મેષઃસ્વભાવમાં શાતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાવચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.વૃષભઃઅવાક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂં મળશે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી ધંધામાં સફળતા મળતી જણાય.મિથુનઃસ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. અવાક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુંટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરી ના યોગ બને છે. જીવનાસથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.કર્કઃઆનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનુ પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ બને છે. પરિવારમાં વાદ વિવાદનું વધતા જણાય. દગા ફટકાની સાચવવંુ. આરોગ્ય ની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.સિંહઃપૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણ કારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્વ અને શારિરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક અેથીચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.કન્યાઃવિદેશથી સારા સમાચાર મળે. અેક્ષપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ થતા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.તુલાઃપરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થથા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સાતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.વૃશ્ચિકઃદામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂં રહે.ધનઃઆજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફતી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શકય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂં રહેશે.મકરઃઆવકમાં ધટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગ ને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. પડવા વાગવાથી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ છે.કુંભઃઆવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજાર માંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમી નો ઉપદ્ગવ રહે. આરોગ્ય સારૂં રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.મીનઃસેવા દ્ગારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી ધંધામાં મિશ્રફળ નો અનુભવ થશે.
AIની દસ્તકથી નોકરીમાં કાપ: માઈક્રોસોફ્ટ કરશે 9000 કર્મચારીઓની છટણી
તાજેતરના મહિનાઓમાં માઇક્રોસોફટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારથી આઇટી જ નહીં પણ તમામ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો તોળાઇ રહ્યો છે.
કંપનીએ ચોક્કસ કેટલા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેની માહિતી આપી નથી પણ એટલું જણાવ્યું છે કે બરતરફ કરવામાં આવનારા કર્મચારીઓની સંખ્યા ગયા વર્ષના કુલ કર્મચારીઓના ચાર ટકાથી ઓછી હશે.
ગયા વર્ષે જૂનમાં માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા 228000 હતી. જેના ચાર ટકા ગણવામાં આવે તો માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને બરતરફ કરશે. આ છટણીની સૌથી વધુ અસર સેલ્સ ડિવિઝન અને એક્સબોક્સ વીડિયો ગેમ બિઝનેસના કર્મચારીઓ પર જોવા મળશે. ચાલુ વર્ષમાં માઇક્રોસોફ્ટે આ અગાઉ ત્રણ વખત કર્મચારીઓની છટણી કરી હતી.
મે મહિનામાં માઇક્રોસોફ્ટે 6000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતાં. જે તેના કુલ કર્મચારીઓના ૩ ટકા થાય છે. આ છટણી છેલ્લા બે વર્ષની સૌથી મોટી છટણી હતી. માઇક્રોસોફ્ટ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટા પાયે રોકાણ કરી રહ્યું છે જૂનમાં માઇક્રોસોફ્ટેના 300 કર્મચારીઓની છટણી કરી હતી. આ છટણી રેડમોન્ડ અને વોશિંગ્ટન હેડ કવાર્ટરમાંથી કરવામાં આવી હતી. મે મહિનામાં પુગેટ સાઉન્ડ રિજિયનમાં 2000 કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા હતાં.
માઇક્રોસોફ્ટે 9000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત નાણાકીય વર્ષ 2025-26ના બીજા દિવસે કરી છે રિપોર્ટ અનુસાર આ નિર્ણય કંપનીના રિસ્ટ્રકચરિંગ અને એઆઇમાં રોકાણનો ભાગ છે. આ નિર્ણય પ્રક્રિયાઓને સરળ બનાવવા અને મેનેજમેન્ટ લેયર્સ ઘટાડવા માટે છે.
| વર્ષ | કેટલા કર્મચારી છૂટા થયા |
| ૨૦૨૨ | ૧,૬૫,૨૬૯ |
| ૨૦૨૩ | ૨,૬૪,૨૨૦ |
| ૨૦૨૪ | ૧,૫૨,૯૨૨ |
| ૨૦૨૫ (જૂન સુધી) | ૬૩,૮૨૩ |
| કુલ | ૬,૪૬,૨૩૪ |
આસારામને હાઇકોર્ટમાંથી રાહત: સુરત દુષ્કર્મ કેસમાં જામીન એક મહિનો લંબાયા
સુરતની યુવતી સાથેના દુષ્કર્મકેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, તેથી વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.
હવે આસારામ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એક મહિનો જામીન લંબાવ્યા છે. હંગામી જામીન વધારવાની અરજી પર દોઢ કલાક કરતાં વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ 03 મહિના જામીન વધારવા માટે માગ કરી હતી. હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 01 મહિનો વધાર્યા છે.
સુરતની મહિલાએ આસારામ સામે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર બાદ આસારામના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવવામાં આવી હતી.
આશ્રમની અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મહાઉસ પર લઈ ગયા હતા, જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતાં ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી.
આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની બે બહેનોએ નારાયણ સાઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આદિત્ય ઠાકરેને મોટી રાહત, દિશા સલિયન મૃત્યુ કેસમાં મળી ક્લીનચીટ
મહારાષ્ટ્ર સરકારના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું કે દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં કોઈ શંકાસ્પદ માહિતી નથી. આ આત્મહત્યાનો કેસ છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું 9 જૂન, 2020 ના રોજ મલાડમાં એક ઇમારતના 12મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
દિશા સાલિયાનના પિતાએ આ સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને માંગ કરી હતી કે આ કેસની તપાસ મુંબઈ પોલીસની SIT અથવા CBI દ્વારા કરવામાં આવે. હવે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે દિશા સાલિયાન (28) ના મૃત્યુમાં કોઈપણ પ્રકારની શંકાને અવકાશ નથી. આ ઉપરાંત, આદિત્ય ઠાકરે પણ નિર્દોષ છે.
રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો – દિશા સાલિયાનના પિતા
દિશાના પિતા કહે છે કે તેમની પુત્રી પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી અને તેને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બળાત્કાર અને હત્યામાં આદિત્ય ઠાકરેની પણ ભૂમિકા છે, તેથી તેમની સામે પણ FIR નોંધવી જોઈએ.
રાજ્ય સરકાર વતી, માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર નાગરકરે જવાબ દાખલ કર્યો. તેમણે કહ્યું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા છે. તેમણે જણાવ્યું કે વૈજ્ઞાનિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
શું છે આખો મામલો?
તમને જણાવી દઈએ કે દિશા સાલિયાનના રહસ્યમય મૃત્યુનો મામલો હાઇ-પ્રોફાઇલ અને વિવાદાસ્પદ છે. આ મામલો 2022માં મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય ભરત ગોગાવલે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તપાસની માંગણી કરી હતી. આ અંગે ગૃહમાં ધારાસભ્યોનો ઘણો હોબાળો થયો હતો.
આ કેસમાં, નિતેશ રાણેએ આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની વાત પણ કરી હતી. વાસ્તવમાં, દિશા સાલિયાન એક સેલિબ્રિટી મેનેજર હતી. તેણીએ વરુણ શર્મા, સુશાંત સિંહ રાજપૂત, ભારતી સિંહ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું હતું. તે ટીવી અભિનેતા રોહન રાયને ડેટ કરી રહી હતી અને તેના મૃત્યુના થોડા મહિના પહેલા તેની સગાઈ પણ થઈ હતી.
વરસાદી આફત: કેદારનાથમાં 40 રેસ્ક્યુ, હિમાચલમાં વાદળ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત SDRFના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઈડઝોનમાંથી બહાર કાઢ્યા હતાં. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઈડ ઝોનમાં ફસાયા હતાં. ગત રવિવારે ભારે વરસાદ અને ભુસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભુસ્ખલનની ઘટના બની હતી.
યમુનોત્રી રૂટ પર ફસાયેલા 250 થી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
યમુનોત્રી હાઇવે પર વાદળ ફાટવાની ઘટનાના ચોથા દિવસે, સિલાઈ બંધથી આગળ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકી નથી. ત્યાં રાહદારીઓની અવરજવર સરળ છે, પરંતુ ભય હજુ પણ છે. બુધવારે, સ્યાનચટ્ટી અને જાનકીચટ્ટી વચ્ચે ફસાયેલા લગભગ 254 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત, ઘટનામાં ગુમ થયેલા સાત લોકોને શોધવા માટે NDRF દ્વારા સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી હતી.
હિમાચલમાં આભ ફાટતાં 63ના મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.
લિવરપૂલના સ્ટાર ફૂટબોલર ડિયોગો જોટાનું અકસ્માતમાં નિધન
લિવરપૂલ અને પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ડિયોગો જોટાનું ગુરુવારે ઉત્તરી સ્પેનમાં એક માર્ગ અકસ્માતમાં 28 વર્ષની વયે નિધન થયું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેની લેમ્બોર્ગિની રસ્તા પર સ્લીપ ખાઇ ગઈ હતી. તેણે બે અઠવાડિયા પહેલા જ તેની બાળપણની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. કારમાં પોર્ટુગલના ફોરવર્ડના સાથી ફૂટબોલર અને ભાઈ આન્દ્રે સિલ્વા પણ હતા. આ દુર્ઘટનામાં 26 વર્ષીય આંદ્રેનું પણ મોત નીપજ્યું છે. જોટા પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ તરફથી પણ રમી ચૂક્યો હતો. સિલ્વા લોઅર ડિવિઝનમાં પોર્ટુગીઝ કલબ પેનાફેલ તરફથી રમી ચૂક્યો હતો.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ વલાડોલિડથી 70 માઇલ પશ્ચિમમાં એ-52 પર ઓવરટેક કરતી વખતે લેમ્બોર્ગિનીનું ટાયર ફાટ્યું હોવાનું માનવામાં આવે છે. કાર રોડ પરથી ઉતરીને પલટી ખાઇ ગઇ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. જોટાએ તાજેતરમાં જ પોતાના ત્રણ બાળકોની માતા રુટ કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા. પહેલા રિલેશનશિપમાં રહેતા હતા.
