Home Blog Page 55

OPD પાસે નમાઝનો વીડિયો વાયરલ થતા SSG હોસ્પિટલ તંત્ર હરકતમાં, તપાસ શરૂ

0

વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ (SSG) ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની OPD નજીક ત્રણ લોકો નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાની હકીકત જાણવા માટે સુપ્રિટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

OPD વિસ્તારમાં ત્રણ લોકો નમાઝ પઢતા જોવા મળ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વડોદરાની SSG હોસ્પિટલના OPD વિસ્તાર પાસે ત્રણ લોકો નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો ક્યારેનો છે અને તેમાં દેખાતા લોકો કોણ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, વીડિયોમાં દેખાતા લોકો દર્દીના સગા-સંબંધીઓ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના હોસ્પિટલના રજાના સમય દરમિયાન બની હોઈ શકે છે. જોકે, ઘટનાના સમયે સ્થળ પર કોઈ સુરક્ષા કર્મચારી દેખાતા ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.

હોસ્પિટલ પ્રશાસને તપાસ શરૂ કરી
આ સમગ્ર મામલે SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું છે કે વાયરલ વીડિયો હોસ્પિટલના ધ્યાનમાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી માહિતી સામે આવશે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે નમાઝ અદા કરનાર લોકો કોણ હતા, તેઓ હોસ્પિટલમાં કયા કારણસર આવ્યા હતા અને ઘટના કયા સંજોગોમાં બની હતી.

વડોદરામાં આ પ્રકારની ઘટના પહેલીવાર સામે આવી નથી. થોડા વર્ષો અગાઉ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના કેમ્પસમાં પણ નમાઝ પઢવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. એક વીડિયોમાં યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટ નજીક એક યુવક અને યુવતી નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. આ મામલે તે સમયે ભારે ચર્ચા અને વિવાદ થયો હતો. આ ઉપરાંત સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગની એક વિદ્યાર્થિનીનો પણ કેમ્પસમાં નમાઝ અદા કરતો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે પણ યુનિવર્સિટી પ્રશાસન અને વિદ્યાર્થીઓમાં આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો.

ઇરાન-અમેરિકા વચ્ચે સમજૂતી કરાર, 14 મુદ્દાઓ પર સહમતિથી યુદ્ધનો અંત?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયાને બંને દેશો વચ્ચે ઘણા મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે ઔપચારિક રીતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકા અને ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્રપતિઓએ બુધવારે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર તાત્કાલિક અમલમાં આવ્યો છે.

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ફ્રાન્સના વર્સેલ્સ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે રાત્રિભોજન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ-ઈરાન કરારની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા હતા. હસ્તાક્ષરિત કરારની નકલો ઈરાન અને મધ્યસ્થી કરનારા દેશોને મોકલવામાં આવી છે. આ અગાઉ, રવિવારે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફે ઈલેક્ટ્રોનિક રીતે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે MoU પર હસ્તાક્ષર કરવાથી બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે.

જિનેવા વાટાઘાટો હજુ પણ પ્રસ્તાવિત
જોકે, શુક્રવારે જીનીવામાં બંને દેશોની વાટાઘાટ ટીમોની બેઠક શેડ્યૂલ પર જ છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં બેઠકનો હેતુ કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, બેઠક ખરેખર થશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવશે છે, તેમ છતાં, આ સૂચવે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ગયા હોવાથી, સ્વિટ્ઝર્લૅન્ડમાં વ્યક્તિગત રીતે હસ્તાક્ષર સમારોહ યોજાશે નહી.

પહેલા ફકરામાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને તેમના સાથીઓ જેમાં લેબનોનમાં રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તાત્કાલિક અને કાયમી ધોરણે તમામ મોરચે લશ્કરી કાર્યવાહી બંધ કરશે. તેઓ વધુમાં સમત થાય છે કે, હવેથી, તેઓ એકબીજા સામે કોઈ યુદ્ધ કે લશ્કરી કાર્યવાહી શરૂ કરશે નહીં, ન તો તેઓ બળનો ઉપયોગ કરશે અથવા એકબીજા સામે બળનો ઉપયોગ કરવાની ધમકી આપશે. લેબનોનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનો આદર કરવામાં આવશે.

