સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના સહેના બંધનો ટૂટી રહ્યાં છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.
પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું! મસમોટા ખાડાઓથી લોકો હેરાન
સુરતમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે, વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.
પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન
પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગ ઉચ્ચારી છે. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.
પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા સાથે કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી ‘ખાડા મહોત્સવ’ની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતનાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રનાં બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે ‘ખાડા મહોત્સવ’નું આયોજન કર્યું છે.