ગુજરાતની ચાર મહાનગરપાલિકાઓ જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા બુધવારે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે, સઘન તપાસ બાદ કોઈ પણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને મળેલા ધમકીભર્યા મેઈલ બાદ સમગ્ર કચેરી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ કોઈ જોખમી વસ્તુ ન મળતાં કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકામાં પણ બોમ્બ મુકાયાની શંકા દર્શાવતો ઈ-મેઈલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો હતો. કર્મચારીઓ, અધિકારીઓ અને કામકાજ માટે આવેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને બોમ્બ ડિટેક્શન ટીમે સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં સ્થિતિ સામાન્ય બની હતી.
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના સત્તાવાર ઈ-મેઈલ પર પણ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ ઈ-મેઈલમાં મેયર કચેરીને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કમિશનર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને પોલીસની ટીમોએ કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી.
વડોદરા મહાનગરપાલિકાને પણ સમાન પ્રકારનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. તમામ સ્થળોએ તપાસ પૂર્ણ થયા બાદ કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
હાલમાં સાયબર ક્રાઈમ અને અન્ય તપાસ એજન્સીઓ ધમકીભર્યા ઈ-મેઈલોના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ ચલાવી રહી છે. ઈ-મેઈલ કોણે મોકલ્યા અને તેનો હેતુ શું હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.