Home Blog Page 61

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત

0

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

અકસ્માત કેવી રીતે સર્જાયો?
પ્રારંભિક અહેવાલો અનુસાર, આસામના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા રૌરિયા એરબેઝની નજીક આ અકસ્માત થયો હતો. ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, વિમાન AN-32 એક કાર્ગો પ્લેન (ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ) હતું, જેનો ઉપયોગ લશ્કરી પુરવઠાના પરિવહન માટે કરવામાં આવે છે. આ વિમાન જ્યારે એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવતાં તે ક્રેશ થયું હતું.

રૌરિયા એરફોર્સ સ્ટેશનનું મહત્વ
રૌરિયા એરફોર્સ સ્ટેશન એ ઉત્તર-પૂર્વ (North-East) ભારતમાં ભારતીય વાયુસેનાના મુખ્ય સ્થાપનોમાંનું એક છે. આસામ અને તેની આસપાસના સમગ્ર સરહદી વિસ્તારોમાં ડવાઈ કામગીરી તેમજ સૈન્ય પુરવઠો પહોંચાડવામાં આ એરબેઝ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ: ટીમ ઈન્ડિયા 14 જૂને પાકિસ્તાન સામે રમશે પ્રથમ મેચ

0

મહિલા T20 વર્લ્ડ કપ 2026નો આજથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા કરવામાં આવ્યું છે. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત 12 ટીમો T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, જેના કારણે આ ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની સાતમી T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ યજમાન ઈંગ્લેન્ડ 2009 બાદ પ્રથમ વખત ખિતાબ જીતવા માટે પ્રયાસ કરશે, જ્યારે ભારતીય મહિલા ટીમ હજુ સુધી T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની શકી નથી.

આ વર્ષે તમામ 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 5 જુલાઈએ રમાશે.

આજે માત્ર એક જ મુકાબલો
2026 મહિલા T20 વર્લ્ડ કપમાં આજે માત્ર એક જ મેચ રમાશે. યજમાન ઈંગ્લેન્ડની ટીમ બર્મિંગહામમાં શ્રીલંકાનો સામનો કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે શરૂ થશે. હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ઈંગ્લેન્ડની મહિલા ટીમ શ્રીલંકા સામે ભારે પડતી જોવા મળે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 12 T20 મેચોમાંથી ઈંગ્લેન્ડે 10 મેચમાં જીત મેળવી છે.

ભારતનો પહેલો મુકાબલો ક્યારે?
ભારતીય મહિલા ટીમનો આજે કોઈ મુકાબલો નથી. ટીમ ઈન્ડિયા પોતાની અભિયાનની શરૂઆત 14 જૂને પાકિસ્તાન સામે કરશે. બંને ટીમો વચ્ચેનો આ હાઈ-વોલ્ટેજ મુકાબલો બર્મિંગહામ ખાતે રમાશે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં નિર્ભય અને આક્રમક ક્રિકેટ રમશે.

ભારતના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. નોકઆઉટ તબક્કામાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમે આ મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ટીમ ઈન્ડિયાનો ગ્રુપ સ્ટેજનો છેલ્લો મુકાબલો 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમાશે, જે ગ્રુપની સ્થિતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

કેનેડામાં મહલ સ્વીટ્સ પર ફાયરિંગ બાદ ચકચાર, ફરી સક્રિય થયું લોરેન્સ બિશ્નોઈ ગેંગ?

0

કેનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં આવેલી મહલ સ્વીટ્સ પર શુક્રવારે થયેલા ફાયરિંગ બાદ ચકચાર મચી ગઈ છે. ઘટનાના પગલે સોશિયલ મીડિયા પર એક ધમકીભરી પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કેટલાક લોકોએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનું જણાવી હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કર્યો છે. જોકે, આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ વાયરલ પોસ્ટમાં આરજુ બિશ્નોઈ, ટાયસન બિશ્નોઈ અને શુભમ લોંકર નામના વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં મહલ સ્વીટ્સ પર થયેલા ફાયરિંગ માટે તેઓ જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે.

ગેંગમાં મતભેદ ન હોવાનો દાવો
વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં કોઈ આંતરિક વિખવાદ કે અલગાવ નથી. કેટલાક લોકો ગેંગના સભ્યો અલગ થઈ ગયા હોવાની અફવાઓ ફેલાવી રહ્યા છે, પરંતુ તમામ સભ્યો એકજૂટ હોવાનું પોસ્ટમાં જણાવાયું છે.

