Home Blog Page 384

અમેરિકાની રાજનીતિમાં ઉથલપાથલ: ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી ” અમેરિકા પાર્ટી ” ની જાહેરાત કરી દીધી છે. જ્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ટેસ્લાના વડાને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ગણાવ્યા અને કહ્યું કે ત્રીજા પક્ષની જાહેરાત કરીને તે પાટા પરથી ઉતરી ગયા છે.

લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે
જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ પસાર થયા બાદ ઇલોન મસ્કે જાહેરાત કરી હતી કે લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે. આ નિર્ણય અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ અંગે લોકોના અસંતોષ વચ્ચે આવ્યો છે.

અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા
ટ્રુથ સોશિયલ પર, ટ્રમ્પે લખ્યું, ” ઇલોન મસ્કને સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયેલા જોઈને દુઃખ થયું છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં તે ટ્રેન ભંગારમાં ફેરવાઈ ગઇ છે. તે ત્રીજો રાજકીય પક્ષ પણ શરૂ કરવા માંગે છે. અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા છે. એવું લાગે છે કે સિસ્ટમ તેના માટે રચાયેલ નથી. યુએસ રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ત્રીજો પક્ષ નાણાંનો વ્યપ અને અરાજકતા તરફ દોરી જાય છે અને વોશિંગ્ટનમાં કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ જેમણે પોતાનો આત્મવિશ્વાસ અને મન ગુમાવી દીધું છે તેમની સાથે ઘણું થઇ ચૂક્યું છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે મસ્ક નાખુશ છે કારણ કે બિલ ઇવી મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનો માટે ગ્રીન-એનર્જી ક્રેડિટ્સ સમાપ્ત થઈ ગઇ છે. તેમણે કહ્યું, બીજી બાજુ, રિપબ્લિકન એક સરળ ચાલતું ‘મશીન’ છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં તેના પ્રકારનું સૌથી મોટું બિલ પસાર કર્યું છે. આ એક મહાન બિલ છે. પરંતુ કમનસીબે ઇલોન માટે તે હાસ્યાસ્પદ ઇલેક્ટ્રિક વાહન મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી દરેકને ટૂંકા સમયમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડી હોત.

વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, આખી કોર્ટ ખાલી કરાવાઈ

ગીર સોમનાથની વેરાવળ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીના પગલે વેરાવળ કોર્ટ ખાલી કરી દેવાઈ. બૉમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે (7 જુલાઇ) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઇમેલની જાણ થતાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલને આજે વહેલી સવારે ઇમેલ દ્વારા કોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઇમેલ મળતાં જ તેમણે સુરક્ષા એજન્સીને જાણ કરી હતી અને સુરક્ષાને ધ્યાને રાખી કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં ભયનો માહોલ છવાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોર્ટમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરતમાં દરવર્ષે રંઝાડતા ખાડીપૂર અને ઝિંગા તળાવની સમસ્યાનો ઉકેલ કેમ આવતો નથી? વારંવારના ઉધામા કેમ શાંત થઈ જાય છે?

