Home Blog Page 365

અમેરિકાથી 15 વર્ષમાં 15,000 ભારતીયોને પરત મોકલાયા, ગુજરાતીઓનો આંકડો જાણી ચોંકી જશો

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ સતત ચર્ચામાં રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ અમેરિકાથી 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તેમણે વોશિંગ્ટનને દેશનિકાલની સારવાર અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મેળવવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઈબી)ના જણાવ્યા અનુસાર વર્ષ 2009થી 2024 સુધીના 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા અમેરિકા માંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 1 ઓગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે અમેરિકન સરકાર દ્વારા 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જેમા 1562 પુરુષો અને 141 મહિલાઓનો સમાવેશ થાય છે.

છેલ્લા 15 વર્ષમાં 15000થી વધુ ભારતીયો અમેરિકાથી ડિપોર્ટ

વર્ષ 2009થી 2024 દરમિયાન અમેરિકા માંથી કુલ 15,564 ભારતીય નાગરિકોનો દેશનિકાસ કરવામાં આવ્યા છે. જો રાજ્ય પ્રમાણ વાત કરીયે તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં પંજાબના લોકોની સંખ્યા સૌથી વધુ 620 છે. ત્યારબાદ 604 લોકો સાથે હરિયાણા બીજા ક્રમે અને 245 લોકો સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.

15 વર્ષમાં અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યા

ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.

તેમણે કહ્યું હતું કે, અમેરિકન દૂતાવાસ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલાં ઓગસ્ટના અંત સુધીમાં મર્યાદિત સંખ્યામાં વધારાના વિદ્યાર્થી વિઝાની નિમણૂકો ખોલવા માટે કામ કરી રહ્યું છે. દૂતાવાસ દ્વારા વિલંબિત નિમણૂંકો અંગેની અનિશ્ચિતતાને ઘટાડવામાં મદદ રૂપ થવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) સાથે વિદ્યાર્થી વિઝા ફેક્ટશીટ વિકસાવવામાં આવી રહી છે.

‘વોટ ચોરી’ વિવાદ વચ્ચે કોંગ્રેસના સહકાર મંત્રીનું રાજીનામું, રાહુલ ગાંધી પર લગાવ્યા આ આરોપ

0

‘વોટ ચોરી’ વિવાદ વચ્ચે કોંગ્રેસના એક મંત્રીએ રાજીનામું આપી દીધું છે. કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર મત ચોરીનો આરોપ લગાવીને ટીકા કરીને રાજીનામું આપી દીધું છે. તેમણે રાહુલ ગાંધી પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે પાર્ટી હાઇકમાન્ડે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન મંત્રીએ રાજીનામું આપી દીધું. અને રાજીનામું આપ્યા બાદ પણ તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા.રાહુલ ગાંધીના આરોપ પર રાજન્નાએ આ વાત કહીરાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે આજે વિપક્ષે ચૂંટણીપંચ સામે મોરચો ખોલ્યો છે. ત્યારે કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ કહ્યું છે કે, મતદાર યાદી તૈયાર કરાઈ ત્યારે કોંગ્રેસ સત્તામાં હતી. તો એ સમયે શું બધા આંખો બંધ કરીને ચૂપચાપ બેઠા હતા? ત્યારે પણ મતદાર યાદીમાં અનિયમિતતા સામે આવી હતી. એ સાચું છે અને ગેરરીતિઓ આપણી નજર સામે થઈ હતી, એટલે આપણને શરમ આવવી જોઈએ.કર્ણાટક મંત્રી રાજન્નાએ કહ્યું કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ્યારે મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી, ત્યારે મહાદેવપુરામાં ખરેખર ગેરરીતિ થઈ હતી. એક વ્યક્તિ 3 અલગ અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલ હતો. અને પાછું તેણે ત્રણેય જગ્યાએ મતદાન પણ કર્યું હતું. જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થાય ત્યારે વાંધો ઉઠાવવો. એ આપણી જવાબદારી છે. તે સમયે અમે ચૂપ રહ્યા હતા અને હવે હોબાળો મચાવી રહ્યા છીએ.