ધમકીભર્યો સંદેશ પણ વાયરલ
પોસ્ટમાં એક વ્યક્તિને સીધી ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે અગાઉ પણ ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સંબંધિત વ્યક્તિએ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પોસ્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભવિષ્યમાં પણ કોલની અવગણના કરવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

દિલ્હીથી કેનેડા સુધી ગેંગના નામની ચર્ચા
છેલ્લા 24 કલાક દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ દિલ્હી, હરિયાણા અને હવે કેનેડાની ઘટનાઓમાં પણ સામે આવતા તેની આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિયતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

હાલમાં કેનેડાની સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટની સત્યતા તેમજ ફાયરિંગ પાછળના વાસ્તવિક કારણો અંગે તપાસ ચાલુ છે. અધિકારીઓએ હજુ સુધી ગેંગના દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

શતાબ્દી એક્સપ્રેસમાં મોહન ભાગવતના કોચ પર પથ્થરમારો, કાચ તૂટતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ

0

ફિરોઝાબાદ નજીક ગુરુવાર સાંજે શતાબ્દી એક્સપ્રેસ પર થયેલા પથ્થરમારાની ઘટનાથી રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જે કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં કોચનું કાચ તૂટી ગયું હતું, જોકે સદનસીબે કોઈ મુસાફરને ઇજા પહોંચી નહોતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ RPF, GRP અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું હતું. હાલ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

ટ્રેનના કોચનો કાચ તૂટ્યો
લખનઉથી નવી દિલ્હી જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ પર ગુરુવાર સાંજે ફિરોઝાબાદ નજીક અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ટ્રેનના એક કોચનું કાચ તૂટી ગયું હતું. ખાસ વાત એ છે કે જે કોચને નિશાન બનાવવામાં આવ્યો હતો તેમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવત મુસાફરી કરી રહ્યા હતા. જોકે આ ઘટનામાં તેમને અથવા અન્ય કોઈ મુસાફરને કોઈ ઇજા પહોંચી નહોતી.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ
ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. ટ્રેન ટૂંડલા જંક્શન પહોંચતા જ રેલવે સુરક્ષા દળ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP) અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ ઘટનાની માહિતી મેળવી અને કોચની તપાસ હાથ ધરી હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોહન ભાગવતને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા નહોતા. અધિકારીઓએ કોચમાં જઈ તેમની સાથે વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટ્રેનને થોડા વિલંબ સાથે નવી દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
ઘટના બાદ RPF અને GRPની સંયુક્ત ટીમોએ સંબંધિત રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. પથ્થરમારો કરનાર વ્યક્તિઓની ઓળખ માટે CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ઉપરાંત ટ્રેકની આસપાસ રહેતા લોકો અને સંભવિત સાક્ષીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ પથ્થરમારો કોણે અને શા માટે કર્યો તેની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે. ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ઘટનાના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

રાજકીય ભાષણ દરમિયાન એક સમુદાયને ચેતવણી આપવા બદલ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ

0

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ હવે ખતમ થવાના આરે છે. 28 વર્ષ જૂની પાર્ટી પોતાની હારને 28 દિવસ પણ પચાવી શકી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો બધા પાર્ટી છોડીને ભાગી રહ્યા છે. કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા બેનર્જી વિરુદ્ધ બળવાના સૂર ઉઠી રહ્યા છે. નાના-મોટા અનેક નેતાઓમાં પાર્ટી છોડવાની હોડ લાગી છે. આ દરમિયાન મમતા બેનર્જીની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. કોલકાતામાં પોલીસે તેમની સામે FIR દાખલ કરી છે.

શું છે આખો મામલો?
હકીકતમાં, માર્ચ 2026 દરમિયાન એક રાજકીય સભામાં મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું હતું કે જો કોઈ ખાસ સમુદાય એક થઈ જાય, તો તેના અન્ય લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. તેમના આ જાહેર ભાષણનો ઉલ્લેખ કરીને એક વેપારીએ કોલકાતાના હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે હવે કોલકાતા પોલીસે FIR નોંધી છે.

અભિષેક બેનર્જીની પૂછપરછ
અગાઉ મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ પણ પોલીસે FIR નોંધી છે. ગુરુવારે બંગાળ CIDએ તેમની પૂછપરછ કરી હતી. ફેક સાઇન કેસમાં ગુરુવારે અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળ CID સમક્ષ હાજર થયા હતા. તેઓ હાઈકોર્ટના આદેશ બાદ CID સમક્ષ હાજર થયા હતા. લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન CID અધિકારીઓએ અભિષેક પાસેથી તેમની ડાયરી અંગે પણ માહિતી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ CIDએ તેમને તે ડાયરી સાથે લાવવા કહ્યું હતું, જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષરો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હવે CIDએ અભિષેક બેનર્જીને 14 જૂને ફરીથી પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. CID કાર્યાલયમાંથી નીકળ્યા બાદ અભિષેક સીધા મમતા બેનર્જીના ઘરે પહોંચ્યા હતા.

