Home Blog Page 36

સરકારે 39 જરૂરી દવાઓના નવા ભાવ જાહેર, વધુ વસૂલાત કરશો તો થશે કડક કાર્યવાહી

0

કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) એ ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર (DPCO), 2013 હેઠળ 39 નવી દવા ફોર્મ્યુલેશનના રિટેલ ભાવ નક્કી કર્યા છે. આ નિર્ણયનો હેતુ દર્દીઓને જરૂરી દવાઓ વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ અંગેની સત્તાવાર સૂચના 8 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી.

દર્દીઓને મળશે સીધો લાભ
નવી કિંમતોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, HIV, હૃદયરોગ અને આંખના ચેપ જેવી ગંભીર બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે નવી કિંમતોથી દર્દીઓ પરનો આર્થિક બોજ ઓછો થશે. જોકે, આ ભાવ ઘટાડાનો આદેશ નથી પરંતુ નવી દવા ફોર્મ્યુલેશન માટે રિટેલ ભાવ નક્કી કરવાનો આદેશ છે.

આ દવાઓના ભાવ નક્કી કરાયા
NPPA દ્વારા કેટલીક મહત્વપૂર્ણ દવાઓના રિટેલ ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • એમ્લોડિપાઇન + બિસોપ્રોલોલ + ટેલ્મિસાર્ટન ટેબ્લેટ – પ્રતિ ટેબ્લેટ ₹14.74
  • નેપાફેનાક + મોક્સીફ્લોક્સાસિન ઓપ્થેલમિક સોલ્યુશન (આઈ ડ્રોપ) – પ્રતિ મિલીલીટર ₹68.64
  • ક્લોપિડોગ્રેલ + એસ્પિરિન + એટોરવાસ્ટેટિન કેપ્સ્યુલ – પ્રતિ કેપ્સ્યુલ ₹6.37

દુકાનોમાં ભાવ યાદી દર્શાવવી ફરજિયાત

NPPAએ તમામ ઉત્પાદકો, ડીલરો અને રિટેલરોને સૂચના આપી છે કે તેઓ ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી ભાવ યાદી અને પૂરક ભાવ યાદી (જો હોય તો) પોતાની દુકાનના મુખ્ય સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરે. જેથી ગ્રાહકો સરળતાથી દવાઓની મંજૂર કિંમત જાણી શકે.

નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
સત્તાવાર સૂચના મુજબ જો કોઈ ઉત્પાદક અથવા માર્કેટિંગ કંપની જાહેર કરાયેલા રિટેલ ભાવ કરતાં વધુ કિંમત વસૂલશે, તો તેની સામે DPCO, 2013 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવી કંપનીએ ગ્રાહકો પાસેથી વધુ વસૂલેલી રકમ વ્યાજ સહિત સરકાર પાસે જમા કરાવવી પડશે.

ગ્રાહકો માટે શું મહત્વનું?
નવી વ્યવસ્થાથી જરૂરી દવાઓના ભાવમાં પારદર્શિતા વધશે અને દર્દીઓને યોગ્ય કિંમતે દવાઓ મળશે. સાથે જ વધુ કિંમત વસૂલતા ઉત્પાદકો અને વેચાણકારો સામે કડક કાર્યવાહી થવાને કારણે ગ્રાહકોના હિતનું વધુ સારું રક્ષણ થશે.

ભારતીય નૌસેનાનું સ્વદેશી INS મહેન્દ્રગિરિ કેમ છે ખાસ ?

0

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શનિવારે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌસેનાના પૂર્વી કમાન્ડમાં પ્રોજેક્ટ 17A હેઠળ બનાવાયેલા છઠ્ઠા સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરીને સત્તાવાર રીતે સામેલ કર્યું. વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં નૌસેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રક્ષા પ્રધાને તેને દેશ અને ભારતીય નૌસેના માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર થયેલું આ આધુનિક યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારતના સપના અને દેશના રક્ષા ઉદ્યોગોની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

INS મહેન્દ્રગિરીની ખાસિયતો

  • આ યુદ્ધજહાજનું ડિઝાઇન ભારતીય નૌસેનાના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
  • તેનું નિર્માણ મુંબઈની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા કરવામાં આવ્યું છે.
  • જહાજમાં અદ્યતન સ્ટેલ્થ ટેક્નોલોજી, રડારથી બચવાની ક્ષમતા અને ઉચ્ચ સ્તરનું ઓટોમેશન આપવામાં આવ્યું છે.
  • હવાઈ, સમુદ્રી તેમજ પાણીની અંદરના હુમલાઓનો સામનો કરવા માટે તેમાં આધુનિક સ્વદેશી હથિયારો, સેન્સર અને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે.
  • સમુદ્રી સુરક્ષા, શોધ અને બચાવ (Search & Rescue), માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે પણ આ જહાજ સંપૂર્ણ રીતે સક્ષમ છે.
  • હિંદ મહાસાગર સહિત દૂરના દરિયાઈ વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાત રહેવાની ક્ષમતા ધરાવે છે.
  • પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળાના નામ પરથી નામકરણ

