Home Blog Page 63

શુભેન્દુ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

0

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે મંત્રીઓમાં વિભાગોનું ઔપચારિક વિતરણ કરતી એક નવી સૂચના બહાર પાડી. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગૃહ અને પહાડી બાબતો, જમીન અને જમીન સુધારણા, શરણાર્થી રાહત અને પુનર્વસન, વીજળી, માહિતી અને સંસ્કૃતિ, અને કર્મચારી અને વહીવટી સુધારા જેવા મુખ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા વિભાગો જાળવી રાખશે.

નિશીથ પ્રમાણિક આ વિભાગો સંભાળશે
કેબિનેટ મંત્રીઓમાં, નિશીથ પ્રમાણિકને ઉત્તર બંગાળ વિકાસ અને જળ સંસાધન તપાસ અને વિકાસ વિભાગ, અશોક કીર્તનિયાને ખાદ્ય અને પુરવઠા અને સહકાર વિભાગ, દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. જ્યારે ખુદીરામ ટુડુને આદિજાતિ વિકાસ, લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અગ્નિમિત્ર પાલને શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતો વિભાગ સોંપવામાં આવ્યો છે.

કોને કયો વિભાગ મળ્યો?
રાજ્ય સરકારે દીપક બર્મનને શાળા શિક્ષણ, આવાસ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપી છે. તાપસ રોયને ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યોગસાહસ, જાહેર ઉપક્રમો અને ઔદ્યોગિક પુનર્નિર્માણ તેમજ બિનપરંપરાગત અને નવીનીકરણીય ઊર્જા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

શંકર ઘોષને પ્રવાસન અને સંસદીય બાબતો વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે મનોજ કુમાર ઉરાંવ વન અને પર્યાવરણ વિભાગ સંભાળશે, તેમજ અર્જુન સિંહને શ્રમ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કેબિનેટના અન્ય મંત્રીઓમાં જગન્નાથ ચટ્ટોપાધ્યાયને ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. સ્વપન દાસગુપ્તા નાણાં વિભાગની જવાબદારી સંભાળશે. કલ્યાણ ચક્રવર્તીને માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બાયોટેકનોલોજી તેમજ ફૂડ પ્રોસેસિંગ અને બાગાયત વિભાગો સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત શરદવત મુખર્જી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો કાર્યભાર સંભાળશે, જ્યારે અરુપ કુમાર દાસને સિંચાઈ અને જળમાર્ગ વિભાગ તેમજ અજય કુમાર પોદ્દારને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ અને જાહેર બાંધકામ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દૂધ કુમાર મંડલને કૃષિ વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે.

બિહારમાં જળ જીવન મિશન 2.0નો પ્રારંભ: હવે દરેક ઘરમાં સતત અને શુદ્ધ પાણી પહોંચાડવા પર ભાર

0

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અને બિહાર સરકાર વચ્ચે ‘જળ જીવન મિશન 2.0’ માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ બિહારમાં 96 ટકા ગ્રામીણ પરિવારો સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાની નોંધપાત્ર સફળતા બાદ હવે યોજનાના બીજા તબક્કામાં પાણીની સતત ઉપલબ્ધતા અને વ્યવસ્થાના અસરકારક સંચાલન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બિહારમાં જળ જીવન મિશન 2.0: પાણીની સાતત્યતા પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્રને સાકાર કરતા બિહારના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા કરારનો મુખ્ય હેતુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓને જાળવી રાખવાનો અને પીવાના પાણીની સુવિધાને વધુ મજબૂત બનાવવાનો છે.

બિહાર સરકારે અગાઉના જળ જીવન મિશન અંતર્ગત રાજ્યના 96 ટકા ગ્રામીણ ઘરોમાં નળ કનેક્શન પહોંચાડીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. હવે જળ જીવન મિશન 2.0 હેઠળ સરકારનું ધ્યાન માત્ર નવા કનેક્શન આપવા પર નહીં, પરંતુ પાણીની ગુણવત્તા, નિયમિત પુરવઠો અને પાઈપલાઈન સહિતની સમગ્ર ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર રહેશે.