જહાંગીર ખાનની પોલીસે પરેડ કાઢી
આ ઉપરાંત, પોલીસે ફાલ્ટામાં TMC નેતા જહાંગીર ખાનની જાહેર પરેડ કાઢી હતી. જહાંગીર ખાનને હાફ પેન્ટમાં ફાલ્ટાની તે જ ગલીઓ અને રસ્તાઓ પર ફેરવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ એક સમયે રાજ કરતા હતા. ઉલ્લેખનીય છે કે જહાંગીર ખાન પર જબરદસ્તી વસૂલી, ગેરકાયદે કબજો તેમજ લોકોને ધમકાવવાના ગંભીર આરોપો છે.

વાપીના કરવડમાં ભંગાર-કેમિકલના 4 ગોડાઉનમાં આગ, બ્લાસ્ટના અવાજોથી ગ્રામજનો ધ્રૂજી ઉઠ્યા

વાપીના કરવડ ગામની સીમમાં આજે સવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કરવડ ગામમાં વર્ષોથી ધમધમતા ભંગારના મોટા ગોડાઉનો પૈકીના એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આગે મિનિટોની અંદર જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સાથે ઉદ્યોગોમાંથી નીકળતું જોખમી કેમિકલ વેસ્ટ મટીરીયલ ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યું હતું.

આગે લીધો વિકરાળ રૂપ, 4 ગોડાઉન બન્યા ભસ્મીભૂત
આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેની ઝપેટમાં આસપાસ આવેલા અન્ય ચાર ગોડાઉનો પણ આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોડાઉનની અંદર રાખવામાં આવેલા કેમિકલના ડ્રમોમાં એક પછી એક જોરદાર બ્લાસ્ટ થતા રહ્યા હતા, જેના કારણે આગ વધુ ભયાનક બની ગઈ હતી. કરવડ ગામ અને આસપાસના વિસ્તારોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જે ઘણા કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. ઝેરી ધુમાડાને કારણે નજીકના રહેણાંક અને વાડી વિસ્તારોના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેઓ સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા.

GIDC ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ વાપી GIDC ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં 4 વોટર બ્રાઉઝર સહિત અનેક ફાયર ફાઇટરોને આગ બુઝાવવા માટે મોકલવામાં આવ્યા હતા. કેમિકલની આગ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા પાણી ઉપરાંત ખાસ પ્રકારના કેમિકલ ફોમ (Foam)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ઓક્સિજનનો સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લઈ શકાય.

પોલીસનો કાફલો પણ તૈનાત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ આ આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, કરોડો રૂપિયાનો ભંગાર અને કેમિકલનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

CBSEનું OSM સિસ્ટમ આખરે કેમ નિષ્ફળ ગયું? મૂલ્યાંકન પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો

0

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ વર્ષ 2026માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ (OSM) લાગુ કરી હતી. તેને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા અને ટેકનિકલ સુધારાની દિશામાં એક મોટું પગલું ગણાવવામાં આવ્યું હતું. જોકે પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ આ સિસ્ટમને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. બોર્ડ પરીક્ષામાં જ્યાં અગાઉના વર્ષોની સરખામણીએ વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા, ત્યાં મોટી સંખ્યામાં સામે આવેલી ફરિયાદોએ OSM સિસ્ટમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

શું છે OSM એટલે કે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ?
OSM એટલે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ એક ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયા છે. તેના હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ (જવાબપોથીઓ)ને પહેલા સ્કેન કરવામાં આવે છે અને તેમની ડિજિટલ નકલો તૈયાર કરીને ઓનલાઈન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષકો કમ્પ્યુટરની સ્ક્રીન પર આ ઉત્તરવહીઓ જોઈને ગુણ આપે છે.

સીબીએસઈનું માનવું હતું કે આ સિસ્ટમ પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિની સરખામણીએ વધુ પારદર્શક, ચોક્કસ અને સમય બચાવનારી સાબિત થશે. અગાઉ ઉત્તરવહીઓ સીધી શિક્ષકોને મોકલવામાં આવતી હતી, જ્યાં તેઓ દરેક પાનું વાંચીને ગુણ આપતા હતા. પરંતુ આ વખતે સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી હતી.