આ યુદ્ધજહાજનું નામ પૂર્વી ઘાટની મહેન્દ્રગિરી પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ નામ ધરાવતું આ પ્રથમ યુદ્ધજહાજ છે. INS મહેન્દ્રગિરીના નિર્માણમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. MSMEs સહિત અનેક ભારતીય કંપનીઓએ તેના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના કારણે દેશના રક્ષા ઉત્પાદન ક્ષેત્રને મજબૂતી મળી છે અને રોજગારીનું પણ સર્જન થયું છે.

આ યુદ્ધજહાજનું સૂત્ર છે – “શક્તિશાળી, ભવ્ય અને અતુલનીય” (Mighty – Majestic – Matchless).

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષા પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે સાંજે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા, જ્યાં નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને તેમનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું કે INS મહેન્દ્રગિરી ભારતના સમુદ્રી હિતોની સુરક્ષા અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના દેશના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યુદ્ધજહાજના સામેલ થવાથી ભારતીય નૌસેનાની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે અને ભારત વિશ્વના અગ્રણી યુદ્ધજહાજ નિર્માતા દેશોમાં વધુ મજબૂત સ્થાન બનાવશે.

15 વર્ષથી ચાલતી ઉધરસ… અને કારણ નીકળ્યું એસિડ રિફ્લક્સ (GERD)!

0

ઘણા લોકો માને છે કે લાંબા સમયથી ચાલતી ઉધરસ એટલે એલર્જી અથવા અસ્થમા. પરંતુ દરેક વખતે એવું હોવું જરૂરી નથી.

તાજેતરમાં એક દર્દી છેલ્લા 15 વર્ષથી સતત ઉધરસથી પરેશાન હતા. તેમણે એલર્જી અને અસ્થમાની અનેક દવાઓ લાંબા સમય સુધી લીધી, છતાં પૂરતો લાભ મળ્યો નહોતો.

વિસ્તૃત તપાસ અને સંપૂર્ણ મૂલ્યાંકન બાદ ડૉ. તરેશ પટેલ દ્વારા જાણવા મળ્યું કે તેમની ઉધરસનું મુખ્ય કારણ ગેસ્ટ્રો-ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ (GERD / એસિડ રિફ્લક્સ) હતું.

યોગ્ય એન્ટી-રિફ્લક્સ દવાઓ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો શરૂ કર્યા બાદ માત્ર 4–5 મહિનામાં દર્દીને સંપૂર્ણ રાહત મળી અને વર્ષો જૂની ઉધરસ દૂર થઈ ગઈ.

લાંબા સમયથી ઉધરસ હોય તો તેના ઘણા કારણો હોઈ શકે:

  • ✅ એલર્જી
  • ✅ અસ્થમા
  • ✅ નાકમાંથી ગળામાં પડતો સ્રાવ (Post Nasal Drip)
  • ✅ એસિડ રિફ્લક્સ (GERD)
  • ✅ ધુમ્રપાન
  • ✅ કેટલીક દવાઓ (જેમ કે ACE inhibitors)
  • ✅ ફેફસાંના અન્ય રોગો

મહત્વપૂર્ણ સંદેશ:
જો તમને 8 અઠવાડિયાથી વધુ સમયથી ઉધરસ હોય અને સારવાર છતાં સુધારો ન થતો હોય, તો માત્ર દવા બદલવાને બદલે તેનું સાચું કારણ શોધવું વધુ જરૂરી છે.

યોગ્ય નિદાન જ યોગ્ય સારવારનો આધાર છે.

સૂચના: આ એક વાસ્તવિક ક્લિનિકલ અનુભવ પર આધારિત જાગૃતિ પોસ્ટ છે. દરેક દર્દીમાં ઉધરસનું કારણ અલગ હોઈ શકે છે, તેથી સ્વયં દવા લેવાને બદલે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

મેઘરાજાના કહેર વચ્ચે માનવતાનો હાથ; માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટની અનોખી સેવા

0

સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી આફતના આ કપરા કાળમાં સુરત તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળોએ રેસ્ક્યુ કરીને ખસેડાયેલા લોકો માટે હવે માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ મદદે આવ્યું છે.

