Home Blog Page 86

ઇબોલા વાયરસને લઈને અમદાવાદમાં એલર્ટ, AMCએ શરૂ કરી ખાસ તૈયારી

0

આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ આવેલા 11 લોકોને હાલ તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ તમામ લોકો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ ત્રણ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.

ઇબોલા જેવી ગંભીર ચેપી બીમારીને ધ્યાનમાં રાખીને અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે ખાસ 60 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલ સ્ટાફ અને તંત્રને પણ જરૂરી માર્ગદર્શિકા આપી છે.

ઇબોલા વાયરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થતાં કેન્દ્ર સરકારે પણ સાવચેતી વધારી છે. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત આરોગ્ય નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

રોગના સંક્રમણને રોકવા માટે DGCA અને સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમામ એરલાઇન્સ અને સંબંધિત એજન્સીઓને મુસાફરોની કડક સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

કયા દેશો છે હાઈ-રિસ્કમાં?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનને ‘હાઈ-રિસ્ક’ એટલે કે ઉચ્ચ જોખમવાળા દેશોની શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવાની રહેશે. દિલ્હી એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (APHO) દ્વારા આ અંગેની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

વાયરસના લક્ષણો શું છે?
મુસાફરોએ તાવ, નબળાઈ, થાક, માથાનો દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો જેવા લક્ષણો પર ધ્યાન આપવું પડશે, આ ઉપરાંત ઉલ્ટી, ઝાડા, ગળામાં દુખાવો અને રક્તસ્ત્રાવ પણ ઇબોલાના લક્ષણો હોઈ શકે છે. જો કોઈ મુસાફરમાં આવા લક્ષણો દેખાય, તો તેણે તરત એરપોર્ટ અધિકારીઓને જાણ કરવી જોઈએ.

એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું?
એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફર કોઈ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે એરપોર્ટ હેલ્થ અધિકારીઓને તરત જાણ કરવી અને આગમન પછી 21 દિવસની અંદર તબીબી મદદ લેવી જોઈએ.

મુસાફરો માટે સલાહ
સરકારે મુસાફરોને સલાહ આપી છે કે ભારતમાં આવ્યા બાદ 21 દિવસની અંદર જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય, તો તેઓ તરત ડૉક્ટરની સલાહ લે. ડૉક્ટરને પોતાની તાજેતરની મુસાફરી અંગે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. મુસાફરોને પોતાની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોના પાલન માટે એરપોર્ટ પર થતી આરોગ્ય તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ચૂંટણી પંચને SIR કરવાની સત્તા છે, પ્રક્રિયામાં કોઈ ખામી નથી: સુપ્રીમ કોર્ટ

0

સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે. કોર્ટે કહ્યું કે આ પ્રક્રિયા બંધારણ અને કાયદા અનુસાર છે. સરળ શબ્દોમાં કહીએ તો કોર્ટ માને છે કે SIR કરવું એ ચૂંટણી પંચનો અધિકાર છે અને તે સચોટ અને પારદર્શક મતદાર યાદીઓ જાળવવામાં મદદ કરે છે. તે એક કાયદેસર અને બંધારણીય પ્રક્રિયા છે. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે કાયદા અનુસાર SIR કર્યું હતું અને આ પ્રક્રિયામાં કોઈ ખામીઓ નહોતી. ચૂંટણી પંચએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો નથી.

બિહારમાં ચૂંટણી પંચના મતદાર યાદીઓના ખાસ ઇન્ટેન્સિવ રિવિઝનને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલા બાગચીની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

SIR નાગરિકતા નક્કી કરતું નથી
સુપ્રીમ કોર્ટના મતે ચૂંટણી પંચને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 16 હેઠળ મતદાર યાદીમાં સુધારો અને સુધારો કરવાની સત્તા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેસના વિગતવાર વિશ્લેષણ પછી, તે સ્પષ્ટ છે કે SIR નો હેતુ કાયદેસર અને બંધારણીય રીતે વાજબી છે. કોર્ટના મતે, આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીઓની ચોકસાઈ, સંપૂર્ણતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી નામ ઉમેરવાની કે કાઢી નાખવાની પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાને આધીન છે. કોર્ટના મતદાર યાદીમાંથી જો કોઈ વ્યક્તિની નાગરિકતા પર શંકા હોય, તો ચૂંટણી પંચ તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે તે વ્યક્તિ ભારતીય નાગરિક રહી જતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો ફક્ત મતદાનના અધિકારનો છે, નાગરિકતાના નિર્ધારણનો નહીં.

સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં, ચૂંટણી પંચ વ્યક્તિને યોગ્ય ટ્રિબ્યુનલમાં મોકલી શકે છે. વધુમાં, કોઈપણ કારણોસર મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની બાબતને અંતિમ ગણવામાં આવશે નહીં પરંતુ તે સંબંધિત સત્તાધિકારીના અંતિમ નિર્ણય પર આધાર રાખશે.

સુનાવણી દરમિયાન, કોર્ટે અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ પાસે ચોક્કસપણે મતદાર યાદીમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ આ સત્તા “અમર્યાદિત” હોઈ શકે નહીં. આ પ્રક્રિયા પારદર્શિતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ચૂંટણી પંચ એવા લોકોના કેસોને નાગરિકતા અંગે નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાની અંદર સંબંધિત સત્તાવાળાને મોકલે. કોર્ટે જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળા આવા કેસોમાં નોટિસ જારી કરશે, અસરગ્રસ્ત વ્યક્તિને સુનાવણીની સંપૂર્ણ તક આપશે અને વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં દાવાઓ પર નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો સક્ષમ સત્તાવાળા કોઈ વ્યક્તિને ભારતીય નાગરિક તરીકે માન્યતા આપે છે, તો તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું ફરજિયાત રહેશે.

કઈ અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી?
ગયા વર્ષે SIR ને પડકારતી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં બિન-સરકારી સંસ્થાઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL), તેમજ રાજકીય કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે.

સાંસદો મહુઆ મોઇત્રા, મનોજ ઝા, કે.સી. વેણુગોપાલ, સુપ્રિયા સુલે અને મુજાહિદ આલમે પણ અરજીઓ દાખલ કરી હતી.

આ ઉપરાંત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન સહિત અનેક અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓએ પણ આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારોના મતે SIR પ્રક્રિયાએ હાલના મતદારો પર તેમની નાગરિકતા સાબિત કરવાનો બોજ નાખ્યો, જેના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ જેને તેઓએ “સ્થગિત નાગરિકતા” પ્રણાલી તરીકે વર્ણવી.

SIR પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું મહત્વ
આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે સુધારેલી મતદાર યાદીઓના આધારે પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીઓ થઈ ચૂકી છે. SIR પ્રક્રિયા સૌપ્રથમ જૂન 2025 માં બિહારમાં લાગુ કરવામાં આવી હતી.

આ કવાયત બાદ, મૃત મતદારો સહિત 6 મિલિયનથી વધુ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પહેલા આશરે 9 મિલિયન મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

કચ્છના દરિયામાંથી ₹1000 કરોડનું કોકેઈન જપ્ત, બ્રાઝીલથી આવેલા ડ્રગ્સ કેસમાં ત્રણ ઝડપાયા

ગુજરાતમાં ફરી એકવાર મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. કચ્છના દરિયામાં મુદ્રા પોર્ટ તરફ આવી રહેલી એક બોટમાંથી ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંદાજે ₹1000 કરોડની કિંમતનું કોકેઈન ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એક શખસ દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલુ છે.

ગુજરાતના પોલીસ વડા (DGP)એ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર ઓપરેશનની માહિતી આપતા જણાવ્યું હતું કે મળેલી ગુપ્ત બાતમીના આધારે મુદ્રા તરફ આવી રહેલી બોટ પર નજર રાખવામાં આવી હતી. 25મી તારીખની રાત્રિથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને 26મી તારીખે વહેલી સવારે બોટને ઝડપી લેવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશન ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન બોટમાંથી 6 બેગમાં ભરેલો કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 118 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ₹1000 કરોડ હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યો હતો. આ જથ્થો મોટી કાર્ગો બોટ મારફતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નાની બોટમાં ટ્રાન્સફર કરીને ભારતમાં પહોંચાડવાની યોજના હતી.