  • ખાડીની સફાઈ, આધુનિકીકરણ સહિત વિવિધ બહાને કરોડોનું આંધણ કરવા છતાં મનપાના જાંબાઝ અધિકારીઓ, શાસકો પાસે કોઈ જ ઉકેલ નથી, કારણ…
  • ખાડીનું પુરાણ, ખાડીકાંઠે ગેરકાયદે બાંધકામો આ બધું કોની મહેરબાનીથી થાય છે? પૂર ટાણે વિરોધ કરવા નીકળી પડતા કહેવાતા લોકપ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામો તોડવામાં હંમેશાં ‘આડાપગ’ કરતા આવ્યા છે
  • સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સજ્જન છે, પરંતુ સક્ષમ નથી; તંત્ર પાસે કામ કરાવવામાં નિષ્ફળ રહ્યા
  • દરવર્ષે ચોમાસાના દિવસોમાં સેંકડો પરિવારોના ઘરમાં પૂરના પાણી ફરી વળે છે, વહીવટી તંત્ર સામે તાયફા કરાય છે, વિરોધ રેલી પણ નીકળે છે, પરંતુ પૂરના પાણી બંધ થતા નથી
  • વાતવાતમાં પક્ષના નેતૃત્વના નામે પોતાની નિષ્ફળતા ક્યાં સુધી ઢાંકી શકાશે, મળેલી બંધારણીય સત્તાનો ઉપયોગ કરતા આવડતું ના હોય તો અધિકારી પણ ક્યાંથી ગાંઠવાના? સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યા હતા, પરંતુ તંત્રને ખડેપગે રાખવામાં માહિર હતાં
  • ઝિંગા તળાવ સુરતની કાયમી સમસ્યા છે, તળાવો તોડી પાડવા માટે વર્ષોથી ઉધામા થતા આવે છે, પરંતુ કેટલાં તળાવ તૂટ્યાં? ઘણી વખત તો ઉધામા કરનારાઓ પણ ખોવાઈ જાય છે, કહેવાની જરૂર નથી કે ઉધામા કરનારા કેમ ચૂપ થઈ જાય છે

લગભગ દરવર્ષે સુરતના ખાડી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી ‍વળે છે, પરંતુ આજ પર્યંત ખાડીપૂરની સમસ્યા દૂર કરવામાં મહાપાલિકા અને સિંચાઈ વિભાગ સતત નિષ્ફળ રહેતાં આવ્યાં છે. પ્રતિવર્ષ ખાડીની સફાઈ, બાંધકામ, બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. હવે આ કરોડો રૂપિયા ખરેખર ખાડીની સફાઈ અને આધુનિકીકરણ માટે ખર્ચ કરવામાં આવે છે તો પછી દરવર્ષે ખાડીના પૂર કેમ ફરી વળે છે? મતલબ ખાડી સફાઈના નામે નર્યું ‘તૂત’ ચલાવવામાં આવે છે. વળી શાસકો અને ચૂંટાયેલા પ્રતિનિધિ‌ઓ દરવર્ષે ખાડીકાંઠાના વિસ્તારોનું ઉપરાણું લઈને મહાપાલિકા અને કલેક્ટરની સંકલન બેઠકમાં ઉધામા મચાવીને પોતે લોકોના ઉદ્ધારક હોવાની અને ‘હીરો’ બનવાની કોશિશ કરે છે.

આ લોકોને ચોક્કસ ખાતરી હોય છે કે, ચોમાસાના દિવસો પૂરા થઈ જતા બધું જ ભુલાઈ જશે અને ખાડીકાંઠાના ગેરકાયદે બાંધકામો તૂટતાં રોકવા ફરી આ કહેવાતા લોક પ્રતિનિધિઓ જ આડા ઊભા રહી જાય છે. મતલબ ખાડીના પૂરની સમસ્યા માટે બીજું કોઈ નહીં. ખાડીકાંઠે દબાણ અને બાંધકામ કરનારા લોકો અને ખુદ નગરસેવકો જ જવાબદાર છે.

સુરત દરિયાકાંઠાનું શહેર હોવાથી દરિયાને મળતા નદી, નાળા અને ખાડીના પાણી સુરત શહેરની વચ્ચોવચ્ચથી પસાર થઈ રહ્યાં છે. અલબત્ત આ કુદરતી વહેણને ડાયવર્ટ કરવા કે નિયંત્રણમાં રાખવાનું કામ કપરું નથી, પરંતુ શાસકોની દાનત નથી. ખાડીકિનારે વસતા લોકો શિયાળો, ઉનાળાના દિવસોમાં કુદરતી વહેણને અવરોધતાં બાંધકામો કરે છે અને આવા બાંધકામો રોકવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે જે તે વિસ્તારના પ્રતિનિધિઓ જ ગેરકાયદે બાંધકામ કરનારાઓનું ઉપરાણું લઈને અધિકારીઓને દબડાવતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ચોમાસાનો વરસાદ પડતા ખાડીપૂરની પીડા આકાર પામે છે. ત્યારે ગેરકાયદે બાંધકામો અને દબાણો કરનારાઓ ભૂલી જવાય છે.

