Home Blog Page 511

૧૫ માર્ચ, ૨૦૨૫ / આ રાશિ માટે શુક્રવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસની શરૂઆત આનંદ થી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય. અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી ખાંસી થાક બાગવાની તકલીફ‍ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ પ્રેમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂં નોકરી ધંધામાં પ્રગતિ . સ્વાસ્થ્ય જળ‍વાય.

મિથુનઃ

કોઇ બનાવીન જાય અેનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવરમાં આનંદ. સંતાનની પ્રગતિ થી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ

આજનો દિવસ તમામ રીતે આનંદ ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે અેકરાગીતા જળવાશે. નોકરી ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતી ની કાળજી રાખ‍વી.

સિંહઃ

મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાતે પ્રેમ જળવાશે. જીવનસાથી ની પ્રગતિ થી આનંદ. ધંધામાં પ્રગતિ. સપ્તા, હોદો, માન માં વધારો થાય.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહ માં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવાર ના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ

વિદેશ ના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થા નું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરી બડતી અને ધંધામાં પ્રગતિ શકય બને.

વૃશ્ચિકઃ

સ્‍વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાાંતવાદી વલણ રહે. આર્થિક દષ્ટિ અે સારો દિવસ. માતા પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધનઃ

માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઇ બહેનો સાથે સારૂં. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ

આર્થિક બાબતો અંગે શુભ દિવસ છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૌસા ફાસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી ખાંસી તાવનો ઉપદ્ગવ રહે. દિવસના પૂર્વાધમાં ધંધા બાબતે સારૂં.

મીનઃ

આનંદ ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતો માં સાચવવું. વિચારી ને નિર્ણયો લેવાની સલાહ છે.

સુરતમાં લુખ્ખાઓનો ખુલ્લો પડકાર, લોકોના જીવને જોખમમાં મૂકીને કરે છે ડ્રાઈવિંગ

સુરતમાં રસ્તા પર મોતની સવારી લઈને નીકળતા નબીરાઓ લોકો માટે જોખમી બની રહ્યાં છે. એક પછી એક અકસ્માત નબીરાઓ સર્જી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે નબીરાઓની જોખમી સવારીના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

સુરતમાં નબીરાઓના એક ટોળાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં GJ 05 RV 9841 કારમાં અજાણ્યા શખસો ભેગા થઈને પોલીસને ગાળો આપી રહ્યા છે. આ સાથે પોતાના ચહેરાને કાળા રંગે રંગી રસ્તા વચ્ચે ધતિંગ કરતાં પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. વીડિયોમાં નબીરાઓ સ્કોર્પિયો પર બેસીને ફરી રહ્યાં છે અને બેફામ ગાડી હંકારી રહ્યાં છે. મોઢા પર કાળો કલર કરી પોલીસને ગાળો આપી લલકારી રહ્યા છે કે, હવે ઓળખો અને પકડી બતાવો.

વરાછા પોલીસે 9 લોકોની કરી ઘરપકડ
ગોહિલ હિરેન, વિશાલ શિયાળ, ઉમેશ સીરસાઠ, શૈલેષ રાઠોડ, ગોપાલ પરમાર, મનહર રાઠોડ, બિપિન રાઠોડ, જયેશ ગોહિલ સહિત સગીરની ધરપકડ કરી

પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઊભા કરે છે. જ્યારે પણ આવો વીડિયો વાઈરલ થાય છે, ત્યારે પોલીસ આવા નબીરાઓને પકડીને સરઘસ કાઢે છે અને સોશિયલ મીડિયા પર BEFORE, AFTER ના વીડિયો બનાવે છે. પરંતુ, આવી ઘટના જ ન બને તે માટે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. પોલીસને લલકારવાની આવી તાકાત થવી એ પોલીસની કામગીરી પર મોટા પ્રશ્ન ઊભા કરે છે. આવા વીડિયો દર્શાવે છે કે, પોલીસ રાજ્યની જનતામાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૈયદ આબિદ અલીનું નિધન

0

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજુ તો પૂરો નથી થયો ત્યાં તો, એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક ફેલાઈ ગયો છે. 1967 અને 1974 વચ્ચે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમનાર અનુભવી સૈયદ આબિદ અલીનું બુધવારે (13 માર્ચ) કેલિફોર્નિયામાં 83 વર્ષની વયે અવસાન થયું હતું. આબિદ અલી મધ્યમ ગતિનો બોલર હતો. તે એક ઉત્તમ ફિલ્ડર હતો. આ સિવાય તેની રનિંગ બિટવીન ધ વિકેટ પણ શાનદાર રહી હતી.

જ્યારે ભારતે ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી હતી ત્યારે તેના બેટમાંથી ચાર જીત્યા હતા. તે 1971માં ઓવલ ખાતે ટેસ્ટમાં 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ મેચ જીતીને ભારતે પ્રથમ વખત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. સૈયદ આબિદ અલી એક જ મેચમાં ઓપનિંગ બેટિંગ અને બોલિંગ કરવાનો રેકોર્ડ ધરાવે છે.