આ MoU પર હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ રાજ્ય મંત્રી ડો. રાજભૂષણ ચૌધરી, બિહારના PHED મંત્રી સંજય કુમાર સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કરાર દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી દરેક પરિવાર સુધી શુદ્ધ, સુરક્ષિત અને સતત પીવાનું પાણી પહોંચતું રહે.

નાસીરનગર ડિમોલિશન મામલે મનપા એક્શનમાં: કર્મચારીઓની ભૂમિકા તપાસવા કમિટી રચાઈ

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનન મામલે આજે કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોની સાથે રહીને મનપાની મુખ્ય કચેરી તાપી ભવન બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તો સમગ્ર કાર્યવાહીની તપાસ માટે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું કે, દિનદડાડે યુનિફોર્મ પહેરીને સરકારી મશીનરી લાવી 500 જેટલા પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે 10 દિવસ થવા છતાં કોઈ કાર્યવાડી નથી કરવામાં આવી, આ જંગલરાજ નહીં તો બીજુ શુ છે?

વરસાદ માથા પર છે ત્યારે પહેરેલા કપડે આ લોકો રોડ ઉપર આવી ગયા છે. એમને હજુ ન્યાય નથી મળ્યો. અમે મનપા કમિશ્નર પાસે તાત્કાલિક આ લોકોને ઘર બનાવી આપવામાં આવે અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી છે. જો જરુર પડશે તો અમે આ વિસ્થાપિત લોકોને લઈને મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નરના બંગલા પર રહેવા જઈશું, આ લોકોને ન્યાય નહી મળે ત્યાં સુધી અમારું આંદોલન શરુ રહેશે.

કોંગ્રેસના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અર્શદ જરીવાલાએ જણાવ્યું કે, જેટલા પણ અધિકારી છે તેમના મોઢા પર દેખાય છે કે તેમણે પાપ કર્યું છે, અમે જયારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે રજૂઆત શાંતિથી સાંભળે છે અને માત્ર તપાસ ચાલુ છે તેમ કહે છે પણ કેટલા દિવસ તપાસ થવાની અને કેટલા પુરાવા આપવાના, બધા પુરાવા આપ્યા છે, પણ એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવો જ નથી.

ન્યાય આપવો જ હોય તો 12 દિવસથી આ લોકો ખાધા પીધા વગર બેઠા છે, આ લોકોનું શું વાંક છે. આ લોકો 40 થી 50 વર્ષથી ત્યાં વસવાટ કરે છે, આ લોકોને ન્યાય ઈશ્વર આપશે અને ઈશ્વર કોઈને છોડતો નથી. સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે અને ગુજરાત પ્રદેશના બધા જ નેતાઓ અહિયાં રોડ પર ઉતરવાના છે.

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મનપા કચેરી બાદ મનપા કમિશ્નરના બંગલે પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર વિરોધ કરવા માટે ભેગા થયેલા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ નેતા અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ દરમિયાન ACP મલ્હોત્રાએ ધરણા પર બેસેલા કોંગ્રેસના નેતાઓને ત્યાં વિરોધ ન કરવા જણાવવામાં આવ્યું ડતું અને ડીટેઈન કરી લેવાની વાત કરી, ત્યારે પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલ વાલાએ કહ્યું કે તમે અમને ગોળી મારી દો અમે ગોળી ખાવા તૈયાર છીએ.

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યુ રાજીનામુ

0

તૃણમૂલ કોંગ્રેસ (TMC) જ્યારે પહેલેથી જ આંતરિક અસંતોષ અને પક્ષપલટાની ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે સુષ્મિતા દેવનું આ પગલું પક્ષ માટે બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. જો કે, તેમણે આ રાજીનામું કયા કારણોસર આપ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા દેવ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે ટીએમસીનો એક મજબૂત અને જાણીતો ચહેરો રહ્યા છે.

