Home Blog Page 93

NCBનું મોટું ઓપરેશન: દેશમાં પહેલીવાર 182 કરોડની ‘કૅપ્ટાગન’ ડ્રગ્સ જપ્ત

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા એ આજે માહિતી આપી હતી કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા દેશમાં પહેલીવાર ‘કૅપ્ટાગન’ નામની ડ્રગ્સની મોટી ખેપ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે 182 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.

ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર ડ્રગ-ફ્રી ઈન્ડિયાના સંકલ્પ સાથે સતત કાર્યવાહી કરી રહી છે. તેમણે જણાવ્યું કે ‘ઓપરેશન રેજપિલ’ હેઠળ એજન્સીઓએ આ કાર્યવાહી સફળ બનાવી છે.

અમિત શાહે જણાવ્યું કે મધ્ય પૂર્વ મોકલવામાં આવી રહેલી આ ડ્રગ્સની ખેપ જપ્ત કરવી અને એક વિદેશી નાગરિકની ધરપકડ કરવી, નશા સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું મોટું ઉદાહરણ છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર દેશમાં આવતી અથવા ભારતની જમીનનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને બહાર મોકલાતી દરેક પ્રકારની નશીલી વસ્તુઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે.

ગૃહમંત્રીએ આ ઓપરેશનને સફળ બનાવનાર NCBના અધિકારીઓ અને જવાનોની સતર્કતા અને બહાદુરીની પણ પ્રશંસા કરી હતી.

‘ઓપરેશન રેજપિલ’ને NCB દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવેલું મોટું અભિયાન માનવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્કને તોડવાનો છે.

‘કૅપ્ટાગન’ હકીકતમાં ફેનેથિલિન નામની એમ્ફેટામિન આધારિત ડ્રગ્સનું સ્વરૂપ છે. મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારો અને આતંકી સંગઠનોના લડવૈયાઓ વચ્ચે તેના ઉપયોગને કારણે તેને ‘જેહાદી ડ્રગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માહિતી અનુસાર આ ડ્રગ્સના સેવન બાદ વ્યક્તિને દુખાવો, ડર અથવા થાકનો અનુભવ ઓછો થાય છે. આ કારણે તેનો ઉપયોગ યુદ્ધ અને હિંસક પ્રવૃત્તિઓમાં થતો રહ્યો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આવી પ્રકારની ડ્રગ્સ માત્ર યુવાઓને બરબાદ કરતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને આતંકી નેટવર્કને પણ પ્રોત્સાહન આપે છે.

SBIના કરોડો ગ્રાહકો માટે એલર્ટ! સતત 6 દિવસ બેંક બંધ રહેવાની શક્યતા

0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાલુ મહિનામાં સતત 6 દિવસ સુધી બેંકની શાખાઓ બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ પાછળ કર્મચારી યુનિયન દ્વારા જાહેર કરાયેલા વિરોધ કાર્યક્રમ અને સંભવિત હડતાળને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ SBI કર્મચારી યુનિયન 25 અને 26 મે 2026ના રોજ હડતાળ પર જઈ શકે છે. આ પહેલા 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો નિયમિત રીતે બંધ રહેશે. ત્યારબાદ 27 અને 28 મે દરમિયાન બકરીદ નિમિત્તે અનેક રાજ્યોમાં જાહેર રજા હોવાથી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં અનેક સ્થળોએ SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હડતાળ પાછળના મુખ્ય કારણો
ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા બેંક મેનેજમેન્ટ સમક્ષ કુલ 16 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે અનેક શાખાઓમાં સ્ટાફની ભારે અછત છે અને વર્ષોથી કેટલાક પદો પર ભરતી કરવામાં આવી નથી. પરિણામે હાલના કર્મચારીઓ પર કામનો બોજ સતત વધી રહ્યો છે.