પોર્ટુગલની ફૂટબોલ ટીમે વ્યક્ત કર્યું દુઃખ
આ ઘટના જમોરા પ્રાંતમાં એ-52 પર થઇ હતી. સ્પેનનો આ રસ્તો ઉત્તર પોર્ટુગલમાંથી બહાર નીકળવાનો મુખ્ય માર્ગ છે. કેસ્ટિલા અને લીઓન ક્ષેત્રમાં કટોકટી સેવાઓએ અકસ્માત અને બે ના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોર્ટુગલની ફૂટબોલ ટીમે કહ્યું છે કે તેઓ લીવરપૂલના ફોરવર્ડ ખેલાડી ડિએગોના નિધનથી ‘અત્યંત દુઃખી’ છે. તેમણે કહ્યું હતું કે તે રાષ્ટ્રીય ટીમ માટે લગભગ 50 કેપ્સ સાથે એક અદભૂત ખેલાડી હોવાની સાથે-સાથે અસાધારણ વ્યક્તિ પણ હતો. તેનું સાથી અને વિરોધી ખેલાડીઓ સન્માન કરતા હતા.
ભારતમાં વાઘો પર સંકટ: અડધા વર્ષમાં 107 વાઘોનું જીવ ગુમાવવું પડ્યું
દેશમાં વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં જ 107 વાઘના મોત થયા છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે અને પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ 107 મોતમાં વાઘના 20 બચ્ચા પણ સામેલ છે, જે ભવિષ્યમાં વાઘની વસ્તી માટે ગંભીર ખતરાના સંકેત આપે છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં દેશમાં 666 વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં 107 વાઘના મોત થયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 76 વાઘના મોત થયા હતા. આ છ મહિનામાં સૌથી વધુ વાઘના મોત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાનું આંકડા દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 28 વાઘના મોત થયા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 29 વાઘે જીવ ગુમાવ્યો છે.
મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
કર્ણાટક અને આસામમાં 10-10 વાઘના મોત થયા છે, જ્યારે કેરળ અને ઉત્તરાખંડમાં 9 વાઘના મોત થયા છે. આ વર્ષે જે 107 વાઘના મોત થયા હતા, તેમા 20 વાઘના બચ્ચા હતા. આંકડાઓ અનુસાર, આ વર્ષે વન્યપ્રાણી અભયારણ્યોની બહાર 60 વાઘના મોત થયા છે જ્યારે 47 વાઘ અભયારણ્યની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. 26 જૂને કર્ણાટકના એમએમ હિલ્સની હ્યુજિયમ રેન્જમાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
તંત્રની નિષ્ફળતાનો કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાઓમાં લટકાવ્યા ભાજપના ઝંડા
સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના સહેના બંધનો ટૂટી રહ્યાં છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.
પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું! મસમોટા ખાડાઓથી લોકો હેરાન
સુરતમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે, વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.
પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન
પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગ ઉચ્ચારી છે. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.
પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા સાથે કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી ‘ખાડા મહોત્સવ’ની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતનાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રનાં બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે ‘ખાડા મહોત્સવ’નું આયોજન કર્યું છે.
ઇન્ડોનેશિયાના બાલીમાં 65 લોકોને લઈ જતી બોટ ડૂબી જતાં 4 લોકોના મોત, 43 ગુમ
ઈન્ડોનેશિયાના એક મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બાલી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે (02 જુલાઈ) રાત્રે લગભગ 65 પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મૃત્યુ નીપજ્યાં છે, 38 ગુમ છે અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
બોટમાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા
અહેવાલો અનુસાર, બોટના મેનિફેસ્ટ ડેટામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રજા સ્થળ તરફ જતી વખતે બોટ બાલી સ્ટ્રેટમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 14 ટ્રક સહિત 12 વાહનો પણ હતા.
ગુજરાતમાં મેઘરાજાનું આગમન: આજે 12 જિલ્લામાં ધમાકેદાર વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રોજે રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ વરસાદ પણ પોતાનો રંગ બતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગાંધીનગર સહિત 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 જુલાઈ 2025, ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસગાર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