તપાસ એજન્સીઓએ બે નાઇજિરિયન નાગરિકોની અટકાયત કરી છે. સાથે જ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા ડ્રગ્સ રિસીવ કરવા આવેલા બે શખસોમાંથી સંબંધિત વ્યક્તિઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ કુલ ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં હોવાનું જણાવાયું છે.

ઝડપાયેલા ઓરીપોના નામ
જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો)
કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો)
બ્યારુહંગા જેમ્સ ( દિલ્હીથી પકડાયો)

તપાસ દરમિયાન બોટમાંથી સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની આશંકા વધુ મજબૂત બની છે. તપાસમાં ખુલ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો દિલ્હીમાં ડિલિવરી માટે મોકલવામાં આવવાનો હતો. જોકે, તે પહેલા જ ગુજરાત ATSએ સમયસર કાર્યવાહી કરીને આ મોટું નશીલા પદાર્થોનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના વધુ કડીઓ સુધી પહોંચી શકાય.

કેરળમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CM પિનરાઈ વિજયન સાથે જોડાયેલા 10 ઠેકાણાઓ પર દરોડા

0

કેરળના રાજકારણમાં ફરી એકવાર ભારે ખળભળાટ મચ્યો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે જોડાયેલા સ્થળો સહિત કુલ 10 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ મામલો માત્ર સામાન્ય નાણાકીય ગેરરીતિનો નથી, પરંતુ તેમાં રાજકીય સત્તા, કોર્પોરેટ જોડાણો અને કરોડોની શંકાસ્પદ લેવડદેવડનું મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ સતત વિજયન પરિવાર પર આક્ષેપો કરી રહ્યો હતો. હવે EDની એન્ટ્રી બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે. ખાસ કરીને પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની IT કંપની ‘એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આરોપ છે કે કંપનીને કોચીન મિનરલ્સ એન્ડ રુટાઇલ લિમિટેડ (CMRL) તરફથી કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ તેના બદલામાં કોઈ સેવા આપવામાં આવી નહોતી.

આ સમગ્ર કેસની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. વર્ષ 2019માં ઇનકમ ટેક્સ વિભાગે CMRLના સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સામે આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2024માં કેન્દ્ર સરકારે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) ને Exalogic Solutions, CMRL અને કેરળ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે જોડાયેલા મામલાની તપાસ સોંપી હતી.

SFIOએ ગયા વર્ષે એપ્રિલમાં વીણા વિજયન વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. તપાસમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2018-19થી સતત ત્રણ વર્ષ સુધી Exalogic કંપનીને કરોડોની ચૂકવણી કરવામાં આવી, પરંતુ કંપનીએ વાસ્તવમાં કોઈ સેવા પૂરી પાડી નહોતી.

EDએ મની લોન્ડરિંગ કેસ નોંધ્યો
માર્ચ 2025માં EDએ આ સમગ્ર મામલે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ હવે તપાસને વધુ વેગ આપતા રાજ્યના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. કેરળના રાજકારણમાં આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ કેસ વધુ મોટા ખુલાસા કરી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

ફ્રાન્સમાં મહિલાને 487 પુરુષો પાસે મોકલનાર પૂર્વ પ્રેમીને 25 વર્ષની જેલ સજા

ફ્રાન્સમાં એક હચમચાવી નાખે એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર સાત વર્ષ સુધી માનસિક અને શારીરિક યાતનાઓ આપવાનો તેમજ દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે આરોપીએ તેને ઓનલાઈન મળેલા અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. 42 વર્ષીય મહિલાના જણાવ્યા અનુસાર, ગિલૌમ બકી નામના તેના પૂર્વ પ્રેમીએ વર્ષો સુધી તેના પર માનસિક રીતે કાબૂ જમાવ્યો હતો.

