Home Blog Page 364

દિલ્હીમાં ભારે વરસાદ પછી દિવાલ ધરાશાયી, 7 લોકોના મોત, મૃતકોમાં બે બાળકો સામેલ

0

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદના કારણે જેતપુર વિસ્તારમાં એક બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં કુલ સાત લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ-પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી અને દિવાલની નીચે આઠ લોકો ફસાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાટમાળ નીચે ફસાયેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 7 લોકોના મોત નિપજ્યા હતા. ગત મહિને દિલ્હીના મુસ્તફાબાદમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી અને આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા.

અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી – DCP

દક્ષિણ પૂર્વના DCP એ જણાવ્યું કે 10-15 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીમાં દિવાલ પડી ગઈ હતી. તેમણે કહ્યું કે અહીં મોટાભાગના ભંગારના વેપારીઓ રહેતા હતા. દિવાલ પડવાથી આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. શરૂઆતની તપાસના આધારે તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે દિવાલ પડી હતી. દિવાલનો પાયો નબળો હતો. DCP એ જણાવ્યું કે અકસ્માત બાદ ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી છે.

ભારે વરસાદને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામ

શનિવારે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના સંબંધીઓના ઘરે જઈ રહ્યા હતા, પરંતુ વરસાદ અને જામને કારણે તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.

Indian Railways: ટ્રેન ટિકિટ પર હવે મળશે 20 ટકા સુધીની છૂટ, જાણો કેવી રીતે લાભ મેળવવો

0

ભારતીય રેલવેએ પોતાના યાત્રીઓ માટે એક મોટી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મુસાફરોને હવે ટ્રેન ટિકિટના બુકિંગ પર 20 ટકાસુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. 8 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કરીને રેલવેએ આ અંગેની માહિતી આપી છે. આ નવી યોજનાને ‘રાઉન્ડ ટ્રિપ પેકેજ’ નામ આપવામાં આવ્યું છે.

ક્યારથી લાગુ થશે ડિસ્કાઉન્ટ

રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ યાત્રી એકસાથે આવવા-જવાની ટિકિટ બુક કરાવે છે તો તેને વાપસીની ટિકિટ પર 20 ટકાની છૂટ મળશે. તહેવારોના સમયમાં ટ્રેનોમાં થતી ભારે ભીડ અને ટિકિટની અછતને રોકવા માટે રેલવે દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ નવી ડિસ્કાઉન્ટ યોજનાની શરૂઆત 13 ઓક્ટોબરથી થશે અને યાત્રીઓ 1 ડિસેમ્બર સુધી આ સુવિધાનો લાભ લઈ શકશે.

યોજનાનો લાભ લેવા માટેની શરતો અને નિયમો

  • યાત્રીનું નામ બંને ટિકિટ પર સમાન હોવું ફરજિયાત છે.
  • બંને ટિકિટ એક જ ક્લાસની હોવી જોઈએ.આ સુવિધા ફક્ત કન્ફર્મ ટિકિટો પર જ ઉપલબ્ધ થશે.
  • આ ટિકિટોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
  • આ પેકેજ હેઠળ બુક કરાયેલી ટિકિટો પર રિફંડની કોઈ સુવિધા આપવામાં આવશે નહીં.
  • આવા ટિકિટો પર અન્ય કોઈ ઓફર માન્ય રહેશે નહીં.આ સુવિધા દેશભરની તમામ ટ્રેનો અને તમામ ક્લાસમાં ઉપલબ્ધ રહેશે.
  • બંને ટિકિટ એક જ સમયે અને એક જ માધ્યમથી બુક કરાવવાની રહેશે.
  • યાત્રીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આ છૂટનો લાભ લઈ શકે છે.

ઓપરેશન સિંદૂરમાં પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યાનો એર ચીફ માર્શલનો ખુલાસો

0

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી અંગે વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે મોટું નિવેદન આપ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી ભારતીય સેનાએ છ પાકિસ્તાની વિમાનો તોડી પાડ્યા હતા. આ વિમાનોમાં પાંચ ફાઇટર જેટ અને એક જાસૂસી (રિકોનિસન્સ) વિમાન AWACSનો સમાવેશ થાય છે. વાયુસેનાના વડાએ કહ્યું કે અમે આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પાકિસ્તાની સેનાની કમર તોડી નાંખે તેવો આ હુમલો થયો હતો.

પાકિસ્તાની સેનાની કમર તોડી નાંખે તેવો આ હુમલો થયો હતો.

વાયુસેનાના વડા એપી સિંહે કહ્યું કે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં AEW&C/ELINT વિમાનને 300 કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું.

વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂર મુદ્દે કહ્યું કે, આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ અદ્ભુત કામ કર્યું છે. અમે તાજેતરમાં ખરીદેલી S-400 સિસ્ટમ ગેમ-ચેન્જર રહી છે. આ સિસ્ટમની રેન્જે ખરેખર પાકિસ્તાની વિમાનોને તેમના શસ્ત્રોથી દૂર રાખ્યા છે, જેમ કે પાકિસ્તાની સેના પાસે રહેલા લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનો તેઓ ઉપયોગ કરી શક્યા જ નથી. કારણ કે તેઓ સિસ્ટમમાં પ્રવેશ કરી શક્યા નથી.

જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે ભારતીય વાયુસેના તરફથી આ પહેલું સત્તાવાર નિવેદન છે.

ભારતે 2024-25માં ₹1,50,590 કરોડનું રક્ષા ઉત્પાદન કરીને નવો રેકોર્ડ બનાવ્યો

0

રક્ષા પ્રધાન રાજનાથસિંહે શનિવારે જણાવ્યું કે ભારતનું વાર્ષિક રક્ષા ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2024-25માં ભારતે ₹1,50,590 કરોડનું રક્ષા ઉત્પાદન કર્યું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે.

રક્ષા પ્રધાનએ કહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં ₹1.27 લાખ કરોડનું રક્ષા ઉત્પાદન થયું હતું અને તેમાં 18 ટકાની વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં આ ઉત્પાદન ₹79,071 કરોડ હતું અને હવે આ આંકડામાં લગભગ 90 ટકાનો વધારો થયો છે.

ભારતના મજબૂત થતા રક્ષા ઉદ્યોગનું પ્રતિક – રાજનાથસિંહ

રક્ષા પ્રધાનએ રક્ષા ઉત્પાદન વિભાગ અને તમામ હિતધારકો જેમ કે ડીપીએસયુ, સરકારી ક્ષેત્રના ઉત્પાદકો અને ખાનગી ઉદ્યોગના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના પ્રયાસોથી આ ઐતિહાસિક સિદ્ધિ મળી છે. તેમણે આ સતત વધતા વલણને ભારતના મજબૂત થતા રક્ષા ઔદ્યોગિક આધારનો સ્પષ્ટ સંકેત ગણાવ્યો. રક્ષા સરકારી ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય પીએસયુનું કુલ ઉત્પાદનમાં આશરે 77% યોગદાન રહ્યું, જ્યારે ખાનગી ક્ષેત્રનું યોગદાન 23% રહ્યું. ખાનગી ક્ષેત્રનો હિસ્સો, જે નાણાકીય વર્ષ 2023-24માં 21% હતો, તે 2024-25માં વધીને 23% થયો છે, જે દેશના રક્ષા પરિસ્થિતિ તંત્રમાં આ ક્ષેત્રની વધતી ભૂમિકા દર્શાવે છે.

28% ની વૃદ્ધિ નોંધાઈ

સરકારી અને ખાનગી બંને ક્ષેત્રે વર્ષ-દર-વર્ષ સતત વૃદ્ધિ દર્શાવી છે. તેનો શ્રેય દૂરગામી નીતિ સુધારાઓને, બિઝનેસની સરળતા વધારવા અને છેલ્લા દાયકામાં સ્થાનિકીકરણ પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરવાને જાય છે. નાણાકીય વર્ષ 2024-25માં ડીપીએસયુના ઉત્પાદનમાં 16% અને ખાનગી ક્ષેત્રના ઉત્પાદનમાં 28%ની વૃદ્ધિ નોંધાઈ છે.

આયાત પર નિર્ભરતા ઘટાડવા પર ભાર

આ રેકોર્ડ સિદ્ધિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ સરકારના પ્રયત્નોની વધતી ગતિને ઉજાગર કરે છે. આયાત પર નિર્ભરતા ઘટાડવા અને એવું રક્ષા ઔદ્યોગિક માળખું ઊભું કરવાના પ્રયત્નો, જે માત્ર ભારતની જરૂરિયાતોને પૂરું કરે નહિ, પણ નિકાસ ક્ષમતા પણ વધારે, તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. નોંધનીય છે કે રક્ષા નિકાસ નાણાકીય વર્ષ 2024-25માં રેકોર્ડ ₹23,622 કરોડ સુધી પહોંચી ગયો છે. આ નાણાકીય વર્ષ 2023-24ના ₹21,083 કરોડની તુલનામાં ₹2,539 કરોડ અથવા 12.04%ની વૃદ્ધિ છે.

