Home Blog Page 67

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને એકસાથે નુકસાન

0

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભારે તોફાન અને વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના ટાળી. રવિવારે તોફાન અને વરસાદ દરમિયાન એર ઇન્ડિયાના ત્રણ વિમાનોને એકસાથે નુકસાન થયું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો અચાનક ખસી જવાને કારણે આ અકસ્માત થયો હતો.

એર ઇન્ડિયા એન્જિનિયરિંગ અને ઇન્ડિગોના ગ્રાઉન્ડ સાધનો જોરદાર પવન અને વરસાદને કારણે ખસી ગયા હતા અને ટર્મિનલ 2 પર પાર્ક કરેલા એર ઇન્ડિયાના નેરો-બોડી વિમાનો સાથે અથડાયા હતા. દિલ્હી એરપોર્ટ પર અકસ્માતમાં ત્રણેય વિમાનોને નુકસાન થયું હતું, અને તેમને તાત્કાલિક સેવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

હવામાનમાં અચાનક ફેરફાર
એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાનમાં અચાનક ફેરફાર અંગે તેમને કોઈ પૂર્વ ચેતવણી મળી ન હતી. એર ઇન્ડિયાએ આ ઘટના પર સત્તાવાર રીતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ગુજરાતમાં બદલાશે વાતાવરણનો મિજાજ: ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં ગરમીના કારણે લોકો ત્રાસી રહ્યાં છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે, જેથી અરબ સમુદ્રમાંથી ભેજવાળા પવન ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને નવસારી સાથે સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં પણ આજે ભારે પવન પણ ફુંકાઈ શકે છે. ગીર સોમનાથ અને દીવમાં પણ દરિયાઈ ભેજવાળા પવનો આવી શકે છે. આ સાથે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

સિનેજગતમાં શોક: અભિનેતા સલિમ કુમારનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારના અંતિમ સંસ્કાર રવિવારે કેરળના એર્નાકુલમ જિલ્લાના ઉત્તર પરાવુર સ્થિત તેમના નિવાસસ્થાને રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરિવારના સભ્યો, સાથી કલાકારો, રાજકારણીઓ અને ચાહકો હાજર હતા. આ દુઃખના સમયમાં, અભિનેતાના મોટા પુત્ર ચંદુએ સંયમ ગુમાવ્યો અને પાપારાઝી પર પ્રહાર કર્યો. અંતિમ સંસ્કાર દરમિયાનનો ચંદુ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ચંદુ પાપારાઝીઓની ભીડ પર ગુસ્સે થતો જોવા મળે છે. તેણે તેમને પાછળ હટવા અને પરિવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે જગ્યા આપવા કહ્યું, જ્યારે પરિવારના સભ્ય અને અન્ય મિત્ર અભિનેતાને શ્રદ્ધાંજલી આપવા તેમના ઘરે જમા થયા તો પાપારાઝીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. મીરા જાસ્મીન અને સંદીપ પ્રદીપ જેવા સ્ટાર્સ સહિત મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો સલીમ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

સલીમ કુમારના નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો
કોમેડી અને કેરેક્ટર રોલમાં પોતાની શાનદાર ભૂમિકાઓમાં તેમના શાનદાર અભિનય માટે પ્રખ્યાત, સલીમ કુમાર મલચાલમ સિનેમાના સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક હતા. તેમના નિધનથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના પ્રશંસકોએ એક એવા કલાકારને ગુમાવી દીધા રહ્યા છે, જેમના સિનેમામાં યોગદાનને અનેક પુરસ્કારો મળ્યા હતા. સલીમ કુમારે ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું અને 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. શરૂઆતમાં તેમણે તેમની કોમિક ભૂમિકાઓ માટે ખ્યાતિ મેળવી અને બાદમાં ઈમોશનલ પાત્રોમાં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે પ્રશંસા મેળવી.

જયપુરમાં તણાવ વચ્ચે કલમ 163 લાગુ: ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, ઈન્ટરનેટ સેવા બંધ

0

પિંક સિટી જયપુરમાં આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી એકવાર ગર્જવા જઈ રહ્યું છે. માલવીય નગરના નંદપુરી અંડરપાસ પાસે રસ્તાને 80 ફૂટ પહોળો કરવા માટે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા એક મોટું બુલડોઝર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મોટા ઓપરેશન અંતર્ગ 5 ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી કરવામાં આવશે.

કલમ ૧૬૩ લાગુ, લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ
જે 5 ધાર્મિક સ્થળો સામે આ કાર્યવાહી થવાની છે, તેમાં એક મસ્જિદ, એક મઝાર, એક સત્સંગ ભવન અને બે મંદિરોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધાર્મિક સ્થળોને હટાવવાની સંવેદનશીલ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે સમગ્ર વિસ્તારમાં કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે.. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ સાથે જ વહીવટી તંત્રએ માલવીય નગરના આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

અફવાઓ રોકવા ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ
આ એક્શનને કારણે શહેરમાં કોઈ કોમી તણાવ કે અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ટીમને એક્ટિવ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આગોતરા પગલાં પણ લેવામાં આવ્યાં છે. જયપુર નોર્થ અને ઈસ્ટ પોલીસ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક માટે એટલે કે 9 જૂનની રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ આધારિત મેસેજિંગ સેવાઓ અને બલ્ક SMS પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા તમામ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કામચલાઉ ધોરણે બંધ રહેશે.

આ પ્રતિબંધોમાંથી માત્ર સરકારી ઇમરજન્સી સેવાઓ અને વોઇસ કોલિંગ (સામાન્ય ફોન કોલ્સ) ને જ મુક્તિ આપવામાં આવી છે. બુલડોઝર એક્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે જયપુર પોલીસ કમિશનરેટ એલર્ટ મોડ પર છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર શહેરમાં 3,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. JDAની માંગ પર રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી (RAC) ની 12 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, આખા વિસ્તારમાં સ્થિતિ પર કાબૂ રાખવા માટે ડ્રોન કેમેરા અને CCTV નેટવર્ક દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

શા માટે કરવામાં આવી રહી છે આ કાર્યવાહી?
હાલમાં જે રોડ પર આ બાંધકામો આવેલા છે તેની વાસ્તવિક પહોળાઈ માત્ર 25 થી 30 ફૂટ જ છે, પરંતુ સરકારી રેકોર્ડ અને માસ્ટર પ્લાન મુજબ આ રસ્તો 80 ફૂટ પહોળો નોંધાયેલો છે. રસ્તાની બંને બાજુએ વર્ષોથી ગેરકાયદેસર મકાનો અને ઇમારતો બની ગઈ હતી, જેને હવે તંત્ર હટાવી રહ્યું છે. નંદપુરી અંડરપાસથી જગતપુરાને જોડતો આ આશરે દોઢ કિલોમીટર લાંબો રસ્તો છ મુખ્ય વસાહતો (કોલોનીઓ) ની વચ્ચેથી પસાર થાય છે. આ રસ્તો પહોળો થવાથી હરે ક્રિષ્ણા રોડ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને નંદપુરીથી જગતપુરા સુધીનો સીધો રૂટ શરૂ થઈ જશે. આ રોડ વાઈડનિંગ પ્રોજેક્ટથી આસપાસની લગભગ 50 કોલોનીઓને માલવીય નગર, પ્રધાન માર્ગ અને એપેક્સ સર્કલ તરફ જવામાં ઉત્તમ કનેક્ટિવિટી મળશે.

વિસનગરમાં ભાજપ નેતા દીપક મોદીનો આપઘાત, ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

0

વિસનગરના વોર્ડ નંબર-1ના ભાજપ નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. તેઓ કાંસા એન.એ. વિસ્તારની ગણેશનગર સોસાયટીમાં રહેતા હતા. આ ઘટનામાં ટ્રેન નીચે આવી જવાથી તેમના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા.

વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક માહિતી મુજબ, દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.

દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા. તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના પરિચિતો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

હાલ પોલીસે પંચનામુ કરી લાશને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે. જેની જાણ થતાં ભાજપના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

દીપકભાઈ મોદી મૂળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય તરીકે જોડાયેલા હતા અને સેવાભાવી સ્વભાવ ધરાવતા હતા. તેઓ મહિલા સખી મંડળ અને ગૃહ ઉદ્યોગના સંચાલન સાથે જોડાઈને મહિલા સશક્તિકરણ તેમજ સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની ભારતીબેન મોદી (જેઓ કાંસા એન.એ. પંચાયતમાં સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે) ઉપરાંત એક દીકરી અને બે દીકરા એમ કુલ ત્રણ સંતાનો છે.

ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા
આ આપઘાતની ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, પરિચિતો અને ટેકેદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ દુઃખદ સમાચાર મળતા જ સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના તાલુકા અને શહેર પ્રમુખ, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો શોકાતુર હૃદયે ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, દીપકભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ફિલિપાઈન્સમાં 7.8 તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, દરિયાકાંઠાના સુનામીનું એલર્ટ

સોમવારે સવારે ફિલિપાઇન્સના દક્ષિણ પ્રદેશ મિંડાનાઓમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે લોકો ગભરાટમાં મુકાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી, જેના કારણે ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. વીજળી ગુલ થઈ ગઈ હોવાના અને લોકો સલામત સ્થળે ઘર છોડીને ભાગી ગયા હોવાના અહેવાલો છે. જોકે, કોઈ મોટું નુકસાન કે જાનહાનિની ​​સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ ટાપુ પર જનરલ સેન્ટોસ સિટીથી લગભગ 13 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતું. ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 7:37 વાગ્યે આવ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રદેશમાં જોરદાર આંચકા અનુભવાયા હતા.

સુનામીનો ભય, ઊંચા મોજાની ચેતવણી
ભૂકંપ પછી તરત જ, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ સંભવિત સુનામી ચેતવણી જારી કરી હતી. ઇન્ડોનેશિયાની ભૂ-ભૌતિક એજન્સીએ તેના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી પણ જારી કરી હતી.

ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS) એ ચેતવણી આપી હતી કે અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ભરતીના સ્તરથી એક મીટરથી વધુ મોજા આવી શકે છે. આ મોજાઓની અસર ઘણા કલાકો સુધી રહી શકે છે.

લોકોને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી
ફિલિપાઇન ભૂકંપ સંસ્થાના વડા ટેરેસિટો બાકોલકોલે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ અથવા ઊંચી જમીન પર સ્થળાંતર કરવાની સલાહ આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને બચાવ ટીમોને એલર્ટ કરવામાં આવી છે.

ઘણા દેશોમાં ભૂકંપ અનુભવાયા
ભૂકંપના આંચકા ફક્ત ફિલિપાઇન્સ પૂરતા મર્યાદિત ન હતા. ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને ઉત્તર માલુકુ પ્રાંતોમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત, તાઇવાન, જાપાન, ગુઆમ, પાપુઆ ન્યુ ગિની અને પશ્ચિમ પેસિફિકના કેટલાક ટાપુ દેશોમાં હળવા આંચકા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભૂકંપ આટલા વારંવાર કેમ આવે છે?
એ નોંધનીય છે કે ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા બંને વિશ્વના સૌથી વધુ ભૂકંપ-સંભવિત પ્રદેશોમાંના એક છે. આ દેશો “પેસિફિક રિંગ ઓફ ફાયર” નામના ભૂસ્તરશાસ્ત્રીય ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં અનેક ટેક્ટોનિક પ્લેટો અથડાય છે.

