Home Blog Page 36

પાવાગઢ દુર્ઘટના બાદ યાત્રિકોની સુરક્ષા માટે સ્થાનિકોનો મહાશ્રમયજ્ઞ

0

પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં તાજેતરમાં મહાકાય શીલાઓ ધસી પડવાના કારણે બે પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ આજે સ્થાનિક લોકો અને વેપારીઓએ સાથે મળીને યાત્રિકોની સુરક્ષા માટે એક સરાહનીય લોકજાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિકો અને દુકાનદારોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને ડુંગર પર આવેલા તમામ ભયજનક સ્થાનોને ઓળખી કાઢ્યા હતા અને તેને દૂર કરવાનું વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન અંતર્ગત માંચીથી લઈને તારાપૂર દરવાજા સુધીના માર્ગમાં નડતરરૂપ અને જોખમી એવા તમામ દબાણો વેપારીઓએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. આ સાથે જ રસ્તામાં આવતા ભારેખમ અને ગમે ત્યારે પડી શકે તેવા જોખમી પથ્થરોને પણ તોડીને દૂર કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય અને અહીં આવતા લાખો ભક્તોની સલામતી જળવાઈ રહે.

‘ઈરાન પર 1000 મિસાઈલ છોડવા તૈયાર’, ટ્રમ્પે ઈરાનને આપી વિનાશની ધમકી

0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ઈરાન તેમની સામે કોઈ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા તાત્કાલિક જ ઈરાન પર 1000 મિસાઈલોના પ્રહાર કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ હુમલા બાદ હજારો વધુ મિસાઈલ છોડવા માટે પણ અમેરિકી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.

ટ્રમ્પે કહ્યું કે જરૂરી તમામ આદેશો પહેલેથી જ આપવામાં આવી ચૂક્યા છે અને અમેરિકાની સેનામાં એટલી ક્ષમતા છે કે જરૂર પડે તો લાંબા સમય સુધી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકે. તેમના આ નિવેદન બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું તણાવ વધુ વધી ગયું છે.

હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાનું અલ્ટીમેટમ
આ દરમિયાન અમેરિકાએ ઈરાનને હોર્મુઝ જળમાર્ગ (Hormuz Strait) અંગે પણ કડક ચેતવણી આપી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને તાત્કાલિક વાણિજ્યિક જહાજો માટે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો જાહેર કરવો જોઈએ અને જહાજો પર થતા હુમલા સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.

જહાજો પર કોઈ ચાર્જ નહીં વસૂલવાની માંગ
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વોશિંગ્ટન ઈચ્છે છે કે ઈરાન સત્તાવાર રીતે જાહેર કરે કે હોર્મુઝ જળમાર્ગ તમામ દેશોના વેપારી જહાજો માટે સુરક્ષિત અને ખુલ્લો છે. સાથે જ જહાજો પર કોઈ હુમલો નહીં થાય અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ અથવા ટેક્સ પણ વસૂલવામાં નહીં આવે.

અમેરિકાની સ્પષ્ટ ચેતવણી
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન આ શરતોનું પાલન નહીં કરે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલી રહી છે અને બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહીના કારણે વૈશ્વિક સ્તરે પણ ચિંતા વધી રહી છે.

મહેસાણામાં ACBનો ટ્રેપ! ₹80 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનની ટીમે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો છે. કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે 30 કિલોમીટર દૂર આવેલા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં થયેલી એક અરજીની પતાવટ પેટે લાંચ માગી હતી. ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ અમીનહુસેન શેખ પાસેથી લાંચની રકમ કબજે લીધા બાદ અન્ય ACB Team એ તપાસ આરંભી છે અને કોન્સ્ટેબલના તાર કોની સાથે જોડાયેલા છે અને કોના કહેવાથી લાંચ માગી હતી તેની તપાસ શરૂ થઈ ગઈ છે.