આ ઘટનાઓથી શાસકો કે વહીવટી અધિકારીઓ અંધારામાં નથી, પરંતુ ખાડીની સફાઈ અંગે ગંભીર નથી. સ્વચ્છતામાં નંબર વન ગણાતા સુરતની વરસાદી ગટર લાઈનોમાં બારેમાસ ગંદા પાણીનો ધોધ વહેતો રહે છે. આ કોના કારણે અને કોની બેદરકારીને કારણે થઈ રહ્યું છે? લાંબું વિચારવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં એક-બે વર્ષનો બાળક ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે ગટરમાં પડી ગયો અને માસૂમ બાળકનાં મોતની અત્યંત ગંભીર ઘટના પછી પણ દેશમાં સ્વચ્છ ગણાતા સુરત શહેરના શાસકોનું રૂવાડું ફરક્યું નથી. બાળકની શોધખોળના અંતે લાશ મળી. પરંતુ સાથે-સાથે એ પણ બહાર આવ્યું હતું કે, વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનમાં ઘરના મળ, મૂત્ર અને ગંદા પાણીની લાઈનોનું મેલું વહેતું હતું!પરંતુ થોડા દિવસના કકળાટના અંતે આખો મામલો ભુલાઈ ગયો અને માત્ર અમરોલી નહીં, શહેરભરની વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનોમાં ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે.

સુરતના કમનસીબે એક નિષ્ફળ કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. સુરતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ભૂતપૂર્વ IAS અધિકારીઓએ દિવસ-રાત એક કર્યા હતા અને હવે મેડમ ક્રેડિટ લઈ રહ્યાં છે. સુરતને ભૂતકાળમાં પણ મહિલા IAS અધિકારી મળ્યાં હતાં, પરંતુ આખું શહેર તેમના પગ નીચે રહેતું હતું. શહેરના કોઈપણ ખૂણામાં કોઈક ઘટના આકાર પામે એટલે ગણતરીની મિનિટોમાં મેડમના કાન સુધી વાત પહોંચી જતી હતી. એ સમયે પણ રાજકીય જૂથબંધી હતી, પરંતુ શહેરનો વિકાસ અને છેવાડા માણસની સમસ્યાઓનો તાકીદે ઉકેલ આવી જતો હતો. પરંતુ સુરત મહાપાલિકાની વર્તમાન હાલત ‘લંગડા ઘોડા’ જેવી છે. દોડતો નથી અને તંત્રને દોડવા પણ દેતો નથી!

સદ્‍નસીબ કહો કે કમનસીબ, વર્તમાન શાસકોના અંતિમ પડાવમાં મેયર દક્ષેશ માવાણી અને સ્ટે‌િન્ડંગ ચેરમેન રાજન પટેલ બંને તરવરિયા યુવાનો છે, પરંતુ વહીવટી તંત્ર પાસે કામ કરાવવામાં સરિયામ નિષ્ફળ રહ્યા છે એવું ચોક્કસ કહી શકાય. એવું કહેવામાં આવે છે કે, આ બંને શોભાના ગાંઠિયા જેવા છે અને પોતાની નિષ્ફળતા ઢાંકવા ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌િટલને બદનામ કરવામાં આવે છે.