14-મુદ્દાના અમેરિકા-ઈરાન કરારમાં શું છે?

  • યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવા અને એકબીજાની આંતરિક બાબતોમાં દખલ કરવાથી દૂર રહેવાનું વચન આપે છે.
  • યુએસ અને ઈરાન મહત્તમ 60 દિવસની અંદર વાટાઘાટો કરવા અને અંતિમ કરાર પર પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. આ સમયમર્યાદા પરસ્પર સંમતિથી લંબાવી શકાય છે.
  • આ MoU પર હસ્તાક્ષર થયા પછી, યુએસ તેની નૌકાદળ નાકાબંધી હટાવવાનું અને ઈરાન સામેના કોઈપણ અવરોધો અથવા અવરોધોને દૂર કરવાનું શરૂ કરશે, 30 દિવસની અંદર નૌકાદળ નાકાબંધીને સંપૂર્ણપણે સમાપ્ત કરશે. આ સમયગાળા દરમિયાન, જહાજોની અવરજવર ઈરાન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવતા યુદ્ધ પહેલાના ટ્રાફિક સ્તરોને અનુરૂપ હશે. અમેરિકા 30 દિવસની અંદર ઈરાનની આસપાસના વિસ્તારમાંથી પોતાના દળો પાછા ખેંચી લેશે.
  • ઈરાન પર્સિયન ગલ્ફથી ઓમાનના સમુદ્ર સુધી અને તેનાથી વિપરીત વાણિજ્યિક જહાજોના સુરક્ષિત માર્ગને સરળ બનાવવા માટે તમામ પ્રયાસો કરશે. આ સેવા માટે કોઈ ફી લેવામાં આવશે નહી. આ વ્યવસ્થા 60 દિવસ સુધી અમલમાં રહેશે. વાણિજ્યિક જહાજોની અવરજવર તાત્કાલિક શરૂ થશે, અને ઈરાન 30 દિવસની અંદર આ સિસ્ટમનો સંપૂર્ણ અમલ કરશે, જેમાં ટેકનિકલ અને લશ્કરી અવરોધો દૂર કરવા અને દરિયાઈ ખાણો સાફ કરવાને ધ્યાનમાં લેવામાં આવશે. ઈરાન ઓમાન સાથે પરામર્શ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભાવિ વહીવટ અને દરિયાઈ સેવાઓ નક્કી કરશે. લાગુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાકાંઠાના રાજ્યોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને, પર્સિયન ગલ્ફની સરહદે આવેલા અન્ય રાષ્ટ્રો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
  • ઈરાનના પુનર્નિર્માણ અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા $300 બિલિયનની કિંમતની નક્કર અને પરસ્પર સંમત યોજના બનાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ તેના પ્રાદેશિક સાથીઓ સાથે કામ કરવાનું વચન આપે છે. અંતિમ કરારના ભાગ રૂપે આ યોજના માટે અમલીકરણ પદ્ધતિ 60 દિવસની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
  • અંતિમ કરાર હેઠળ, યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવશે. આમાં યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને IAEA બોર્ડ ઓફ ગવર્નર્સ ઠરાવોમાંથી ઉદ્ભવતા પગલાં તેમજ તમામ એકપક્ષીય યુએસ પ્રતિબંધોનો સમાવેશ થાય છે.
  • ઈરાને પરમાણુ શસ્ત્રો મેળવવા કે ઉત્પન્ન ન કરવાનું વચન આપ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન ભંડારિત સમૃદ્ધ ચુરેનિયમના નિકાલ માટે પરસ્પર નિર્ધારિત પદ્ધતિ પર સંમત થયા છે; આમાં IAEA દેખરેખ હેઠળ સ્થળ પર સામગ્રીનું મિશ્રણ કરવાનો સમાવેશ થશે.
  • અંતિમ કરાર થાય ત્યાં સુધી, અમેરિકા અને ઈરાન યથાવત્ સ્થિતિ જાળવવા સંમત થયા છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાળવી રાખશે, જ્યારે અમેરિકા નવા પ્રતિબંધો લાદશે નહી કે પ્રદેશમાં વધારાના સૈનિકો તૈનાત કરશે નહીં.
  • અમેરિકાએ વચન આપ્યું છે કે પ્રતિબંધો હટાવવા પર હસ્તાક્ષર કર્યા પછી અને તે પછી, અમેરિકાનો ટ્રેઝરી વિભાગ ઈરાની ક્રૂડ તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને બેકિંગ વ્યવહારો જેવી સંબંધિત સેવાઓના નિકાસ માટે છૂટછાટ આપશે.
  • અમેરિકા ઈરાનના સ્થિર ભડોળ અને સંપત્તિઓને ઉપયોગ માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવશે. વાટાઘાટો દરમિયાન, અમેરિકા અને ઈરાન આ ભંડોળ મુક્ત કરવા માટેની પ્રક્રિયાઓ પર પરસ્પર કરાર પર પહોંચશે. આ ભંડોળ ઈરાનની સેન્ટ્રલ બેંક દ્વારા નિયુક્ત કોઈપણ અંતિમ લાભાર્થીને ચુકવણી માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • અમેરિકા અને ઈરાન આ સમજૂતી કરારના સફળ અમલીકરણ અને અંતિમ કરારના ભવિષ્યના પાલન પર દેખરેખ રાખવા માટે એક એક્ઝિક્યુટિવ મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા છે.
  • MOU પર હસ્તાક્ષર થયા પછી અને ફકરા 1, 4, 5, 10 અને 11માં દર્શાવેલ પગલાંની શરૂઆત અને સતત અમલીકરણને આધીન, યુએસ અને ઈરાન બાકીના ફકરાઓ આવરી લેતા અંતિમ કરાર અંગે વાટાઘાટો શરૂ કરશે.
  • અંતિમ કરારને બંધનકર્તા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઠરાવ દ્વારા સમર્થન આપવામાં આવશે.