તંત્રના સહયોગ સાથે ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ સેન્ટરોમાં રહેતા લોકો માટે મોટા પાયે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ માલાભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧ લાખ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્ય અંતર્ગત કુલ ૪ લાખ ફૂડ પેકેટ્સ તૈયાર કરવાનું આયોજન છે, જેમાં પાણીની બોટલ, ફરસાણ, બિસ્કિટ અને ખીચડીના પેકેટ્સનો સમાવેશ થાય છે.

ટ્રસ્ટ દ્વારા આ ફૂડ પેકેટ્સ સુરતના તમામ ઝોનના હોમ સેન્ટર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી અસરગ્રસ્તોને સમયસર ભોજન મળી રહે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ વર્ષ ૨૦૦૯થી ગુજરાતમાં આવી કપરી પરિસ્થિતિઓમાં સતત માનવસેવાનું કાર્ય કરી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડમાં માઓરી પરંપરાથી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. શનિવારે (સ્થાનિક સમય અનુસાર) ઑકલેન્ડના ગવર્નમેન્ટ હાઉસ ખાતે તેમનું ન્યૂઝીલેન્ડની સમૃદ્ધ સ્વદેશી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક માનાતા પરંપરાગત માઓરી ‘પોવિરી’ સમારોહ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વિદેશ મંત્રાલયે શું જણાવ્યું?
ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઑકલેન્ડ સ્થિત ગવર્નમેન્ટ હાઉસમાં ઔપચારિક રીતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ન્યૂઝીલેન્ડની સમૃદ્ધ સ્વદેશી પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને દર્શાવતા પરંપરાગત માઓરી ‘પોવિરી’ સમારોહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.”

શનિવારના કાર્યક્રમમાં શું છે?
ઔપચારિક સ્વાગત સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા યોજાઈ. ત્યારબાદ વડાપ્રધાન મોદી વેપાર જગત અને રમતગમત ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મજબૂત લોકો-થી-લોકો સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તેઓ ભારતીય મૂળના લોકોના વિશાળ સમારોહને પણ સંબોધિત કરશે.

પીએમ મોદીએ X પર શું લખ્યું?
શુક્રવારે ઑકલેન્ડ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ પોતાની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે X પર પોસ્ટ કરીને એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત બદલ વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ન્યૂઝીલેન્ડ મુલાકાત છે.

તેમણે લખ્યું, “થોડીવાર પહેલાં ઑકલેન્ડ પહોંચ્યો છું. એરપોર્ટ પર ઉષ્માભર્યા સ્વાગત બદલ વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનનો આભાર. છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ન્યૂઝીલેન્ડ મુલાકાત હોવાથી આ પ્રવાસ ઐતિહાસિક છે.”

શુક્રવારે વડાપ્રધાન મોદી ઑકલેન્ડ પહોંચ્યા ત્યારે વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ એકબીજાને ગળે મળી અભિવાદન કર્યું. આ પ્રવાસ વડાપ્રધાન લક્સનના આમંત્રણ પર યોજાયો છે.

પાવાગઢ દુર્ઘટના બાદ યાત્રિકોની સુરક્ષા માટે સ્થાનિકોનો મહાશ્રમયજ્ઞ

0

પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં તાજેતરમાં મહાકાય શીલાઓ ધસી પડવાના કારણે બે પ્રવાસીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ આજે સ્થાનિક લોકો અને વેપારીઓએ સાથે મળીને યાત્રિકોની સુરક્ષા માટે એક સરાહનીય લોકજાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિકો અને દુકાનદારોએ સ્વયંભૂ શ્રમયજ્ઞ આદરીને ડુંગર પર આવેલા તમામ ભયજનક સ્થાનોને ઓળખી કાઢ્યા હતા અને તેને દૂર કરવાનું વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન અંતર્ગત માંચીથી લઈને તારાપૂર દરવાજા સુધીના માર્ગમાં નડતરરૂપ અને જોખમી એવા તમામ દબાણો વેપારીઓએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. આ સાથે જ રસ્તામાં આવતા ભારેખમ અને ગમે ત્યારે પડી શકે તેવા જોખમી પથ્થરોને પણ તોડીને દૂર કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં આવી કોઈ હોનારત ન સર્જાય અને અહીં આવતા લાખો ભક્તોની સલામતી જળવાઈ રહે.