કોઈ નીતિવિષયક નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક પક્ષના શીર્ષ નેતૃત્વને પૂછવાનું હોય! આ રાજકીય પક્ષોની પ્રણાલી છે, પરંતુ રોડ-રસ્તા રિપેર કરવાના, ગંદકીની સમસ્યા દૂર કરવા કે મહાપાલિકાની રોજબરોજની કામગીરીનો અમલ કરાવવા માટે ભાજપ અધ્યક્ષને પૂછવાની જરૂર નથી, પરંતુ તંત્રની અને પોતાની નિષ્ફળતાનો દોષ સી.આર. પા‌િટલના માથે ઢોળવામાં આવે છે અને ચિત્ર એવું ઊભું કરવામાં આવે છે કે, સુરત મહાપાલિકાની રોજબરોજની કામગીરીમાં પણ પક્ષના નેતૃત્વની ઇચ્છા વગર કંઈપણ થતું નથી.અલબત્ત, આ હળાહળ જુઠ્ઠાણું છે. સુરત મહાપાલિકામાં એવા પણ ઘણા કામો ચાલતાં રહે છે, જેની પક્ષના નેતૃત્વને જાણ સુધ્ધાં હોતી નથી.

ખેર, મૂળ વાત ઉપર આવીએ તો પાછલા ત્રણ વર્ષ દરમિયાન શહેરમાંથી પસાર થતી ખાડીઓની પાણીની વહનક્ષમતા વધારવા પાછળ લગભગ છ કરોડનો ખર્ચ કરાયો હતો! હવે આ છ કરોડ કઈ કામગીરી પાછળ ખર્ચ કરવામાં આવ્યા તેનો કાગળ ઉપર ચોક્કસ હિસાબ હશે. પરંતુ સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો છ કરોડના ખર્ચના આંકડા સાથે મેળ નહીં બેસે. પરંતુ મહાપાલિકાની તિજોરીમાંથી છ કરોડનો ખર્ચ કરાયો છે એ હકીકત છે અને છતાં ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એ પણ નજર સામેની હકીકત છે! તંત્રની ખરેખર દાનત હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગેરકાયદે બાંધકામો તૂટતા રોકવા કે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે તો ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ચપટી વગાડવા જેવું છે. પરંતુ સુરતના કમનસીબે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દાનત નથી.ખાડી જેવી જ સમસ્યા ઝિંગા તળાવની છે. બધા જ જાણે છે કે ઝિંગા તળાવને કારણે પાણીના કુદરતી વહેણ અવરોધાય છે અને પૂરની સમસ્યા વર્ષોવર્ષ પેદા થાય છે, પરંતુ એકપણ શાસક ઝિંગા તળાવોનાં બાંધકામો તોડવામાં સફળ રહ્યો નથી. એવું કહેવાય છે કે, ઝિંગા તળાવ કરોડોનો ધંધો છે અને જ્યાં ‘ધંધા’ની વાત આવે ત્યાં શાસકોના હાથ હેઠા પડવાના જ.

થોડા દિવસ પહેલા ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પા‌િટલે પાણીના વહેણને અવરોધતા ઝિંગા તળાવો તોડી પાડવાનો આદેશ કર્યો હતો, પરંતુ પરિણામ શું આવ્યું? કેટલા ઝિંગા તળાવ તોડી પાડવામાં આવ્યા?વળી તંત્ર દ્વારા મહાપાલિકા પાસે તળાવો તોડી પાડવા સાધન સહાય માંગીને નવો ડ્રામા ઊભો કરવામાં આવ્યો હતો. બસ આવું જ ચાલ્યા કરશે અને ચોમાસુ પતી જતાની સાથે જ ખાડીપૂર સહિતનો આખો મામલો ભુલાઈ જશે અને સ્વાભાવિક તંત્રના વાહકો પણ આવું જ ઇચ્છતા હશે. સુરત માટે ખાડીપૂર જેટલા જોખમી છે એટલાં જ ઝિંગા તળાવ પણ જોખમી છે. એરપોર્ટ ઉપર ઝિંગા તળાવને કારણે જ ‘બર્ડ હીટ’ એટલે કે વિમાન સાથે પક્ષી અથડાવાનું જોખમ રહેલુ છે પરંતુ આ સમસ્યાની કોને અને શા માટે પડી હોય! દરવર્ષે ચોમાસુ આવવાનું જ, સંકલન બેઠકો મળવાની, અધિકારીઓ સામે ‘તડાફડી’ના ડ્રામા થવાના, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે સરવાળે ‘પીડા’નો કોઈ જ ઉકેલ આવવાનો નથી.