’15 કરોડ રૂપિયા લીધા છે, હવે હિસાબ આપવો પડશે’: બાગી સાંસદોને ઉદ્ધવ સેનાની કડક ચેતવણી

0

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9 માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિદે જૂથમાં સામેલ થઈ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી ૯ સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે ૧૫ કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી. જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે. તેમણે વધુમાં કહ્યું, જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું. તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના ૯માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે

ગુજરાતની 4 મહાનગરપાલિકાઓને બોમ્બની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડ એક્શનમાં

0

ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓ જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા બુધવારે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે, સઘન તપાસ બાદ કોઈ પણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને મળેલા ધમકીભર્યા મેઈલ બાદ સમગ્ર કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ કોઈ જોખમી વસ્તુ ન મળતાં કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બ મુકાયાની શંકા દર્શાવતો ઈ-મેઈલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો હતો. કર્મચારીઓ, અધિકારીઓ અને કામકાજ માટે આવેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને બોમ્બ ડિટેક્શન ટીમે સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં સ્થિતિ સામાન્ય બની હતી.

ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર ઈ-મેઈલ પર પણ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં મેયર કચેરીને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસની ટીમોએ કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી.

વડોદરા મહાનગરપાલિકાને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. તમામ સ્થળોએ તપાસ પૂર્ણ થયા બાદ કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

હાલમાં સાયબર ક્રાઈમ અને અન્ય તપાસ એજન્સીઓ ધમકીભર્યા ઈ-મેઈલોના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. ઈ-મેઈલ કોણે મોકલ્યા અને તેનો હેતુ શું હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

કચ્છમાં 3.2 તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં

0

કચ્છ જિલ્લામાં બુધવારે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 17 જૂન, 2026ના રોજ બપોરે 12:39:35 કલાકે ભચાઉથી આશરે 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ નોંધાયો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 23.396 અને રેખાંશ 70.337 પર સ્થિત હોવાનું જણાવાયું છે. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને કોઈ મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કેટલાક વિસ્તારોમાં લોકોએ થોડા સમય માટે ધરતી ધ્રુજવાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ઝોન-5માં સમાવિષ્ટ છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ આ વિસ્તારમાં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. હાલ સુધી તંત્રને કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન અંગેની માહિતી મળી નથી.

ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3.0થી 4.0 મેગ્નિટ્યુડ વચ્ચેના ભૂકંપ સામાન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં, ભૂકંપપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે.

ગોપાલ ઇટાલીયાની અનોખી પહેલ: પગારમાંથી દોઢ લાખ આપી ગામના કૂવાનું પુનઃનિર્માણ

વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તારમાં એક અનોખી પહેલ કરીને ફરી એકવાર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં ગ્રામજનોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને જર્જરિત કૂવાના પુનઃનિર્માણમાં સહયોગ આપ્યો છે.

તાજેતરમાં ગોપાલ ઇટાલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામના આગેવાન શૈલેષભાઈ કથીરિયાના નિવાસસ્થાને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગામલોકોએ તેમને નવનિર્મિત કૂવો બતાવ્યો અને તેમના આર્થિક સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.

ગોપાલ ઇટાલીયાના જણાવ્યા મુજબ, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જૂના અને જર્જરિત કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. પરંતુ આવા કામ માટે કોઈ સરકારી જોગવાઈ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કૂવાનું કામ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને પોતાના પગારમાંથી કુલ દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અગાઉ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના પચાસ હજાર રૂપિયા પણ ટૂંક સમયમાં આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ગોપાલ ઇટાલીયા છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ સંબંધિત મુદ્દે તેમણે ખેડૂતોને ખુલ્લું સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, મતવિસ્તારમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી જાહેર કરીને પારદર્શક વહીવટનો સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.

તેમની આ કામગીરીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકોએ વિકાસકાર્યો અંગે ખુલ્લી માહિતી આપવાની અને વ્યક્તિગત સ્તરે લોકોની જરૂરિયાતમાં સહયોગ કરવાની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી છે. નવા ખાખરા હડમતીયા ગામમાં કૂવાના નિર્માણ માટે કરાયેલા આ યોગદાન બાદ ગોપાલ ઇટાલીયાની આ પહેલની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે.

ચોમાસા પહેલા જ સુરતમહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. શહેરના ન્યુ ડીંડોલી વિસ્તાર તરફ જતો કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં તૈયાર કરાયેલો રોડ ચોમાસાની શરૂઆત પહેલાં જ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

માહિતી અનુસાર, ડીંડોલી વિસ્તારના મુખ્ય માર્ગ પર વહેલી સવારે એક ભારે માલસામાન ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક રોડનો મોટો ભાગ બેસી ગયો અને ડમ્પરનો પાછળનો ભાગ જમીનમાં ફસાઈ ગયો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મનપા તંત્ર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ JCB મશીનની મદદથી ડમ્પરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ માંડ થોડા દિવસો પહેલાં જ બનેલો ચકચકિત રોડ સામાન્ય દિવસોમાં જ બેસી જાય, તો ભારે વરસાદમાં આ રસ્તાની શું હાલત થશે તે વિચારવું જ રહ્યું. આ ઘટનાએ સુરત મનપાના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અને રોડ કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ કેમ?

આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ એક મોટી દુર્ઘટનાની ચેતવણી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો વરસાદ પહેલા જ આવી સ્થિતિ હોય, તો આગામી ચોમાસામાં સુરતવાસીઓની સુરક્ષાનું શું?