તૈયારીના દાવાઓ છતાં વધ્યો વિવાદ
સીબીએસઈનો દાવો હતો કે નવી સિસ્ટમ અમલમાં મૂકતા પહેલાં વ્યાપક સ્તરે તૈયારી કરવામાં આવી હતી અને તમામ સંભવિત ટેકનિકલ ખામીઓને દૂર કરવામાં આવી હતી. તેમ છતાં પરિણામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મૂલ્યાંકનમાં ગડબડીઓના આરોપો લગાવ્યા હતા. સતત સામે આવી રહેલા કિસ્સાઓએ બોર્ડના દાવાઓને કટઘરામાં ઊભા કર્યા છે.

વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ
શરૂઆતમાં બોર્ડ અને સરકારે આ આરોપોને ફગાવી દેતા સમગ્ર વિવાદને નિરાધાર ગણાવ્યો હતો. જોકે બાદમાં જ્યારે ટેકનિકલ ખામીઓ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વીકાર્યું કે મૂલ્યાંકન પ્રક્રિયામાં ભૂલો થઈ છે.

સીબીએસઈએ પણ ટેકનિકલ સમસ્યાઓને સ્વીકારી સંભવિત ગડબડીઓની નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન 18 લાખથી વધુ પરીક્ષાર્થીઓમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો માંગેલી હતી.

પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા પણ વિવાદમાં
ઉત્તરવહીઓના ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે સીબીએસઈએ 1 જૂનથી પોતાનું પોર્ટલ ફરી શરૂ કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે પોર્ટલ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નહોતું. ત્યારબાદ પણ સતત ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદો સામે આવતી રહી હતી.

વિવાદ વધતા કેન્દ્ર સરકારે સીબીએસઈના ચેરમેન અને સચિવની બદલી કરી દીધી હતી. જોકે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસની વિદ્યાર્થી અને યુવા એકમોએ આ મુદ્દે પોતાનો વિરોધ વધુ તેજ કર્યો છે. દેશના વિવિધ શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી રહી છે.

વિવાદિત કંપનીના સર્વર પરથી ડેટા હટાવવામાં આવ્યો
આ દરમિયાન સીબીએસઈએ ધોરણ 12ની ઉત્તરવહીઓ અને પુનઃમૂલ્યાંકન સંબંધિત ડેટાને હૈદરાબાદ સ્થિત કોમ્પ્ટ એડ્યુટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના સર્વર પરથી હટાવીને પોતાના સર્વર પર ટ્રાન્સફર કરી દીધો છે. આ એ જ ખાનગી કંપની છે, જેના કાર્યને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

જોકે ટેકનિકલ ખામીઓના આરોપો છતાં બોર્ડે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા અંતર્ગત ઉત્તરવહીઓની સ્કેનિંગનું કામ હજુ પણ આ જ કંપનીને સોંપેલું છે. આવી સ્થિતિમાં OSM સિસ્ટમ અને તેની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ અંગે ઉઠેલા સવાલો હજુ સુધી સંપૂર્ણપણે શાંત થયા નથી.

આકાશમાં ઉડતા જેટમાં સચિનની બેટિંગ, પરિવાર સાથે ક્રિકેટ રમતો વીડિયો થયો વાયરલ

0

ભારતીય ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ રમત પ્રત્યેનો તેમનો પ્રેમ યથાવત્ છે. તાજેતરમાં સચિને સોશિયલ મીડિયા પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ક્રિકેટ મેચ કોઈ મેદાનમાં નહીં, પરંતુ આકાશમાં ઉડતા પ્રાઇવેટ જેટની અંદર રમાઈ હતી.

વીડિયો શેર કરતાં સચિને લખ્યું, “No matter what the altitude, the attitude shouldn’t change”, એટલે કે ઊંચાઈ કેટલી પણ હોય, ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ક્યારેય બદલાતો નથી.

વીડિયોમાં સચિન પ્રાઇવેટ જેટની કેબિનમાં બેટિંગ કરતા જોવા મળે છે, જ્યારે તેમના પુત્રવધૂ સાનિયા ચંદોક સોફ્ટ બોલથી બોલિંગ કરતી જોવા મળે છે. બીજી તરફ તેમની દીકરી સારા તેંડુલકર ફિલ્ડિંગમાં મદદ કરતી નજરે પડે છે.

વીડિયોનો સૌથી મજેદાર ક્ષણ ત્યારે આવે છે જ્યારે સારા મજાકમાં સચિનને આઉટ કરવાની અપીલ કરે છે. તેના જવાબમાં સચિન હસતાં કહે છે, “તું મને ક્યારેય આઉટ નહીં કરી શકે… ક્યારેય નહીં!” આ સાંભળીને જેટમાં હાજર તમામ લોકો હસી પડે છે.

