Wednesday, Jun 10, 2026

શુભેન્દુ સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો

2 Min Read

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે મંત્રીઓમાં વિભાગોનું ઔપચારિક વિતરણ કરતી એક નવી સૂચના બહાર પાડી. રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગૃહ અને પહાડી બાબતો, જમીન અને જમીન સુધારણા, શરણાર્થી રાહત અને પુનર્વસન, વીજળી, માહિતી અને સંસ્કૃતિ, અને કર્મચારી અને વહીવટી સુધારા જેવા મુખ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા વિભાગો જાળવી રાખશે.

નિશીથ પ્રમાણિક આ વિભાગો સંભાળશે
કેબિનેટ મંત્રીઓમાં, નિશીથ પ્રમાણિકને ઉત્તર બંગાળ વિકાસ અને જળ સંસાધન તપાસ અને વિકાસ વિભાગ, અશોક કીર્તનિયાને ખાદ્ય અને પુરવઠા અને સહકાર વિભાગ, દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ વિભાગ સોંપવામાં આવ્યો છે. જ્યારે ખુદીરામ ટુડુને આદિજાતિ વિકાસ, લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અગ્નિમિત્ર પાલને શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતો વિભાગ સોંપવામાં આવ્યો છે.

કોને કયો વિભાગ મળ્યો?
રાજ્ય સરકારે દીપક બર્મનને શાળા શિક્ષણ, આવાસ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપી છે. તાપસ રોયને ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યોગસાહસ, જાહેર ઉપક્રમો અને ઔદ્યોગિક પુનર્નિર્માણ તેમજ બિનપરંપરાગત અને નવીનીકરણીય ઊર્જા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

શંકર ઘોષને પ્રવાસન અને સંસદીય બાબતો વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે મનોજ કુમાર ઉરાંવ વન અને પર્યાવરણ વિભાગ સંભાળશે, તેમજ અર્જુન સિંહને શ્રમ અને પરિવહન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

કેબિનેટના અન્ય મંત્રીઓમાં જગન્નાથ ચટ્ટોપાધ્યાયને ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. સ્વપન દાસગુપ્તા નાણાં વિભાગની જવાબદારી સંભાળશે. કલ્યાણ ચક્રવર્તીને માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બાયોટેકનોલોજી તેમજ ફૂડ પ્રોસેસિંગ અને બાગાયત વિભાગો સોંપવામાં આવ્યા છે.

આ ઉપરાંત શરદવત મુખર્જી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો કાર્યભાર સંભાળશે, જ્યારે અરુપ કુમાર દાસને સિંચાઈ અને જળમાર્ગ વિભાગ તેમજ અજય કુમાર પોદ્દારને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ અને જાહેર બાંધકામ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દૂધ કુમાર મંડલને કૃષિ વિભાગનો હવાલો આપવામાં આવ્યો છે.

Share This Article