મહેસાણા જિલ્લામાં આવેલા લાંઘણજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક મિલકત વેચાણના મામલે અરજી થઈ હતી. ગૌચરની જગ્યામાં બનેલું મકાન અન્ય ધર્મના લોકોએ ખરીદતા ત્રાહિત શખસે લાંઘણજ પોલીસને એક અરજી આપી હતી. આ અરજીની તપાસમાં પતાવટ કરી આપવાનું કામ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમીનહુસેન મંજૂરહુસેન શેખે લીધું હતું.

કોન્સ્ટેબલ અમીન શેખે કેસ પતાવી આપવા પેટે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગ કરી હતી, પરંતુ રકઝકના અંતે 80 હજાર રૂપિયા નક્કી થયા હતા. આ મામલે એસીબી ગાંધીનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળતા તેમની ટીમે છટકાનું આયોજન કર્યું હતું. કોન્સ્ટેબલ અમીન શેખ ઈરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના રોડ પર લાંચ લેવા આવ્યો હતો. અમીન શેખે 80 હજારની લાંચ સ્વીકારતા તેને ACBની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.

ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી! 2 લોકોના મોત, 4 નવા કેસથી આરોગ્ય તંત્ર એલર્ટ

0

આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં ચાર વર્ષ પછી કોવિડ-૧૯ ના નવા કેસ નોંધાયા છે. બે લોકોનું પણ મોત થયું છે. આ કેસ બાદ, આરોગ્ય વિભાગે તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે. ચાર નવા ચેપમાંથી, ત્રણ ઘરે આઇસોલેટ થઈ રહ્યા છે, જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે. બધા દર્દીઓએ રસી લીધી હતી, છતાં તેમનું મૃત્યુ થયું.

આંધ્રપ્રદેશમાં છેલ્લું કોવિડ-૧૯ મૃત્યુ ચાર વર્ષ પહેલા થયું હતું. ગુરુવારે, કડપા જિલ્લામાં કોવિડ-૧૯ થી બે લોકોનું મૃત્યુ થયું હતું, અને ચાર વધુ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, સ્થાનિક આરોગ્ય વિભાગે વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. પોઝિટિવ આવેલા ચાર લોકોમાંથી ત્રણ લોકો ઘરે આઇસોલેશનમાં છે. ચોથા વ્યક્તિમાં હળવા લક્ષણો છે અને તેને કડપાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સારવાર સમર્પિત કોવિડ-૧૯ વોર્ડમાં કરવામાં આવી રહી છે. કડપાની વાયરોલોજી લેબમાં RT-PCR પરીક્ષણો દ્વારા ચારેય દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેસ કડપાના વિવિધ વિસ્તારોના છે. ચારેયને દઝ રસીના બે ડોઝ મળ્યા હતા, અને એકને બૂસ્ટર ડોઝ પણ મળ્યો હતો.

બે મૃત્યુમાંથી પહેલું ૨૮ જૂને CMC વેલ્લોરમાં થયું હતું. સારવાર દરમિયાન ૬૦ વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું. તેને શરૂઆતમાં તિરુપતિના SVIMS માં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં CMC વેલ્લોરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. RT-PCR પરીક્ષણમાં પાછળથી તેના COVID-19 ચેપની પુષ્ટિ થઈ. બીજા કિસ્સામાં, ૪૩ વર્ષીય દર્દીનું પણ ચેપથી મૃત્યુ થયું હતું. વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ બાદ તે સારવાર હેઠળ હતો. અહીંના એક દર્દી બાબુએ જણાવ્યું હતું કે છાતીના CT સ્કેનથી પાછળથી COVID-19 ચેપની પુષ્ટિ થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ચેપ નિવારણના પગલાં, જેમ કે સેનિટાઇઝેશન અને મૃતકના પ્રાથમિક અને ગૌણ સંપર્કોને ટ્રેસ કરવા, લેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CMC વેલ્લોરમાં મૃત્યુ પામેલા દર્દીને ડાયાબિટીસ, કિડનીની બીમારી અને અન્ય ગંભીર બીમારીઓ હતી. અન્ય મૃતકોના આરોગ્ય રેકોર્ડ ગુમ હતા. ચાર દર્દીઓના લક્ષણોના આધારે, ડોકટરોને શંકા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ચેપનું કારણ બની શકે છે. મૃતક દર્દીઓના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ (વેરિઅન્ટ ઓળખ) માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં છેલ્લું COVID-19 મૃત્યુ ૨૦૨૨ માં થયું હતું.