ટેક્સાસમાં પૂર: સમર કેમ્પમાંથી ઓછામાં ઓછા 24 લોકોના મોત, 20 થી વધુ છોકરીઓ ગુમ

ટેક્સાસ હિલ કન્ટ્રીમાં રાતોરાત ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું, જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ગુમ થયા, જેમાં સમર કેમ્પની 20 થી વધુ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. કલાકોમાં 10 ઇંચ (25 સે.મી.) થી વધુ વરસાદ પડ્યા પછી મધ્ય કેર કાઉન્ટીમાં આવેલા પૂરને કારણે ગુઆડાલુપ નદી હિંસક રીતે છલકાઈ ગઈ.

કેર કાઉન્ટી શેરિફ લેરી લીથાએ શુક્રવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે “લગભગ 24” લોકો મૃત્યુ પામ્યા છે. બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં 237 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે, જેમાંથી 167 હેલિકોપ્ટર દ્વારા છે. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

ગુમ થયેલા લોકોમાં કેમ્પ મિસ્ટિકની 20 થી વધુ છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યાં લગભગ 750 લોકો હાજર હતા. ટેક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે પુષ્ટિ આપી કે શુક્રવારે બપોર સુધીમાં છ થી 10 મૃતદેહો મળી આવ્યા છે. “કેટલાક પુખ્ત વયના છે, તો કેટલાક બાળકો છે,” તેમણે કહ્યું. કેમ્પર્સના પરિવારો પુનઃમિલન કેન્દ્રો પર એકઠા થયા હતા, ઘણા લોકો અધિકારીઓ તરફથી સંદેશની રાહ જોતા આંસુમાં હતા.

750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ

હંટ ખાતે આવેલો કેમ્પ મિસ્ટિક, એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ, આ પૂરની ઝપેટમાં આવ્યો. સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે 750 બાળકોમાંથી 23 છોકરીઓ ગુમ છે, અને તેમની શોધ માટે બચાવકર્મીઓ કામે લાગ્યા છે. કેમ્પે માતાપિતાને જાણ કરી કે, જે બાળકો સુરક્ષિત છે તેમના પરિવારોને સૂચિત કરાયા છે, પરંતુ વીજળી અને રસ્તાઓ ખોરવાતા બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રાષ્ટ્રીય હવામાન સેવાએ ગુરુવારે ફ્લેશ ફ્લડ ચેતવણી જારી કરી હતી, પરંતુ વરસાદની તીવ્રતા અણધારી હતી. ગવર્નર ગ્રેગ એબોટે તમામ ઉપલબ્ધ સંસાધનો બચાવ માટે ફાળવ્યા છે.

ગુજરાતના સુરત સહિત 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર અને રવિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતના 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે રાજકોટ, બોટાદ, આણંદ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

આજથી ચાર દિવસ ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

  • 5 જુલાઈ 2025 – બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા
  • 6 જુલાઈ 2025 – સાબરકાંઠા, સુરત અને અરવલ્લી
  • 7 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હેવીલ
  • 8 જુલાઈ 2025 – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

ભારતના ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ 2025 ના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલ પ્રત્યાર્પણ વિનંતીના આધારે કરવામાં આવી છે.

નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ
નેહલ મોદી પર આરોપ છે કે પીએનબી કૌભાંડમાં તેણે પોતાના ભાઈ નીરવ મોદીની મદદથી કૌભાંડમાં કમાયેલા હજારો કરોડ બ્લેક મનીને વ્હાઈટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. નેહલ મોદીએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં અને તેને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા વ્હાઈટ કરવામાં નીરવ મોદીને મદદ કરી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કરવામાં આવી ધરપકડ
અમેરિકી ન્યાય વિભાગે પુષ્ટિ કરી છે કે નેહલ મોદીની ધરપકડ ભારત સરકારના આગ્રહ પર કરવામાં આવી છે. નેહલ મોદી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો આરોપ છે એટલે કે તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને વિવિધ માધ્યમો દ્વારા કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો. આથી ભારતીય દંડ સંહિતાની કલમ 120-B અને 201 હેઠળ ગુનાહિત કાવતરું અને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ભારતની તપાસ એજન્સીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું
નીરવ મોદી પોતે હાલમાં બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસની આગામી સુનાવણી 17 જુલાઈ, 2025 ના રોજ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટેટસ રિવ્યૂ થશે. આ સુનાવણી દરમિયાન નેહલ મોદી જામીન માટે પણ અરજી કરી શકે છે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. શનિવારે (5 જુલાઈ 2025) તાત્સુગોમાં આ ભૂકંપ આવ્યો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી ઊંડે હતું. તાજેતરમાં, અમામી કાગોશિમામાં 5.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

એશિયન દેશ જાપાન પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. તે વધુ ભૂકંપથી પ્રભાવિત સ્થળોની યાદીમાં આવે છે. તે પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. આ તે સ્થાન છે જ્યાં ત્રણ ટેક્ટોનિક પ્લેટો પેસિફિક, ફિલિપાઇન્સ અને યુરેશિયન પ્લેટો મળે છે. આ કારણે, જાપાનના વિવિધ ભાગોમાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાય છે. જાપાનના ટોકારા ક્ષેત્રમાં દર વર્ષે 1500 ભૂકંપ આવે છે. ટોકારામાં કુલ 12 ટાપુઓ છે, જ્યાં કુલ 700 લોકો રહે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

મહારાષ્ટ્ર રાજકારણ: 20 વર્ષ પછી એક મંચ પર રાજ-ઉદ્ધવ ઠાકરે, મરાઠી સંસ્કૃતિ અંગે મોટો સંદેશ આપ્યો

0

શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતાઓ, ઉદ્ધવ અને રાજ ઠાકરે, લગભગ 20 વર્ષ પછી શનિવાર, 5 જુલાઈના રોજ વરલીના NSCI ડોમ ખાતે ફરી ભેગા થયા. મહારાષ્ટ્રમાં હિન્દી લાદવાની નીતિ ઉથલાવી દેવાની ઉજવણી કરતા, તેઓએ ‘આવાઝ મરાઠીચા’ કાર્યક્રમમાં સ્ટેજ શેર કર્યો, જેમાં તેમના સમર્થકો સાથે મરાઠી સંસ્કૃતિના મહત્વને વધુ મજબૂત બનાવવામાં આવ્યું.

ભીડને સંબોધતા, રાજ ઠાકરે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દાદરમાં શિવસેનાના પરંપરાગત મેદાન ‘શિવાજી પાર્ક’ને બદલે વર્લીમાં રેલીનું આયોજન કરવાનું કારણ સમજાવ્યું.

MNS ચીફે કહ્યું, “મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી, ઉદ્ધવ અને હું સાથે આવ્યા છીએ. જે કામ બાળાસાહેબ ન કરી શક્યા તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું… અમને બંનેને સાથે લાવવાનું કામ…”

શિવસેના (UBT) અને MNS ના સંયુક્ત કાર્યક્રમમાં, ભાઈ-બહેનોએ ભેટી પડ્યા અને અભિનંદન આપ્યા. રાજ હિન્દીની હિમાયત પર સવાલ ઉઠાવે છે, અને પૂછે છે કે જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યો પ્રગતિ કરી રહ્યા નથી ત્યારે મહારાષ્ટ્રે હિન્દીને કેમ સ્વીકારવી જોઈએ.