મહિલાના જણાવ્યા મુજબ, વર્ષ 2015થી 2022 દરમિયાન આરોપીએ તેને પોતાના વશમાં રાખવા માટે ‘સેડોમાસોકિસ્ટિક’ પ્રકારની હિંસક અને અશ્લીલ પ્રવૃત્તિઓમાં ધકેલી હતી. શરૂઆતમાં મહિલાને લાગ્યું હતું કે આ સામાન્યથી અલગ પ્રકારનો સંબંધ હશે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે યૌન શોષણ અને હિંસાનો ભોગ બની રહી છે. મહિલાએ જણાવ્યું કે જો તે સંબંધ તોડી દેવાનો પ્રયાસ કરતી તો આરોપી તેના અંગત વીડિયો જાહેર કરવાની ધમકી આપતો હતો.

આરોપીએ અનેક ગંભીર કૃત્યો કબૂલ્યા
આરોપી ગિલૌમ બકીએ ગળું દબાવવું, શરીર દાઝાવવું અને અન્ય અમાનવીય કૃત્યો કર્યા હોવાની વાત સ્વીકારી છે. જોકે, તેણે દાવો કર્યો કે આ બધું બંનેની સહમતિથી થતું હતું અને તેને લાગતું નહોતું કે તે મહિલાને નુકસાન પહોંચાડી રહ્યો હતો.

આ સિવાય આરોપીએ મહિલાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યાની વાત પણ કબૂલી હતી. તેણે સ્વીકાર્યું કે મહિલાને મિત્રો, સહકર્મીઓ અને અજાણ્યા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મહિલાએ અદાલતમાં જણાવ્યું કે, “487 પુરુષોએ મારી સાથે દુષ્કર્મ કર્યું હતું.”

અદાલતે 25 વર્ષની જેલની સજા ફટકારી
ચાર બાળકોની માતા બનેલી પીડિતાએ જણાવ્યું કે શરૂઆતમાં અત્યાચાર ધીમે ધીમે શરૂ થયો હતો. પહેલા તેને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ અદાલતમાં કહ્યું, “મને લાગતું હતું કે હું અંદરથી સંપૂર્ણ રીતે તૂટી રહી છું.” સતત થયેલા અત્યાચારના કારણે હવે તે ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે.

અભિયોજન પક્ષે આરોપીને આજીવન કેદની સજા આપવાની માંગ કરી હતી જેથી તે ભવિષ્યમાં બીજી કોઈ મહિલા સામે આવા ગુનાઓ ન કરી શકે. જોકે, અદાલતે ગિલૌમ બકીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. અદાલતે કહ્યું છે કે સજાનો ઓછામાં ઓછો બે તૃતિયાંશ સમય પૂર્ણ કર્યા બાદ જ તેને પેરોલ માટે પાત્ર ગણવામાં આવશે.

2013ના દુષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટથી રાહત નહીં, આજીવન કેદની સજા યથાવત

0

સ્વયંઘોષિત ધર્મગુરુ આસારામને 2013ના દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. રાજસ્થાન હાઈકોર્ટે તેમના આશ્રમમાં મહિલાના દુષ્કર્મ કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી છે. જોકે, આ જ કેસમાં સહ-આરોપી તરીકે સામેલ બે આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે.

માહિતી મુજબ, 2013માં આસારામના આશ્રમમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો હતો. આ મામલે જોધપુરની સ્પેશિયલ POCSO કોર્ટે એપ્રિલ 2018માં આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

ત્યારે આસારામને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2)(f), 376D, 370(4), 342, 506 અને 120B હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સાથે જ POCSO એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ પણ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

હવે રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ આસારામની સજા યથાવત રાખી છે. જોકે ગેંગ રેપ અને આપરાધિક ષડયંત્ર સંબંધિત કેટલાક આરોપોને લઈને અલગ નિર્ણય નોંધાયો છે. સાથે જ POCSO એક્ટ હેઠળની દોષિત ઠરાવવાની બાબતમાં પણ ફેરફાર નોંધાયો છે.