યૂનિયને આક્ષેપ કર્યો છે કે નિયમિત કામો માટે આઉટસોર્સ કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેમને યોગ્ય વેતન અને જરૂરી સુવિધાઓ મળતી નથી. કર્મચારીઓના મતે આ પરિસ્થિતિ બેંકિંગ સેવાઓની ગુણવત્તા અને કર્મચારીઓની સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
કર્મચારીઓએ શાખાઓમાં સ્ટાફની અછત દૂર કરવાની, વધતા વર્કલોડમાં રાહત આપવાની, પેન્શન પેરિટી લાગુ કરવાની અને સેવા શરતોમાં સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ પ્રમોશન અને ટ્રાન્સફર નીતિને વધુ પારદર્શક બનાવવા તથા કર્મચારીઓ માટે વધુ સારા વેલફેર અને સુરક્ષા ઉપાયો અમલમાં મૂકવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

યુનિયનનું કહેવું છે કે NPS હેઠળ કર્મચારીઓને પોતાની પસંદનો પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની છૂટ મળવી જોઈએ. ઉપરાંત છેલ્લા લગભગ 30 વર્ષથી ‘મેસેન્જર’ જેવા પદો પર ભરતી ન થતાં કર્મચારી માળખું કમજોર બન્યું છે. કર્મચારીઓએ આઉટસોર્સિંગ ઘટાડવાની પણ માંગ કરી છે.

સાથે જ 12th દ્વિપક્ષીય સમાધાન હેઠળ 17 ટકા સેલેરી વધારો નક્કી થયો હોવા છતાં SBI અધિકારીઓને સ્પેશિયલ પે સાથે આશરે 22 ટકા સુધીનો લાભ મળ્યો હોવાનું યુનિયનનું કહેવું છે, જ્યારે વર્કમેન સ્ટાફને હજુ માત્ર 17 ટકા જ સેલેરી વધારો મળ્યો છે.

આખો મહિનો ચાલશે વિરોધ કાર્યક્રમ
હડતાળ પહેલા સમગ્ર મે મહિનામાં તબક્કાવાર વિરોધ કાર્યક્રમ યોજવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં લંચ ટાઈમ પ્રોટેસ્ટ, સોશિયલ મીડિયા અભિયાન, ધરણા, શાંતિપૂર્ણ રેલી અને સરકાર તથા સાંસદોને રજૂઆતો સામેલ રહેશે.

જો હડતાળ અમલમાં આવશે તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન અને અન્ય ઓફલાઇન સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે Online Banking, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.

સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. પારુલ વડગામાની નિયુક્તિ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વહીવટી સ્તરે સામે આવેલી ગંભીર બેદરકારીઓ બાદ રાજ્ય સરકાર દ્વારા કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરવામાં આવી છે. હવે સુરત સિવિલ હોસ્પિટલની જવાબદારી ડૉ. પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકે સોંપવામાં આવી છે.

આ કાર્યવાહી પાછળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની તાજેતરની સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત મુખ્ય કારણ બની છે. મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન હોસ્પિટલની કામગીરીની વાસ્તવિક સ્થિતિ બહાર આવી હતી. વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગો અને અન્ય સેવાઓમાં ગંદકી, અયોગ્ય વ્યવસ્થા, દર્દીઓને લાંબી રાહ તેમજ સુવિધાઓની અછત જેવી અનેક ગંભીર ખામીઓ મંત્રીએ નજરે જોઈ હતી.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બનાવવામાં આવેલી આ મોટી સરકારી હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ જોવા મળતા મંત્રીએ તંત્રની કામગીરી પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલીઓ અંગે પણ મંત્રીને અનેક ફરિયાદો મળી હતી. સમગ્ર મામલે તેમણે સ્થળ પર જ અધિકારીઓને કડક શબ્દોમાં જવાબદારી યાદ અપાવી હતી અને તાત્કાલિક સુધારા લાવવાના નિર્દેશ આપ્યા હતા.

મંત્રીની મુલાકાત બાદ આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરે ચર્ચા કરી હતી. અંતે નિર્ણય લેવાયો કે વહીવટી શિથિલતા અને દેખરેખમાં થયેલી ખામીઓને ધ્યાનમાં રાખીને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી જરૂરી છે. તેના પરિણામે ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ પદેથી હટાવી વડોદરા સરકારી મેડિકલ કોલેજમાં ડીન તરીકે બદલી કરવામાં આવી છે.

સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં નવી વ્યવસ્થાને ગતિ આપવા માટે ડૉ. પારુલ વડગામાને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગે આશા વ્યક્ત કરી છે કે નવા વહીવટ હેઠળ હોસ્પિટલની કામગીરીમાં ઝડપથી સુધારો આવશે અને દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળી રહેશે.

આ ઘટનાને કારણે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ ચેતવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રમાં કાર્યરત અધિકારીઓ હવે વધુ સજાગ બન્યા છે અને હોસ્પિટલ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે દબાણ વધ્યું છે. આરોગ્ય વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે દર્દી સેવા અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં કોઈપણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં.

હવે સૌની નજર નવી નિમણૂક પામેલા ઇન્ચાર્જ ડૉ. પારુલ વડગામા પર રહેશે કે તેઓ સુરત સિવિલ હોસ્પિટલની હાલની ખામીઓને કેટલી ઝડપથી સુધારીને વ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવી શકે છે.

સુરતના લસકાણા સ્વામિનારાયણ મિશનમાં શોક, પ્રિયદર્શન સ્વામીનું સારવાર દરમિયાન નિધન

સુરત ના લસકાણા સ્થિત સ્વામિનારાયણ મિશન મંદિરમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. મંદિરના પ્રિયદર્શન સ્વામીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 26 એપ્રિલ 2026ના રોજ તેમણે ઊંઘની ગોળીઓનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ 15 મે 2026ના રોજ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ મામલે લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો મામલો હોવાનું સામે આવ્યું છે, પરંતુ મૃત્યુ પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ એ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સમિતિએ જણાવ્યું છે કે ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમજ મોબાઈલ કોલ ડિટેઈલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ અને મંદિરના સંતો તથા ટ્રસ્ટીઓના નિવેદનો લેવામાં આવે. જો કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવ્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

પ્રિયદર્શન સ્વામી લાંબા સમયથી મંદિરમાં સેવા આપતા હતા અને હરિભક્તોમાં તેમની વિશેષ ઓળખ હતી. તેમના નિધનથી ભક્તોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ઘટના સંપ્રદાયના સંતો તથા ભક્તોમાં ચિંતાનો વિષય બની છે.

નિતિન ગડકરીને ધમકી અને 100 કરોડની ખંડણી માંગનાર જયેશ પુજારીને 5 વર્ષની સજા

0

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ખંડણી માંગનાર જયેશ પુજારીને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસેથી ફોન પર 100 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં દોષિત ઠરેલા જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે 5 વર્ષની સજા સંભળાવી છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આતંકી જયેશ પુજારીને નાગપુર જિલ્લા સત્ર ન્યાયાલયે પાંચ વર્ષની સજા ફટકારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયમાં ફોન કરીને જયેશ પુજારીએ 100 કરોડ અને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહીં આપવાની સ્થિતિમાં નિતિન ગડકરીને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવાની ધમકી પણ જયેશ પુજારીએ આપી હતી.

હત્યાના એક કેસમાં જયેશ પુજારી હાલમાં કર્ણાટકની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સજા દરમિયાન જ તેણે જેલમાંથી મોબાઇલ ફોન મારફતે ગડકરીના કાર્યાલયમાં ફોન કર્યો હતો. વિવિધ કલમો હેઠળ જયેશ પુજારીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા છે અને તેઓ પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પુણે માં જણાવ્યું હતું કે તેમના 90 ટકા કામ સમાજસેવા સાથે જોડાયેલા છે, તેથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત અનુભવાતી નથી.

નિતિન ગડકરીએ પુણ્ય ભૂષણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું રાજકારણી છું, પરંતુ મારું 90 ટકા કામ સામાજિક સેવા સાથે જોડાયેલું છે. તેથી મને ચૂંટણી પ્રચાર કરવાની જરૂરિયાત લાગતી નથી.”

તમને જણાવી દઈએ કે નિતિન ગડકરીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી કરી હતી. તેમને ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ વર્ષ 2014થી સતત કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે અને પોતાની કાર્યશૈલી તથા વ્યવહારને કારણે વિરોધીઓ તરફથી પણ સન્માન મેળવે છે.

અમદાવાદથી સુરત હવે વધુ ઝડપથી પહોંચશો! એક્સપ્રેસ વે રૂટથી મુસાફરી થશે સસ્તી અને ઝડપી

અમદાવાદ-સુરત વચ્ચે બસમાં મુસાફરી કરતાં પેસેન્જર્સ માટે કામના સમાચાર છે. અમદાવાદ-સુરત બસો હવે એક્સપ્રેસ વે પર દોડતાં દોઢ કલાક ઓછો લાગશે અને ભાડામાં પણ ઘટાડો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા વચ્ચે ગુજરાત એસ.ટી. નિગમે મુસાફરોને ભાડામાં ઘટાડો અને સમયની બચતની બેવડી ભેટ આપી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસ ટી નિગમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી અંતર ઘટતા મુસાફરોને સીધો ફાયદો થશે. અમદાવાદ-સુરતની એસટી બસો નવા એક્સપ્રેસ વે પર દોડતા મુસાફરી સમયમાં 60 મિનિટથી લઈ 90 મિનિટ સુધીની બચત થશે. અમદાવાદ-સુરત રૂટ પર દરરોજ સરેરાશ 12 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, જેમનો સીધો જ આ લાભ થશે.

અત્યાર સુધી ભરૂચ-અંકલેશ્વરનો ટ્રાફિક જામ વોલ્વોના સમયપાલનને ખોરવતો હતો. એક્સપ્રેસ-વે બસો દોડતા સુરત રૂટ પર 6 કલાકની મુસાફરી ઘટીને 4થી 4.5 કલાક થશે. અમદાવાદથી સુરતનું વોલ્વો ભાડું 748 રૂપિયાથી ઘટાડીને 687 રૂપિયા કરાયું છે, જેનાથી મુસાફરોને 61 રૂપિયાની રાહત મળશે. તેમજ મુસાફરીનો દોઢ કલાક જેટલો સમય બચશે.

ગુજરાતમાં ખાખી પર કલંક! મહિલા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ, હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

0

ગુજરાતના રાજકોટ માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજકોટ પોલીસે એક હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે, જેના પર પોતાની હિંદુ પાડોશી મહિલા સાથે છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ, બ્લેકમેઇલ, ધમકી અને હેરાનગતિના ગંભીર આરોપો લાગ્યા છે. પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી તેની નાની દીકરીની સામે જ અશ્લીલ હરકતો કરતો હતો અને કપડા ઉતારી નગ્ન થઈ જતો હતો. આ ઘટનાઓથી બાળકી એટલી ભયભીત થઈ ગઈ હતી કે તે પોતાની માતા પાસે જતાં પણ ડરવા લાગી હતી.

જાણો શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં બનેલી આ ઘટના પોલીસ વિભાગ માટે મોટો કલંક સમાન બની છે. યુનિવર્સિટી પોલીસે આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ ટ્રાફિક બ્રાંચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી છેલ્લા દોઢ વર્ષથી 31 વર્ષની પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો અને તેની પાંચ વર્ષની બાળકી સાથે પણ અશ્લીલ ચેડાં કરતો હતો.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન લગભગ નવ વર્ષ પહેલા થયા હતા. જાન્યુઆરી 2025માં તે પોતાની દીકરી સાથે માતાના ઘરે રહેવા ગઈ હતી. જ્યાં કપડાં સીવડાવવા જતી ટેલરની દુકાન પર તેની ઓળખ ઇમરાન હબીબભાઈ રાઉમા નામના પોલીસ કર્મચારી સાથે થઈ હતી, જે હાલમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદ મુજબ એક દિવસ રાત્રે લગભગ 12 વાગ્યે આરોપી ઘરના દરવાજા ખોલીને સીધો રૂમમાં ઘૂસી આવ્યો હતો. તેણે મહિલાને માર માર્યો, તેના કપડાં ઉતાર્યા અને ફોટા-વિડિયો બનાવ્યા હતા. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને જો કોઈને આ અંગે કહેશે તો ફોટા અને વિડિયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે આરોપી પોલીસ યુનિફોર્મ પહેરીને પણ તેની સાથે દુષ્કર્મ કરતો હતો. સમય જતા ઇમરાન રાઉમાનો ત્રાસ વધી ગયો હતો, જેના ડરથી મહિલા પોતાના સાસરીયા ખાતે જવા મજબૂર બની હતી. એટલું જ નહીં, આરોપીએ મહિલા સાથે અપ્રાકૃતિક કૃત્ય પણ કર્યું હોવાનો આરોપ છે અને તેના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ બનાવ્યું હતું.