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત, બે લોકોના મોત

અમદાવાદમાં ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અશફાક અજમેરી અને તેનો મિત્ર અક્રમ કુરેશી નામના બે યુવાનો તેમના એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા અને તેના પર સવાર બંને યુવકો 100 ફૂટ સુધી ફંગોળાઈ ગયા હતા.

આ કરુણ અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ યેન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર બ્રેઝા કાર પણ કબજે કરી છે. હાલ, પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં કુલ ચાર અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા છે.

સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મૂકાઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં પાંચ યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે લાંગરેલી બોટમાં ગયા હતાં. જ્યાં સેલ્ફી ખેંચી મોજમસ્તી કરી રહ્યા હતાં. આ દરમિયાન જ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો હતો.પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચેય યુવક ફસાયા હતાં. સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચેય યુવકનો જીવ બચાવી લીધો હતો.

ટ્રમ્પના ટેરિફનો તાંડવ શરૂ! ઘણી ફેક્ટરીઓમાં બંધ થઈ ગયું કામ, કરોડોના ઓર્ડર થયા કેન્સલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો કહેર શરૂ થઈ ગયો છે. એમ તો ઘણા સેક્ટર એવા છે, જેના પર તેની અસર થઈ છે, પરંતુ કાપડ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હોય તેવું લાગે છે. તમિલનાડુમાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, અમેરિકાના આયાતકારોએ કરોડોના ઓર્ડર રદ કર્યા પછી ફેક્ટરીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

ભારતીય ઉદ્યોગપતિઓના બધા ઓર્ડર કાં તો રદ કરવામાં આવ્યા છે અથવા અન્ય દેશોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

તમિલનાડુના તિરુપુરમાં કાપડના કારખાનાઓ સુસ્ત બન્યા છે. અહીંના કાપડ નિકાસકારો કહે છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી, ઘણા ઓર્ડર હોલ્ડ પર રાખવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. ભારતીય નિકાસકારોના ઘણા ઓર્ડર બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેતનામ અને કંબોડિયા ગયા છે. આ દેશોમાં ટેરિફ ૧૯થી ૩૬ ટકા સુધીનો છે, જે ભારત કરતા ઘણો ઓછો છે.

તિરુપુરના એક નિકાસકારે જણાવ્યું કે, ભારતથી અમેરિકા જતી બધી શિપમેન્ટ હવે પાકિસ્તાનને મળી ગયા છે. ઘણા અમેરિકન ખરીદદારોએ તેમના ઓર્ડર હોલ્ડ પર રાખ્યા છે. કેટલાક નિકાસકારો કહે છે કે, અમેરિકન ખરીદદારો ૨૫ ટકા ટેરિફ સહન કરવા સંમત થયા છે, પરંતુ જો તે બમણું કરવામાં આવે તો તે શક્ય બનશે નહીં. તેઓ ફરિયાદ કરે છે કે, ટેરિફ પછી કેટલાક ઉત્પાદનોના ભાવ ૬૪ ટકા સુધી વધી જશે, જે અમારા સ્પર્ધકો કરતા ૩૫ ટકા વધુ હશે.

ઉદ્યોગ પ્રતિનિધિઓએ જણાવ્યું કે, અમેરિકન ખરીદદારોના ર્નિણય અનુસાર ઓર્ડરના અમલીકરણ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકા દ્વારા ભારત પર ૫૦ ટકા ડ્યુટી લાદવામાં આવ્યા બાદ અમેરિકામાં કાપડ અને વસ્ત્રોના નિકાસકારો રાહ જુઓની સ્થિતિમાં છે. આનો અર્થ એ છે કે, તેઓ તાત્કાલિક કોઈ મોટું પગલું ભરી રહ્યા નથી, પરંતુ પહેલા ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રીતે બદલાય છે તે જાેવા માંગે છે, જેથી તે મુજબ ર્નિણય લઈ શકાય. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા પછી, તિરુપુરના ઉદ્યોગપતિઓને બ્રિટિશ બજાર પાસેથી આશા છે.

ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, અમેરિકાના બજારમાં કુલ કાપડ નિકાસમાં એકલા તિરુપુર વાર્ષિક આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે, જે આ પ્રદેશમાંથી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની કુલ વાર્ષિક નિકાસના લગભગ ૩૦ ટકા છે.

તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશન (ટીઇએ)ના પ્રમુખ કે.એમ. સુબ્રમણ્યમે જણાવ્યું કે, અમેરિકામાં ૧૨૦૦૦ કરોડ રૂપિયાની નિકાસમાંથી ૫૦ ટકા અથવા ૬૦૦૦ કરોડ રૂપિયાના વ્યવસાયને ટેરિફથી અસર થશે. કેટલાક હજુ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. હાલમાં તેઓએ (અમેરિકામાં નિકાસ કરતા ઉત્પાદકો) ઉત્પાદન બંધ કરી દીધું છે.

‘વોટ ચોરી’ના વિરોધમાં રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશે તોડી બેરિકેડ, મહુઆ મોઇત્રા બેભાન થયા

0

આજે સંસદના ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વોટ ચોરી મામલે રાહુલ- પ્રિયંકા સહીત વિપક્ષના 300 સાંસદોએ મકર દ્વારથી ચૂંટણી પંચ કાર્યાલય જવા માટે કૂચ કરી હતી . વિપક્ષી સાંસદો હાથમાં ‘વોટ બચાવો’ના બેનરો લઈને ચાલી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે વિપક્ષની કૂચ અટકાવી હતી. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી સાંસદોની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસ તેમને સંસદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વોટ ચોરી મુદ્દે વિપક્ષ રસ્તા પર ઉતર્યું.

દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર દીપક પુરોહિતે કહ્યું, “અટકાયત કરાયેલા ઈન્ડિયા બ્લોક નેતાઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અમે હજુ પણ અટકાયત કરાયેલા સાંસદોની સંખ્યા ગણી રહ્યા છીએ. અહીં વિરોધ પ્રદર્શન માટે કોઈ મંજુરી લીધી નહોતી, પરંતુ અમને જાણ કરવામાં આવી હતી. જો તેઓ નિર્ણય લેશે, તો અમે તેમને ચૂંટણી પંચની ઓફિસ સુધી લઈ જઈશું. ચૂંટણી પંચ પાસે યોગ્ય પોલીસ વ્યવસ્થા છે.

પ્રિયંકા સહીત વિપક્ષના મહિલા નેતાઓની અટકાયત, મોદી સરકાર સામે સુત્રોચ્ચાર

વિપક્ષની આ કૂચ સંસદના મકર દ્વારથી શરૂ થઈ હતી. સાંસદોએ હાથમાં ‘વોટ બચાવો’ના બેનરો હતા. જોકે દિલ્હી પોલીસે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે કૂચ માટે કોઈ મંજુરી માંગી નથી, તેથી, કૂચ ચૂંટણી પંચની ઓફિસ સુધી પહોંચે તે પહેલાં જ પરિવહન ભવન પાસે બેરિકેડ લગાવીને તેને અટકાવવામાં આવી હતી. પ્રિયંકા સહીત વિપક્ષના ઘણા મહિલા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. મહિલા નેતાઓએ મોદી સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

અખિલેશે બેરિકેડ્સ કૂદીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. જ્યારે સાંસદોને આગળ જવા દેવામાં આવ્યા નહીં, ત્યારે તેઓ જમીન પર બેસી ગયા. પ્રિયંકા, ડિમ્પલ સહિત ઘણા સાંસદો ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા લગાવ્યા હતા. પોલીસે રાહુલ, પ્રિયંકા સહીત વિપક્ષના અનેક નેતાઓની અટકાયત કરી હતી.

‘વોટ ચોરી’નો આરોપ અને વેબ પોર્ટલ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’માં ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતા એક વેબ પોર્ટલ (votechori.in/ecdemand) શરૂ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “મત ચોરી લોકશાહીની વિરુદ્ધ છે. એક વ્યક્તિ, એક મતના સિદ્ધાંત પર હુમલો થઈ રહ્યો છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે સ્વચ્છ મતદાતા યાદી જરૂરી છે.”રાહુલે બે માંગણીઓ કરી છે – ડિજિટલ મતદાર યાદી જાહેર કરવી જોઈએ અને પારદર્શિતા લાવવી જોઈએ જેથી જનતા અને રાજકીય પક્ષો ડેટાનું ઓડિટ કરી શકે. તેમણે લોકોને પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેમને ટેકો આપવા અપીલ કરી અને કહ્યું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે.

બિહારમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું

બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, આવી સ્થિતિમાં વિપક્ષી એકતાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસ અને આરજેડીએ બિહારમાં લાગુ કરાયેલી એસઆઈઆર પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં મોટા પાયે છેડછાડ થઈ રહી છે અને તેમનું નામ પણ દૂર કરવામાં આવ્યું છે. આરજેડીએ પારદર્શિતા અને ન્યાયીપણાની માંગણી કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગે અને અન્ય નેતાઓએ તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.

કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી લોકોમાં નમાં ચૂંટણીની નિષ્પક્ષતાને લઈને શંકા છે, ત્યાં સુધી આ ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહી છે. જો આ શંકાઓ દૂર થઈ જાય છે તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પાછી પ્રાપ્ત કરી શકાય છે. આ સવાલોનો ઉકેલ લાવવામાં જ ચૂંટણી પંચનો પોતાનો હિત છે.”

સાંસદ મિતેષ પટેલે વચન પાળ્યું, ટેન્કર માલિકને પોતાના પગરમાંથી આપ્યો આટલી રકમનો ચેક

ગત તા. 9 જૂલાઇ 2025ના રોજ મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કૂલ 22 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં રહેતી શિવમ રોડલાઇન્સની ટેન્કર તેના મુળ માલિકને 28માં દિવસે પરત મળી હતી. જોકે એક મહિના સુધી ટેન્કરના પૈડા થંભી રહ્યાં પરંતુ બેન્કની હપ્તા તો ચાલું જ રહ્યાં હતા. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલે પોતાના પગરમાંથી ટેન્કર માલિકને એક હપ્તાની રકમ ચુંકવવાનું વચન પુરુ પળ્યું હતું.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અમદાવાદથી દહેજ પરત જતી શિવમ રોડલાઇન્સની ટેન્કર બ્રિજ પર લટકી ગઇ હતી. ટેન્કર ખાલી હોવાના કારણે અને ડ્રાઇવરે હેન્ડ બ્રેક ખેંચી લીધી હતી. જેથી 27 દિવસ સુધી આ ટેન્કર લટકી રહીં અને શિવમ રોડલાઇન્સના માલિક આણંદ અને પાદરા વચ્ચે ધક્કા ખાઇ આખરે કંટાળી ગયા હતા. તેવામાં આ ટેન્કર અંગે મીડિયામાં સતત સમાચાર પ્રસિદ્ધ થતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીને ટેન્કર બહાર કાઢવાની જવાબદાર સોંપી હતી.

નોંધનીય છે કે, ટેન્કર પર આશરે 30 લાખની લોન છે અને દર મહિના 80 હજારનો હપ્તો છે. જોકે 27 દિવસ સુધી ટેન્કરના પૈડા થંભી જતા બેન્કના હપ્તા ક્યાંથી ભરવા તે શિવમ રોડલાઇન્સ માટે સૌથી મોટો ચિંતાનો વિષ્ય હતો. બીજી તરફ ટેન્કર જો સ્ક્રેપ થાય તો ઇન્સ્યુરન્સ કંપની 30 લાખ જેટલી રકમ ચુંકવતી અને નવી ટેન્કર 50 લાખની આસપાસ પડતી, ત્યારે શિવમ રોડલાઇન્સે ઉપરની રકમ ઉમેરવાનો વારો આવતો.

પરંતુ પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સાલ્વેજીંગના એક્સપર્ટો દ્વારા ટેન્કરને સલામત રીતે બલુન ટેકનોલોજીથી બહાર કાઢી લીધી હતી. તેવામાં આણંદના સાંસદ મિતેષ પટેલે શિવમ રોડલાઇન્સને એક મહિનાનો હપતો પોતાના પગરમાંથી આપવાનું વચન આપ્યું હતુ. આજરોજ તેઓ દિલ્હીથી પરત આવતા તેમણે શિવમ રોડલાઇન્સના માલિક રમાશંકર પાલને બોલાવી રૂ. 80,000નો ચેક આપી પોતે આપેલું વચન પુરૂ પાળ્યું હતું.