ક્રિકબઝ અનુસાર, સુનિલ ગાવસ્કરે સૈયદ આબિદ અલીના દુઃખદ અવસાન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અલીમાં સિંહ જેવું હૃદય હતું જે ટીમની જરૂરિયાતો માટે કંઈ પણ કરી શકતા હતા. ઓલરાઉન્ડર હોવાને કારણે, તે મધ્યમ ક્રમમાં બેટિંગ કરતા હતા પરંતુ જ્યારે પણ જરૂર પડે ત્યારે તે ઓપનિંગ પણ કરતા હતા. તેણે લેગ સાઈડ પર કેટલાક શાનદાર કેચ પણ પકડ્યા હતા.”

દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઇતિહાસ યાદ કરતાં કહ્યું, “જો મને બરાબર યાદ છે, તો સૈયદ આબિદ અલી વિશ્વના પહેલા બોલર હતા જેમણે ટેસ્ટ મેચના પહેલા બોલ પર બે વાર વિકેટ લીધી હતી. મારી ડેબ્યૂ ટેસ્ટમાં, જ્યારે તેને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી, ત્યારે તેમને બોલ ફેંકાયા બાદ તરત જ ભાગવાની આદત હતી. આ રણનીતિ અસરકારક સાબિત થઈ કારણ કે આ કારણે વિરોધી ટીમે ઓવર-થ્રોને કારણે ઘણા રન આપ્યા. હું તેમના સંબંધીઓ અને તેમના બધા નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

સુરતમાં ગેંગરેપ અને લૂંટ કેસમાં 26 દિવસમાં 2053 પાનાની દળદાર ચાર્જશીટ રજુ કરાઇ

સુરતના પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને મહિલા સાથે ગેંગરેપની ઘટનામાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં આરોપી સામે 26 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને 2053 પાનાની દળદાર ચાર્જશીટ રજુ કરાઇ છે.

મળતી માહિતી મુજબ સુરતના પુણા પોલીસ મથકની હદમાં આ ચકચારી બનાવ બન્યો હતો. 13 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રીના સમયે ત્રણ યુવકો આવ્યા હતા અને તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપતા દંપતીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. જે બાદ આ યુવકો ઘરમાં ઘુસી ગયા હતા અને પેહલા પતિને બંધક બનાવીને મહિલાને અગાસી પરની રૂમમાં લઇ જઈ બે આરોપીઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં 59 હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી.

આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભાવનગરથી આરોપી દિનેશ ઉર્ફે છોટુ રામ ખિલાડી યાદવ અને નીલેશ ઉર્ફે ગફફર ઉર્ફે બુલેટ ચ્કુરભાઈ ભીંગરાડીયા જયારે અમિત ઉર્ફે રઘુ રોકડા નરસીભાઈ વાળાને અમરેલીથી પકડી પાડ્યો હતો. આ ચકચારી કેસમાં પોલીસે માત્ર 26 દિવસમાં જ ત્રણેય આરોપીઓની સામે સીસીટીવી ફૂટેજ, ગેઇટ એનાલીસીસ રીપોર્ટ, સાયબર ફોરેન્સિક રીપોર્ટ,મેડીકલ પુરાવા, ફિંગરપ્રિન્ટ અભિપ્રાય, મોબાઈલ લોકેશન તથા સાંયોગિક પુરાવાના આધારે 2053 પાનાની ચાર્જશીટ રજુ કરાઇ છે.

સ્ટાલિનને હિન્દીથી એટલી નફરત કે ‘₹’નું ચિહ્ન હટાવી દીધું! જાણો તમિલમાં શું લખ્યું

0

કેન્દ્ર સરકાર સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના મુદ્દે સતત સંઘર્ષમાં રહેતી તમિલનાડુ સરકારે વધુ એક પગલું ભર્યું છે. જેમાં એમ.કે. સ્ટાલિન સરકારે હવે રાજ્યના બજેટના લોગોમાં પ્રતિક બદલ્યું છે. જેમાં તમિલનાડુ સરકાર 14 માર્ચ અને શુક્રવારના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવા જઇ રહી છે.

આ બજેટ અંગે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન એકસ પર એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં, બજેટ લોગોમાં રૂપિયાના સત્તાવાર પ્રતીક ₹ ને બદલે, તમિલ પ્રતીક ரூ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા સીએમ એમકે સ્ટાલિને તમિલમાં લખ્યું – “સમાજના તમામ વર્ગોના લાભ માટે તમિલનાડુના વ્યાપક વિકાસની ખાતરી કરવી.”

તમને જણાવી દઈએ કે દેશમાં રૂપિયા (₹) નું પ્રતીક ઉદય કુમાર ધર્મલિંગમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે વ્યવસાયે શિક્ષણવિદ અને ડિઝાઇનર છે. તેમની ડિઝાઇન પાંચ શોર્ટલિસ્ટેડ પ્રતીકોમાંથી પસંદ કરવામાં આવી હતી. ધર્મલિંગમના મતે, તેમની ડિઝાઇન ભારતીય ત્રિરંગા પર આધારિત છે.

તમિલનાડુ સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી કે પ્રતીક બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના સૂત્ર જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહી છે. ડીએમકેનો આરોપ છે કે કેન્દ્ર સરકાર તમિલનાડુ પર હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહી છે.

તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તન કરાવનારાઓને હર્ષ સંઘવીએ આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું ?

0

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.

હર્ષ સંઘવી તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મ પરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકોને કાયદાની કોઈપણ બારી નહીં બચે.

સોનગઢ તાલુકામાં જ જોતજોતામાં 500 ચર્ચ બની ગયા ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન ઊભા કરી દેવામાં આવ્યાં છે. એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભા કરી દેવામાં આવ્યાં છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ, વ્યારા તાલુકામાં 200 કરતાં વધારે ચર્ચ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100 સૌથી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ છે.

અમરેલીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

0

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં સવારે 10 : 12 મિનિટે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 44 કિમી અમરેલી દૂર નોંધાયુ છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતમાં સચિન વિસ્તારમાં આંતક મચાવનાર કુખ્યાત ગબરુ ભરવાડ ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં ગુંડાગીરી અને આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ગબરુ ભરવાડ આખરે પોલીસના હાથે ઝડપાયો. સચિન પોલીસે ખાસ ઓપરેશન ચલાવી રાજસ્થાનમાંથી ગબરુ ભરવાડની ધરપકડ કરી અને તેને સુરતમાં લાવી યોગ્ય પગલાં લીધા. ગબરુ ભરવાડ અને તેની ગેંગે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આતંક ફેલાવ્યો હતો.

સુરતના સચિન વિસ્તારમાં લાંબા સમયથી આતંક મચાવનાર કુખ્યાત ગુનેગાર ગબરુ ભરવાડની આખરે પોલીસે ધરપકડ કરી છે. સચિન પોલીસે ખાસ કાર્યવાહી શરૂ કરીને તેને રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત લાવી હતી. ગબરુ ભરવાડ વિરુદ્ધ હુમલો, લૂંટ, ખંડણી અને આતંક ફેલાવવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. તાજેતરમાં એક દુકાનદાર સાથે પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીમાં પણ તેનો સામેલ હોવાનું બહાર આવ્યું હતું. ગબરૂ અને તેના સાગરિતોએ વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવા અને દહેશત ફેલાવવા માટે અનેક ગુનાઓ અંજામ આપ્યા હતા.

ગબરુની ધરપકડ બાદ વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘણા લોકોએ પોલીસ કાર્યવાહીની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

101 વર્ષ બાદ હોળી પર ઘૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો એક સાથે દુર્લભ સંયોગ

0

આ વર્ષે 13 માર્ચે હોલીકા દહન કરવામાં આવશે, અને 14 માર્ચના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. 101 વર્ષ બાદ ધૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ સર્જાઇ રહ્યો છે. ભારતમાં ચંદ્રગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટિએ મહત્વ છે.

ગ્રહણના સમયે સૂતક લાગુ હોવાના કારણે પૂજા-પાઠ વર્જિત માનવામાં આવે છે. પરંતુ ધૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાના કારણે સૂતક લાગુ નહીં પડે. શ્રી રૂદ્ર બાલાજી ધામના પુજારીના જણાવ્યા અનુસાર, 14, માર્ચે સવારે 10 – 23 કલાકથી બપોરે 3 – 02 કલાક સુધઘી ચંદ્રગ્રહણ થશે, આ દિવસે ચંદ્રગ્રહણ 4 – 36 કલાક સુધી રહેશે.

101 વર્ષ બાદ ધૂળેટી અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ યોજાઇ રહ્યો છે. ભારતમાં આ યોગની કોઇ ખરાબ અસર નહીં પડે. ઘૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશીમાં થઇ રહ્યું છે. ચંદ્રગ્રહણની અસર ભારતમાં નહીં પડે. જેથી તેના સૂતક કાળનું પાલન કરવાનું રહેશે નહીં. સામાન્ય રીતે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ 9 કલાક પહેલા લાગુ થઇ જતું હોય છે. તે દરમિયાન મંદિરમાં પૂજા-પાઠ કરવામાં નથી આવતા. આ સમય દરમિયાન મંત્રજાપ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશના ધારમાં ભયાનક માર્ગ અકસ્માત, 7 લોકોના મોત

0

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બુધવારે (12મી માર્ચ) રાત્રે બદનાવર-ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, કાર અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. પીકઅપમાં પણ લોકો ફસાયા હતા, જેમને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. બધાં મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા.

મળતી માહિતી મુજબ, ધાર જિલ્લામાંથી પસાર થતી નવનિર્મિત બદનાવર-ઉજ્જૈન ફોર લેન પર બુધવારે રાત્રે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે ધાર જિલ્લામાં બદનવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઇડથી આવી રહેલા ગેસ ટેન્કરે કાર અને પીકઅપ વાહનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા કેટલાક લોકો કૂદીને દૂર પડી ગયા હતા જ્યારે કેટલાક લોકો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. બહાર પડેલા લોકો મૃત્યુ પામ્યા. અકસ્માત સમયે ટેન્કર અને પીકઅપમાં હજુ ત્રણ લોકો ફસાયેલા હતા, તેમને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી રહી છે.

સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે ગેસ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.