Home Blog Page 906

ભારતના ‘પ્રલય’ થી કાંપી ઉઠશે ચીન અને પાકિસ્તાન, બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ

0

ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિસાઈલ DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ સવારે ૯:૫૦ વાગ્યે કરવામાં આવ્યુ અને તેણે તેના તમામ ઉદ્દેશ્યો પૂરા કરી લીધા છે.

ટ્રેકિંગ ઉપકરણોથી મિસાઈલની ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રલય મિસાઈલની રેન્જ ૩૫૦-૫૦૦ કિલોમીટર છે અને તે ૫૦૦-૧૦૦૦ કિલોગ્રામ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. પ્રલય મિસાઈલને LAC અને LOC પર તૈનાત કરવા માટે વિકસાવવામાં આવી છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ચીનની ડોંગ ફેંગ ૧૨ અને રશિયાની ઈસ્કેન્ડર મિસાઈલોની તુલના ભારતની પ્રલય મિસાઈલ સાથે થઈ શકે છે. યુક્રેન યુદ્ધમાં રશિયાએ ઈસ્કેન્ડર મિસાઈલનો મોટાપાયે ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે પણ આ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો છે.

૨૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વિપથી પ્રલયનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલને ઉચ્ચ સ્તરની સટીકતા, માન્ય નિયંત્રણ, માર્ગદર્શન પ્રણાલી અને મિશન એલ્ગોરિદમ સાથે ૪૦૦ કિમી પર નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે અર્ધ બેલેસ્ટિક પથને ફોલો કર્યો હતો. ૨૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ DRDOએ અબ્દુલ કલામ દ્વીપથી પ્રલયનું વધુ એક પરીક્ષણ કર્યું હતું. હથિયારોની ઘાતકતા અને સટીકતાની તપાસ માટે ભારી પેલોડનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

બિહારના મુખ્યમંત્રીનું મોટું એલાન, અનામત ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાનો પ્રસ્તાવ, જાણો શું પડશે અસર

0

બિહારમાં જાતિય વસતી ગણતરી અને આર્થિક સર્વે રજૂ કર્યાં બાદ સીએમ નીતિશ કુમારે એક મોટો દાવ ખેલ્યો છે. તેમણે રાજ્યમાં વસતીના પ્રમાણમાં અનામતની લિમિટને ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સીએમ નીતિશે બિહારમાં અનામતનો વ્યાપ ૫૦થી વધારીને ૬૫ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અનામતને ઇડબલ્યુએસના ૧૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સીએમ નીતિશે કહ્યું કે, સરકાર અનામતનો વ્યાપ વધારવા જઈ રહી છે. આ પ્રસ્તાવ મુજબ, એસસી માટે અનામતની મર્યાદા હાલના ૧૬ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવે. એસટીને એક ટકાથી વધારીને ૨ ટકા કરવામાં આવશે,  અતિ પછાત અને ઓબીસીને ૪૩ ટકા અનામત આપવામાં આવે.

બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. તેમણે કહ્યું કે, જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આખા સદનમાં આ નિવેદન દરમિયાન અજીબોગરીબ સ્થિતિ જોવા મળી હતી. આ વાત પર મહિલા ધારાસભ્ય ગુસ્સે દેખાયા હતા. સાથે જ કેટલાક અન્ય ધારાસભ્યો હસી રહ્યા હતા.

વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલમાં જણાવાયું છે કે બિહારમાં અનુસૂચિત જનજાતિઓમાં ૪૨.૭૦ ટકા ગરીબ પરિવારો છે. જ્યારે અનુસૂચિત જાતિના કુલ પરિવારોમાંથી ૪૨.૯૩ ટકા પરિવારો ગરીબ છે. સરકારી આંકડા મુજબ રાજ્યમાં ૩૩ ટકા લોકો શાળાએ પણ ગયા ન હતા. એટલું જ નહીં, ભૂમિહાર પરિવારો રાજ્યમાં સૌથી ગરીબ વર્ગ છે. પછી બ્રાહ્મણ પરિવારો છે.