પરિણીત પુત્રીએ ભાગીને બીજાં લગ્ન કર્યાં, દુખી પિતાએ તેનું શ્રાદ્ધ કરી દીધું

0

રાજસ્થાનના એક ગામમાં ભૈરુલાલ જોશી નામના પિતાએ ગઈ કાલે પોતાની જીવતી પુત્રીનું શ્રાદ્ધકર્મ કરીને મૃત્યુભોજનનું આયોજન કરી દીધું હતું. એટલું જ નહીં, તેમણે તમામ સગાંસંબંધીઓને પણ આ મૃત્યુભોજનમાં આમંત્રિત કર્યાં હતાં.

બન્યું એવું કે થોડા મહિના પહેલાં જ ભૈરુલાલે તેમની પુત્રી પૂજાનાં લગ્ન લાખો રૂપિયા ખર્ચીને કરાવ્યાં હતાં. પૂજાનો પતિ સંજય તિવારી પણ તેમના જ ગામનો હતો. જોકે પૂજા ૨૯ જુલાઈએ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી પછી પાછી જ ન આવી. પિતાએ ૩૦ જુલાઈએ પૂજા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂજાને શોધી કાઢી ત્યારે જાણવા મળ્યું કે તેણે તેના પતિના સંબંધી સૂરજ તિવારી સાથે પોતાની મરજીથી લગ્ન કરી લીધાં હતાં. વાત ત્યાં અટકી નહીં. ૪ ઑગસ્ટે પૂજા પોલીસ સામે હાજર થઈને જણાવી ગઈ કે તેણે સૂરજ સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યાં છે અને હવે તે તેની સાથે જ રહેવા માગે છે. પૂજાએ પોતાના પરિવારથી પોતાની સલામતીનો ડર પણ વ્યક્ત કર્યો હતો.

આ આખી ઘટનાથી દુખી પિતાએ દીકરીના નામનું નહાઈ લેવાનું નક્કી કર્યું. સમગ્ર પરિવારે પૂજાને મૃત માનવાનો નિર્ણય કર્યો. એ પછી તો તેમણે પૂજાના નામની શોકપત્રિકા પ્રકાશિત કરી, ૧૨ દિવસનો શોક પાળ્યો અને ૧૦ ઑગસ્ટે મૃત્યુભોજનનું આયોજન કર્યું હતું.

ગાઝા હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારોનાં મોત

ઇઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારો માર્યા ગયા હોવાની પુષ્ટિ ખુદ અલ જઝીરાએ કરી છે. ગાઝા શહેરના અલ-શિફા હોસ્પિટલની નજીક ઇઝરાયેલી હુમલામાં આ પાંચ પત્રકારો માર્યા ગયા હતા.

મૃત પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મહમ્મદ કારીકેહ તેમ જ કેમેરામેન ઇબ્રાહિમ જહીર, મોઆમેન અલીવા અને મહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ જણાવ્યું કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે લગાવેલા એક તંબુમાં રહેતા હતા. ઇઝરાયેલી સેનાએ એ જ તંબુને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને પાંચ પત્રકારોને મારી નાખ્યા હતા.

પત્રકાર હોવાનું નાટક કરત હતાઃ

ઇઝરાયેલઆ હુમલા બાદ તરત જ ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની વાત સ્વીકારી હતી. એ સાથે જ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે અલ-શરીફ પત્રકાર હોવાનું નાટક કરતો હતો અને તે હમાસ સાથે હતો. ઇઝરાયેલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી જાહેર કરતાં કહ્યું હતું કે તે હમાસની એક આતંકવાદી સેલનો વડો હતો.

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જઝીરાનો પત્રકાર કહેતો હતો, હમાસના એક આતંકવાદી જૂથનો વડો હતો અને તેણે ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.