ફરિયાદ મુજબ જ્યારે આરોપી સાસણ ગીર ખાતે બંદોબસ્ત માટે ગયો હતો ત્યારે પણ તેણે મહિલાને બળજબરીથી ત્યાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને પાંચ વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેડાં કર્યા હતા.

અંતે જ્યારે મહિલાનું જીવન દુષ્કર બની ગયું ત્યારે તેણે આરોપી ઇમરાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સોનું-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી સોનું ₹18 હજાર સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ

0

દેશભરમાં આજે 15 મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ એક કિલો ચાંદીના ભાવમાં ₹19,693નો મોટો ઘટાડો થયો છે, જેના કારણે ચાંદીનો ભાવ ₹2.68 લાખ પ્રતિ કિલો પર આવી ગયો છે. ગુરુવારે ચાંદીનો ભાવ ₹2.87 લાખ પ્રતિ કિલો હતો.

બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં પણ ₹3,000નો ઘટાડો નોંધાયો છે અને સોનાનો ભાવ હવે ₹1.58 લાખ પર પહોંચી ગયો છે. આ પહેલા 16 એપ્રિલે સોનાનો ભાવ ₹1.61 લાખ હતો. સોનું તેના ઓલ ટાઈમ હાઈથી માત્ર 106 દિવસમાં ₹17,962 સસ્તું થયું છે, જ્યારે ચાંદી ₹1,18,433 ઘટી છે. 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ₹1.76 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹3.86 લાખ પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો.

રવિવારે કર્ણાટક અને તેલંગાણામાં યોજાયેલી સભાઓ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી.

સોનું ઓલ ટાઈમ હાઈથી ₹18 હજાર સસ્તું
આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જ્યારે 29 જાન્યુઆરી 2026ના રોજ તે ઓલ ટાઈમ હાઈ ₹1.76 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો. હાલ સોનાનો ભાવ તેના સર્વોચ્ચ સ્તરથી લગભગ ₹18 હજાર ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીમાં ભારે કડાકો
ચાંદીના ભાવમાં સોનાની સરખામણીએ વધુ ઘટાડો નોંધાયો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ ₹2.30 લાખ પ્રતિ કિલો હતો, જે 29 જાન્યુઆરી 2026ના રોજ વધીને ₹3.86 લાખ સુધી પહોંચી ગયો હતો. પરંતુ છેલ્લા 106 દિવસમાં ચાંદી ₹1.18 લાખ સસ્તી થઈને હવે ₹2.68 લાખ પ્રતિ કિલો પર આવી ગઈ છે.

PM મોદીએ એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની કરી અપીલ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે દેશ પર સંકટ આવે ત્યારે લોકો દેશહિતમાં પોતાનું સોનું દાનમાં આપી દેતા હતા. આજે દાન કરવાની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે નક્કી કરવું પડશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પ્રસંગ હોય તો પણ સોનાના ઘરેણાં નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે.”

પ્રધાનમંત્રીએ આ અપીલ ભારતના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે કરી હતી. ભારત પોતાના ઉપયોગનું લગભગ 99 ટકા સોનું વિદેશમાંથી આયાત કરે છે. વર્ષ 2025-26 દરમિયાન સોનાના આયાત બિલનો આંકડો અંદાજે ₹6.4 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. વિદેશમાંથી આયાત થતી વસ્તુઓના કુલ ખર્ચમાં સોનાનો હિસ્સો લગભગ 9 ટકા છે.

PCOS હવે PMOS: મહિલાઓની આ ગંભીર બીમારીને મળ્યું નવું નામ, બદલાશે સારવારની રીત

0

મહાન લેખક વિલિયમ શેકસ્પિયર ના પ્રસિદ્ધ નાટક ‘રોમિયો એન્ડ જુલિયેટ’નો એક ડાયલોગ ખૂબ જ લોકપ્રિય છે. “નામમાં શું રાખ્યું છે?” પરંતુ હવે એક મેડિકલ સ્થિતિના નામને લઈને જ મહત્વપૂર્ણ અભ્યાસ સામે આવ્યો છે. જાણીતી મેડિકલ જર્નલ The Lancet માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર હવે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)નું નામ બદલીને પોલીએન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ (PMOS) રાખવામાં આવ્યું છે. આ ફેરફારનો સીધો અસર વિશ્વભરની લગભગ 17 કરોડ મહિલાઓ પર પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બદલાવથી હવે આ બીમારીની ઓળખ, તપાસ અને સારવાર વધુ ઝડપથી થઈ શકશે.

17 કરોડ મહિલાઓ પર કેમ પડશે અસર?
વિશ્વભરમાં અંદાજે 17 કરોડ મહિલાઓ PCOSથી પ્રભાવિત છે, તેથી આ નામ બદલાવનો અસર મોટા પાયે જોવા મળશે. ‘દ લાન્સેટ’માં પ્રકાશિત અભ્યાસ મુજબ દર 8માંથી 1 મહિલા આ સમસ્યાનો સામનો કરી રહી છે. આ બીમારી મહિલાઓના હોર્મોન, ફર્ટિલિટી અને સમગ્ર સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?
ઘણા વર્ષોની ચર્ચા અને સંશોધન બાદ PCOSનું નામ બદલીને PMOS રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જૂના નામના કારણે ઘણીવાર આ બીમારીની ઓળખ અને સારવારમાં મોડું થતું હતું. પરિણામે અનેક મહિલાઓને સમયસર સારવાર મળી શકતી નહોતી અને લાંબા સમય સુધી સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે લાંબા સમય સુધી PCOSને માત્ર ગાયનેકોલોજિકલ અથવા ઓવરી સંબંધિત બીમારી માનવામાં આવતી હતી. પરંતુ હવે અનેક સંશોધનો અને પુરાવાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિમાં ઇન્સુલિન, એન્ડ્રોજન, ન્યુરો-એન્ડોક્રાઇન અને ઓવેરિયન હોર્મોનમાં થતી ગડબડીઓ પણ સામેલ હોય છે.

નિદાનમાં મોડું કેમ થતું હતું?
અભ્યાસ મુજબ PCOSના નિદાન માટે ઓવરીમાં સિસ્ટ હોવું જરૂરી માનવામાં આવતું હતું. જોકે ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે દરેક મહિલામાં સિસ્ટ હોવું જરૂરી નથી. ઘણી મહિલાઓમાં સિસ્ટ વગર પણ આ સમસ્યા જોવા મળે છે. આ કારણે યોગ્ય સમયે નિદાન અને સારવારમાં વિલંબ થતો હતો.

‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો કેમ ઉમેરાયા?
સંશોધકોના જણાવ્યા અનુસાર PMOSમાં ‘એન્ડોક્રાઇન’ અને ‘મેટાબોલિક’ શબ્દો ઉમેરવાનો મુખ્ય હેતુ તેના વિવિધ લક્ષણોને વધુ સારી રીતે રજૂ કરવાનો છે. કારણ કે આ સ્થિતિ એન્ડોક્રાઇન, મેટાબોલિક, પ્રજનન, માનસિક અને ત્વચા સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલી છે. તેથી નિદાન વખતે આ તમામ પરિબળોને ધ્યાનમાં લેવું જરૂરી બન્યું છે.