આ પણ વાંચો :-

ગૃહરાજ્યમંત્રી સાહેબ તમારા પોલીસ સુરત પાસીંગના ગાડી ચાલકોને ખોટી રીતે કરે છે હેરાન, MLA કુમાર કાનાણી

0

ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે અને ગુનેગારો ગુનો કરવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે તેમ છતાં ગૃહમંત્રી પોલીસના વખાણ કરતા થાકતા નથી ત્યારે હવે સુરતના ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખ્યો છે કે વાંસદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે.

સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને કહ્યું હતું કે શહેરના વાસંદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમણે સ્થાનિકો વતી રજૂઆત કરી કે પોલીસના ચેકિંગના કારણે વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ રહી છે.

કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ ૧૫-૨૦ ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે. કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે. તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારએ ST વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી ભેટ, જુઓ કેટલો વધારે મળશે

0

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે.  તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો :-

Mahadev Appને લઈને BJP ના કોગ્રેસ પર પ્રહાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- ૫૦૦ કરોડની લાંચ લીધી

0

મહાદેવ એપને લઈને ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. મંગળવારે ભોપાલમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઠાકુરે કહ્યું કે ‘કોંગ્રેસે દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડ, મહાદેવ એપમાંથી ૫૦૮ કરોડ રૂપિયાની લાંચ લીધી છે.

છત્તીસગઢની ૨૦ વિધાનસભા બેઠકો અને મિઝોરમની તમામ ૪૦ વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢની બાકીની ૭૦ સીટો માટે ૧૭ નવેમ્બરે મતદાન થશે. મતદાનને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર થશે. ચુંટણીના આ માહોલ વચ્ચે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકોરનું નિવેદને ચર્ચાનો વિષય બન્યું છે.

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, છત્તીસગઢમાં મહાદેવ એપ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ મોટી મોટી વાતો કરતા હતા, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ રાજ્ય એક સમયે ‘બીમાર રાજ્ય’ હતું, પરંતુ ભાજપના શાસનમાં છેલ્લા વર્ષોમાં વિકાસ થયો છે. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે છેલ્લા એક-બે વર્ષથી ગોઠાન કૌભાંડ, દારૂ કૌભાંડ, કોલસા કૌભાંડની તપાસ ચાલી રહી છે. ભૂપેશ બઘેલ ભ્રષ્ટ નેતા છે. અટકળો દ્વારા સત્તા મેળવવા માંગે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો એકતરફી હતા અને અમે ચૂંટણી જીત્યા. તેમનું ઈન્ડી ગઠબંધન કોઇ કામનું નથી. મધ્યપ્રદેશમાં પણ મતદારોને મતનું નુકસાન થશે. કોંગ્રેસ વિરુદ્ધ મતદાન થશે. દેવેન્દ્ર તોમરના વાયરલ વીડિયો પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. ઠાકુરે વધુમાં કહ્યું કે હિમાચલ અને કર્ણાટકમાં કોંગ્રેસના વાયદા નિષ્ફળ ગયા છે. ન તો મહિલાઓને પૈસા મળ્યા કે ન દૂધના ભાવ ઘટ્યા. એક હજાર યુવાનોને પણ નોકરી આપી શક્યા નથી. છત્તીસગઢ અને રાજસ્થાન સરકારોએ પણ તેમના વચનો પૂરા કર્યા નથી.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં મતદાનની વચ્ચે સુરક્ષા દળોનો સપાટો, એન્કાઉન્ટરમાં ઘણા નકસલીઓને ઠાર માર્યાં

0

છત્તીસગઢમાં પહેલા તબક્કાના મતદાનની વચ્ચે સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ઘણા નકસલીઓ માર્યા ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. સુકમામાં તાડમેટલા અને ડૂલેદ વચ્ચે સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર છે કોબ્રા ૨૦૬ સૈનિકો સાથે એન્કાઉન્ટર થઈ રહ્યું છે. મિંપામાં મતદાન દળને સુરક્ષા આપવા માટે જંગલોમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અહીં એન્કાઉન્ટર લગભગ ૨૦ મિનિટ સુધી ચાલ્યું હોવાનું સામે આવ્યું છે. આમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે.