રાજપાલ યાદવને મોટો ઝટકો! દિલ્હી હાઈકોર્ટનો જેલ મોકલવાનો આદેશ

0

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ચેક બાઉન્સ કેસમાં કોર્ટે તેમની ત્રણ મહિનાની જેલની સજા યથાવત રાખી છે. શુક્રવારે ચુકાદો આપતાં કોર્ટે અભિનેતા પર દંડ પણ ફટકાર્યો અને તેમનું વર્તન ‘શંકાસ્પદ’ હોવાનું જણાવતાં તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કેસ દરમિયાન રાજપાલ યાદવનું વર્તન સંતોષજનક રહ્યું નથી. આથી અગાઉ આપવામાં આવેલી સજાને યથાવત રાખવામાં આવી છે અને તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

2010માં ફિલ્મ બનાવવા માટે લીધું હતું 5 કરોડનું લોન
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની પ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડનું લોન લીધું હતું. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, જેના કારણે તેઓ સમયસર લોનની ચુકવણી કરી શક્યા નહોતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

2018માં છ મહિનાની જેલની સજા થઈ હતી
એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા યાદવને દોષિત ઠેરવી છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ 2019માં સેશન કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યાર પછી અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કોર્ટે કહ્યું- વારંવાર વચન તોડ્યા
જૂન 2024માં દિલ્હી હાઈકોર્ટે તેમની સજા પર તાત્કાલિક રોક લગાવી હતી અને બાકી રહેલા આશરે રૂ. 9 કરોડની રકમ ચૂકવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાની તક આપી હતી. જોકે કોર્ટના જણાવ્યા મુજબ, રાજપાલ યાદવ વારંવાર પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ કારણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હવે હાઈકોર્ટે તેમની સજા યથાવત રાખતાં ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે લોહિયાળ જંગ, એન્કાઉન્ટરમાં ૪ કુખ્યાત શૂટરો ઠાર

0

હરિયાણાનું ગુરુગ્રામ શહેર આજે ગોળીબારના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી આટલી ભીષણ અથડામણમાં પોલીસે કુખ્યાત ગેંગના ચાર શૂટરોને ઠાર મારવામાં સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન એક શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અથડામણમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, ગુરુગ્રામ પોલીસને શહેરના એક વિસ્તારમાં કુખ્યાત શૂટરો છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની હાજરીની ગંધ આવતા જ ગુનેગારોએ પોલીસ ટુકડી પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસ દ્વારા પણ આત્મરક્ષામાં વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

બંને તરફથી લાંબા સમય સુધી ચાલેલી આ ગોળીબારની ઘટનામાં ચાર શૂટરોના મોત નિપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં શૂટરોનું એકસાથે એન્કાઉન્ટર થવાની આ ગુરુગ્રામના ગુનાહિત ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. અથડામણ દરમિયાન ત્રણ પોલીસ જવાનોને પણ ગોળીઓ વાગી હતી, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એન્કાઉન્ટર બાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ તેજ કરી છે જેથી અન્ય કોઈ શૂટરો છુપાયેલા હોય તો તેમને પકડી શકાય. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ આ શૂટરો કઈ ગેંગ સાથે જોડાયેલા હતા અને કયા મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતા, તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

અચાનક ટ્રેનની છત પર ચઢતા જ હાઈટેન્શન તારની ઝપટમાં આવ્યો યુવક

0

મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના ઈટારસી રેલવે જંક્શન પર ગુરુવારે એક મોટી દુર્ઘટના થઈ. બહાર પાર્ક કરેલી મંગલા એક્સપ્રેસની છત પર ચડતો એક યુવક ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) લાઇનથી અથડાઈ ગયો.