TMCમાં ભડકો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી ગયો છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે માત્ર એક મહિનાની અંદર જ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ હાઈકમાન્ડથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે.

સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીના નેતાઓ એક પછી એક પક્ષને અલવિદા કહી રહ્યા છે, જેના કારણે મમતા બેનર્જી રાજકીય રીતે એકલા પડતા દેખાઈ રહ્યા છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને સુખેન્દુ શેખર જેવા મમતાના અતિ નજીકના નેતાઓએ પહેલા જ બળવાખોર વલણ અપનાવ્યું છે, અને હવે સુષ્મિતા દેવે પણ રાજ્યસભાનું સભ્યપદ છોડી દેતા ટીએમસી બેકફૂટ પર આવી ગઈ છે.

સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની હાલત પત્તાના મહેલ જેવી થઈ ગઈ છે. ધારાસભ્ય દળમાં તિરાડ પડ્યા બાદ હવે સાંસદોમાં પણ મોટું ભંગાણ નક્કી માનવામાં આવી રહ્યું છે. બળવાખોર જૂથનો દાવો છે કે ટીએમસીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદો ટૂંક સમયમાં જ નવું જૂથ બનાવીને ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપી શકે છે.

શું બળવાખોર સાંસદો NDAમાં જોડાશે?
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાસે લોકસભાના કુલ ૨૮ સાંસદો છે. બળવાખોર નેતા કાકોલી ઘોષના દાવા અનુસાર, પક્ષના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં તેમના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ તમામ સાંસદોએ એનડીએ (NDA) સાથે જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જો કે, 20 સાંસદોના દાવા વચ્ચે અત્યાર સુધી 14 સાંસદોના નામ સત્તાવાર રીતે સામે આવ્યા છે જેઓ કાકોલી ઘોષના આ જૂથમાં સક્રિય છે.

અન્ય અગ્રણી સાંસદો
બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહિર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી અને પાર્થ ભૌમિક. રાજકીય વિશ્લેષકોના મતે, જો આ આખો જૂથ ટીએમસીથી અલગ થશે તો પશ્ચિમ બંગાળ સહિત રાષ્ટ્રીય રાજકારણમાં મમતા બેનર્જીના પક્ષનું વર્ચસ્વ નહિવત થઈ જશે.

અમદાવાદમાં નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ, 31 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ

અમદાવાદમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી અને મિલાવટી ઘીનું વેચાણ કરતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને અધિકારીઓએ આશરે 4,850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 31.81 લાખથી વધુ થાય છે. AMCની આ કાર્યવાહીએ મિલાવટખોરોમાં ખળભળાટ મચાવી દીધો છે.

ફૂડ વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે CTM નજીક આવેલા લક્ષ્મણભાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. અહીં “રિધમ કાઉ ઘી” અને “વચનામૃત કાઉ ઘી”ના સુપર સ્ટોકિસ્ટ તરીકે કાર્યરત વેપારી પાસેથી અંદાજે 3,250 કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા ઘીની કિંમત રૂ. 21.31 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર એકમને સીલ કરી ઘીના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બંને બ્રાન્ડનું ઉત્પાદન દસ્ક્રોઈ તાલુકાના પાલડી-કાકંજ ગામ નજીક આવેલી “સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ” નામની એકમમાં કરવામાં આવતું હતું. ફેક્ટરી શહેરની હદ બહાર આવતી હોવાથી આગળની કાર્યવાહી માટે સમગ્ર કેસ રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે.

વટવા અને દૂધેશ્વરમાં પણ દરોડા
મુખ્ય સ્ટોકિસ્ટની પૂછપરછ બાદ AMCની ટીમે વટવામાં આવેલી “વીરકૃપા ટ્રેડિંગ” અને દૂધેશ્વરની “ત્રિશાલા એજન્સી” પર પણ કાર્યવાહી કરી હતી. બંને સ્થળોએથી વધુ 1,600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 10.49 લાખ જેટલી થાય છે.