બીએસએફ અને ડીઆરજીની એક ટીમ કાંકેર જિલ્લાના બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મતદાન માટે એરિયા વર્ચસ્વ પર નીકળી હતી. આ દરમિયાન પનવાર પાસે ૧ વાગે ડીઆરજી સાથે એન્કાઉન્ટર થયું હતું. ઘટના સ્થળેથી AK-૪૭ મળી આવી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલાક નક્સલવાદીઓ ઘાયલ અથવા મૃત્યુ પામે તેવી સંભાવના છે. બપોરે લગભગ ૧ વાગે પડેડાના દક્ષિણમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 85મી બટાલિયન અને માઓવાદીઓ વચ્ચે થયું હતું, જેઓ મતદાનના દિવસે એરિયા ડોમિનેશન ડ્યુટી પર હતા. આ એન્કાઉન્ટર લગભગ ૫-૧૦ મિનિટ સુધી ચાલ્યું હતું, માઓવાદીઓ ૨-૩ મૃતદેહો લઈને ભાગતા જોવા મળ્યા હતા. તમામ સૈનિકો સુરક્ષિત છે અને આસપાસ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આજથી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે છત્તીસગઢની ૧૦ સીટો પર મતદાન ખતમ થઈ ગયુ છે. બાદમાં ૧૦ બેઠકો માટે મતદાન શરૂ થયું હતું. મિઝોરમમાં એક જ તબક્કામાં તમામ ૪૦ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.ચૂંટણી પંચે મતદાનને કારણે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૬૦ હજાર સુરક્ષા દળોને તૈનાત કરી દીધા છે.

આ પણ વાંચો :-

ભારતીયો ને ઈઝરાઇલમાં રોજગારની ઊજળી તકો, મોત ને પણ એટલુ જોખમ

0

હમાસ-ઇઝરાઇલ યુદ્ધના કારણે વિશ્વમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધતો જાય છે, એવામાં આ યુદ્ધથી ભારતને એક સારી તક મળી શકે છે. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાઇલ સરકાર એક લાખ ભારતીયોને તેના દેશમાં નોકરી આપવાની તૈયારી કરી રહી છે. જો આવું થશે તો ઇઝરાઇલમાં કામ કરનારા પેલેસ્ટાઇની નાગરીકોનું સ્થાન ભારતીય નાગરિક લઇ લેશે.

એક અમેરિકન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાઇલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાઇલ સરકાર પાસે દેશની બાંધકામ કંપનીઓમાં એક લાખ ભારતીયોને નોકરી આપવાની મંજૂરી માંગી છે. જેઓ 90 હજાર પેલેસ્ટિનિયન ગામોમાં કામ કરશે અને કામદારોની જગ્યા લેશે. જોકે આ અંગે હજુ વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. એવા અહેવાલો છે કે, ઇઝરાઇલના બાંધકામ ક્ષેત્રના ૨૫ ટકા કામદારો પેલેસ્ટિનિયન છે.

ઇઝરાઇલ-હમાસ વચ્ચેના યુદ્ધને આજે એક મહિનોપૂર્ણ થયો છે પરંતુ તેનો અંત હજુ સુધી દેખાઈ રહ્યો નથી. આ હુમલામાં આશરે ૧૪૦૦ જેટલા ઇઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા અને ગાઝાનો મૃત્યુઆંક ૧૦ હજારને વટાવી ગયો છે. અત્યાર સુધી બંને તરફથી કુલ ૧૧ હજાર લોકોના મૃત્યુ થયા છે. હમાસે ૨૪૦લોકોને બંધક બનાવી દીધા હતા. ઇઝરાઇલએ હમાસને ખતમ કરવા માટે સોગંદ ખાધી હતી અને જવાબી કાર્યવાહી કરી હતી. તેણે ગાજા પટ્ટી પર અનેક બોમ્બ વસાવ્યા હતા જેમાં અત્યાર સુધી ૯,૫૦૦ જેટલા પેલેસ્ટાઈન વાસીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો :-

વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી શરૂ કરશે ‘ભારત જોડો યાત્રા, જાણો ક્યાંથી થશે શરૂઆત

0

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે ૨૦૨૪માં લોકસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટી કમર કસી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેના માટે ‘ભારત જોડો યાત્રા’ની શરૂઆત કરી હતી અને કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીને તેનો ફાયદો પણ મળ્યો. હવે એવી માહિતી મળી રહી છે કે, રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરી શકે છે.

કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવી શકે છે. રાહુલ ગાંધી આ પહેલા મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ૧૩ નવેમ્બરના રોજ ભોપાલમાં પદયાત્રા કરશે.

વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમોની જો વાત કરીએ તો આવતી કાલે તેઓ છત્તીસગઢના અંબિકાપુરની મુલાકાતે છે. ત્યારબાદ ૯ નવેમ્બરના રોજ તેઓ મધ્ય પ્રદેશના જબલપુરમાં, ૧૦ નવેમ્બરના રોજ સતના અને ૧૩ નવેમ્બરના રોજ ભોપાલમાં કાર્યક્રમ કરશે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત ૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કન્યાકુમારીથી કરી હતી અને ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ કરી હતી. બીજી તરફ ભારત જોડો યાત્રા ૨.૦ની શરૂઆત આ જ વર્ષે ડિસેમ્બર મહિનાથી થઈ શકે છે જે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. એવી પણ માહિતી મળી રહી છે કે, આ યાત્રા છેલ્લી યાત્રા કરતા અલગ હશે. ગત વખતે રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી જ્યારે આ વખતે તેઓ ક્યાંક પગપાળા તો ક્યાંક ગાડીઓ દ્વારા આ યાત્રાને પૂર્ણ કરશે.

આ પણ વાંચો :-

દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ

0

સનાતન ધર્મનો સૌથી મોટો ગણાતો તહેવાર નજીક આવી રહ્યો છે. જે દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાની ખાસ માન્યતા પણ છે, પરંતુ વર્તમાનામાં સૌથી જીવલણ સાબિત થતી પરિસ્થિતિ ગ્લોબલ વોર્નિગ છે. જે વધતા પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા ફોડવા મામલે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા બાબતે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.

પર્યાવરણીય જાળવવાની જવાબદારી એકલી કોર્ટની નથી. લોકોએ પણ વધુ ગંભીર બનવાની જરૂર છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે. તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. રાજ્યોની સરકારોને હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :-

નવસારીમાં કાળ બનીને તૂટી બાલ્કની, ૪૦ વર્ષની મહિલાનું મોત

0

નવસારીમાં કોમ્પલેક્ષની બાલ્કની એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા માળે એક મહિલા ઊભી હતી. જોકે આ જર્જરિત કોમ્પલેક્ષની બાલ્કની તૂટતાં મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નોંધનિય છે કે, નવસારી પાલિકા જર્જરિત બિલ્ડિંગો અને કોમ્પલેક્ષને માત્ર નોટિસ આપીને જ સંતોષ માની રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

નવસારી શહેરના વોર્ડ નં.4માં કમેલા રોડ પર આવેલ જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બની ત્યાં ૪૦ વર્ષીય રઈસાબાનુ રાઈન પહેલા માળે હાજર હતા. આ દરમિયાન બાલ્કની તૂટતાં પહેલા માળેથી નીચે પટકાયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

નવસારીમાં બાલ્કનીમાં ઉભેલી મહીલા નીચે પટકાતા મોત નિપજ્યાં બાદ હવે સામે આવ્યું છે કે, કોમ્પલેક્ષની ચારેય ઇમારતોને અગાઉ પાલીકાએ નોટીસ આપી હતી. જર્જરીત હોવાથી પાલિકા દ્વારા સમારકામની નોટીસ અપાઈ હતી. આ તરફ હવે ઘટના બાદ પાલિકાએ બિલ્ડીંગ ખાલી કરાવવાનું શરુ કર્યું છે. પણ નગરજનોમાં ચર્ચા છે કે, પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે. અગાઉ જર્જરીત થયેલી બે ઈમારતોને તોડી પડાઇ હતી. તો હજુ પણ જર્જરિત બે ઇમારતોમાં લોકો રહે છે. જો હજી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો નવસારીમાં ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો :-