Home Blog Page 51

વન વિભાગના RFO સામે છેડતીનો કેસ, ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડી

0

વાપી ખાતે વન વિભાગની કચેરીમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સામે સહકર્મી મહિલા કર્મચારીએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાપીના આરજીઇએસ હાઈસ્કૂલ (RGES High School) નજીક આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા દિનેશ ડામોર સામે કચેરીમાં કાર્યરત મહિલા કર્મચારીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે દિનેશ ડામોર લાંબા સમયથી તેમની સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરતો હતો. જોકે, કચેરીના વાતાવરણ અને અન્ય કારણોસર તે અત્યાર સુધી આ બાબત સહન કરતી આવી હતી.

શુક્રવારે આરોપીએ મહિલાનો હાથ પકડી છેડતી કરતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શનિવારે આરોપીને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર (APP) મુકેશ પાટણવાડિયાએ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી દિનેશ ડામોરને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

તામિલનાડુની સી-ફૂડ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજ, 7 મહિલા કર્મચારીઓનાં મોત

0

તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલી એક સી-ફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીક થવાને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 7 મહિલા કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 67થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ દુર્ઘટના સેન્ટ પીટર્સ પોલ સી-ફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી. ગેસ લીકેજ થતાં જ ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.

સ્થળાંતરિત મહિલા કામદારો સૌથી વધુ અસરગ્રસ્ત
અધિકારીઓના જણાવ્યા મુજબ, અસરગ્રસ્તોમાં મોટાભાગના લોકો ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. અમોનિયા ગેસના સંપર્કમાં આવતા અનેક કામદારોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઊબકા અને ઊલટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઘાયલોમાં મોટાભાગની યુવતીઓ 24થી 25 વર્ષની વયજૂથની હોવાનું જણાવવામાં આવ્યું છે. તબીબોનું માનવું છે કે તેમની ઉંમર ઓછી હોવાથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.

67થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું હતું કે 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલમાં અને 21 દર્દીઓને વેન્કટેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર હાલતમાં રહેલા 9 દર્દીઓને વધુ સારી સારવાર માટે ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મેજર વાલ્વમાંથી ગેસ લીક થવાનો પ્રાથમિક અંદાજ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીના એક મેજર વાલ્વમાંથી અમોનિયા ગેસ લીક થયો હતો. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ માટે ડીન ડૉ. શાંતારામની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. સાથે જ સંબંધિત અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ગેસ લીકેજ પાછળના વાસ્તવિક કારણો સ્પષ્ટ થઈ શકશે.

ભારતની મુલાકાતે આવશે જેમીસન ગ્રીર, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળશે નવી ગતિ

0

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત અંતરિમ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થવા જઈ રહી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના વેપારી સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને અંતરિમ વેપાર કરાર અંગે ચાલી રહેલી ચર્ચાઓને આગળ વધારવાનો રહેશે. આ કરાર અંગેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબ્રુઆરીમાં થયેલી ચર્ચા દરમિયાન લેવામાં આવ્યો હતો.

ભારત-અમેરિકા વેપાર કરાર પર થશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રીર અને ગોયલ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં સમાવાયેલા મુખ્ય વેપારી મુદ્દાઓની સમીક્ષા કરશે. ઉપરાંત, બંને પક્ષો અંતરિમ વેપાર કરારના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરશે, જેથી તેને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકી શકાય.

તાજેતરમાં યોજાયેલા જી-7 શિખર સંમેલન દરમિયાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરારને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાની પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે મોદીને મજબૂત અને કુશળ વાટાઘાટકાર ગણાવી તેમની વાટાઘાટ કરવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી.

આગામી મહિના સુધીમાં અમલમાં આવી શકે છે કરારનો પ્રથમ તબક્કો
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 5 જૂને સંકેત આપ્યો હતો કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારનો પ્રથમ તબક્કો આગામી મહિનાના મધ્ય સુધીમાં અમલમાં મૂકવામાં આવી શકે છે. જો આવું થાય છે તો બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને નવી ગતિ મળવાની શક્યતા છે. આ કરાર ભારતીય નિકાસકારો માટે નવા અવસરો ઊભા કરશે, જ્યારે અમેરિકન કંપનીઓને પણ ભારતીય બજારમાં વધુ સારી પહોંચ મળી શકે છે.

