Home Blog Page 49

વિશ્વમાં ભૂકંપની આફત: વેનેઝુએલા પછી જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ઝટકો

વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ હવે જાપાનમાં પણ 6.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જોકે, સત્તાવાર માહિતી અનુસાર આ ભૂકંપ પછી સુનામીનો કોઈ ખતરો નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ સંસ્થા (USGS)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કુજી શહેરથી આશરે 35 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપની ઊંડાઈ 51.7 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ બાદ વડાપ્રધાન સનાએ તાકાઈચીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ જરૂર પડે તો રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

મુખ્ય કેબિનેટ સચિવ મિનોરુ કિહારાએ જણાવ્યું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ શક્યતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર નુકસાનની માહિતી મળી નથી. ઉપરાંત દેશના પરમાણુ પ્લાન્ટોમાં પણ કોઈ પ્રકારની અસામાન્ય સ્થિતિ નોંધાઈ નથી.

સુનામીની ચેતવણી પાછી ખેંચાઈ

ભૂકંપ બાદ અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રે શરૂઆતમાં ભૂકંપના કેન્દ્રથી લગભગ 300 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની સંભાવનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે પણ સાવચેતીરૂપ સૂચના આપવામાં આવી હતી.

જોકે, બાદમાં નવા ડેટાના વિશ્લેષણ અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રે આ એલર્ટ પાછું ખેંચી લીધું હતું. એજન્સીએ જણાવ્યું કે હવે આ ભૂકંપના કારણે કોઈ પણ દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામી આવવાની આશંકા નથી.

વેનેઝુએલામાં 7.2 અને 7.5ના શક્તિશાળી ભૂકંપથી તબાહી, રાજધાની કારાકાસમાં ઇમારતો ધરાશાયી

વેનેઝુએલામાં બુધવારે બપોરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. પહેલો ભૂકંપ 7.2ની તીવ્રતાનો હતો. તેનું કેન્દ્ર કારાકાસથી લગભગ 160 કિમી પશ્ચિમમાં અને ઊંડાઈ 13 કિમી હતી. થોડી મિનિટો પછી 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. બીજા ભૂકંપનું કેન્દ્ર મોરોન શહેરના દક્ષિણ-પશ્ચિમમાં અને ઊંડાઈ 10 કિમી હતી.

રાજધાની કારાકાસ સહિત ઘણા વિસ્તારોમાં ઇમારતો અને મકાનોને નુકસાન થયું. સ્થાનિક મીડિયા અનુસાર, કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. કાટમાળ પડવાથી ધૂળનો મોટો ગુબાર ઉડતો દેખાયો.

યુએસ એજન્સીએ કહ્યું- 10,000 મૃત્યુની 44% સંભાવના

યુએસજીએસનું કહેવું છે કે મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે અને આફ્ટરશોકની પણ સંભાવના છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)નું કહેવું છે કે બુધવારે સાંજે વેનેઝુએલાની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં સતત આવેલા ભૂકંપને કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની આશંકા છે.

USGS નું કહેવું છે કે આ આફત મોટા પાયે થઈ શકે છે અને ત્યારબાદ તીવ્ર આંચકાવાળા આફ્ટરશોક પણ આવી શકે છે. એજન્સી અનુસાર, 10,000 થી વધુ લોકોના મૃત્યુની 44% સંભાવના છે અને 1,00,000 થી વધુ લોકોના મૃત્યુની 30% સંભાવના છે. સાથે જ, જમીન પર ભૂસ્ખલન અને લિક્વિફેક્શનનો પણ ઘણો ખતરો છે.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ટ્રાફિક સમસ્યાથી પોલીસ ઉપર અકળાયા

0

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાતા પોલીસ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ટ્રાફિકની સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહેતા અને વાહનવ્યવહાર સામાન્ય કરવામાં વિલંબ થતાં તેઓ અકળાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, નીતિન પટેલનો કાફલો કલોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસની કામગીરી સંતોષકારક ન હોવાનું જણાતા તેમણે પોતાની કારમાંથી ઉતરી સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો હતો.