અભિજીત દિપકેને તમાચો મારનાર અર્જુન પંડિતે કહ્યું- ‘અમે તેનો ઈલાજ કરી દીધો’

0

અભિજીત દિપકેને તમાચો મારનાર યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. પોલીસ કસ્ટડી દરમિયાન અર્જુન પંડિતે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેના 3-4 સાથીદારો પણ પોલીસ કસ્ટડીમાં છે. તેમાં અર્જુન પંડિત, રાકેશ ગુર્જર અને રોહિત સહિતના લોકોનો સમાવેશ થાય છે. વાતચીત દરમિયાન અર્જુન પંડિતે અભિજીત દિપકે પર ગંભીર આક્ષેપો કર્યા અને જણાવ્યું કે પ્રદર્શન દરમિયાન તેમના લોકો દેશને વહેંચવાની વાતો કરી રહ્યા હતા. યુવકે કહ્યું કે, “કોકરોચ જનતા પાર્ટીના લોકો દેશના લોકોને જાતિના આધારે વહેંચવા માંગે છે.”

અર્જુન પંડિતે કહ્યું કે કોઈને મારવાની તેમની અગાઉથી કોઈ યોજના નહોતી. તેઓ માત્ર કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન જોવા ગયા હતા. તે દરમિયાન તેમણે જોયું કે પાર્ટીના લોકો દેશને વહેંચવાની ચર્ચા કરી રહ્યા હતા. અર્જુનનો આરોપ છે કે આ લોકો સમાજને જાતિ અને ધર્મના આધારે વહેંચવાની યોજના બનાવી રહ્યા હતા. આ બધી વાતો સાંભળ્યા અને જોયા પછી તેઓ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા.

અર્જુન પંડિત બોલ્યો – ‘દેશને વહેંચવા નહીં દઈએ’

અર્જુન પંડિતે જણાવ્યું કે જ્યારે કેટલાક લોકો અભિજીત દિપકેને ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેણે તેમને તમાચો મારી દીધો. અર્જુને કહ્યું કે, “અમે તેનો ઈલાજ કરી દીધો.” તેણે પોતાને રાષ્ટ્રવાદી વિચારધારાનો યુવક ગણાવતા કહ્યું કે તેઓ દેશને વહેંચવા નહીં દે. આ દરમિયાન અર્જુને અભિજીત દિપકે માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.

રાકેશ ગુર્જરે કહ્યું – ‘હું રાષ્ટ્રવાદી છું’
આ પહેલા રાકેશ ગુર્જરનું નિવેદન પણ સામે આવ્યું હતું. વાયરલ વીડિયોમાં અભિજીત દિપકેને તમાચો મારતો મુખ્ય વ્યક્તિ તરીકે રાકેશ ગુર્જર દેખાય છે.

રાકેશે જણાવ્યું કે તે જયપુરનો રહેવાસી છે અને તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી. તેણે કહ્યું કે તે રાષ્ટ્રવાદી છે અને રાજસ્થાનમાં આવી પ્રકારની વિભાજનકારી રાજનીતિ થવા દેશે નહીં. રાકેશ ગુર્જરે આરોપ લગાવ્યો કે NEET પેપર લીકના નામે કેટલાક લોકો દેશને વહેંચવાનું ષડયંત્ર રચી રહ્યા છે અને હિંદુ સમાજને ભ્રમિત કરી રહ્યા છે. તેણે અભિજીત દિપકેને ચેતવણી આપતા કહ્યું કે જો જયપુરમાં ફરી આવી પ્રવૃત્તિ થશે તો ફરી “ઈલાજ” કરવામાં આવશે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ CJP
બીજી તરફ તમાચાકાંડ બાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેના પણ અનેક નિવેદનો સામે આવ્યા છે. અભિજીતે કહ્યું કે આવી ઘટનાથી તેઓ પોતાના આંદોલનથી ભટકવાના નથી. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો આંદોલનને નબળું પાડવા માંગે છે, પરંતુ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહેશે. અભિજીતે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો હિંદુ-મુસ્લિમના નામે સમાજને વહેંચીને રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ તેઓ આવા પ્રયાસોને સફળ થવા દેશે નહીં. તેમણે 20 જૂને દિલ્હીમાં મોટા આંદોલનની જાહેરાત કરતાં “દિલ્હી ચલો”નો નારો પણ આપ્યો.