આ જ કારણ છે કે અહીં મોટા ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવા અને સુનામી જેવી કુદરતી આફતો વારંવાર જોવા મળે છે. વધુમાં, દેશ દર વર્ષે આશરે 20 તોફાનો અને વાવાઝોડાનો સામનો કરે છે.

સુરતમાં ETP ટેન્કમાં સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના: ઝેરી ગેસના કારણે 4 શ્રમિકોના મોત

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ખાતે અંડરગ્રાઉન્ડ ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટેન્ક ચેમ્બરની સફાઈ માટે ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરથી મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે શ્રમિકો ટેન્કમાં જમા થયેલા સ્લજ (કાદવ અને કચરો)ની સફાઈ માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. દરમિયાન ચેમ્બરમાં ભરાયેલી કોઈ અજ્ઞાત ઝેરી ગેસની અસર થતા ચારેય શ્રમિકો બેભાન થઈ ગયા અને અંદર જ ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં સવારે 10:22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓક્સિજન કીટની મદદથી ચારેય શ્રમિકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગે માહિતી આપતા ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવેએ જણાવ્યું હતું કે શરૂઆતમાં એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયો હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્થળ પર પહોંચતા ચાર લોકો અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

પ્રાથમિક તપાસમાં સુરક્ષા સાધનોના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તાર ઔદ્યોગિક મિલકત હેઠળ આવે છે અને તેમાં ફેક્ટરી એક્ટના નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવશે.

ETP (Effluent Treatment Plant) એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની વ્યવસ્થા છે, જેમાંથી નીકળતા રસાયણો અને ઝેરી તત્વોને દૂર કરીને પાણીને પર્યાવરણ માટે સુરક્ષિત બનાવવામાં આવે છે.હાલ પોલીસે અને સંબંધિત વિભાગોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

અમેરિકાની H-1B વિઝા પોલિસીમાં ફેરફારના સંકેત, ભારતીયો માટે વધશે પડકારો?

યુએસ કોંગ્રેસમાં H-1B વિઝા કાર્યક્રમમાં મોટા ફેરફારોની માંગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં ભરતીના નિયમો કડક બનાવવા અને લઘુત્તમ પગાર મર્યાદા વધારવાનો સમાવેશ થાય છે. જો તે લાગુ કરવામાં આવે તો, તે ભારતીય IT અને ટેકનોલોજી વ્યાવસાયિકો પર સૌથી વધુ અસર કરી શકે છે.

ટેક્સાસના રિપબ્લિકન કોંગ્રેસમેન ચિપ રોયે ગુરુવારે “અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ ઓફ 2026” રજૂ કર્યો. રોયે કહ્યું કે H-1B વિઝાનો 40 વર્ષથી દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કંપનીઓ અમેરિકન STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) વ્યાવસાયિકોને અન્ય દેશોના સસ્તા વિદેશી કામદારોથી બદલી રહી છે. આ બિલ એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યું છે.

આ બિલમાં સૌથી વિવાદાસ્પદ આવશ્યકતા એ છે કે H-1B વિઝા ધારકોએ સાબિત કરવું પડશે કે તેમની પાસે યુએસની બહાર કાયમી રહેઠાણ છે અને તેઓ તેને છોડી દેશે નહીં.

ડ્યુઅલ ઇન્ટેન્ટ સિસ્ટમ સમાપ્ત થશે
ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નિયમ H-1B વિઝા હેઠળ જૂની ડ્યુઅલ ઇન્ટેન્ટ સિસ્ટમનો અંત લાવશે. અત્યાર સુધી H-1B વિઝા ધારકો યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરતી વખતે ગ્રીન કાર્ડ (કાયમી રહેઠાણ) માટે પણ અરજી કરી શકતા હતા.