આ દરમિયાન તેમણે ટ્રાફિક નિયંત્રણમાં રહેલી ખામીઓ અંગે પોલીસ અધિકારીઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં તેઓ સીધા જ નજીકના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે રજૂઆત કરી હતી.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ કેટલી ગંભીર હોઈ શકે. શહેરો અને હાઈવે પર વધતા ટ્રાફિક દબાણ વચ્ચે અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને ઝડપી પ્રતિસાદની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Morning Headache: પૂરી ઊંઘ પછી પણ માથું દુખે છે? જાણો તેના પાછળના કારણો

0

સવારે ઊંઘ કરીને જાગો ત્યારે માથામાં થોડીવાર દુખાવાનો અનુભવ થતો હોય તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. મોટાભાગના લોકોને આ સમસ્યા સામાન્ય લાગે છે. પરંતુ ઘણી વખત શરીરમાં વધતી ગંભીર સમસ્યાનું લક્ષણ પણ આ દુખાવો હોઈ શકે છે. જ્યારે શરીરમાં અમુક ફેરફારો થતા હોય ત્યારે ઊંઘ કર્યા પછી સવારે જાગો ત્યારે માથું ભારે લાગે છે. સવારે માથું કયા કારણોસર ભારે લાગે ચાલો તમને જણાવીએ.

સવારે માથામાં દુખાવો થવાના કારણો

બ્રુક્સિઝ્મ
બ્રુક્સિઝ્મ એવી સમસ્યા છે જેમાં વ્યક્તિ સુતી વખતે અજાણતા પોતાના દાંત કચકચાવે છે. ઘણા લોકો દાંત એટલી જોરથી ઘસે છે તેના કારણે દાંત ઘસાવા લાગે છે અને સાથે જ અને માથામાં દુખાવાનો અનુભવ થાય છે. રાત્રે ઊંઘમાં દાંત ઘસ્યા પછી સવારે માથું ભારે લાગે છે.

ડિહાઇડ્રેશન
શરીરને રાત્રે પાણી મળતું નથી અને દિવસ દરમિયાન પણ ઓછું પાણી પીધું હોય તો ડિહાઇડ્રેશનના કારણે સવારે માથામાં દુખાવો રહે છે. ડિહાઇડ્રેશનના કારણે મગજ સુધી રક્ત ઓછી માત્રામાં પહોંચે છે જેના કારણે માથું ભારે થઈ જાય છે.

લો બ્લડ સુગર
જો રાત્રે જમવાનો સમય અને સવારના નાસ્તાના સમય વચ્ચે લાંબો ગેપ રહેતો હોય તો તેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ સુગર લેવલ અચાનક ઘટી જાય છે. બ્લડ સુગર લેવલ ઘટી જવાના કારણે પણ માથામાં દુખાવો કે માઈગ્રેન ટ્રિગર થઈ જાય છે.

શરીરની વધતી બીમારી
કેટલાક કેસમાં સવારે માથામાં દુખાવો થવા પાછળ શરીરમાં વધતી ગંભીર બીમારી પણ જવાબદાર હોય છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર, સાઈનસાઈટિસ, અથવા તો મગજની અંદર થતાં ફેરફારો. કેટલીક ન્યુરોલોજિકલ સમસ્યામાં પણ સવારના સમયે માથામાં દુખાવો રહે છે.

દવાઓની આડઅસર
જો તમે નિયમિત રીતે કેટલીક પેનકિલર ખાતા હોય તો તેના પ્રભાવના કારણે પણ માથાનો દુખાવો રહી શકે છે. ઘણી વખત વધારે માત્રામાં કેફીનના કારણે પણ માથું સવારે થોડીવાર સખત દુખે છે.

સ્લીપ એપનિયા
સ્લીપ એપનિયા એટલે કે એવી સ્થિતિ જેમાં વ્યક્તિની ઊંઘ રાત્રે અચાનક વારંવાર તૂટે છે. ગાઢ ઊંઘમાંથી અચાનક જાગી જવાથી અને પછી સુવાથી ઊંઘ પૂરી થતી નથી જેના કારણે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. વારંવાર ઊંઘ તૂટવાની સમસ્યા રહેતી હોય તેમને પણ સવારે માથામાં દુખાવો રહે છે.