રક્ષાબંધનની આ કહાની તમને રડાવી દેશે, મૃત બહેનનો હાથ ભાઈને રાખડી બાંધવા આવ્યો

રક્ષાબંધન પર ગુજરાતના વલસાડ શહેરમાં કંઈક એવું બન્યું, જે વાંચીને તમારી આંખો ભીની થઈ જશે. એકની એક બહેનનું નિધન થયું, પરંતું તેના હાથ ભાઈને રાખડી બાંધવા આવ્યા. આ કહાની જેટલી ભાવુક છે, તેટલી જ હૃદયસ્પર્શી છે.

ગુજરાતના વલસાડમાં એક સુંદર તીથલ બીચ રોડ છે. જ્યાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી કરાયું હતું. વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી નાની બાળકીના હાથનુ દાન હતું. રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં સગા ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ એવી હતી કે હાજર તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા. વલસાડની આર.જે.જે સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરતો રિયાનો ભાઈ શિવમ પોતાની વ્હાલસોયી નાની બહેનના હાથને વારંવાર સ્પર્શીરહ્યો હતો. અનમતા અહેમદના કપાયેલાં ખભા સુધીનાં હાથની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા રિયાનાં હાથના સ્પર્શ માત્રથી ભાઈ શિવમના દિલમાં નાનકડી બહેન રિયા જાણે જીવતી થઈ ગઈ.

સ્વ. રિયાના માતાપિતા બોબી અને ત્રીષ્ણાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે, આજે એવું લાગી રહ્યું છે કે, રિયા ફરી અમારા વચ્ચે આવી છે. તેની રાખડી, તેનો સ્પર્શ બધું જ જાણે પાછું આવી ગયું હોય તેવો અનુભવ થઇ રહયો છે. તેઓએ અનમતાના જમણા હાથને પોતાના હાથમાં લઈને કઈ કેટલી વાર વ્હાલ કર્યુ હતું.

અનમતા અહેમદે જણાવ્યું હતું કે રિયાના પરિવારનો આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ઓક્ટોબર 2022માં ઇલેક્ટ્રિક શોકના કારણે મારો જમણો હાથ ખભાના લેવલથી ગુમાવવો પડ્યો હતો અને મારૂ જીવન અંધકારમય થઈ ગયું હતું.

ભારતના સૌથી કુખ્યાત હથિયાર સપ્લાયર સલીમ પિસ્તોલની નેપાળમાં ધરપકડ, ISI અને D કંપની સાથે કનેક્શન

0

ભારતના સૌથી કુખ્યાત હથિયાર સપ્લાયર શેખ સલીમ ઉર્ફે સલીમ પિસ્તોલની નેપાળમાં એક મોટા ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને સુરક્ષા એજન્સીઓની ટીમે ગુપ્તચર ઇનપુટના આધારે આ કાર્યવાહી કરી હતી. આ એ જ સલીમ પિસ્તોલ છે જેણે ભારતમાં પહેલીવાર ગેંગસ્ટરોને જીગાના પિસ્તોલ સપ્લાય કરી હતી.

ISI અને D કંપની સાથે સંબંધ

પોલીસના જણાવ્યા અનુસાર સલીમ પિસ્તોલ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનથી ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા હથિયારો આયાત કરી રહ્યો છે અને લોરેન્સ બિશ્નોઈ, હાશિમ બાબા અને અન્ય ઘણા ગુંડાઓને તે સપ્લાય કરી રહ્યો છે. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની D કંપની સાથે પણ જોડાયેલો છે. એજન્સીઓને તેના પાકિસ્તાન સાથે સીધા સંપર્કના મજબૂત પુરાવા મળ્યા છે. સલીમ પિસ્તોલનું નામ સિદ્ધ મૂસેવાલા હત્યા કેસ અને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત ઘણા મોટા ગુનાઓમાં સામે આવ્યું છે. તે મૂસેવાલા હત્યા કેસના એક આરોપીનો ગુરુ પણ હોવાનું કહેવાય છે.

ગુનાહિત ઈતિહાસ

દિલ્હીના સીલમપુરના રહેવાસી શેખ સલીમનો જન્મ 1972માં થયો હતો. આર્થિક તંગીને કારણે તેણે ધોરણ 8 પછી અભ્યાસ છોડી દીધો અને ખાનગી કાર ચલાવવાનું શરૂ કર્યું. ખરાબ સંગતમાં ફસાઈને તેણે વાહનો ચોરી કરીને ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. 2000માં તે પહેલી વાર વાહન ચોરીના કેસમાં પકડાયો હતો. આ પછી, તેને સશસ્ત્ર લૂંટ અને કરોડોની લૂંટના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. 2018 માં દિલ્હીમાં ધરપકડ થયા પછી, સલીમ વિદેશ ભાગી ગયો અને ત્યાંથી શસ્ત્ર સપ્લાય નેટવર્કનું સંચાલન કરવાનું શરૂ કર્યું. પોલીસને ઇનપુટ મળ્યું કે તે નેપાળમાં છુપાયેલો છે, ત્યારબાદ એજન્સીઓએ તેને શોધી કાઢ્યો અને પકડી લીધો.

નેટવર્ક અને સપ્લાય ચેઇનનો પણ પર્દાફાશ થયો?

સલીમ પિસ્તોલનું નેટવર્ક ભારતના ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. તે પાકિસ્તાનથી શસ્ત્રો આયાત કરતો હતો અને નેપાળ અને અન્ય સરહદી વિસ્તારો દ્વારા ભારતમાં સપ્લાય કરતો હતો. તેની સપ્લાય યાદીમાં પિસ્તોલ, કાર્બાઇન્સ અને અન્ય અત્યાધુનિક શસ્ત્રોનો સમાવેશ થતો હતો. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે જેથી તેના નેટવર્ક અને પાકિસ્તાન કનેક્શન વિશે સંપૂર્ણ માહિતી બહાર આવી શકે.

જમ્મુ કાશ્મીરના ફુલગામમાં સતત નવમો દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ, 3 આતંકવાદી ઠાર, 2 જવાન શહીદ

0

કાશ્મીરના કુલગામ જિલ્લામાં 9 દિવસ પહેલા શરૂ કરાયેલું ઓપરેશન કુલગામ આજે નવમો દિવસે પણ ચાલુ છે. દસ વર્ષમાં આ સૌથી લાંબુ એન્કાઉન્ટર છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. અખલ જંગલમાં સુરક્ષા દળોએ વધુ એક આતંકવાદીને ઠાર માર્યો. 1 ઓગસ્ટથી ચાલી રહેલા ઓપરેશનનો આજે નવમો દિવસ છે. અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

શુક્રવાર રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતો. આમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા. બે સૈનિકો લાન્સ નાયક પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહ શહીદ થયા હતા.

આતંકવાદીઓને ખતમ કરવા માટે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્રણ જિલ્લાઓની પોલીસના પેરા, આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત CRPF કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે મોરચો સંભાળી રહ્યા છે. જ્યારે સમગ્ર વિસ્તાર પર હેલિકોપ્ટર, ક્વોડ કોપ્ટર અને હેક્સાકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેથી જો આતંકવાદીઓ કોઈ પ્રવૃત્તિ કરે તો તેમની ઓળખ થઈ શકે.

આતંકવાદીઓ પોતાનું સ્થાન બદલી રહ્યા છે

જંગલો અને ટેકરીઓના આ વિસ્તારમાં, દેવદારના ઝાડ પાછળ છુપાયેલા આતંકવાદીઓ પોતાના સ્થાન બદલી રહ્યા છે. જેના કારણે સુરક્ષા દળોને આ આતંકવાદીઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. આતંકવાદીઓને બીજો ફાયદો એ થઈ રહ્યો છે કે આતંકવાદીઓ ટેકરીના ઊંચા ભાગમાં છુપાયેલા છે, જ્યાંથી તેઓ સુરક્ષા દળોની ગતિવિધિઓ પર સરળતાથી નજર રાખી રહ્યા છે.

થોડા દિવસો પહેલા સેનાને બીજી સફળતા મળી હતી. સેનાએ ઓપરેશન મહાદેવ દ્વારા પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પોતે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે સંસદમાં કહ્યું હતું કે 22 એપ્રિલે IB ને માનવ ગુપ્ત માહિતી દ્વારા આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારથી અમારી સેના તે આતંકવાદીઓને ખતમ કરવાની યોજના બનાવી રહી હતી.

ભારતે અમેરિકાના નવા રક્ષણના સોદા પર લગાવી રોક

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50 ટકાનો ટેરિફ લાગુ કર્યા બાદ ભારતમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે નવાં અમેરિકી હથિયાર અને વિમાનો ખરીદવાની પોતાની યોજના પર હાલ માટે રોક લગાવી દીધી છે, એમ આ બાબતે જાણકારી ધરાવતા ત્રણ ભારતીય અધિકારીઓએ માહિતી આપી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવેલા ટેરિફ બાદ, જેની અસર ભારતના નિકાસ પર પડી છે અને જે દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે, તે ભારત તરફથી અસંતોષનો પહેલો સંકેત છે. ટ્રમ્પે છઠ્ઠી ઓગસ્ટે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને ભારતીય વસ્તુઓ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે ભારત રશિયાના યુક્રેન પરના હુમલાને નાણાં પૂરાં પાડી રહ્યો છે. પરિણામે, ભારતીય નિકાસ પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે – જે કોઈ પણ અમેરિકન વેપાર સાથી માટે સૌથી વધુ છે.

ખરીદી રોકવા માટે કોઈ લેખિત આદેશ નથી!

અમેરિકી રાષ્ટ્રપતિએ ટેરિફ બાબતમાં વારંવાર પોતાનું વલણ બદલવાનું ઈતિહાસ ધરાવે છે. ભારતે જણાવ્યું છે કે તે વોશિંગ્ટન સાથે ચર્ચામાં સક્રિયપણે સામેલ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ટેરિફ અને દ્વિપક્ષી સંબંધોની દિશા સ્પષ્ટ થયા પછી જ બચાવ માટેની ખરીદી આગળ વધશે, પણ અપેક્ષા મુજબ ઝડપથી નહીં. બીજા અધિકારીએ કહ્યું હતું કે ખરીદી અટકાવા માટે હજી સુધી કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે દિલ્હી પાસે તરત પોતાનું વલણ બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. જોકે હજી સુધી કોઈ પ્રગતિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સ દ્વારા બનાવવામાં આવેલા સ્ટ્રાયકર ફાઇટિંગ વાહનો અને રેથેયોન તથા લોકહીડ માર્ટિન દ્વારા વિકસાવવામાં આવેલી જાવેલિન એન્ટિ-ટેન્ક મિસાઇલોની ખરીદી અંગે ભારતે જે ચર્ચા શરૂ કરી હતી, તે ટેરિફના કારણે સ્થગિત કરી દેવામાં આવી છે.

સુરત: લીંબાયતમાં વેપારીની હત્યા મામલે રોષ, હત્યારાઓના એન્કાઉન્ટરની માંગ સાથે રજૂઆત

સુરતના લીંબાયત વિસ્તારમાં થયેલી કાપડ વેપારી આલોક કુમારની ક્રૂર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને અગ્રવાલ સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો. આ મામલે ન્યાયની માંગ સાથે અગ્રવાલ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આલોક કુમારની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

તેમ છતાં આ ઘટનાના મુખ્ય આરોપીઓ અસ્ફાક અને અબરાર પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ પકડથી દૂર છે. પોલીસની આ ધીમી કામગીરીથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા અગ્રવાલ સમાજના લોકોએ માંગણી કરી હતી કે પોલીસ આરોપીઓને ઝડપી પાડીને તેમનું એન્કાઉન્ટર કરે. આ પ્રકારની માંગણી એ દર્શાવે છે કે લોકો કાયદાની પ્રક્રિયા પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને આવા ગંભીર ગુનાઓ માટે કડક અને તાત્કાલિક સજાની અપેક્ષા રાખી રહ્યા છે.

આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા હતા. પાંચ દિવસ વીતી ગયા બાદ પણ મુખ્ય આરોપીઓ પકડાયા નથી. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શા માટે તેઓ હજુ સુધી પકડાયા નથી તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરત એરપોર્ટથી ડુમસ રોડ સુધી બાઇક રેલી યોજાઈ

રાષ્ટ્રીયતાના પર્વ, સ્વચ્છતાના સંકલ્પ સાથે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવવા સમગ્ર ભારત સહિત સુરતમાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ કેન્દ્રીય ઓધોગિક સુરક્ષા બળ CISF યુનિટ સુરત એરપોર્ટ દ્વારા સવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુરત એરપોર્ટથી ડુમસ બીચ થી ફરી એરપોર્ટ સુધી બાઇક રેલી યોજાઈ હતી.

સુરત એરપોર્ટના CISF કર્મચારીઓ ઉપરાંત, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સુરત એરપોર્ટ, સુરત મનપા (SMC) અને અન્ય એરપોર્ટ સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓએ હાથમાં તિરંગા સાથે રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. રેલીમાં કુલ ૧૫૦ કર્મચારીઓએ ‘ભારત માતા કી જય, વંદે માતરમ’ના નારા સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. સ્થાનિક નાગરિકોમાં ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન, સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રધ્વજ (ત્રિરંગા)ના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.