‘ઈરાન પર 1000 મિસાઈલ છોડવા તૈયાર’, ટ્રમ્પે ઈરાનને આપી વિનાશની ધમકી

0

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે જો ઈરાન તેમની સામે કોઈ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા તાત્કાલિક જ ઈરાન પર 1000 મિસાઈલોના પ્રહાર કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ હુમલા બાદ હજારો વધુ મિસાઈલ છોડવા માટે પણ અમેરિકી સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.

ટ્રમ્પે કહ્યું કે જરૂરી તમામ આદેશો પહેલેથી જ આપવામાં આવી ચૂક્યા છે અને અમેરિકાની સેનામાં એટલી ક્ષમતા છે કે જરૂર પડે તો લાંબા સમય સુધી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકે. તેમના આ નિવેદન બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું તણાવ વધુ વધી ગયું છે.

હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાનું અલ્ટીમેટમ
આ દરમિયાન અમેરિકાએ ઈરાનને હોર્મુઝ જળમાર્ગ (Hormuz Strait) અંગે પણ કડક ચેતવણી આપી છે. અમેરિકાનું કહેવું છે કે ઈરાને તાત્કાલિક વાણિજ્યિક જહાજો માટે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો જાહેર કરવો જોઈએ અને જહાજો પર થતા હુમલા સંપૂર્ણપણે બંધ કરવા જોઈએ.

જહાજો પર કોઈ ચાર્જ નહીં વસૂલવાની માંગ
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વોશિંગ્ટન ઈચ્છે છે કે ઈરાન સત્તાવાર રીતે જાહેર કરે કે હોર્મુઝ જળમાર્ગ તમામ દેશોના વેપારી જહાજો માટે સુરક્ષિત અને ખુલ્લો છે. સાથે જ જહાજો પર કોઈ હુમલો નહીં થાય અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ અથવા ટેક્સ પણ વસૂલવામાં નહીં આવે.

અમેરિકાની સ્પષ્ટ ચેતવણી
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન આ શરતોનું પાલન નહીં કરે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલી રહી છે અને બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહીના કારણે વૈશ્વિક સ્તરે પણ ચિંતા વધી રહી છે.

મહેસાણામાં ACBનો ટ્રેપ! ₹80 હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનની ટીમે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને 80 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો છે. કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે 30 કિલોમીટર દૂર આવેલા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં થયેલી એક અરજીની પતાવટ પેટે લાંચ માગી હતી. ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ અમીનહુસેન શેખ પાસેથી લાંચની રકમ કબજે લીધા બાદ અન્ય ACB Team એ તપાસ આરંભી છે અને કોન્સ્ટેબલના તાર કોની સાથે જોડાયેલા છે અને કોના કહેવાથી લાંચ માગી હતી તેની તપાસ શરૂ થઈ ગઈ છે.

મહેસાણા જિલ્લામાં આવેલા લાંઘણજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક મિલકત વેચાણના મામલે અરજી થઈ હતી. ગૌચરની જગ્યામાં બનેલું મકાન અન્ય ધર્મના લોકોએ ખરીદતા ત્રાહિત શખસે લાંઘણજ પોલીસને એક અરજી આપી હતી. આ અરજીની તપાસમાં પતાવટ કરી આપવાનું કામ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમીનહુસેન મંજૂરહુસેન શેખે લીધું હતું.

કોન્સ્ટેબલ અમીન શેખે કેસ પતાવી આપવા પેટે શરૂઆતમાં 2 લાખ રૂપિયાની માગ કરી હતી, પરંતુ રકઝકના અંતે 80 હજાર રૂપિયા નક્કી થયા હતા. આ મામલે એસીબી ગાંધીનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળતા તેમની ટીમે છટકાનું આયોજન કર્યું હતું. કોન્સ્ટેબલ અમીન શેખ ઈરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના રોડ પર લાંચ લેવા આવ્યો હતો. અમીન શેખે 80 હજારની લાંચ સ્વીકારતા તેને ACBની ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.

ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી! 2 લોકોના મોત, 4 નવા કેસથી આરોગ્ય તંત્ર એલર્ટ

0

આંધ્રપ્રદેશના કડપા જિલ્લામાં ચાર વર્ષ પછી કોવિડ-૧૯ ના નવા કેસ નોંધાયા છે. બે લોકોનું પણ મોત થયું છે. આ કેસ બાદ, આરોગ્ય વિભાગે તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે. ચાર નવા ચેપમાંથી, ત્રણ ઘરે આઇસોલેટ થઈ રહ્યા છે, જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે. બધા દર્દીઓએ રસી લીધી હતી, છતાં તેમનું મૃત્યુ થયું.