GSRTCની નવી સુવિધા: હવે લોકલ બસોમાં ઓનલાઈન કરી શકાશે બુકિંગ

0

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નવી સુવિધા શરુ કરવામાં આવી છે. જેમાં લોકલ બસમાં મુસાફરી કરતા મુસાફરો હવે ઓનલાઈન બુકિંગ કરાવી પોતાની સીટ કન્ફર્મ કરી શકશે. જેમાં મુસાફરો 100 કિલોમીટરથી વધુ અંતરની પસંદગીની લોકલ બસ સેવાઓમાં ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

રાજ્યભરમાં 2500થી વધુ બસને આ વ્યવસ્થામાં આવરી લેવાશે
આ નિર્ણયથી રાજ્યભરમાં 2500થી વધુ બસ ટ્રીપ્સને આ વ્યવસ્થામાં આવરી લેવામાં આવી છે. નોંધનિય છે કે, ગત ફેબ્રુઆરી મહિનાથી પ્રાયોગિક ધોરણે આ સેવા ચાલુ કરવામાં આવી હતી. જેમાં મુસાફરોને સારો પ્રતિસાર મળ્યો હતો. ત્યારે આ સેવા આજથી તારીખ સુધીમાં તક્કાવાર મળીને અઢી હજારથી વધુ બસ ટ્રિપોમાં સુવિધા ચાલુ કરાઈ છે. ત્યારે લાંબા અંતરની લોકલ બસોમાં 100 કિ.મી.થી વધુ મુસાફરી માટે ટિકિટ રિઝર્વેશનની સુવિધા મળશે. આ સુવિધા ટૂંકા અંતરની મુસાફરીમાં આપવામાં આવશે નહીં.

મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈડ પર કરી શકાશે બુકિંગ
હવે મુસાફરો GSRTCની અધિકૃત મોબાઇલ એપ્લિકેશન અથવા GSRTCની વેબસાઇટ http://gsrtc.in દ્વારા ઘર બેઠા જ પોતાની પસંદગીની બસમાં બેઠક બુક કરી શકશે. ઓનલાઈન બુકિંગથી મુસાફરોને સમયની બચત થશે, સાથે જ મુસાફરી પહેલાં જ બેઠક નિશ્ચિત થઈ જવાથી અનિશ્ચિતતા પણ દૂર થશે. આ સુવિધાથી ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને અન્ય મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનની છત ધરાશાયી, 5 લોકોના મોત, અનેક મજૂરો દટાયા

0

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. તારાતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડિપો રોડ પર આવેલી એક નિર્માણાધીન ગોડાઉનની છત અચાનક ધરાશાયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર 5 લોકોના મોત અને 50થી 55 મજૂરો દટાયા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ બપોરે લગભગ 12 વાગ્યે ગોડાઉનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક છતનો મોટો ભાગ તૂટી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

અનેક મજૂરો દટાયા હોવાની આશંકા
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાર લોકોને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ કેટલાક મજૂરો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.

ભારે કાટમાળને કારણે મુશ્કેલી
ભારે કાટમાળને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બચાવ દળો મશીનો અને ખાસ સાધનોની મદદથી કાટમાળ હટાવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે છત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

અગરિયાના બાળકો માટે ગુજરાત સરકારની અનોખી પહેલ, રણમાં દોડશે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

0

ગુજરાત સરકારે રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિત શિક્ષણ મળી રહે તે માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’ નિમિત્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી 28 વિશેષ રણસાળા બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા અભિયાન (SSA), શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મૂકવામાં આવ્યો છે. મીઠાના ઉત્પાદન વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના 6 થી 14 વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ મોબાઈલ ક્લાસરૂમ તૈયાર કરાયા છે.

તેમણે કહ્યું કે, આ બસો જે બિન ઉપયોગી હાલતમાં હતી એ જ બસ આજે શાળાનો ઉત્તમ ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવશે જેથી છેવાડાનો એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેમ, તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આ વિશેષ રણશાળા બસનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તૈયાર કરનાર કારીગરો અને અધિકારીઓનું ફૂલોથી સ્વાગત કરીને શિક્ષણ માટેના આ યજ્ઞમાં સહભાગી થયા તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ, મીઠાનું ઉત્પાદન થાય છે તેવા વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના 6થી 14 વર્ષના બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો પ્રયાસ છે. આ અંતર્ગત કુલ 28 વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ સુવિધાયુક્ત મોબાઈલ ક્લાસરૂમ તરીકે કામ કરશે.

