ફ્રાન્સમાં એક હચમચાવી નાખે એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર સાત વર્ષ સુધી માનસિક અને શારીરિક યાતનાઓ આપવાનો તેમજ દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે આરોપીએ તેને ઓનલાઈન મળેલા અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. 42 વર્ષીય મહિલાના જણાવ્યા અનુસાર, ગિલૌમ બકી નામના તેના પૂર્વ પ્રેમીએ વર્ષો સુધી તેના પર માનસિક રીતે કાબૂ જમાવ્યો હતો.
મહિલાના જણાવ્યા મુજબ, વર્ષ 2015થી 2022 દરમિયાન આરોપીએ તેને પોતાના વશમાં રાખવા માટે ‘સેડોમાસોકિસ્ટિક’ પ્રકારની હિંસક અને અશ્લીલ પ્રવૃત્તિઓમાં ધકેલી હતી. શરૂઆતમાં મહિલાને લાગ્યું હતું કે આ સામાન્યથી અલગ પ્રકારનો સંબંધ હશે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે યૌન શોષણ અને હિંસાનો ભોગ બની રહી છે. મહિલાએ જણાવ્યું કે જો તે સંબંધ તોડી દેવાનો પ્રયાસ કરતી તો આરોપી તેના અંગત વીડિયો જાહેર કરવાની ધમકી આપતો હતો.
આરોપીએ અનેક ગંભીર કૃત્યો કબૂલ્યા
આરોપી ગિલૌમ બકીએ ગળું દબાવવું, શરીર દાઝાવવું અને અન્ય અમાનવીય કૃત્યો કર્યા હોવાની વાત સ્વીકારી છે. જોકે, તેણે દાવો કર્યો કે આ બધું બંનેની સહમતિથી થતું હતું અને તેને લાગતું નહોતું કે તે મહિલાને નુકસાન પહોંચાડી રહ્યો હતો.
આ સિવાય આરોપીએ મહિલાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યાની વાત પણ કબૂલી હતી. તેણે સ્વીકાર્યું કે મહિલાને મિત્રો, સહકર્મીઓ અને અજાણ્યા લોકો સુધી પહોંચાડવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મહિલાએ અદાલતમાં જણાવ્યું કે, “487 પુરુષોએ મારી સાથે દુષ્કર્મ કર્યું હતું.”
અદાલતે 25 વર્ષની જેલની સજા ફટકારી
ચાર બાળકોની માતા બનેલી પીડિતાએ જણાવ્યું કે શરૂઆતમાં અત્યાચાર ધીમે ધીમે શરૂ થયો હતો. પહેલા તેને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ અદાલતમાં કહ્યું, “મને લાગતું હતું કે હું અંદરથી સંપૂર્ણ રીતે તૂટી રહી છું.” સતત થયેલા અત્યાચારના કારણે હવે તે ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહી છે.
અભિયોજન પક્ષે આરોપીને આજીવન કેદની સજા આપવાની માંગ કરી હતી જેથી તે ભવિષ્યમાં બીજી કોઈ મહિલા સામે આવા ગુનાઓ ન કરી શકે. જોકે, અદાલતે ગિલૌમ બકીને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. અદાલતે કહ્યું છે કે સજાનો ઓછામાં ઓછો બે તૃતિયાંશ સમય પૂર્ણ કર્યા બાદ જ તેને પેરોલ માટે પાત્ર ગણવામાં આવશે.