તેમણે કહ્યું, ‘મંત્રી દાદા ભૂસે મારી પાસે આવ્યા અને મને તેમની વાત સાંભળવા વિનંતી કરી, મેં તેમને કહ્યું કે હું તમારી વાત સાંભળીશ, પણ હું સંમત નહીં થાઉં. મેં તેમને પૂછ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન માટે ત્રીજી ભાષા કઈ હશે. બધા હિન્દી ભાષી રાજ્યો આપણાથી પાછળ છે અને આપણે બધા હિન્દી ભાષી રાજ્યો કરતા આગળ છીએ, છતાં આપણને હિન્દી શીખવાની ફરજ પાડવામાં આવી રહી છે. શા માટે?’

તેમણે હિન્દીને એક ભાષા તરીકે સ્વીકાર્યું પણ મરાઠીને ટેકો આપ્યો, યાદ રાખ્યું કે ઐતિહાસિક મરાઠા શાસને તેમની ભાષા બીજા કોઈ પર દબાણ કર્યું ન હતું. તેમણે મરાઠી સંસ્કૃતિને નબળી પાડવાના પ્રયાસો સામે ચેતવણી આપી, ખાસ કરીને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની યોજનાઓ અંગે. તેમણે કહ્યું, ‘મને હિન્દી સામે કોઈ વાંધો નથી, કોઈ પણ ભાષા ખરાબ નથી. ભાષા બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. મરાઠા સામ્રાજ્ય દરમિયાન, અમે મરાઠી લોકોએ ઘણા રાજ્યો પર શાસન કર્યું, પરંતુ અમે ક્યારેય તે ભાગો પર મરાઠી લાદી નહીં. તેમણે આપણા પર હિન્દી લાદવાનો પ્રયોગ શરૂ કર્યો અને પરીક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જો આપણે તેનો વિરોધ નહીં કરીએ, તો તેઓ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરશે.’

શિક્ષણ અંગે, રાજે નોંધ્યું કે રાજકારણમાં સફળતા ફક્ત શિક્ષણની ભાષા પર આધારિત નથી, જાણીતા રાજકીય વ્યક્તિઓની તુલનામાં તેમના શૈક્ષણિક ઇતિહાસનો ઉલ્લેખ કરતા. તેમણે ટિપ્પણી કરી કે રાજ્યના તમામ વ્યક્તિઓ માટે મરાઠીમાં નિપુણતા મહત્વપૂર્ણ છે, પરંતુ ભાર મૂક્યો કે જેઓ તે બોલતા નથી તેમની સાથે દુર્વ્યવહાર ન થવો જોઈએ.ઉદ્ધવ ઠાકરેના ભાષણના મુખ્ય મુદ્દાઓ:

ઉદ્ધવ ઠાકરેએ તેમના સહયોગી કાર્યક્રમમાંથી આવનારી અપેક્ષાઓ પર ટિપ્પણી કરી, ભાર મૂક્યો કે તેમની સાથે રહેવું અને સ્ટેજ પર દેખાવ મહત્વપૂર્ણ અર્થ દર્શાવે છે.

“જ્યારથી આ કાર્યક્રમની જાહેરાત થઈ છે, ત્યારથી લોકો અમે શું કહીશું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા,” ઉદ્ધવે કહ્યું. “પરંતુ મારું માનવું છે કે આપણી એકતા અને આ સહિયારું મંચ આપણા શબ્દો કરતાં વધુ શક્તિશાળી છે. રાજ ઠાકરેએ પહેલેથી જ એક ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું છે, અને મને વધુ કંઈ ઉમેરવાની જરૂર નથી લાગતી.”

તેમણે તેમના પક્ષમાં હિન્દુત્વની ટીકાઓને બાજુ પર રાખી, ટીકાકારોને મહારાષ્ટ્રના પાયામાં બાળાસાહેબ ઠાકરેની મુખ્ય ભૂમિકાની યાદ અપાવી. તેમણે તેમના અનુયાયીઓને ટેકો આપ્યો, કોમી રમખાણો દરમિયાન બધા હિન્દુઓનું રક્ષણ કરવામાં તેમની પરંપરાગત ભૂમિકા પર ભાર મૂક્યો અને આગ્રહ કર્યો કે ન્યાય પ્રત્યેના તેમના સમર્પણને નકારાત્મક રીતે ન જોવું જોઈએ.

માઈક્રોસોફ્ટે 25 વર્ષ પછી પાકિસ્તાનમાં કામગીરી બંધ કરી, કંપનીએ દેશને કહ્યું ગુડ બાય

25 વર્ષ પહેલાં, અમેરિકન બિગ ટેક કંપની માઇક્રોસોફ્ટે પડોશી દેશ પાકિસ્તાનમાં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું અને તેની ઓફિસ પણ ખોલી હતી. હવે માઇક્રોસોફ્ટને પાકિસ્તાન લાવનારા સીઈઓએ જાહેરાત કરી છે કે 25 વર્ષ પછી માઇક્રોસોફ્ટ પાકિસ્તાન છોડવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે રાજકીય અને આર્થિક અસ્થિરતાને કારણે માઇક્રોસોફ્ટને આ પગલું ભરવું પડ્યું.

પાકિસ્તાનમાં માઇક્રોસોફ્ટના બંધ થવાથી પાકિસ્તાન માટે ઈજા પર અપમાનની સ્થિતિ ઉભી થઈ છે. માઇક્રોસોફ્ટના ગયાથી ટેકનિકલ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટે 7 માર્ચ 2000 ના રોજ પાકિસ્તાનમાં પોતાનું કામકાજ શરૂ કર્યું હતું.

‘એક યુગનો અંત આવ્યો છે’
આ કિસ્સામાં, માઇક્રોસોફ્ટના પ્રથમ દેશના વડા જાવદ રહેમાને કહ્યું, “આજે મને ખબર પડી કે માઇક્રોસોફ્ટે પાકિસ્તાનમાં પોતાનું કામકાજ સત્તાવાર રીતે બંધ કરી દીધું છે. બાકીના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી છે. આ રીતે એક યુગનો અંત આવ્યો છે.” તમને જણાવી દઈએ કે માઇક્રોસોફ્ટ 9000 કર્મચારીઓને છટણી કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ પાકિસ્તાન ઓફિસ બંધ કરવામાં આવી રહી છે.

માઇક્રોસોફ્ટે આ નિર્ણય વિશે કહ્યું છે કે અમે અમારી નજીકની માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી પાકિસ્તાની ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખીશું. કંપની કહે છે કે અમે વિશ્વભરના અન્ય દેશોમાં સમાન મોડેલ પર કામ કરી રહ્યા છીએ. ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવી હંમેશા માઇક્રોસોફ્ટની ટોચની પ્રાથમિકતા રહી છે.

સુરતમાંથી ઝડપાયું ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું કૌંભાડ

સુરતમાંથી સાયબર ફ્રોડ ઝડપાયું છે. સુરત સાયબર ક્રાઇમનું સૌથી મોટું સાયબર રેકેટ ઝડપી પાડ્યું. ફોરેક્સ ટ્રેડિંગના નામે કૌભાંડ ચાલવામાં આવતું હતું. 2.34 કરોડ થી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે તપાસમાં આંકડો 100 કરોડથી વધુ જવાની શક્યતા છે. પિતા અને બે પુત્રો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવતું હતું.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચાલતું હતું રેકેટ. IV TRADE ના નામે કંપની ચલાવી લોકો પાસે રોકાણ કરાવતા હતા. આ રેકેટ સુરત, રાજકોટ,અને દુબઇથી ચાલવામાં આવતું હતું. સાયરબ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. લોકોને રોકાણ કરતા 10 ટકા નફો અને અલગ અલગ સ્કીમો આપવાના નામે રેકેટ ચલાવતા હતા. બે નંબરના રૂપિયા USDT માં પણ ટ્રાન્સફર કરતા હોવાની વાત.