આ કેસમાં સહ-આરોપી શરદ અને શિલ્પીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. બંને પર આરોપ હતો કે તેમણે પીડિતાની આસારામ સાથે મુલાકાત કરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને આપરાધિક ષડયંત્રમાં સામેલ હતા. અગાઉ તેમને 20 વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી.

મોંઘવારીનો વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ અદાણી CNGના ભાવમાં પણ વધારો

0

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા થયો છે. 16 મેના રોજ પણ 2.25 રૂપિયાનો વધારો કરાયો હતો. 2026માં સીએનજીમાં 8.6 રૂપિયાનો વધારો થયો છે.

મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ..

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

  • દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
  • નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
  • ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
  • મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
  • કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
  • ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
  • બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
  • હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
  • ગુજરાત: ₹88.02 પ્રતિ કિલો
  • પુણે: ₹92.50 પ્રતિ કિલો

આજે 26 મેના રોજ ૨ રૂપિયાના વધારા પહેલા, 23 મે, શનિવારના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો થયો હતો. શરૂઆતમાં કિંમત ₹80.૦9હતી, જે હવે વધીને ₹81.09 થઈ ગઈ છે. એ નોંધવું જોઈએ કે મે મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવ ચાર વખત વધ્યા છે.

આ સતત વધતા ભાવ પાછળના કારણોને સમજવું મહત્વપૂર્ણ છે. ગેસ વિતરણ કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળોને કારણભૂત ગણાવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલરના મજબૂત થવાથી પરિસ્થિતિ જટિલ બની છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધે છે. આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક બજારમાં છૂટક ભાવ પર પડી છે. આ જ કારણ છે કે કંપનીને તેના વધતા ખર્ચને સરભર કરવા માટે વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી રહી છે.

દેશભરમાં ગરમીનો હાહાકાર, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

0

ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. બે ડઝનથી વધુ શહેરોમાં તાપમાન 44થી 48 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન આકરી લૂ અને રાત્રે પણ ઊંચા તાપમાનને કારણે જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ 30 ડિગ્રીથી નીચે ન જતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે અલ નીનોની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

બાંદા અને બ્રહ્મપુરીમાં 47 ડિગ્રીથી વધુ તાપમાન
ઉત્તર પ્રદેશના બાંદા અને મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં તાપમાન 47.6 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઓનલાઈન વેધર પ્લેટફોર્મ્સ અનુસાર અહીં અનુભવાતું તાપમાન 48 ડિગ્રીથી પણ વધુ હતું. એર મોનિટરિંગ પ્લેટફોર્મ AQI ના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશનું ઈટાવા 48 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, હમીરપુર, આગ્રા અને ઓરાઈ સહિતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું હતું. હવામાન વિભાગ અનુસાર 45 ડિગ્રીથી વધુ તાપમાન હીટવેવની સ્થિતિ ગણાય છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો કહેર
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ ભારે ગરમીનો માહોલ રહ્યો હતો. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના ઓછામાં ઓછા 20 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોનું જીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે હરિયાણાના સિરસામાં 46 ડિગ્રી અને રાજસ્થાનના અલ્વરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની ચેતવણી આપી છે.

અલ નીનોની અસરથી ખેડૂતોમાં ચિંતા
યુરોપમાં ભારે ગરમી ફેલાવ્યા બાદ હવે અલ નીનોની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. બદલાતા વેધર પેટર્નને કારણે તાપમાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોના કૃષિ વિભાગોને ખરીફ પાકોને અલ નીનોની અસરથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ખાસ કરીને ચોખા, અનાજ અને મકાઈના પાક પર સૌથી વધુ જોખમ ઉભું થયું છે. જો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે તો ઉભો પાક બળી જવાની ભીતિ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે બીજ ભંડાર અને જળ વ્યવસ્થાપન જેવી યોજનાઓ અમલમાં મૂકવા તાકીદ કરવામાં આવી છે. જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ચીનનો દબદબો ઘટાડવા ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ખનિજ કરાર, ભારતને મળશે મોટો ફાયદો

0

ભારત અને અમેરિકાએ મંગળવારે મહત્વપૂર્ણ ખનિજોનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુથી સહકાર માટે એક મુખ્ય માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ભારત અને અમેરિકા દ્વારા આ પગલું વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ સામગ્રી, દુર્લભ પૃથ્વી તત્વો અને વ્યૂહાત્મક ધાતુઓ પર ચીનના નિકાસ નિયંત્રણો અંગે વધતી ચિંતાઓ વચ્ચે આવ્યું છે.

ક્વાડ સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન મહત્વપૂર્ણ ખનિજોનો પુરવઠો, ખાસ કરીને તેમના ખાણકામ અને પ્રક્રિયા સંબંધિત સુનિશ્ચિત કરવા માટે એક માળખા પર નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની હાજરીમાં બોલતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “આ એક સમયસર અને મહત્વપૂર્ણ પગલું છે.”

ફ્રેમવર્ક શા માટે મહત્વપૂર્ણ છે જયશંકર જણાવ્યું
એસ જયશંકરે કહ્યું કે, “આ માળખાનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ પૃથ્વી સપ્લાય ચેઇનના સમગ્ર સ્પેક્ટ્રમમાં અમારા સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે, જેમાં ખાણકામ, પ્રક્રિયા, રિસાયક્લિંગ અને સંબંધિત રોકાણોનો સમાવેશ થાય છે.”

વિદેશ મંત્રીએ જણાવ્યું કે આ માળખું સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવશે, પ્રોજેક્ટ્સના ધિરાણને સરળ બનાવશે અને મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ ધાતુઓના અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું, “આ પડકારો અને તકો બંનેથી ભરેલી દુનિયામાં આપણા સહયોગની ઊંડાઈનો બીજો પુરાવો છે.”

તેમના સંબોધનમાં, રુબિયોએ યુએસ અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો, બંને રાષ્ટ્રોના રાષ્ટ્રીય હિત માટે તેના મહત્વપૂર્ણ મહત્વ પર ભાર મૂક્યો. કરાર પર હસ્તાક્ષરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.”

‘પેક્સ સિલિકા’ પહેલનો સંદર્ભ
માર્કો રુબિયોએ જણાવ્યું, “આપણે બે રાષ્ટ્રો છીએ જેમના વ્યૂહાત્મક હિતો આપણા નવીનતા-સંચાલિત અર્થતંત્રો માટે આવશ્યક મહત્વપૂર્ણ ખનિજો અને પુરવઠા શૃંખલાઓની વિશ્વસનીય, લાંબા ગાળાની પહોંચ સુનિશ્ચિત કરવામાં રહેલ છે.” તેમણે યુએસ સમર્થિત ‘પેક્સ સિલિકા’ પહેલનો પણ ઉલ્લેખ કર્યો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું, “તેનો પાયો 4 ફેબ્રુઆરીએ નાખવામાં આવ્યો હતો જ્યારે તમે વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ‘ક્રિટીકલ મિનરલ્સ ફોરમ’માં અમારી સાથે જોડાયા હતા.” તેમણે કહ્યું કે ભારતે ‘પેક્સ સિલિકા’ પર હસ્તાક્ષર કર્યા પછી તેને વેગ મળ્યો.

ગીરના જંગલમાં 5 સિંહોના રહસ્યમય મોતથી ચકચાર, વન વિભાગ કારણ શોધવામાં વ્યસ્ત

0

એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓને નિરાશ કરતા માઠા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી 3 બાળ સિંહ અને અન્ય 2 પુખ્ત સિંહના મૃતદેહ મળી આવ્યા છે, જેના કારણે વનવિભાગમાં દોડધામ અને ખળભળાટ મચી ગયો છે.

ભેદી સંજોગોમાં સિંહોના મોતથી ખળભળાટ
તાજેતરમાં જ આ રીતે 5 સિંહોના ભેદી સંજોગોમાં મોત નિપજતા ગીર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક સાથે પાંચ સિંહોના મોત થતાં તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ ભેદી મોત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશુ તબીબોએ આ મોત પાછળ ‘બેબેસીયા’ નામનો જીવલેણ રોગચાળો જવાબદાર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરી છે.