હવે નિદાન માટે કયા લક્ષણોને આધાર માનવામાં આવશે?
20 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓમાં નીચેના લક્ષણોમાંથી ઓછામાં ઓછા બે લક્ષણો હોવા જરૂરી રહેશે, જ્યારે 10થી 19 વર્ષની કિશોરીઓમાં પ્રથમ બે લક્ષણો ફરજિયાત ગણાશે.

ઓલિગો એનોવ્યુલેશન

  • ક્લિનિકલ અને બાયોકેમિકલ હાઇપરએન્ડ્રોજેનિઝમ
  • અલ્ટ્રાસાઉન્ડમાં પોલિસિસ્ટિક ઓવરી અથવા AMHનું ઊંચું સ્તર
  • મેટાબોલિક લક્ષણો જેમ કે સ્થૂલતા, અસામાન્ય બ્લડ શુગર, ટાઇપ-2 ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલનું અસામાન્ય સ્તર, લિવર સંબંધિત સમસ્યાઓ, હૃદયરોગ અને સ્લીપ એપ્નિયા
  • પ્રજનન સંબંધિત લક્ષણો જેમ કે અનિયમિત માસિક, ગર્ભધારણમાં મુશ્કેલી, ઇન્ફર્ટિલિટી અને એન્ડોમેટ્રિયલ કેન્સર
  • માનસિક લક્ષણો જેમ કે ડિપ્રેશન, ચિંતા, જીવનની નબળી ગુણવત્તા અને ઇટિંગ ડિસઓર્ડર
  • ત્વચા સંબંધિત લક્ષણો જેમ કે મુખાસા, વાળ પડવાના પેચ અને ચહેરા પર વધારે વાળ આવવા

PCOSનું નામ બદલીને PMOS રાખવામાં આવવું એ દર્શાવે છે કે આ માત્ર ઓવરી અથવા સિસ્ટ સુધી મર્યાદિત બીમારી નથી, પરંતુ તેની પાછળ અનેક શારીરિક અને હોર્મોનલ પરિબળો જવાબદાર છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નવા નામથી મહિલાઓમાં વધુ યોગ્ય અને સમયસર નિદાન શક્ય બનશે, જે સારવાર અને મેનેજમેન્ટ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આકરો વધારો, સુરતના અનેક પેટ્રોલ પંપ પર ‘સ્ટોક નથી’ના બોર્ડ

દેશ સહિત ગુજરાતમાં આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવતા સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.99નો વધારો થતાં તેનો નવો ભાવ ₹97.43 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલમાં ₹3.09નો વધારો થતા તેનો ભાવ ₹93.29 થયો છે. અગાઉ ડીઝલનો ભાવ ₹90.11 હતો. સામાન્ય રીતે ઇંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગ્યે અમલમાં આવતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર વહેલી સવારે જ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અચાનક અમલમાં આવેલા આ વધારાના કારણે વહેલી સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહનચાલકોને સીધી આર્થિક અસર સહન કરવી પડી હતી. લોકોમાં ભાવવધારાને લઈને અસંતોષ જોવા મળ્યો હતો.

સુરતના પેટ્રોલ પંપ પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ
આ બધાની વચ્ચે સુરતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હતી. શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ એવા બોર્ડ લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરાના એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનમાં ટેમ્પો દ્વારા ડીઝલ ભરાવી લઈ જતું દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

સુરતના વરાછા, કતારગામ, પર્વત પાટિયા, જહાંગીરપુરા, ડિંડોલી, ગોથાણ અને વેલંજા સહિતના વિસ્તારોમાં નવા સ્ટોકની આવક ન થવાને કારણે અનેક પેટ્રોલ પંપો પર ઇંધણ ખૂટી ગયું હતું. પરિણામે પંપ સંચાલકોએ ‘પેટ્રોલ-ડીઝલ નથી’ના બોર્ડ લગાવી પંપ બંધ રાખ્યા હતા.

આ દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલનું જ વેચાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇંધણની અછત અને વધેલા ભાવને કારણે શહેરમાં લોકોમાં ચિંતા અને નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો.