Home Blog Page 584

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી! મુંબઈ પોલીસ એલર્ટ

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે આખો પ્લાન બની ગયો છે. હાલ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને એક મહિલાની ઓળખ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે, ધરપકડની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે હાલ આ મામલે તમામ પ્રોટોકોલ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પાસે હોય છે. વડાપ્રધાનની ચારે તરફ સુરક્ષા ઘેરો SPG જવાનોનો જ હોય છે.PMની સુરક્ષામાં રહેલા જવાનોને અમેરિકાની સીક્રેટ સર્વિસની ગાઇડલાઇન્સ અનુસાર ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમની પાસે MNF-2000 અસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોર્ડન હથિયાર હોય છે.

આ પણ વાંચો :-

ઈન્ડિયન નેવીએ સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

0

ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS Arighaat પહેલીવાર K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે કે દેશના ન્યુક્લિયર ટ્રાયડને એ તાકાત મળી જાય છે કે, જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી સબમરીન હુમલો કરી શકે છે.

INS અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે. જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન 17 ટન છે અને તેની લંબાઈ 39 ફૂટ છે. તેનો વ્યાસ 4.3 મીટર છે. તે 2500 કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે.

બે સ્ટેજની આ મિસાઈલ સોલિડ રોકેટ મોટરથી ચાલે છે. આમાં પ્રોપેલેન્ટ પણ સોલિડ જ પડે છે. તેની ઓપરેશનલ રેન્જ 4000 કિલોમીટર છે. ભારતનો નિયમ છે કે તે પહેલા કોઈ પર પરમાણુ હુમલો નહીં કરશે. પરંતુ જો તેના પર આ હુમલો કરવામાં આવે તો તે છોડશે નહી. તેથી નૌકાદળમાં આવી મિસાઈલો હોવી ખૂબ જ જરૂરી છે.

તેનું સફળ વિકાસલક્ષી પ્રક્ષેપણ 15 જાન્યુઆરી, 2010ના રોજ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીની નીચે 160 ફૂટનું પોન્ટૂન બનાવીને કરવામાં આવ્યું હતું. 24 માર્ચ, 2014 ના રોજ, પ્રથમ સફળ પરીક્ષણ પ્રક્ષેપણ ફરીથી તે જ સ્થાને અને તે જ તકનીક સાથે પોન્ટૂનથી હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી, બીજું સફળ પરીક્ષણ 7 માર્ચ 2016 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. 2016 માં, INS અરિહંતથી 700 કિમીની રેન્જ માટે સફળ અજમાયશ શરૂ કરવામાં આવી હતી.

17 ડિસેમ્બર, 2017 ના રોજ, પાણીની અંદર પોન્ટૂન લોન્ચ પણ કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. આ પછી, 19 જાન્યુઆરી, 2020 ના રોજ, પોન્ટૂનથી 3500 કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ પરીક્ષણ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 2020 માં છઠ્ઠી વખત સફળ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી હવે આ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ

0

દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર નજીક એક જોરદાર વિસ્ફોટ થયાની માહિતી સામે આવી રહી છે. દિલ્હી પોલીસને આ ઘટના વિશે જાણકારી મળી હતી. જેના બાદ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 11.48 વાગ્યે પ્રશાંત વિહારના બંસી સ્વીટ્સમાં શંકાસ્પદ વિસ્ફોટની માહિતી પીસીઆર કોલ પર મળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી વોલ પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ વેરવિખેર મળી આવી છે.

આ પહેલા રવિવારે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની દિવાલમાં એક ઉચ્ચ તીવ્રતાનો બોમ્બ વિસ્ફોટ થયો હતો. તે એટલો જોરદાર હતો કે કેટલાય કિલોમીટર સુધી દુકાનો અને મકાનોની ટાઈલ્સ અને કાચ તૂટી ગયા હતા. જો કે, સદ્ભાગ્યની વાત એ હતી કે આ બ્લાસ્ટ સવારે ત્યારે થયો જ્યારે ત્યાં લોકો હાજર ન હતા. જે બાદ NIA સહિતની ટોચની તપાસ એજન્સીઓ આ બ્લાસ્ટની કડીઓ શોધવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ GROUP દ્વારા 6000 કરોડનું કૌભાંડ..!

0

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી,. જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.

સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઊતરતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગેરકાયદે રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ CID ટીમે દરોડો પાડી એજન્ટોની પૂછપરછ કરી હતી. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે BZ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો.

મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZ ગ્રુપની શાખાઓમાં CID ક્રાઇમે એકીસાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઇ લીધા છે. હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલી બીજે માળની BZની ઓફિસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા, જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, એની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી હતી.

આ પણ વાંચો :-

સંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ: યોગી આદિત્યનાથ

0

ઉત્તર પ્રદેશમાં સંભલ રમખાણોમાં પથ્થરમારો કરનારા સોથી વધુ બદમાશોની ઓળખ કરવામાં આવી છે. યોગી સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે. ટૂંક સમયમાં તેમના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. હંગામા દરમિયાન તોફાનીઓ દ્વારા જાહેર સંપત્તિને થયેલ નુકસાનની ભરપાઈ કરાવડાવામાં આવશે. તેમની પાસેથી ખોટ વસૂલ કરવામાં આવશે. યોગી સરકાર પહેલાથી જ બદમાશો અને ગુનેગારો સામે વળતર અંગે વટહુકમ બહાર પાડી ચૂકી છે. ફરાર બદમાશો પર ઈનામ પણ જાહેર થઈ શકે છે. સંભલ રમખાણોમાં અત્યાર સુધીમાં 27 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.

યોગી સરકાર હવે પથ્થરમારોમાં સામેલ તોફાનીઓના નામ અને તસવીરો જાહેર સ્થળોએ પોસ્ટર દ્વારા પ્રદર્શિત કરશે. આ કાર્યવાહીનો હેતુ એ છે કે પથ્થરમારાથી થયેલા નુકસાનની વાપસી માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, સંભલ હિંસાના કિસ્સામાં થયેલા નુકસાન માટે આ લોકો પાસેથી નાણાં વસૂલવા માટે કાર્યરત યોજનાઓ અપનાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકાર અગાઉ પણ તોફાનીઓ અને ગુનેગારો સામે આ રીતની કાર્યવાહી કરી ચૂકી છે. તે સમયે સરકારે નુકસાની ભરપાઈ માટે વટહુકમ જાહેર કર્યો હતો. આ વખતે પણ એ જ મોડેલ અપનાવવામાં આવશે, જેમાં જેના કારણે સરકારે નુકસાન ભોગવ્યું છે, તેમની પાસેથી સીધી વસૂલાત કરવામાં આવશે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વોની ધરપકડ માટે સહકાર આપનાર લોકોને સરકાર ઈનામ આપશે. આ જાહેરાતથી રાજયમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂતી મળશે અને હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી શક્ય બનશે.

આ અથડામણ મામલે કુલ 12 FIR નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. FIRમાં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.

કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સર્વે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

નવી સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત

0

મહારાષ્ટ્રમાં હાલ સરકારની રચના મુદ્દે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ નથી. બીજી તરફ મરાઠા અનામત મામલે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યું છે. જેથી નવી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પડકારનો સામનો કરવો પડી શકે છે.

ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ સત્તાધારી પક્ષની પ્રચંડ જીત બાદ ફરીથી આંદોલન છેડાઈ શકે તેવા અહેવાલો મળ્યા છે. મરાઠા અનામતની માગ કરતાં મનોજ જારાંગે પાટિલે નવેસરથી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, તે હવે સામૂહિક ધોરણે ભૂખ હડતાળ કરશે.

જાલના પોતાના ગામ અતંરવાલીમાં મનોજ જારાંગે પાટિલે જાહેરાત કરી છે કે, બીડ જિલ્લામાં આ ભૂખ હડતાળનું આયોજન થશે. મનોજ પાટિલે સમર્થકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, હવે ચૂંટણી પૂર્ણ થઈ છે. આપણે વિચારવું જોઈએ કે, આપણા સમાજ અને બાળકોનું ભવિષ્ય શું છે? આથી આપણે હવે ફરી અનામતની માગ કરવી જોઈએ. તમામ મરાઠાઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવું જોઈએ. તમામે એકજૂટ થઈ આમરણ ઉપવાસની તૈયારી કરો. નવી સરકારની રચના બાદ સામૂહિક ભૂખ હડતાળની જાહેરાત કરીશ અને તેની તારીખ પણ જણાવીશ.

ચૂંટણી પરિણામો અંગે મનોડ જરાંગે પાટિલે કહ્યું કે, મેં પહેલાં પણ કહ્યું હતું કે, તમે જેને મત આપવા માગતા હોવ તેને આપો. પરંતુ મારો સમાજ મારી સાથે છે. મેં મારી ભૂમિકામાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણે ધ્યાન રાખવુ પડશે કે, મરાઠાઓને ખોટા વચનો આપવામાં ન આવે. સત્તામાં ભલે તેઓ પરત ફર્યા છે, પરંતુ અમે ફરી ભૂખ હડતાળ કરીશું. સરકાર પાસે જેટલી તાકાત છે, તે તેનો ઉપયોગ કરી મરાઠા સમાજ માટે કામ કરે.