વધુમાં, H-1B કર્મચારીને નોકરી પર રાખતા પહેલા, કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેમને લાયક અમેરિકન વ્યાવસાયિકો મળ્યા નથી. કંપનીઓએ સરકારી પોર્ટલ પર નોકરીની જાહેરાત કરવી પડશે. જો કોઈ અમેરિકન વ્યક્તિ વિદેશી વ્યાવસાયિક કરતાં સમાન અથવા વધુ લાયકાત ધરાવે છે, તો તેમને પહેલા નોકરી ઓફર કરવી પડશે.

આ બિલ એવી જોગવાઈઓને પણ દૂર કરશે જે હાલમાં ગ્રીન કાર્ડ પ્રક્રિયા પેન્ડિંગ હોય ત્યારે H-1B વિઝા ધારકોને તેમના વિઝા લંબાવવાની મંજૂરી આપે છે. તે H-1B વિઝાની મહત્તમ અવધિ છથી ઘટાડીને બે વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. એરિઝોનાના રિપબ્લિકન કોંગ્રેસમેન એલી ક્રેન આ બિલના સહ-પ્રાયોજક છે.

આનાથી નિઃશંકપણે H-1B વિઝા પર યુએસમાં રહેતા ભારતીયોમાં ચિંતા વધી છે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે સરકાર તમામ કિસ્સાઓમાં વિઝા કાયદા સમાન રીતે લાગુ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે આ પગલાથી ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું નથી.

જંતર-મંતર પર CJPના આંદોલનમાં નવો વળાંક, હિટ સ્પ્રે સાથે આવેલા વ્યક્તિએ કર્યા મોટા ખુલાસા

0

નવી દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો. પ્રદર્શન સ્થળની બહાર એક વ્યક્તિ હાથમાં ‘હિટ’ સ્પ્રે લઈને પહોંચ્યો હતો. તેણે કોકરોચની તસવીર પર સ્પ્રે છાંટતા CJP અને તેના સમર્થકો પર નિશાન સાધ્યું હતું.

તે વ્યક્તિએ દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર સંગઠનના કરોડો સમર્થકો હોવાની વાત કરવામાં આવે છે, પરંતુ વિરોધ સ્થળ પર ખૂબ ઓછા લોકો દેખાય છે. તેણે સવાલ ઉઠાવતા કહ્યું કે, “બે કરોડ ફોલોઅર્સ હોવાનો દાવો કરનારા લોકો આખરે ક્યાં છે?”
વધુ શોધો

ભારતને નેપાળ કે બાંગ્લાદેશ બનવા નહીં દઈએ
વિરોધ કરી રહેલા વ્યક્તિએ આરોપ લગાવ્યો કે આ આંદોલન દેશને ખોટી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે કહ્યું કે તે નથી ઇચ્છતો કે ભારતમાં નેપાળ અથવા બાંગ્લાદેશ જેવી સ્થિતિ થાય. તેની સાથે હાજર અન્ય લોકોએ પણ આ પ્રદર્શનને ફ્લોપ અને પૂર્વ આયોજિત કાર્યક્રમ” ગણાવ્યો. જોકે, તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો કોઈ રાજકીય પક્ષ, ભાજપ અથવા અન્ય કોઈ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.

બંને પક્ષો આમને-સામને આવ્યા
પરિસ્થિતિ ત્યારે વધુ ગરમાઈ ગઈ જ્યારે પ્રદર્શનનો વિરોધ કરી રહેલા લોકોની સામે CJPના સમર્થકો પણ પહોંચી ગયા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો. બંને તરફથી એકબીજાના દાવાઓ અને હેતુઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા. જોકે, સ્થળ પર હાજર પોલીસ અને સુરક્ષા કર્મીઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સતર્ક હતા.

પ્રદર્શનકારીઓએ સરકાર પર લગાવ્યા આરોપ
CJPના સમર્થકોનું કહેવું છે કે તેમનું આંદોલન વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને છે. પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે સરકાર બાળકો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલીને લગતા મુદ્દાઓ અંગેની તેમની માંગણીઓને ગંભીરતાથી લેવી જોઈએ.