ભારત બાદ ઉઝબેકિસ્તાન જશે ગ્રીર
ભારતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ જેમીસન ગ્રીર ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. ત્યાં તેઓ અમેરિકા અને ઉઝબેકિસ્તાન વચ્ચે ન્યાયસંગત અને સંતુલિત વેપારી સંબંધોને લઈને ચર્ચા કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ પ્રાદેશિક વેપાર સહયોગને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે.

શા માટે મહત્વપૂર્ણ છે આ કરાર?
ભારત અને અમેરિકા વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ છે. આવી સ્થિતિમાં પ્રસ્તાવિત અંતરિમ વેપાર કરાર માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને જ મજબૂત નહીં બનાવે, પરંતુ વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ અસર પેદા કરી શકે છે. આવનારા અઠવાડિયાઓમાં યોજાનારી ચર્ચાઓ આ કરારની દિશા અને તેના ભવિષ્યને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ખુશખબર! અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી ભવિષ્યવાણી

0

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણી જગ્યાએ વરસાદ થયો છે પરંતુ હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખુશીના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જૂનથી વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. 23 જૂનથી ચોમાસું આગળ વધવાનું છે.

શું કહ્યું અંબાલાલ પટેલે
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. 25 જૂન સુધી મુંબઈ-મહારાષ્ટ્ર થઈ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી જશે. મુંબઈના વિસ્તારમાં બેથી ચાર ઈંચ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 26 જૂનથી 28 જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.

અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં પૂર આવવાની સંભાવના છે. ભરૂચ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. તો 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થશે. ઘણા ભાગોમાં 3થી 4 ઈંચ વરસાદ પડી શકે છે. 6-7 જુલાઈએ આદ્યા નક્ષત્રમાં ખાડા-ખાબોચિયા ભરાશે. 7 જુલાઈ બાદ નદી-નાળા છલકાવાની સંભાવના છે. 17 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય: દેશમાં દોડશે વધુ 7 બુલેટ ટ્રેન, જાણો રૂટ

0

ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે મોટી ક્રાન્તિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ 7 નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્રોલોજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નેશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.

નવા રૂટ અને મુસાફરીના અંદાજિત સમયની ઝલક

મુંબઈથી પુણે૪૮ મિનિટ
બેન્ગલોરથી ચેન્નઈ૭૩ મિનિટ
દિલ્હીથી વારાણસી ૩ કલાક ૧૫ મિનિટ
બેન્ગલોરથી હૈદરાબાદબે કલાક ૧૦ મિનિટ
પુણેથી હૈદરાબાદ બે કલાક ૮ મિનિટ
દિલ્હીથી લખનઉબે કલાક
દિલ્હીથી સિલિગુડી9 કલાક

અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કોરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.

ગુજરાતના દરિયાકાંઠે સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, NIA તપાસમાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં તેની પાછળનું સંપૂર્ણ નેટવર્ક લાંબા સમય સુધી રહસ્યમય રહ્યું હતું. જોકે, વર્ષ 2020માં જામનગર જિલ્લાના સલાયા નજીકથી ઝડપાયેલા રૂ. 500 કરોડના હેરોઈન કેસની તપાસ દરમિયાન નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠા મારફતે ચાલતું આ ડ્રગ્સ નેટવર્ક માત્ર દેશ સુધી સીમિત નહોતું, પરંતુ તેના તાર ઈટાલી, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈરાન, યુએઈ અને થાઈલેન્ડ જેવા દેશો સુધી જોડાયેલા હતા.

સલાયા હેરોઈન કેસમાં ખુલ્યું નાર્કો-ટેરર કનેક્શન
વર્ષ 2020માં સલાયા દરિયાકાંઠેથી રૂ. 500 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ ડ્રગ્સનો જથ્થો પંજાબમાં નશાખોરી માટે મોકલવામાં આવી રહ્યો હતો. પરંતુ NIAની વિસ્તૃત તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરું માત્ર ડ્રગ્સ હેરાફેરી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તે નાર્કો-ટેરરિઝમનો એક ભાગ હતું.

તપાસ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ઘુસાડવામાં આવતું ડ્રગ્સ દિલ્હી, પંજાબ અને ચંદીગઢ સહિતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું, જ્યારે તેનું આંતરરાષ્ટ્રીય સંચાલન પાકિસ્તાન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ઈરાન અને થાઈલેન્ડ સુધી ફેલાયેલું હતું. ડ્રગ્સના વેપારમાંથી થતી કરોડોની આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

ભારતના સૂત્રધાર તરીકે અંકુશ કપૂરનું નામ સામે આવ્યું
NIAની તપાસમાં નાર્કો-ટેરર નેટવર્કના ભારતસ્થિત મુખ્ય સંચાલક તરીકે અંકુશ કપૂર નામના શખ્સની ભૂમિકા સામે આવી છે. ડ્રગ્સના જથ્થાને ઉતારવાથી લઈને તેના સંગ્રહ અને વિતરણ સુધીનું સમગ્ર નેટવર્ક તે સંભાળતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તાજેતરમાં NIA દ્વારા અમૃતસરમાં આવેલી તેની મિલકતો પણ એટેચ કરવામાં આવી છે.

પાકિસ્તાનથી સંચાલિત થતી હતી દરિયાઈ દાણચોરી
આ કેસમાં અત્યાર સુધી કુલ 29 આરોપીઓ સામે NIA દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તપાસ મુજબ, સમગ્ર સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ સિમરનજીત હોવાનું સામે આવ્યું છે. જ્યારે ‘ભાઈજાન’ તરીકે ઓળખાતો તારિક નામનો શખ્સ પાકિસ્તાનમાંથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીનું સંકલન અને સંચાલન કરતો હતો.ઓસ્ટ્રેલિયામાં રહેતા તનવીર બેદી સામે પણ ડ્રગ્સ હેરાફેરી, હવાલા નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

NIAની તપાસ હજુ પણ ચાલુ
ગુજરાત ATS દ્વારા સલાયાથી ઝડપાયેલા હેરોઈન કેસમાં પ્રાથમિક કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય કડી સામે આવતા કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ તબક્કાવાર તપાસ કરીને અત્યાર સુધી 26થી વધુ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, આ સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપીઓ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. NIAની તાજેતરની આઠમી પૂરક ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાની પાછળ નાર્કો-ટેરરનું સુનિયોજિત કાવતરું કાર્યરત હતું.

આજે 4 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઘણા રાજ્યોમાં હીટવેવની આગાહી

0

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. 23 જૂનની આસપાસ, ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધવાની ધારણા છે. તે છત્તીસગઢ પણ પહોંચી શકે છે. મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યોમાં ચોમાસું લગભગ 15 દિવસથી અટકી ગયું છે. અનુકૂળ પરિસ્થિતિઓને કારણે, 25 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે. સિક્કિમ અને ઉત્તર બંગાળમાં પણ સોમવારે ભારે વરસાદ પડવાની ધારણા છે.

આગામી ચારથી પાંચ દિવસ સુધી વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું ચાલુ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી છત્તીસગઢ, આગામી બે દિવસ તેલંગાણા અને સોમવારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગરમીનું મોજું રહેશે. આગામી બે દિવસ સુધી છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારે પવન ફૂંકાશે, વીજળી પડવાની શક્યતા છે. સોમવારે આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કરા પડવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં હવામાન કેવું રહ્યું?
છેલ્લા 24 કલાકમાં, મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો હતો. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ઓડિશા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વિદર્ભ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું યથાવત રહ્યું હતું અને આ અઠવાડિયામાં પણ તે ચાલુ રહેવાની ધારણા છે.