આ પણ વાંચો :-

લોથલમાં હડપ્પા સંશોધન દરમિયાન 1 મહિલા અધિકારીનું મોત

0

ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. જેમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

આ દુર્ઘટનામાં 23 વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત જે જીઓલોજિસ્ટ છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે આ દર્દનાક ઘટના બની છે.

લોથલમાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો 15 ફૂટ ઉંડો હતો. અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં 1 મહિલા અધિકારીનું મોત થયું છે જ્યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શરુ કરાઇ હતી. જીવિત મહિલા માટી અંદર દબાયા હોવાથી એમ્બ્યુલન્સ, ફાયર ટીમ અને પોલીસ ટીમ સહિતની ટીમો મહિલાની બચાવ કામગીરી કરવા કામે લાગી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મૃતક મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.

આ પણ વાંચો :-

ભાજપની ઓફર પર એકનાથ શિંદેની નવી ડિમાન્ડ, જાણો શું કહ્યું ?

0

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ હવે મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને મતભેદો સામે આવ્યા છે. ચૂંટણી પરિણામોના 4 દિવસ બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને મોટો પ્રશ્ન છે. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદેએ ભાજપની ઓફર પર નવો પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં શિવસેનાએ 2 નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવાની માગ કરી છે. એવામાં હવે સવાલ એ છે કે ભાજપે 2 ઓફર આપ્યા બાદ મુખ્યમંત્રીએ પલટવાર કરતા 2 નવી શરતો મૂકી દીધી. હવે બોલ ફરી એકવાર ભાજપના પક્ષમાં છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચેની ખેંચતાણ હવે કોઈથી છુપાયેલી નથી. રાજ્યની સાથે કેન્દ્રમાં મોદી સરકારના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને ભાજપ પોતાના નફા-નુકસાનની ગણતરી કરી રહી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પદ જાળવી રાખવા બદલ ભાજપે શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલય આપવા અને કેન્દ્રમાં મંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ભાજપના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ ગત સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યાં હતા. હવે એવી શક્યતા છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જોકે, એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીની માંગ ફગાવી દીધી છે. શિંદે ડેપ્યુટી CM માટે નવું નામ આપશે.શુક્રવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જેપી નડ્ડા નીરિક્ષક તરીકે મુંબઇ જશે.

સૂત્રો અનુસાર, શિવસેના પોતાના ધારાસભ્યોને સાધવા માટે એકનાથ શિંદેને રાજ્યના નેતૃત્ત્વમાં બનાવી રાખવા માંગે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઇ શકે છે માટે સંભાવના છે કે શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે. આ સિવાય એક ફોર્મૂલા એવી પણ ચર્ચામાં છે કે શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને રાજ્યમાં તેમના પુત્રને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. હવે જોવું રસપ્રદ રહેશે કે ભાજપ અને મહાયુતિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ક્યારે જાહેર કરે છે અને કોણ મુખ્યમંત્રી બને છે તેના પર તમામની નજર છે.

આ પણ વાંચો :-

સુરતમાં ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

0

સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં રમતાં બાળકો પર ગટરના ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.

સુરતના ડિંડોલીના ચેતન નગર વિસ્તારમાં ચોમાસું પુરૂ થતાં ગટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન ગટર ઢાંકણા ખુલ્લાઓ રાખવામાં આવ્યા હતા અને પાલિકાની આ લાલયાવાડીએ બાળકીનો ભોગ લીધો છે. બે બહેનો રમી રહી હતી ત્યારે રમતાં રમતાં બે બહેનો પર ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની બાળકી બચી ગઇ હતી પરંતુ પાંચ વર્ષની ભાગ્યશ્રીને માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતાં મોત નિપજ્યું હતું.

નજીકમાંથી એક વ્યક્તિ પણ આ બાળકીઓની મદદ માટે દોડી આવતા તેના પગમાં પણ ઈજા થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો બાળકીને તાત્કાલિક પરિવારને જાણકારી આપી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ઘટના સંદર્ભે ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા

આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો હતો.

અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી.

લકઝરી બસ હાઇવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં ધસી ગઇ હતી અને આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઇ ગયા હતા જેને પગલે ક્રેનની મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયુ હતું. અને ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. જેમાં 15થી 20 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે.

આ પણ વાંચો :-