દિપકે બોલ્યા – આ બેરોજગારીનું ઉદાહરણ છે
એક અન્ય વીડિયોમાં અભિજીત દિપકેએ આ સમગ્ર તમાચાકાંડને દેશમાં વધતી બેરોજગારીનું પરિણામ ગણાવ્યું હતું. છેલ્લા 40 વર્ષમાં ઊભી થયેલી બેરોજગારીની પરિસ્થિતિનું આ એક જીવંત ઉદાહરણ છે. લોકો પાસે રોજગાર નથી, તેથી આવી ઘટનાઓ બની રહી છે. અભિજીતે કહ્યું કે જેણે તેમને તમાચો માર્યો, જો તેની પાસે નોકરી હોત તો કદાચ તે આવી હરકત ન કરત. તેમણે આ ઘટનાને દેશમાં બેરોજગારીની ગંભીર સ્થિતિનું મોટું ઉદાહરણ ગણાવ્યું.

મોદી-ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકાનો મોટો નિર્ણય, ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલાયું

0

ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થવાની છે. જોકે, આ બેઠક પહેલાં અમેરિકાએ ભારતને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન)એ ઇન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને ફરીથી યુએસ પેસિફિક કમાન્ડ કરી દીધું છે.

હવાઈ દ્વીપસમૂહમાં સ્થિત આ કમાન્ડની જવાબદારી હિંદ મહાસાગરથી લઈને પ્રશાંત મહાસાગર સુધીના વિશાળ વિસ્તારની સુરક્ષા અને સૈન્ય કામગીરીની છે. આ કમાન્ડ હેઠળ અમેરિકાનું સેવન્થ ફ્લીટ (સાતમું નૌકાદળ) પણ આવે છે, જેણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ આઠ વર્ષ પહેલાં ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકા દ્વારા આ કમાન્ડનું નામ યુએસ પેસિફિક કમાન્ડમાંથી બદલીને ઇન્ડો-પેસિફિક કમાન્ડ રાખવામાં આવ્યું હતું. તે સમયે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને રક્ષણાત્મક સંબંધો સતત મજબૂત બની રહ્યા હતા. હવે બુધવારે અમેરિકાએ ફરી એકવાર આ કમાન્ડનું નામ બદલીને પેસિફિક કમાન્ડ કરી દીધું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ અને મતભેદોની ચર્ચા ચાલી રહી છે. જેના કારણે આ નામ પરિવર્તનને બંને દેશોના બદલાતા સંબંધોના સંદર્ભમાં પણ જોવામાં આવી રહ્યું છે.

જોકે, પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે કમાન્ડનું નામ બદલવાનો નિર્ણય મુખ્યત્વે વહીવટી અને ઐતિહાસિક કારણોસર લેવામાં આવ્યો છે. પેન્ટાગનના જણાવ્યા મુજબ, આ ફેરફારનો હેતુ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદથી ચાલતી સાત દાયકાથી વધુ જૂની સૈન્ય પરંપરા, સૈનિકોના ગૌરવ અને ઐતિહાસિક વારસાને સન્માન આપવાનો છે.

પેન્ટાગોનનું કહેવું છે કે નામમાં કરાયેલો આ બદલાવ કોઈ નવી વ્યૂહાત્મક નીતિ અથવા ભૂરાજકીય સંકેત નથી, પરંતુ અમેરિકાની લાંબી સૈન્ય પરંપરા અને ઐતિહાસિક ઓળખને ફરીથી પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ છે.

કેમ ઉઠી રહ્યા છે સવાલ?
અમેરિકાએ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળીને ક્વાડની (QUAD)ની રચના કરી છે, જેનો આધાર જ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર છે. આવા સમયે અમેરિકાના રક્ષા મંત્રાલય દ્વારા કમાન્ડના નામમાંથી ‘ઇન્ડો’ શબ્દ હટાવવાનો નિર્ણય અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