છત્તીસગઢમાં ચોમાસુ આવી શકે છે
દક્ષિણપશ્ચિમ ચોમાસું 23 જૂનની આસપાસ મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે. આ બધા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગરમી ક્યાં વધશે?
22 જૂન સુધીમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે. આ પછી આગામી ત્રણ દિવસમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 21 જૂન સુધી યથાવત રહેશે. આ પછી, તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. 27 જૂન સુધી દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની ધારણા નથી.

આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ
ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિદર્ભમાં પણ રાત્રિના હીટવેવ એલર્ટ અમલમાં છે. આસામ, પશ્ચિમ બંગાળ અને મેઘાલયમાં ભારે વરસાદ ચાલુ રહેશે. રાજસ્થાનમાં ધૂળના તોફાનની શક્યતા છે. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ભારે પવન અને વીજળી સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

સુરતના પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં ભીષણ આગ

સુરત જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે. ફેક્ટરીઓમાંથી નીકળતા પ્લાસ્ટિક વેસ્ટ અને સ્ક્રેપના વિશાળ જથ્થાને એકત્ર કરવામાં આવેલા ખુલ્લા પ્લોટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પવનની ગતિને કારણે આગની જ્વાળાઓ દૂર સુધી ફેલાતી જોવા મળી હતી. ઘટનાસ્થળેથી ઊઠતા ધુમાડાના ગોટેગોટા અને આગના ભયાનક દ્રશ્યો હાઇવે પરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જેના કારણે આસપાસના ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

સરકારી અને ખાનગી ફાયર બ્રિગેડની ટીમો એક્શનમાં
આગની જાણ થતાં જ નજીકની ફેક્ટરીઓના સંચાલકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારી ફાયર બ્રિગેડની સાથે પીપોદરા વિસ્તારની અનેક મોટી કંપનીઓના પ્રાઇવેટ ફાયર સ્ટેશનોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.

‘સુમિલોન ફાયર’ અને ‘રાજહંસ ફાયર’ સહિતની ટીમોએ અત્યાધુનિક ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝરો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે સંયુક્ત કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઇટરો દ્વારા કેમિકલ ફોમ અને પાણીના સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

આસપાસની ફેક્ટરીઓને બચાવવા ખાસ તકેદારી
પીપોદરા GIDCમાં અનેક ઉદ્યોગો નજીક આવેલા હોવાથી આગ અન્ય ફેક્ટરીઓ કે ગોડાઉનો સુધી ન પહોંચે તે માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમોએ આગગ્રસ્ત પ્લોટની ચારેય તરફ ઘેરાબંધી કરીને કુલિંગ ઓપરેશન શરૂ કર્યું છે. આગ હાલમાં ખુલ્લા પ્લોટ સુધી મર્યાદિત રાખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી નજીકની ઔદ્યોગિક એકમોને કોઈ નુકસાન ન પહોંચે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ ખુલ્લા પ્લોટમાં લાગી હોવાથી અત્યાર સુધી કોઈ જાનહાનિ કે કોઈ શ્રમિક ફસાયા હોવાના અહેવાલ મળ્યા નથી. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ માનવહાનિ નોંધાઈ નથી. જો કે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો સાચો આંકડો અને આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકશે. હાલ ફાયર બ્રિગેડની ટીમો સતત કામગીરીમાં વ્યસ્ત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

શહીદના વળતરના 21 લાખ લઈને વહુ ચાલી ગઈ? સસરાએ લગાવ્યા ગંભીર આરોપ

0

આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા બિહારના ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમારના પરિવાર પર દુખાનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો નથી રહ્યો, પણ વહુએ ટાઢા કલેજે વળતરના ૨૧ લાખ રૂપિયા લઈ લીધા અને ગાયબ થઈ ગઈ. મૃતક શુભમ શર્માના પિતા કહે છે કે જો સાચે જ પત્ની હોત તો શ્રાદ્ધકર્મ કરતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે અમારી સામે લગ્ન નથી થયા, અમે તે બંનેના લગ્ન આવતા નવેમ્બરમાં નક્કી કર્યા હતા. તેમણે ચૂપચાપ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તેની અમને કોઈ જાણકારી નથી.