દરેક મોબાઈલ સ્કૂલ GSRTCની નિવૃત્ત બસોને આધુનિક શિક્ષણ સ્પેસમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવી છે. આ બસો 3.8 KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છે, જે વીજળીના જોડાણ વિના પણ 48 કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં 43 ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો, એફએમ રેડિયો, ડિજિટલ ઘડિયાળ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, વોલ ફેન અને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણને સપોર્ટ કરતા લર્નિંગ એઇડ્સ એટલે કે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કયા જિલ્લાના અગરિયા વિસ્તારોને મળશે લાભ?

  • પ્રથમ તબક્કામાં તૈયાર થયેલી આ 28 ખસો ગુજરાતના અલગ-અલગ જિલ્લાના રણ વિસ્તારોમાં મોકલવામાં આવી છે:
  • સુરેન્દ્રનગર (પાટડી તાલુકો): 20 ખસો (સૌથી વધુ)
  • પાટણ (સાતલપુર તાલુકો): 04 બસો
  • કચ્છ (અંજાર તાલુકો): 02 બસો
  • મોરબી (માળિયા તાલુકો): 02 બસો

રશૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં ગેમ-ચેન્જર
આ અનોખી પહેલથી રણ વિસ્તારના બાળકોમાં રશૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયોમાં મોટો ઘટાડો થશે. મોસમી સ્થળાંતરને કારણે દર વર્ષે ખોરવાતા શિક્ષણને આ પ્રોજેક્ટ અટકાવશે. આગામી સમયમાં આ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્થળાંતરિત સમુદાયોના શિક્ષણ માટે એક રોલ મોડેલ સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, GSRTC ના MD ડૉ. રાજેન્દ્ર કુમાર અને શિક્ષણ વિભાગ તેમજ SSA ના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈમાં મેઘતાંડવની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

0

મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાના પહેલા જ દિવસે મુંબઈમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અંધેરી સબવે બંધ કરી દીધો છે. હવામાન વિભાગે આજે 24 જૂન માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું. ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપી હતી.

નોંધનીય છે કે મુંબઈમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 13 દિવસ મોડું પહોંચ્યું છે. શહેરમાં આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. અગાઉ, 1958 અને 1974માં મુંબઈમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું, જે 28 જૂને પહોંચ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા છે.

ધોધમાર વરસાદને પગલે અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો છે. 23 જૂનના રોજ સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી બીએમસી દ્વારા નોંધાયેલા વરસાદના ડેટા મુજબ, શહેરમાં સરેરાશ 56 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે પૂર્વીય ઉપનગરોમાં 23 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 33 મીમી વરસાદ પડ્યો હતો.

મુંબઈના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો હતો
બીએમસીના ડેટા મુજબ, 23 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી 24 જૂનના રોજ સવારે 2 વાગ્યા સુધી, શહેર વિસ્તારમાં સરેરાશ 78 મીમી વરસાદ નોંધાયો હતો. પૂર્વીય ઉપનગરોમાં 87 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમી ઉપનગરોમાં 113 મીમી વરસાદ પડ્યો હતો. રાત્રે 1 થી 2 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ ભાંડુપ કોમ્પ્લેક્ષમાં 40 મીમી નોંધાયો હતો. વધુમાં, એસ વોર્ડમાં 35 મીમી, ટી વોર્ડમાં 31 મીમી અને મીઠાગૌર મ્યુનિસિપલ સ્કૂલ વિસ્તારમાં 29 મીમી વરસાદ પડ્યો હતો.

બીએમસીએ અહેવાલ આપ્યો હતો કે પાણી ભરાયેલા અંધેરી અંડરપાસ સિવાય તમામ સબવે કાર્યરત રહ્યા હતા, જ્યારે સમગ્ર શહેરમાં ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈ અને પાલઘરમાં કેટલાક સ્થળોએ વીજળી પડવાની અને ભારેથી અતિ ભારે વરસાદની સાથે 40 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ભારે વરસાદને કારણે મુંબઈ ઠપ્પ થઈ ગયું
બુધવાર રાતથી મુંબઈને અડીને આવેલા વસઈ, વિરાર અને નાલાસોપારા વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક સેવાઓ ખોરવાઈ ગઈ છે અને મુસાફરોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં સમસ્યાઓ વધી ગઈ છે. ભવાની પાર્ક વિસ્તારમાં પણ એક ઝાડ પડી ગયું છે અને ફાયર બ્રિગેડની ટીમો તેને દૂર કરવા માટે કામ કરી રહી છે. સતત વરસાદને કારણે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