આ નિર્ણયથી એવો સંદેશો જતો હોવાનું માનવામાં આવે છે કે અમેરિકાનું મુખ્ય ધ્યાન હવે પ્રશાંત મહાસાગર પર વધુ કેન્દ્રિત થઈ શકે છે, જ્યારે હિંદ મહાસાગરનું મહત્વ તુલનાત્મક રીતે ઘટતું દેખાઈ શકે છે. એટલે કે, અમેરિકા હવે મુખ્યત્વે પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક પડકારો પર વધુ ફોકસ કરશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જ બદલાયું હતું નામ
2018 માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, યુએસ લશ્કરી કમાન્ડનું નામ બદલીને યુએસ પેસિફિક કમાન્ડ (USPACOM) થી યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ (INDOPACOM) કરવામાં આવ્યું હતું. તે સમયે તત્કાલીન અમેરિકી સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે જણાવ્યું હતું કે આ ફેરફાર ભારતની વધતી વ્યૂહાત્મક ભૂમિકા અને હિંદ મહાસાગર તથા પ્રશાંત મહાસાગરની એકબીજા સાથે જોડાયેલી સુરક્ષા હકીકતોને પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવ્યો છે.

પરંતુ હવે પેન્ટાગોને ફરી એકવાર તેનું નામ પેસિફિક કમાન્ડ રાખવાની જાહેરાત કરી છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ નિર્ણય વારસાગત ઓળખ અને ઐતિહાસિક મૂળને પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવ્યો છે. સાથે જ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ નામ પરિવર્તનથી કમાન્ડના કાર્યક્ષેત્ર, મિશન કે જવાબદારીઓમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી અને કામગીરી યથાવત રહેશે, માત્ર કમાન્ડનું નામ બદલવામાં આવ્યું છે.

ફક્ત નામ બદલાયું છે, પરંતુ તે ત્યારે જ આવ્યું છે જ્યારે મોદી અને ટ્રમ્પ ફ્રાન્સમાં મળવાના છે. એવું લાગે છે કે ટ્રમ્પ, જે ટેરિફ વિવાદમાં સામેલ છે અને પાકિસ્તાનની પ્રશંસા કરી રહ્યા છે, તે હવે ભારતને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો ભારત તેમાં સામેલ ન હોય તો કોઈ વાંધો નથી.

સુરતમાં ગુનેગારો સામે પોલીસનો કડક કાર્યવાહી, છેતરપિંડી કરનાર 8 આરોપીઓને પાસા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા માથાભારે ઈસમો તથા અલગ અલગ પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પોલીસ દ્વારા આજદીન સુધીમાં 407 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કાપડ માર્કેટમાં કાપડના વેપારીઓ પાસેથી મોટી રકમનું કાપડ ખરીદી કરી તેના નાણાં વેપારીઓને નહીં ચૂકવી દુકાન બંધ કરી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર કુલ 8 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે, આ ઉપરાંત શહેરના હીરા બજારમાંથી હીરા વેપારીઓ પાસેથી મોટી રકમના હીરા ખરીદી કરી તેના નાણાં નહીં ચૂકવી ભાગી જઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓ સામે પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં જરૂરિયાતમંદ નાગરિકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા વ્યાજે આપી નાગરિકોને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા કુલ 7 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અનેક પ્રકારના ગુનાઓ આચરતા આરોપીસંખ્યા
ભયજનક257
બુટલેગર103
જાતીય સતામણી કરનાર24
જુગારનો અડ્ડો ચલાવનાર 1
વ્યાજખોરીની પ્રવુતિ કરનાર 7
સાયબર ક્રાઈમ કરનાર12
અનૈતિક વેપારની પ્રવુતિ કરનાર 3
કુલ આરોપીઓને પાસા407

વધુમાં ઇન્ટરનેટ તથા મોબાઈલ ફોનના માધ્યમથી સાયબરફ્રોડ કરી નાગરિકોના રૂપિયા ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરનાર કુલ 12 આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેવી જ રીતે શહેરમાં નાગરિકો સાથે અવાર નવાર મારમારી કરી ખૂન કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલા 9 આરોપીઓને પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપડરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓની તથા સગીર વયની કિશોરીઓની છેડતી કરનાર તેમજ અપહરણ કરીને લઈ જઈ જાતીય સતામણી કરનાર 24 આરોપીઓ અને શહેરમાં ઈમોરલ ટ્રાફિકીંગ ની પ્રવુતિ કરનાર ૩ આરોપીઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.