Home Blog Page 926

17, ઓક્ટોબર ૨૦૨૩/ મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દિવસ ફાયદાકારક રહેશે; જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે

0

મેષઃ
બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.
વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.
‌મિથુનઃ
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.
કર્કઃ
દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.
‌સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે. છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
કન્યાઃ
નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.
તુલાઃ
જુસ્સો, ચાણક્યનીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ, પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.
વૃ‌શ્ચિકઃ
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.
ધનઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.
મકરઃ
આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.
કુંભઃ
ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.
મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

 

ગાંધીનગર ડી-માર્ટને રૂ. 1.10 લાખનો દંડ, એક્સપાયરી ડેટ ગોળ વેચવા બદલ કરાઈ કાર્યવાહી

0

ગાંધીનગરમાં આવેલ ડી માર્ટમાંથી એક જાગૃત ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ ખરીદ્યા બાદ ગ્રાહકે અચાનક ગોળનાં પેકીંગ પર લાગેલ બે સ્ટીકરો પર ગ્રાહકની નજર પડી હતી. જેમાં એક સ્ટીકરમાં જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોનાં સ્ટીકરો મારેલ ગોળ વેચવામાં આવ્યો હતો. ત્યારે ડીમાર્ટ દ્વારા ખોટા સ્ટીકર મારી એક્સપાયરીડેટવાળો ગોળ વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા બદલ જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.

ગાંધીનગર ડી-માર્ટમાં એક ગ્રાહક ખરીદી કરવા માટે ગયો હતો. જ્યાં એક પછી એક ખાદ્ય ચીજ વસ્તુઓ તેઓ ખરીદી રહ્યા હતા. અને વસ્તુ ખરીદવાની સાથે સાથે તેની એક્સપાયરી ડેટ પણ વાંચતા હતા. ત્યારે ડી માર્ટમાં તેઓ ખાદ્ય ગોળ લઈ રહ્યા હતા. ત્યારે ગ્રાહકે ખાદ્ય ગોળની એક્સપાયરી ડેટ ચેક કરતા ગોળની એક્સયાપરી ડેટ જતી રહી હતી. એટલે કે ગોળ અખાદ્ય થઈ ગયો હતો.

જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે બંને પક્ષની લદીલો સાંભળી હતી.  ત્યારે આ બાબતે ડીમાર્ટે સ્વીકાર્યું કે કર્મચારીએ ભૂલથી ખોટુ સ્ટીકર લગાવી દીધું હોવાનું કહ્યું હતું. પરંતું ગ્રાહક સુરક્ષા કોર્ટે ડીમાર્ટની દલીલને ફગાવી દીધી હતી. અને ડી-માર્ટ અને ગોળ બનાવનાર કંપની રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂા. 1.10 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ આ દંડમાંથી અડધી રકમ ગ્રાહકને આપવાની તેમજ 50 ટકા રકમ ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

લાજપોર જેલમાંથી ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

0

વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ ખાતે આવેલી મરાઠી સમાજનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સુરતની લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર મરાઠી સમાજ દ્વારા હારતોરા કરી બહુમાન આપવામાં આવે છે. એટલું જ નહીં મરાઠી સમાજમાં છત્રપતિ શિવાજી મહારાજનું એક આગવી ઓળખ અને ઉચ્ચ સ્થાન છે. જોકે આ પ્રતિમાને વર્ષ 2019માં રોહિત ઉર્ફે પુતન નરીન શુક્લા નામના શખ્સે લાત મારી શિવાજી મહારાજ અને મરાઠી સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું. જે અંગેનો ગુનો પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસે મરાઠી સમાજનું અપમાન કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના પાઈ ગામ ખાતે છુપાયો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે ગઈ હતી. જ્યાં ઉત્તર પ્રદેશમાં વોચ ગોઠવી આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કબજો સુરતની લાજપોર જેલને સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો. આરોપીએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન 30મી માર્ચના રોજ લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. આરોપીને 31મી ડિસેમ્બર 2020ના રોજ લાજપોર જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી મુદ્દતે હાજર ન થતા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.

આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે તેના વતન ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. આરોપીનો સુરત ક્રાઈમ બ્રાંચે કબજો લઈ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

 

સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનની કામગીરી નિહાળવા શાલિની અગ્રવાલ સાઈટ વિઝીટ પર પહોંચ્યા

0

સુરત મહાનગરપાલિકાના મુગલીસરાના વહીવટી ભવનની જગ્યાએ રીંગરોડ પર જૂની સબજેલની જગ્યાએ ૧૩૫૦ કરોડના ખર્ચે નવા વહીવટી ભવન કામગીરી જોરશોરમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૧૧ ટકા જેટલી કામગીરી પુરી થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી સૂચના હોવાથી પાલિકા તંત્ર આ પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન રાખી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનની કામગીરી આઠ વર્ષથી ફાઈલમાં દબાઈ ગઈ હતી પરંતુ સ્થળ પર કામગીરી થતાં જ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. નવા વહીવટી ભવનમાં પાલિકા સાથે સાથે અન્ય સરકારી કચેરીઓ પણ આવશે તેના કારણે પ્રોજેક્ટ ઘણો જ મહત્વનો બની ગયો હોય પાલિકા કમિશનર આ પ્રોજેક્ટ પર જાતે નજર રાખી રહ્યાં છે. આજે સવારે અચાનક જ પાલિકા કમિશનરે રીંગરોડ પર બની રહેલા વહીવટી ભવન ની કામગીરી નિહાળી અને કેટલીક સુચના આપી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા આ નવા વહીવટી ભવનમાં કેટલા બાંધકામનો ઉપયોગ કરશે અને રાજ્ય કેન્દ્ર સરકારની અલગ-અલગ કચેરીઓને કેટલી જગ્યા ફાળવવામાં આવશે? એટલે કે સ્પેસ શેરિંગ માટે સરકારને જરૂરી સૂચન કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાંચ સભ્યની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીના ચેરમેન તરીકે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જ્યારે સભ્યપદે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, માર્ગ-મકાન વિભાગના સચિવ, સુરત મનપા કમિશનર તથા જિલ્લા કલેકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીની એક બેઠક પણ કરવામા આવી છે.

આ કમિટીની બેઠક બાદ આજે સવારે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ રીંગ રોડ ખાતે વહીવટી ભવનની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા. તેઓએ હાલ ચાલી રહેલી કામગીરીની માહિતી સાથે સાથે આગામી દિવસોમાં આ કામગીરી કેવી રીતે અને કેટલી ઝડપે કરવામા આવશે તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરનો સ્ટાફ અને મશીનરીની વિગત સાથે સાથે પાલિકાના અધિકારીઓ– કર્મચારીઓ સુપરવિઝન કરી રહ્યાં છે તેઓની માહિતી મેળવી હતી. મ્યુનિ. કમિશ્નર અચાનક જ સાઈટ વિઝિટ પર જતાં પાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પણ સતર્ક થઈ ગયા છે.

આ પણ વાંચો :-

 

વરાછા લાયન સર્કલથી આઉટર રિંગ રોડ સુધી ૨૬ કરોડમાં ૧.૮ કિમીનો રોડને મેટ્રો રેલ સાથે પણ કનેક્ટિવિટી અપાશે

0

શહેરમાં સુરત-ડુમસ રોડ, વાય જંકશન-યુનિવર્સિટી રોડ, રાંદેર માં ગૌરવપથ આવ્યાં છે ત્યારે વરાછા-સરથાણા વિસ્તારમાં એવાં કોઈ ગૌરવપથ-આઈકોનિક રોડ જ નથી ત્યારે મહાપાલિકાએ સરથાણા ઝોન વિસ્તારમાં શ્યામધામ ચોક (લાયન સર્કલ)થી આઉટર રિંગરોડ ની બાઉન્ડ્રી સુધી એટલે કે ટીપી-૨૧ સરથાણા-સિમાડા અને ટીપી-૫૧ કોસમાડા-ખડસદ, પાસોદરા-સિમાડા ને લાગુ વિસ્તાર સુધી ૧.૮ કિલોમિટર લંબાઇમાં ગૌરવપથ તરીકે સાકાર કરવા કવાયત હાથ ધરી દીધી છે. આ આઈકોનિક રોડ રૂપિયા ૨૬ કરોડમાં સાકાર કરવામાં આવશે તે અંગે નો અંદાજ પણ ગત જાહેર બાંધકામ સમિતિ ની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

નવો સરથાણા ઝોન ૧.૮ કિ.મી. લાંબો ગૌરવપથ ડેવલપ કરશે. આ આઇકોનિક રોડને સરકારમાં આગવી ઓળખ હેઠળ મંજૂરી મળી હોય ૨૬ કરોડ ની ગ્રાંટ પણ મળશે, જેમાંથી આખો પ્રોજેક્ટ સાકાર કરાશે. આ ગ્રાંટ માર્ચ સુધીમાં વાપરવાની શરતે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હોવાથી પાલિકા તંત્રએ ઝડપભેર કામગીરી શરૂ કરી છે.