લેબ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી
ત્રણેય સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર વેપારીઓ સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006’ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. AMCએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.

સીએમ ઓફિસ, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી, AMC મુખ્ય કચેરી ખાલી કરાવાઈ

અમદાવાદ અને ગાંધીનગરમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈ-મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અલગ-અલગ ઈ-મેલ આઈડી પરથી મોકલાયેલા સંદેશાઓમાં CM ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી અને RSS કચેરીને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈ-મેલમાં CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક માટે દિલ્હીમાં છે, ત્યારે આ ધમકી મળતાં સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

ધમકી મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડ, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધમકીભર્યા ઈ-મેલના સોર્સ અને મોકલનારની ઓળખ માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હાઈ-એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગાંધીનગરના તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતના જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર

આ કરાર અંતર્ગત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 168 મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર બનાવશે, જેને મેટા કંપની ભાડે રાખશે. ભવિષ્યમાં મેટા પાસે આ સેન્ટરની ક્ષમતા વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ ભાગીદારી અંગે મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, “ભારતમાં અમારા પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે કામ કરવાનો અમને ગર્વ છે.

જામનગરની આ વિશ્વસ્તરીય સુવિધા અમને વૈશ્વિક સ્તરે અમારા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવામાં મદદ કરશે અને ભારતની અર્થવ્યવસ્થામાં અમારા લાંબા ગાળાના રોકાણને વધુ મજબૂત કરશે.”

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા, ભારતમાં ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તેમણે રિલાયન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક રીતે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ભારતમાં 5 ગીગાવોટ ડેટા સેન્ટર વિકસાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ડેટા સેન્ટર્સને આજના ડિજિટલ યુગની કરોડરજ્જુ માનવામાં આવે છે. કારણ કે ક્લાઉડ સેવાઓ, ઓનલાઈન પ્લેટફોર્મ અને AI સિસ્ટમ્સ તેમના પર આધાર રાખે છે. કંપની માને છે કે, આગામી વર્ષોમાં AI અને ક્લાઉડ સેવાઓની માંગ ઝડપથી વધશે. જેના માટે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આ રોકાણ દરખાસ્ત આને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ભારતને મોટો ઝટકો: હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

0

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજી ઈજાના કારણે ત્રણ મેચની સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન હાર્દિકની ક્વાડ્રિસેપ્સ (જાંઘની માંસપેશી)માં ખેંચાણ આવ્યું હતું. હાર્દિક હાલમાં જ IPL દરમિયાન થયેલી પીઠની ખેંચાણ (બેક સ્પાઝમ)ની ઈજામાંથી સાજા થઈ રહ્યા હતા. રોહિત શર્માની સાથે હાર્દિકને પણ CoE તરફથી રમવા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે સામે આવ્યું છે કે ફિટનેસ ટેસ્ટ દરમિયાન નવી ઈજા સામે આવતાં તેમની વાપસી ફરી લંબાઈ ગઈ છે.

ફિટનેસ ટેસ્ટમાં વધી મુશ્કેલી
માહિતી મુજબ, હાર્દિકે ફિટનેસ મૂલ્યાંકન દરમિયાન સંપૂર્ણ 10 ઓવર બોલિંગ કરી હતી. જોકે, આ દરમિયાન તેમની ક્વાડ્રિસેપ્સ માંસપેશીમાં ખેંચાણ આવી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઈજા એટલી ગંભીર છે કે તેમને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી રિહેબ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સંપૂર્ણ સાજા થવા માટે લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં તેમના રમવાની કોઈ શક્યતા નથી, કારણ કે ત્યાં સુધી તેમનો રિહેબ પૂર્ણ થઈ શકશે નહીં.” જોકે, આ માહિતી સામે આવ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. ચાહકોનું કહેવું છે કે જ્યારે મંગળવારે તેમને ફિટનેસ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, તો પછી માત્ર એક દિવસ બાદ કેવી રીતે બહાર આવ્યું કે તેઓ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં અને નવી ઈજા સામે આવી છે? સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે ટીમની અંદર કંઈક ચાલી રહ્યું છે.