નીરવ મોદીને યૂકે કોર્ટમાંથી મોટો ઝટકો, બેન્ક ઓફ ઈન્ડિયાને 100 કરોડ ચૂકવવાનો આદેશ

હજારો કરોડ રૂપિયા લઈને ભારત છોડી ભાગી ગયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. નીરવ મોદીને મોટો ફટકો આપતા, યુકેની એક કોર્ટે તેમને બેંક ઓફ ઈન્ડિયાને $10.7 મિલિયન (આશરે ₹100 કરોડ) ની મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ સિમોન ટિંકલરે બેંકના દાવાને સંપૂર્ણપણે માન્ય અને વાજબી ગણાવ્યો. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં કેદ છે અને ભારતમાં પ્રત્યાર્પણ ટાળવા માટે કાનૂની દાવપેચમાં રોકાયેલ છે, પરંતુ આ નવા ચુકાદાએ તેના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.

આખો મામલો શું છે?
આ સમગ્ર વિવાદ 2012નો છે, જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની, ડાયમંડ FZE ને મોટી લોન આપી હતી. ઓગસ્ટ 2013 માં, નીરવ મોદીએ પોતે આ લોન માટે વ્યક્તિગત ગેરંટી તરીકે સહી કરી હતી. આનો અર્થ એ થયો કે કંપની દ્વારા કોઈપણ ડિફોલ્ટ માટે નીરવ જવાબદાર હતો. કોર્ટમાં, નીરવ મોદીએ એક વિચિત્ર દલીલ રજૂ કરી. તેમણે દાવો કર્યો હતો કે બેંકનો આ નિયમ તેમને લાગુ પડતો નથી અને બેંકે ક્યારેય તેમના પૈસાની યોગ્ય માંગણી કરી નથી.

જોકે, ન્યાયાધીશ સિમોન ટિંકલરે નીરવના બધા બહાનાઓને ફગાવી દીધા, અને ચુકાદો આપ્યો કે શ્રી મોદી બેંકને $4.1 મિલિયન (આશરે ₹389 કરોડ) ની મૂળ રકમ અને વ્યક્તિગત ગેરંટી હેઠળ ઉપાર્જિત નોંધપાત્ર વ્યાજ ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે બેંકને પૈસા કેમ ન મળવા જોઈએ તેનું કોઈ આકર્ષક કારણ આપ્યું ન હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
55 વર્ષીય નીરવ મોદીની 19 માર્ચ, 2019 ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલના સળિયા પાછળ છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં, નીરવ મોદીએ ભારતના પ્રત્યાર્પણના આદેશને પડકારવા માટે એક નવી યુક્તિ અજમાવી. તેમણે એક જૂના કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે ભારતીય જેલોમાં તેમને “ત્રાસ” આપવામાં આવ્યો હતો. જોકે, યુકે હાઈકોર્ટે, ભારત સરકારના આશ્વાસન પર આધાર રાખીને, તેમની અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી.

હવામાન વિભાગનું એલર્ટ: આજે 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદના મુખ્ય કેન્દ્ર તરીકે સામે આવ્યા છે, જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજે સવારે 7થી 10 વાગ્યા દરમિયાન ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ ડાંગના આહવા અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં નોંધાયો હતો. આહવામાં 68 મિમી (2.68 ઇંચ) વરસાદ પડ્યો હતો, જેમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન જ લગભગ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

બીજી તરફ, ગોંડલમાં કુલ 54 મિમી (2.13 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સાંજે 6થી 8 વાગ્યાના સમયગાળામાં 46 મિમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં પણ 37 મિમી (1.46 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જેમાં બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે 25 મિમી વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત રાજકોટના કોટડા સાંગાણી, તાપીના ઉકાઈ, છોટાઉદેપુરના કાવંત અને બોટાદના રાણપુરમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાના આગમનમાં વિલંબ જોવા મળી રહ્યો છે. સમય કરતાં મોડું ચોમાસું પહોંચતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે પ્રિમોનસૂન વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.