આઈકોનિક રોડમાં બંને છેડે ઈવી ચાર્જીંગ સ્ટેશન હશે સાથે રિફ્રેશમૅન્ટ એરિયા પણ ડેવલપ કરાશે. સુરત-કામરેજ રોડ પર લાયન સર્કલથી મેટ્રો શરૂ થાય છે તેથી આઉટર રિંગરોડને કનેક્ટિવિટી મળશે. લાયન સર્કલથી જમણે 60 મીટરનો રોડ આઉટર રિંગ રોડને ટચ થશે.

સાયકલ ટ્રેક, જોગિંગ ટ્રેક, ફૂટપાથ, સર્વિસ રોડ-સેપરેટર, સ્ટ્રીટ ફર્નિચર, ચાર્જિંગ સ્ટેશન, રિફ્રેશમેન્ટ એરિયા, હોર્ટિકલ્ચર, સેલ્ફ સસ્ટેનેબલ ગ્રીન કવર સોલાર એનર્જી, પબ્લિક બાઈક સેરિંગ સિસ્ટમ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, બીઆરટીએસ લેન માટે અલાયદી જગ્યા છોડાઈ સુવિધા આવે ત્યાં સુધી ગ્રીનરી કરાશે, મેઇન કેરેજ વે (મિક્સ ટ્રાફિક) સીમાડા-કોસમાડા-ખડસદ-ગઢપૂર તથા સિટીમાં આવનાર માટે આ રોડ ઉપયોગી રહેશે.

આ પણ વાંચો :-

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના ૩મહાનગરપાલિકા વિકાસ માટે 1646 કરોડની મંજૂર કર્યા, કુલ 414 કામો થશે

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૧૪ કામો માટે કુલ ૧૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ.૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના ૧૦૧, સામાજિક આંતર માળખાકીય સુવિધાના ૭૮, અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી ૭૦.૩૧ કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક – માર્ગોના ૨૫ કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે રૂ.૩૮૪.૨૦ કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ.૨૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો :-

બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રોડ કાઢવાની કામગીરી સામે ખેડૂતો આક્રમક વિરોધ કરતાં, મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ

0

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં ભારે વિરોધ થયો હતો. પાલિકાએ જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મહિલા જેસીબી સામે આવી સુઈ ગઈ હતી. બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી અને પાલિકા તંત્ર ખેડુતોની જગ્યા લઈ રહી હોવાનો ગંભીર આક્ષેપ અને ખેતરમાંથી રોડ લેવાની કામગીરી સામે ખેડૂતો આક્રમક વિરોધ કરતાં પોલીસ પણ દોડી આવી હતી.

સુરત પાલિકાના ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાંથી હાલ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે બમરોલીના એક ખેતરમાંથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતાં ખેડુત પરિવાર ખેતર દોડી આવ્યા હતા અને પાલિકાની કામગીરી સામે આક્રમક વિરોધ કરવા સાથે પાલિકા તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂત એવા રાકેશ ભાઈએ પાલિકાની કામગીરીનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે, મારા ખેતરની બાજુમાં એક ખાનગી બિલ્ડરોની જગ્યા છે

બિલ્ડરે પાલિકા તંત્રમાં પૈસા ખવડાવી ને એની જગ્યા આગળ લાવ્યા છે અને આજે પાલિકા તંત્ર આવીને બળજબરી પુર્વક અમારી જગ્યાનો કબજો લેવાનો પ્રયાસ કરવામા આવે છે તેની સામે અને વિરોધ છે અને અગાઉ પણ અમે વિરોધ રજુ કર્યો છે તેમ છતાં પાલિકા સાથે મેળાપીપણામાં આ કામગીરી થઈ રહી છે. મહિલા ખેડુતે આક્રોશ પુર્ણ રીતે કહ્યું હતું કે બિલ્ડરે સરકારને પૈસા આપ્યા છે તેથી સરકારના માણસો તરત દોડી આવ્યા છે પરંતુ જે સામાન્ય માણસને સરકારની જરુર હોય તો સરકારના કોઈ પણ માણસ આવતા નથી.