શનિવારથી શરૂ થશે સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 14 જૂનથી ધર્મશાલામાં શરૂ થશે. ત્યારબાદ બીજી મેચ 17 જૂને લખનૌમાં અને ત્રીજી મેચ 20 જૂને ચેન્નાઈમાં રમાશે. હાર્દિકના બહાર થવાથી ટીમ ઈન્ડિયાના સંતુલન પર અસર પડી શકે છે, કારણ કે તેઓ બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વન-ડે યોજનાઓનો મહત્વનો ભાગ છે હાર્દિક
હાર્દિક પંડ્યાને તાજેતરમાં ભારતીય T20 ટીમમાંથી આરામ આપવામાં આવ્યો હતો જેથી તેઓ વન-ડે ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટની નજર 2027ના વન-ડે વર્લ્ડ કપ પર છે અને હાર્દિકને આ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

2023ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં થયેલી પગની ઘૂંટીની ઈજા બાદ ટીમ ઈન્ડિયાને સંતુલન જાળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ફિટનેસને લઈને વધારાની સાવધાની રાખી રહ્યું છે.

અગરકરે જણાવી હતી પ્રાથમિકતા
મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ગયા અઠવાડિયે હાર્દિકની ભૂમિકા અંગે વાત કરતાં કહ્યું હતું કે ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને વન-ડે ક્રિકેટ માટે સંપૂર્ણ રીતે ફિટ રાખવાનો છે.

અગરકરે કહ્યું હતું, “આ સમયે તેઓ અફઘાનિસ્તાન સિરીઝ માટે વન-ડે ટીમનો ભાગ છે. જસપ્રિત બુમરાહની જેમ જો અમે હાર્દિકને ફિટ રાખી શકીએ અને તેમને વન-ડે ક્રિકેટમાં નિયમિત રીતે રમાડી શકીએ તો એ અમારી પ્રાથમિકતા છે.”

તેમણે આગળ કહ્યું હતું, “તેમને T20 ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય રોટેશન અને વર્કલોડ મેનેજમેન્ટનો એક ભાગ છે. જરૂર પડશે તો અમે તેમને ફરી T20 ટીમમાં સામેલ કરી શકીશું.”

ઈંગ્લેન્ડ સિરીઝ પર પણ નજર
હાર્દિક માટે ચિંતાની વાત એ છે કે અફઘાનિસ્તાન સિરીઝ બાદ આવતા મહિને ઈંગ્લેન્ડ સામે પણ ત્રણ વન-ડે મેચ રમાવાની છે. ભારતીય ટીમ અને BCCI આશા રાખશે કે તેઓ સમયસર ફિટ થઈને વાપસી કરશે, કારણ કે આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખતા તેમની સંપૂર્ણ ફિટનેસ ટીમની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. ભારતીય ટીમ માટે આ ચોક્કસપણે મોટો ઝટકો છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના બદલે હાર્દિકને સંપૂર્ણ રીતે સાજા થવા માટે પૂરતો સમય આપવા માંગે છે.

કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગ્રેનેડ ફાટતાં સેનાના બે જવાન શહીદ

0

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં આકસ્મિક રીતે હેન્ડ ગ્રેનેડ ફૂટવાથી બે સૈનિકો શહીદ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉરીના કમલકોટમાં એક કેમ્પમાં નિયમિત સાધનોના વિતરણ દરમિયાન આકસ્મિક રીતે હેન્ડ ગ્રેનેડ ફૂટ્યો હતો, જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા.

ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલ સૈનિકોને આર્મીની 92 બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગ્રેનેડ વિસ્ફોટનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને આકસ્મિક વિસ્ફોટ માનવામાં આવી રહ્યો છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. શ્રીનગરમાં સંરક્ષણ મંત્રાલયના પીઆરઓએ જણાવ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી જ આ ઘટના પર ટિપ્પણી કરશે.

LoC નજીક પાકિસ્તાની કિશોરની અટકાયત
દરમિયાન, મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યા બાદ સેનાએ 14 વર્ષના પાકિસ્તાની છોકરાની અટકાયત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંઢર સેક્ટરના નાગરી ટેકરી વિસ્તારમાં સરહદ પાર કર્યા પછી તરત જ સતર્ક સૈનિકો દ્વારા કિશોરને આગળના વિસ્તારમાં અટકાવવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદીએ રચ્યો નવો ઈતિહાસ: સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ સિદ્ધિ બદલ અમેરિકી સાંસદો, બિઝનેસ લીડર્સ અને ભારતીય ડાયસ્પોરાના અગ્રણીઓએ પીએમ મોદીના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેમણે ભારતની બદલાતી વૈશ્વિક છબી અને ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનો શ્રેય મોદીના નેતૃત્વને આપ્યો છે.

ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ઉભરી આવ્યા છે. આ ઐતિહાસિક ઉપલબ્ધિ બાદ અમેરિકા સહિત વિશ્વભરના અનેક પ્રભાવશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ભારતીય મૂળના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમના મતે મોદીના નેતૃત્વ હેઠળ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે અને ભારત-અમેરિકા સંબંધોમાં પણ નવી મજબૂતી આવી છે.

અમેરિકી નેતાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સન્માન

અમેરિકી સેનેટર જોન કોર્નિને સોશિયલ મીડિયા પર પીએમ મોદીને 4,399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 1.4 અબજથી વધુ લોકોનો વિશ્વાસ જીતતા સતત ત્રણ વખત જનાદેશ મેળવવો એ અસાધારણ સિદ્ધિ છે.

આર્થિક ક્રાંતિ:

જોન કોર્નિને મોદીના કાર્યકાળ દરમિયાન થયેલી આર્થિક પ્રગતિને વિશેષ મહત્વ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે લગભગ 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કાર્ય અને ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવું એ ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

વૈશ્વિક પ્રભાવ:

ટેક્સાસ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અરુણ અગ્રવાલે જણાવ્યું કે 2014 અને 2026ના ભારત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. તેમના જણાવ્યા અનુસાર ભારત હવે માત્ર સંભાવનાઓ ધરાવતો દેશ નથી, પરંતુ તે સંભાવનાઓને સફળતામાં ફેરવતો દેશ બની ગયો છે. આજે ભારત વૈશ્વિક મંચ પર વધુ આત્મવિશ્વાસ સાથે પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે.

કોર્પોરેટ જગતની પ્રશંસા:

સાયબર સુરક્ષા ક્ષેત્રની અગ્રણી કંપની પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશ અરોરાએ પણ વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મોદીના નેતૃત્વને ભારત માટે “રૂપાંતરકારી” ગણાવ્યું અને ભવિષ્યમાં ભારત-અમેરિકા ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી.

રાજદ્વારી કુશળતાના વખાણ

અમેરિકાની જાણીતી ગાયિકા મેરી મિલ્બેને આ પ્રસંગને ભારતના લોકશાહી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ વિવિધ અમેરિકી રાષ્ટ્રપતિઓ સાથે સફળતાપૂર્વક કામ કર્યું છે અને દરેક સમયે ભારતના હિતોને પ્રાથમિકતા આપી છે. સાથે જ તેમણે ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મેરી મિલ્બેને ઉમેર્યું કે મોદીનું નેતૃત્વ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

4,399 દિવસનો આ લાંબો કાર્યકાળ માત્ર એક આંકડો નથી, પરંતુ ભારતના વૈશ્વિક ઉદયની એક ગાથા છે. આ સમયગાળા દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અસરકારક હાજરી નોંધાવી છે અને અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. વિશ્વભરના નેતાઓને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં વધુ નવી ઊંચાઈઓ સર કરશે.