ભયંકર વાવાઝોડાને કારણે સેંકડો ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. કેટલીક જગ્યાએ કાર અને મકાનોને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગે લખનઉ, ઉન્નાવ, સીતાપુર, પ્રયાગરાજ, જોનપુર, પ્રતાપગઢ, બાંદા સહિત 38 જિલ્લાઓમાં આગામી કેટલાક કલાકો માટે ભારે વરસાદ, વીજળી પડવા અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરી છે.

લખનઉ હવામાન કેન્દ્ર મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી એક-બે દિવસ હવામાન આવું જ રહેશે. ત્યારબાદ 15 મેથી તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે અને ઘણા જિલ્લાઓમાં પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટરને રાહત અને બચાવ કાર્ય તેજ કરવા, ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા અને મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવા સૂચના આપી છે.