આ પછી સચિન બેટને ઊંધું પકડીને બેટિંગ શરૂ કરે છે અને મજાકમાં કહે છે કે હવે કદાચ તેમને આઉટ કરવાની થોડી શક્યતા છે. થોડા સમય બાદ સારાને સચિનનો કેચ લેવાની તક મળે છે, પરંતુ તે કેચ છોડી દે છે. જોકે આગામી જ બોલ પર તે શાનદાર કેચ પકડી લે છે અને જોરદાર “Yay!” બોલીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. આખરે સચિને પણ પોતાની હાર સ્વીકારી લીધી હતી.

સચિનના સરળ સ્વભાવનો વીડિયો થયો વાયરલ
સચિનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેમના સરળ સ્વભાવ, પરિવાર સાથેની મસ્તીભરી પળો અને ક્રિકેટ પ્રત્યેના અતૂટ પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ચાહકોનું માનવું છે કે ક્રિકેટ સચિનના જીવનનો એવો અભિન્ન હિસ્સો છે, જે તેઓ ક્યારેય છોડવાના નથી.

સુરતના ઉત્રાણમાં પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ યુવકની કોહવાયેલી લાશ મળી

0

સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક આવેલી ઓમકાર રેસિડેન્સી બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી 28 વર્ષીય યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મોડી રાત્રે કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હતી. શંકા જતાં લોકોએ કારની નજીક જઈ તપાસ કરતાં અંદર એક યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ઉત્રાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી લાશ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિ વાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, રવિ ગત 6 જૂનથી ગુમ હતો અને પરિવાર સતત તેની શોધખોળ કરી રહ્યો હતો.

લાશ એકદમ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા મોતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસ અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ દિશામાં તપાસ કરી રહી છે.

રશિયન તેલ મુદ્દે યુરોપને જયશંકરનો જડબાતોડ જવાબ, યુરોપની બેવડી નીતિનો કર્યો પર્દાફાશ

0

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિનું મજબૂત રીતે સમર્થન કર્યું છે. ફિનલેન્ડમાં યોજાયેલા ‘કુલતારંતા ટોક્સ’ દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાના મુદ્દે પશ્ચિમી દેશોના સવાલોનો જવાબ આપતાં તેમણે યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુરોપ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચે છે, જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવે છે.

યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષા
પેનલ ચર્ચા દરમિયાન એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત ‘સહાનુભૂતિ’ અને તેલ ખરીદી અંગે પ્રશ્ન પૂછતા જયશંકરે તીખો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો વિશે ભારત માટે પણ આવું કહી શકતો હોત.” તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મન દેશોને હથિયારો પૂરા પાડતું રહ્યું છે.

તેલ ખરીદી પાછળનું વ્યવહારુ ગણિત
પોતાના કડક વલણને યથાવત રાખતા વિદેશ મંત્રીએ ઊર્જા સુરક્ષા અને દેશના બજારની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું, “હું તેલની કિંમત અને તેની ઉપલબ્ધતાના આધારે ખરીદી કરું છું. તે સમયે બજારમાં રશિયન તેલ વધુ ઉપલબ્ધ હતું, કારણ કે યુરોપિયન દેશો પોતે મધ્ય પૂર્વ માંથી તેલ ખરીદી રહ્યા હતા, જે અમારો પરંપરાગત સપ્લાયર રહ્યો છે. પરિસ્થિતિએ અમને આ દિશામાં આગળ વધવા મજબૂર કર્યા હતા.”

અમેરિકાની નીતિઓ પર પણ નિશાન
વર્ષ 2022ની વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં એસ. જયશંકરે અમેરિકાના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વૈશ્વિક બજારમાં તેલના ભાવને નિયંત્રણમાં રાખવા અને મોંઘવારી ઘટાડવા માટે ખુદ અમેરિકાએ ભારતને રશિયન તેલ ખરીદવા પ્રોત્સાહિત કર્યું હતું. જોકે બાદમાં પશ્ચિમી દેશોએ પોતાના હિતો અનુસાર પ્રતિબંધોની નીતિ અપનાવી હતી.

જયશંકરે કટાક્ષ કરતા કહ્યું, “આવો કોઈ મોટો સિદ્ધાંત કે નૈતિકતાનો દેખાવ ન કરો. જ્યારે પોતાના હિતમાં હોય ત્યારે એક નીતિ અપનાવવી અને જરૂર ન રહે ત્યારે તેને બદલવી – અમે બધા સમજદાર છીએ અને આ રમતને સારી રીતે સમજીએ છીએ.”

આ નિવેદન દ્વારા વિદેશ મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો, ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લે છે અને કોઈપણ બાહ્ય દબાણ સામે પોતાના વલણ પર અડગ રહે છે.