શુભમના પિતા અમરેન્દ્ર શર્માનું કહેવું છે કે પરિવારે શુભમના લગ્ન નવેમ્બરમાં નક્કી કર્યા હતા. હિન્દુ રીતિ-રિવાજથી લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ હવે એક છોકરી શ્રેયા રાય ખુદને શુભમની પત્ની ગણાવી રહી છે, તેને ૨૧ લાખ રૂપિયાના વળતરનો ચેક પણ સોંપી દીધો. અમરેન્દ્ર શર્માનો આરોપ છે કે શ્રેયા રાય અને તેમના પરિવારે તેમને અને તેમના આખા પરિવારથી આ વાત છુપાવી અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા. તેમણે કહ્યું કે, જો વાસ્તવમાં તેમના દીકરાએ લગ્ન કર્યા હતા અને શ્રેયા તેમની વહુ છે તો તેણે પરિવાર સાથે ઊભા રહેવું જોઈતું હતું.

શુભમના પિતાએ કહ્યું કે જો તે સાચે પત્ની છે અને ચેકની હકદાર છે તો તેને તેમના દીકરાના શ્રાદ્ધકર્મ અને અન્ય પારિવારિક દાયિત્વ પણ નિભાવવા જોઈતા હતા. પતિના મોત બાદ પરિવારનું દુખ વહેંચવું જોઈએ. પણ તે ચેક લઈને જતી રહી. શુભમના પિતાએ એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકાર તરફથી મળેલા ૨૧ લાખ રૂપિયાની મદદ વિશે પરિવારને કોઈ જાણકારી નથી. તેમનો આરોપ છે કે ગયામાં અધિકારીઓએ પરિવારની હાજરી વિના શ્રેયા રાયને ચેક સોંપી દીધો. તેમણે કહ્યું કે, જો તે પરિવારની વહુ હતી તો ચેક તેના ઘર પર પરિવાર સામે આપવો જોઈતો હતો. તેમણે આ સમગ્ર પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પ્રશાસનિક અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની પણ માગ કરી છે.

અમરેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, શુભમે તેમને ખાલી એટલું જણાવ્યું હતું કે આ છોકરી આઝમગઢની રહેવાસી છે. તેમના પિતા સેનામાં જૂનિયર કમિશન્ડ અધિકારી રહી ચૂક્યા છે. પરિવારને ક્યારેય નથી જણાવ્યું કે બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેમણે કહ્યું કે, દીકરાના શહાદત બાદ સામે આવેલા આ વિવાદે પરિવારની મુશ્કેલી વધારી દીધી છે. આપને જણાવી દઈએ કે, ૧૩ જૂનના રોજ આસામના જોરહાટમાં ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બિહારના જહાનાબાદના રહેવાસી ફલાઈટ લેફિટનેન્ટ શુભમ કુમાર શહીદ થઈ ગયા હતા. સરકાર તરફથી પીડિતની પત્નીને વળતર આપવામાં આવ્યું છે, આ વાતને લઈ હવે વિવાદ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં હનુમાન મંદિર સામે સભામંડપની છત ધરાશાયી, 6 શ્રદ્ધાળુઓના મોત

0

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હનુમાન મંદિરની સામે નિર્માણાધીન સભામંડપની છત અચાનક ધરાશાયી થતાં અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 30થી 40 લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સભામંડપનું માળખું તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
આ દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છત ધરાશાયી થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી જતી જોવા મળે છે. કાટમાળ, લોખંડના સળિયા અને પથ્થરો નીચે દબાઈ જતાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધી 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોમાંથી 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને પણ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

નિર્માણાધીન સભામંડપની છત બની દુર્ઘટનાનું કારણ
રિપોર્ટ્સ મુજબ, હનુમાન મંદિરની બરાબર સામે સભામંડપના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જ નિર્માણાધીન સભામંડપની છત અચાનક તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.