આ પણ વાંચો :-

સુરતમાં ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસ સર્કલમાં સાયકલ ચલાવતા ગરબે ઘૂમ્યા

0

મહાપર્વ શરૂ થતાં ભક્તોએ શૈલપુત્રીની પૂજા કરી અને તેમના પરિવારના સભ્યોની સુખ , શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સુરતમાં નવ દિવસીય ઉત્સવ ખૂબ જ ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે  શહેરને રોશની અને દુર્ગા પંડાલોથી શણગારવામાં આવે છે. સુરતના લોકોએ અનોખા ગરબા નવરાત્રીના પ્રથમ દિવસની શરૂઆત કરી હતી. સાઇકલ ચલાવતા ગરબે ઘૂમ્યા હતા.

ખેલૈયાઓ સાયકલ પર ગરબા અને દાંડિયા રમ્યા હતા. તમામ ઉંમરના લોકો એક સર્કલમાં સાયકલ ચલાવતા અને ધાર્મિક ભક્તિ સાથે અનોખી રીતે ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાત અનોખી ગરબા પરંપરાઓ સાથે નવરાત્રીની ઉજવણી માટે જાણીતું છે. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગરબામાં લોકો જમીન પર પગ મૂક્યા વિના જ ગરબા રમ્યા હતા. આ વાત કંઈક નવું કરવાની ખેવના ધરાવતા સુરતની છે. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સાયકલ ગરબાનું આયોજન કરાયું હતું. લોકોએ ગરબાના તાલે મન મૂકીને સાયકલ ચલાવી હતી. લોકોને સાયકલિંગ કરવાની પ્રેરણા આપવાના ઉદ્દેશ સાથે આ પ્રકારના ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેનારા ખેલૈયાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

 

સુરત ગ્રે-કાપડના વેપારી સાથે ૫૬.૫૮ લાખની ઠગાઈ કરનાર મિલેનિયમ માર્કેટનો વેપારી ઝડપાયો

0

સુરતના વેડરોડના ગ્રે કાપડના વેપારી પાસેથી રૂા. ૫૬.૫૮ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા કાપડ દલાલ તેમજ વેપારી સહિત કુલ ૮ની સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી આપોપીને ઝડપી લીધો હતો.ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે, કાસકીવાડના હલદીયા શેરીમાં રોશન મંજીલમાં રહેતા ઇરફાન હુસેન ઇબ્રાહીમ ઘડીયાળી વેડરોડ ઉપર સંયોગ પાવર લૂમ્સના નામથી કાપડનો વેપાર કરે છે.

દરમિયાન તેમની મુલાકાત રીંગરોડ પર મિલેનીયમ ટેક્સટાઇલમાં મહેક ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી રજનીકાંત ધીરૂભાઇ વસોયા, શિવમ એન્ટરપ્રાઇઝના હિતેશ ઝાલાવડીયા, કાપડ દલાલ મેહુલ ગાંધી, શ્રી રાધે ફેશનના માલિક ઘનશ્યામ સેવાગ અને દલાલ મનીષ જરીવાલા, સરકાર ટેક્સટાઇલના માલિક રાકેશકુમાર રામપાલસિંહ નાયક અને નરેન્દ્ર અગ્રવાલની સાથે થઇ હતી.

આ તમામએ ભેગા થઇને ઇરફાનભાઇની પાસેથી રૂા. ૫૬.૫૮ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને ૩૦ દિવસમાં પેમેન્ટ આપી દેવા કહ્યું હતું. મહિના બાદ ઇરફાનભાઇએ કાપડ દલાલો તેમજ વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરી ત્યારે તેઓએ ફોન સ્વીચઓફ કરી દઇને દુકાનો બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :-

કીર્તિ પટેલે તો હદ વટાવી! મહિલા સાથે બબાલ કરવા સાથીદારોને લઈને અમદાવાદ પહોંચી, પોલીસની હાજરીમાં ઝીંક્યા લાફા

0

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ 2019માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા.

ચારેક દિવસ રમીલાબેન ઘરમાં હાજર હતા, ત્યારે કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત 4 લોકો તેમના ઘરે આવ્યા હતા  અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી.  જેથી પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી. વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો.

મારામારી કર્યા બાદ આ તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ મહિલા સીધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.  આપને જણાવી ધઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હોય, આ પહેલા પણ તેની સામે સુરત અને અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. અગાઉ સુરતની પુણા પોલીસે ત્રણ વર્ષ પહેલા હત્યાના પ્રયાસ મામલે કીર્તિ પટેલની ધરપકડ પણ કરી હતી.

આ પણ વાંચો :-