આંધ્રપ્રદેશમાં છેલ્લું કોવિડ-૧૯ મૃત્યુ ચાર વર્ષ પહેલા થયું હતું. ગુરુવારે, કડપા જિલ્લામાં કોવિડ-૧૯ થી બે લોકોનું મૃત્યુ થયું હતું, અને ચાર વધુ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, સ્થાનિક આરોગ્ય વિભાગે વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. પોઝિટિવ આવેલા ચાર લોકોમાંથી ત્રણ લોકો ઘરે આઇસોલેશનમાં છે. ચોથા વ્યક્તિમાં હળવા લક્ષણો છે અને તેને કડપાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સારવાર સમર્પિત કોવિડ-૧૯ વોર્ડમાં કરવામાં આવી રહી છે. કડપાની વાયરોલોજી લેબમાં RT-PCR પરીક્ષણો દ્વારા ચારેય દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેસ કડપાના વિવિધ વિસ્તારોના છે. ચારેયને દઝ રસીના બે ડોઝ મળ્યા હતા, અને એકને બૂસ્ટર ડોઝ પણ મળ્યો હતો.

બે મૃત્યુમાંથી પહેલું ૨૮ જૂને CMC વેલ્લોરમાં થયું હતું. સારવાર દરમિયાન ૬૦ વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું. તેને શરૂઆતમાં તિરુપતિના SVIMS માં દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં CMC વેલ્લોરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. RT-PCR પરીક્ષણમાં પાછળથી તેના COVID-19 ચેપની પુષ્ટિ થઈ. બીજા કિસ્સામાં, ૪૩ વર્ષીય દર્દીનું પણ ચેપથી મૃત્યુ થયું હતું. વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ બાદ તે સારવાર હેઠળ હતો. અહીંના એક દર્દી બાબુએ જણાવ્યું હતું કે છાતીના CT સ્કેનથી પાછળથી COVID-19 ચેપની પુષ્ટિ થઈ હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ચેપ નિવારણના પગલાં, જેમ કે સેનિટાઇઝેશન અને મૃતકના પ્રાથમિક અને ગૌણ સંપર્કોને ટ્રેસ કરવા, લેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CMC વેલ્લોરમાં મૃત્યુ પામેલા દર્દીને ડાયાબિટીસ, કિડનીની બીમારી અને અન્ય ગંભીર બીમારીઓ હતી. અન્ય મૃતકોના આરોગ્ય રેકોર્ડ ગુમ હતા. ચાર દર્દીઓના લક્ષણોના આધારે, ડોકટરોને શંકા છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ચેપનું કારણ બની શકે છે. મૃતક દર્દીઓના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ (વેરિઅન્ટ ઓળખ) માટે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં છેલ્લું COVID-19 મૃત્યુ ૨૦૨૨ માં થયું હતું.

રાજપાલ યાદવને મોટો ઝટકો! દિલ્હી હાઈકોર્ટનો જેલ મોકલવાનો આદેશ

0

બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ચેક બાઉન્સ કેસમાં કોર્ટે તેમની ત્રણ મહિનાની જેલની સજા યથાવત રાખી છે. શુક્રવારે ચુકાદો આપતાં કોર્ટે અભિનેતા પર દંડ પણ ફટકાર્યો અને તેમનું વર્તન ‘શંકાસ્પદ’ હોવાનું જણાવતાં તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કેસ દરમિયાન રાજપાલ યાદવનું વર્તન સંતોષજનક રહ્યું નથી. આથી અગાઉ આપવામાં આવેલી સજાને યથાવત રાખવામાં આવી છે અને તેમને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

2010માં ફિલ્મ બનાવવા માટે લીધું હતું 5 કરોડનું લોન
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની પ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડનું લોન લીધું હતું. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, જેના કારણે તેઓ સમયસર લોનની ચુકવણી કરી શક્યા નહોતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

2018માં છ મહિનાની જેલની સજા થઈ હતી
એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા યાદવને દોષિત ઠેરવી છ મહિનાની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ 2019માં સેશન કોર્ટે પણ આ ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યાર પછી અભિનેતાએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કોર્ટે કહ્યું- વારંવાર વચન તોડ્યા
જૂન 2024માં દિલ્હી હાઈકોર્ટે તેમની સજા પર તાત્કાલિક રોક લગાવી હતી અને બાકી રહેલા આશરે રૂ. 9 કરોડની રકમ ચૂકવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાની તક આપી હતી. જોકે કોર્ટના જણાવ્યા મુજબ, રાજપાલ યાદવ વારંવાર પોતાના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ કારણે આ વર્ષે 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. હવે હાઈકોર્ટે તેમની સજા યથાવત રાખતાં ફરી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.