હાઈ-વોલ્ટેજ કરંટ લાગતાની સાથે જ એક જોરદાર વિસ્ફોટ થયો અને તે યુવક ટ્રેનની છત પરથી પડી ગયો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘાયલ વ્યક્તિની ઓળખ 28 વર્ષીય ધન બહાદુર તરીકે થઈ છે. તે મૂળ નેપાળનો છે અને તેના પરિવાર સાથે મજૂરી કરવા માટે ગોવા જઈ રહ્યો હતો. તેની પત્ની નેહા અને બે નાના બાળકો પણ તેની સાથે મુસાફરી કરી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન ઈટારસી સ્ટેશનની આગળ સી-કેબિન પાસે બાહ્ય સિગ્નલ પર ઉભી હતી. ધન બહાદુર અચાનક ટ્રેનની છત પર ચઢી ગયો. ત્યાં હાજર લોકોએ તેને નીચે ઉતરવા માટે બૂમો પાડી, પરંતુ કોઈ તેને રોકે તે પહેલાં, તે OHE લાઇન પાસે પોતાનો હાથ પકડી ગયો. હાઈ-વોલ્ટેજ કરંટ લાગતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો અને તે નીચે પડી ગયો.

અકસ્માત પછી તરત જ, રેલવે પોલીસ, સ્થાનિક રહેવાસીઓ અને રેલવે કર્મચારીઓ ઘાયલ યુવાનને ઇટારસીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, ડોક્ટરોએ નક્કી કર્યું કે યુવક 70 ટકાથી વધુ બળી ગયો છે. તેની ગંભીર સ્થિતિને જોતાં, તેને નર્મદાપુરમ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

ઘાયલ પુરુષની પત્ની નેહાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં મુસાફરી શરૂ થઈ ત્યારથી તેના પતિનું વર્તન અસામાન્ય બની ગયું હતું. તે સમગ્ર મુસાફરી દરમિયાન વાહિયાત અને અસંગત વાતો કરતો હતો. પરિવાર પહેલા શિમલાથી દિલ્હી ગયો હતો અને પછી ગોવા ગયો હતો. ઇટારસી નજીક, તે અચાનક ટ્રેનની છત પર ચઢી ગયો, જેના કારણે આ દુ:ખદ અકસ્માત થયો. રેલવે પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કહેર મચાવ્યા બાદ સતત બીજા દિવસે વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના માત્ર બે તાલુકામાં જ વરસાદ વરસ્યો છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈ મહિનાા અંતિમ સપ્તાહથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

17 જુલાઈ સુધી માહોલ યથાવત રહેવાની
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 15 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં 17 જુલાઈ સુધી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

ક્યારથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?
અંબાલાલની આગાહી પ્રમાણે, રાજ્યમાં 27 થી 30 જુલાઈ દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ સક્રિય થવાની સંભાવના છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ સારો વરસાદ પડશે. જેના કારણે નદી, તળાવોમાં નવા નીર આવશે. તાપીના જળસ્તરમાં પણ વધારો થશે.

પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ હવે ગુજરાત ઉપરથી ઉત્તર-પૂર્વની દિશામાં આગળ વધી ગઈ છે. જેના પગલે આજથી વરસાદ વિરામ લેશે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો કે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાથી માંડીને માંડ એક ઈંચ સુધીનો જ વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. આથી આવા કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે.

જો કે હજુ 15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આમ છતાં ભેજના કારણે કોઈ-કોઈ ભાગમાં હળવા વરસાદી ઝાપટા જરૂર પડી શકે છે. 15 જુલાઈ પછી 5 દિવસ સુધી વરસાદનો હળવો રાઉન્ડ જોવા મળી શકે છે. જે બાદ 25 થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વધુ એકવાર સાર્વત્રિક અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં જે જિલ્લાઓ બાકી રહી ગયા છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 13 જુલાઈ સુધી મધ્યમથી હળવા વરસાદનું અનુમાન છે. નોંધનીય છે કે, જૂનના અંતિમ દિવસોથી રાજયમાં મોનસૂન એક્ટિવ થયા બાદ જુલાઈમાં રાજ્યના અનેક જિલ્લાને ચોમાસાએ આવરી લીધું છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયા મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. 13 જુલાઇ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 13 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે.

ગુજરાતના આ જિલ્લામાં નથી પડ્યો એક ટકા પણ વરસાદ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 25 ટકા વરસાદ વરસી ગયો હોવા છતાં એક જિલ્લો કોરોધાકોર છે. આ તાલુકામાં એક ટકા પણ વરસાદ નથી પડ્યો.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ટકા પણ વરસાદ નથી પડ્યો. આ જિલ્લામાં સિઝનનો માત્ર 0.92 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 1.92 ટકા, બનાસકાંઠામાં 7.75 ટકા, જામનગરમાં 9 ટકા, મોરબીમાં 9.57 ટકા વરસાદ વરસ્યો છે.

ફિલ્મ પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી પર EDની કાર્યવાહી, વિદેશી સંપત્તિની તપાસ શરૂ

0

મુંબઈના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ધર્મેશ સંગાણી અને તેમની કંપની કલાની ઇમ્પેક્સ લિમિટેડ સામે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બિનજાહેર વિદેશી સંપત્તિ, વિદેશી બેંક ખાતાઓ, કેનેડાની એક કંપનીમાં મોટી ભાગીદારી તેમજ નિકાસની રકમ સંબંધિત કથિત ગેરરીતિઓ સામે આવી હોવાનું EDએ જણાવ્યું છે. દરોડા દરમિયાન ધર્મેશ સંગાણીએ મોબાઇલ ફોન ફેંકીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે, જેને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

EDએ ક્યાં-ક્યાં કરી કાર્યવાહી?
કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ગુરુવારે FEMA હેઠળ કલાની ઇમ્પેક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર ધર્મેશ સંગાણીના વિવિધ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તપાસ અધિકારીઓએ અનેક મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા હતા.

મોબાઇલ ફોન ફેંકીને પુરાવા નષ્ટ કરવાનો આરોપ
EDના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન ધર્મેશ સંગાણીએ કથિત રીતે ઇમારતના 13મા માળેથી પોતાનો મોબાઇલ ફોન ફેંકીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તપાસ અધિકારીઓએ મોબાઇલ ફોન શોધી કાઢ્યો હતો. પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ EDએ મુંબઈ પોલીસમાં તેમની સામે ફરિયાદ પણ નોંધાવી છે.

આરોપી તરફથી હજુ સુધી કોઈ નિવેદન નહીં
આ સમગ્ર મામલે ધર્મેશ સંગાણી અથવા તેમની કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેઓ જે ફિલ્મ અકાદમી સાથે જોડાયેલા છે ત્યાંથી પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે કેટલાક વિદેશી ખરીદદારો પાસેથી નિકાસની બાકી રકમ હજુ સુધી પ્રાપ્ત થઈ નહોતી. ઉપરાંત આ સમયમર્યાદા વધારવા માટે અધિકૃત ડીલર બેંક પાસેથી જરૂરી મંજૂરી પણ લેવામાં આવી નહોતી, જે FEMAના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.

કેનેડા, અમેરિકા અને UAE સાથેના કનેક્શનની તપાસ
તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજોમાંથી ધર્મેશ સંગાણી અને તેમની કંપની સાથે જોડાયેલી બિનજાહેર વિદેશી સંપત્તિ અને વિદેશી બેંક ખાતાઓ અંગે માહિતી મળી છે. ED હાલ આ તમામ દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી રહી છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, ધર્મેશ સંગાણીની કેનેડાની એક બિનજાહેર કંપનીમાં નોંધપાત્ર ભાગીદારી હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત કેનેડા, અમેરિકા અને UAEમાં તેમના નામે બિનજાહેર વિદેશી બેંક ખાતાઓ હોવાની માહિતી પણ મળી છે, જેની તપાસ ચાલુ છે.

આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ થઈ સક્રિય
EDના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકા અને બ્રિટન (UK)ના કસ્ટમ અધિકારીઓ પણ ધર્મેશ સંગાણી સાથે જોડાયેલા કેટલાક નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહ્યા હતા. હવે ED આ આંતરરાષ્ટ્રીય માહિતીના આધારે સમગ્ર મામલાની તમામ કડીઓને જોડીને વધુ તપાસ આગળ વધારી રહી છે.

મોદી સ્ટેડિયમ નજીક AMCનું મેગા ડિમોલિશન, રોડ વિસ્તરણ માટે બુલડોઝર ફર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ નજીક એક વિશાળ ડિમોલિશન ડ્રાઇવ (તોડફોડ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. ભારતમાં ભવિષ્યમાં યોજાનારી પ્રસ્તાવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક સંબંધિત ભવ્ય સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ વાઈડનિંગ (રોડ પહોળો કરવા) માટે આ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એએમસીના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મોટેરાના મુખ્ય માર્ગ પર આવેલા ૫૦ થી વધુ વ્યાપારી બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ મચી ગઈ હતી.

મળતી વિગતો મુજબ, મોટેરામાં આવેલા સાબરમતી જનપથ ત્રણ રસ્તા જંક્શનથી લઈને ડી-માર્ટ સુધીના વ્યસ્ત માર્ગ પર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંજૂર થયેલા રોડ એલાઈનમેન્ટ (રોડ લાઈન) ની અંદર આવતી તમામ વ્યાપારી મિલકતોને આ ઝુંબેશમાં ટાર્ગેટ કરવામાં આવી હતી. આ ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરતા પહેલા તંત્ર દ્વારા કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે ૫૦ થી વધુ કોમન કમર્શિયલ પ્રોપર્ટીના માલિકોને અગાઉથી જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં જ કોર્પોરેશનની ટીમે જેસીબી, ભારે મશીનરી અને મજબૂત સ્ટાફ સાથે સ્થળ પર પહોંચીને તોડફોડ શરૂ કરી દીધી હતી.

આ મોટા પાયા પરના ઓપરેશનને સુવ્યવસ્થિત રીતે પૂરું કરવા માટે મોટેરા ડી-માર્ટથી લઈને સાબરમતી જનપથ સુધીનો આખો રોડ વાહનચાલકો માટે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ વિસ્તારના ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તોડફોડ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. એએમસીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ તબક્કે માત્ર મંજૂર રોડ લાઈનમાં નડતરરૂપ બનતી કોમર્શિયલ (વ્યાપારી) સંરચનાઓ અને દુકાનોના ભાગોને જ હટાવવામાં આવી રહ્યા છે, હાલના તબક્કે રહેણાંક મિલકતોને કોઈ પણ પ્રકારની અસર કરવામાં આવી નથી.

અમદાવાદ શહેરના મુખ્ય શહેરી કોરિડોર અને રસ્તાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની ઈવેન્ટ્સ માટે તૈયાર કરવાના વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનના ભાગરૂપે આ રોડ વાઈડનિંગની કવાયત હાથ ધરવામાં આવી છે. મોટેરા વિસ્તારમાં કનેક્ટિવિટી સુધારવા અને ભવિષ્યની ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સના ટ્રાફિક ભારણને પહોંચી વળવા માટે આ રસ્તાઓ અત્યંત મહત્વના સાબિત થશે. નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પણ મંજૂર કરાયેલા રોડ એલાઈનમેન્ટ અને પ્રોજેક્ટના અમલીકરણના સમયપત્રક મુજબ વિવિધ વિસ્તારોમાં આવા જ ડિમોલિશન ઓપરેશન્સ તબક્કાવાર રીતે આગળ ધપાવવામાં આવશે.