જંતર-મંતર પર CJPનું પ્રદર્શન શરૂ
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સભ્યોએ શનિવારે જંતર-મંતર ખાતે પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ પ્રદર્શનનું નેતૃત્વ સંગઠનના સ્થાપક અભિજીત દીપકે કરી રહ્યા છે. આ પહેલાં CJPએ દાવો કર્યો હતો કે તેમને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

દિલ્હીમાં સુરક્ષાનો વ્યાપક બંદોબસ્ત
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોની તૈનાતીમાં વધારો કરવામાં આવ્યો છે. મધ્ય દિલ્હી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મુખ્ય રેલવે સ્ટેશનો, આંતરરાજ્ય બસ ટર્મિનલો તેમજ દિલ્હી સાથે જોડાયેલા સરહદી પ્રવેશ સ્થળો પર વધારાના સુરક્ષા દળો ગોઠવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની અંદાજે 40 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, અધિક નાયબ પોલીસ કમિશનર અને સહાયક નાયબ પોલીસ કમિશનરને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે અને સમગ્ર ઘટનાક્રમ પર પોલીસ સતત નજર રાખી રહી છે.

જંતર-મંતર પર CJPનો હલ્લાબોલ: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગે તેજ થયું આંદોલન

0

લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક શનિવારે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા અને CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. NEET પેપર લીક, CBSE મૂલ્યાંકન વિવાદ અને અન્ય પરીક્ષા ગેરરીતિઓના મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

વાંગચુકે જણાવ્યું હતું કે તેમનો મુદ્દો માત્ર NEET કે CBSE પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાથી જોડાયેલો મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર દાયકાથી તેઓ દૂરના વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં શિક્ષણ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિમાં ખાસ સુધારો ન થતાં નિરાશા વધી રહી છે.

CJPએ આંદોલન ભડકાવવાના પ્રયાસનો આરોપ લગાવ્યો
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનને લઈને એક નવું નિવેદન સામે આવ્યું છે. આંદોલન સાથે જોડાયેલા લોકોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો બંધારણીય અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા પ્રદર્શનને ભડકાવવાનો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે પ્રશાસનને આવા લોકોની ઓળખ કરીને તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. CJP સમર્થકોનું કહેવું છે કે તેમનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી ચાલી રહ્યું છે. તેમણે પ્રદર્શનકારીઓને પણ કોઈ ઉશ્કેરણીમાં ન આવવા અને શિસ્ત જાળવવા અપીલ કરી છે. જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે સુરક્ષા એજન્સીઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

અભિજીત દીપકેએ જંતર-મંતર પરથી શું કહ્યું?

  • સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી શકાય છે, પરંતુ અમને ખતમ કરી શકાય નહીં.
  • છેલ્લા એક મહિનાથી અમે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ.
  • સરકાર કાર્યવાહી કરવાને બદલે એકાઉન્ટ હેક કરાવવા અને પોસ્ટ્સ ડિલીટ કરાવવામાં વ્યસ્ત છે.
  • આ લડાઈ લાંબી છે અને અમે પાછળ હટવાના નથી.
  • દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો વેચાઈ ગયા નથી.
  • આ આંદોલન માટે હું મારી આઝાદી પણ કુરબાન કરવા તૈયાર હતો.
  • આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રહેશે.
  • જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન તેજ, અભિજીત દીપકેએ શાંતિપૂર્ણ આંદોલનની અપીલ કરી

દિલ્હીના જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને સમર્થકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

CJPના સ્થાપક અભિજીત દીપકેએ સમર્થકોને આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રાખવાની અપીલ કરી હતી. તેમણે લોકોને પુસ્તક અને તિરંગો લઈને આવવા જણાવ્યું હતું તેમજ પોલીસકર્મીઓને સન્માનરૂપે ફૂલ આપવાની પણ અપીલ કરી હતી.

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ આ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવશે તો તેઓ છ અઠવાડિયા સુધી ઉપવાસ પર બેસશે.