Home Blog Page 27

દિલ્હી CJP પ્રદર્શનનો CCTV આવ્યો સામે, પોલીસ પર પથ્થર અને બોટલોથી હુમલાનો આરોપ

0

રાજધાની દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હંગામા બાદ એક CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થર અને કાચની બોટલો ફેંકતા જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસે આ ફૂટેજની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ CCTV ફૂટેજ 20 જુલાઈના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે. ફૂટેજમાં કેટલાક ઉપદ્રવી તત્વો રસ્તા પર પથ્થરમારો કરતા અને આસપાસની દુકાનો તથા પેટ્રોલ પંપને નિશાન બનાવતા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો કાચની બોટલો તોડી તેનો ઉપયોગ હુમલા માટે કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

CJPના જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શનકારીઓના એક જૂથે સુરક્ષા દળો તરફ પથ્થર અને બોટલો ફેંકી હતી, જેના કારણે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ અને RAFએ ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.

દિલ્હી પોલીસે હવે CCTV અને અન્ય વીડિયો ફૂટેજના આધારે હંગામામાં સામેલ લોકોની ઓળખ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે પુરાવાના આધારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

CJPનું આ પ્રદર્શન પરીક્ષા પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધનો ભાગ છે, જે દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક વખત અથડામણની સ્થિતિ સર્જાઈ છે.

NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા CJP પ્રોટેસ્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી પેપર લીકની ઘટનાઓ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પેપર લીક જેવા ગંભીર ગુનાઓની ઝડપથી સુનાવણી અને દોષિતોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય અને તેમનું હિત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટ કોઈ નવી ન્યાયિક વ્યવસ્થા નથી, પરંતુ હાલની અદાલતોમાંથી પસંદ કરાયેલી એવી વિશેષ કોર્ટ છે, જેને ચોક્કસ પ્રકારના કેસોની પ્રાથમિકતા સાથે સુનાવણી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. આવી કોર્ટોમાં નિમણૂક કરાયેલા ન્યાયાધીશો માત્ર નિર્ધારિત કેસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે સુનાવણીમાં અનાવશ્યક વિલંબ ઓછો થાય છે અને ચુકાદા ઝડપથી આવી શકે છે.

સામાન્ય અદાલતોમાં વિવિધ પ્રકારના નાગરિક અને ફોજદારી કેસોની મોટી સંખ્યામાં સુનાવણી થતી હોવાથી કેસો વર્ષો સુધી લંબાઈ શકે છે. જ્યારે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં મર્યાદિત અને ચોક્કસ કેસોની જ સુનાવણી થાય છે. અહીં સતત સુનાવણી, ઓછા મુલતવીકરણ અને પ્રાથમિકતા આધારે કાર્યવાહી થતી હોવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે.

તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના આરોપોને લઈને દેશભરમાં ચિંતા વ્યક્ત થઈ હતી. સરકારનું માનવું છે કે આવા કેસોમાં ઝડપથી તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં સુનાવણી અને કડક સજા થશે તો ભવિષ્યમાં પેપર લીક જેવા ગુનાઓ પર અસરકારક અંકુશ લાગી શકશે. સાથે જ લાખો મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ પરીક્ષા પ્રણાલી પર વધુ મજબૂત બનશે.

₹52 લાખ રોકડા, ₹4 કરોડનું સોનું અને અનેક ફ્લેટ જપ્ત; તેલંગાણાનો કરોડપતિ એન્જિનિયર ઝડપાયો

0

તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (REDCO)ના ડિવિઝનલ ઈજનેર મુત્યમ વેંકટ રમણા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ACBની ટીમે તેમના નિવાસસ્થાન, કચેરી તેમજ સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારો સાથે જોડાયેલા કુલ આઠ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન અધિકારીઓને રમણાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં ઘણી વધુ સંપત્તિના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. આ આધારે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન સેરિલિંગમપલ્લી અને કુકટપલ્લી વિસ્તારમાં ચાર રહેણાંક ફ્લેટ મળી આવ્યા, જેમની નોંધણી મુજબની કિંમત અંદાજે ₹1.23 કરોડ છે. ઉપરાંત કુકટપલ્લીના અંજનેયા નગરમાં આવેલી G+3 કોમર્શિયલ બિલ્ડિંગની કિંમત આશરે ₹1.82 કરોડ અને સેરિલિંગમપલ્લીના ગુટ્ટાલા બેગમપેટ વિસ્તારમાં આવેલી G+5 કોમર્શિયલ બિલ્ડિંગની નોંધાયેલ કિંમત લગભગ ₹2.90 કરોડ હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીએ પોતાની પત્નીના નામે નોંધાયેલી ચાર કન્સ્ટ્રક્શન કંપનીઓ મારફતે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. અંજનેયા નગર અને મૂસાપેટ વિસ્તારમાં દસ રહેણાંક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે ₹20 કરોડનું રોકાણ હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત ACBને ₹52.02 લાખની બેંક ડિપોઝિટ, અંદાજે ₹4 કરોડના 2.09 કિલોગ્રામ સોનાના દાગીના, લગભગ ₹45 લાખ કિંમતની ત્રણ કાર, ₹30 લાખના ઘરગથ્થુ સામાન અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ અંદાજે ₹2.5 લાખની કિંમતની 20 દારૂની બોટલો મળી આવી છે.

અત્યાર સુધી મળી આવેલી સંપત્તિની સત્તાવાર કિંમત લગભગ ₹27.65 કરોડ આંકવામાં આવી છે. જોકે રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે વર્તમાન બજારભાવ મુજબ તેની કુલ કિંમત ₹100થી ₹150 કરોડ વચ્ચે હોઈ શકે છે. ACB હાલમાં તમામ સંપત્તિ, રોકાણ અને સંભવિત બેનામી હોલ્ડિંગ્સની વિગતવાર ચકાસણી કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુત્યમ વેંકટ રમણા વર્ષ 2019માં લાંચ લેવાના ટ્રેપ કેસમાં પણ ઝડપાયા હતા. તે સમયે ₹25 હજારની લાંચ સ્વીકારતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ રોકડ તેમજ સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આરોપીને વિશેષ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ હજુ ચાલુ છે.

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચથી જનજીવન ઠપ્પ, બોટથી રેસ્ક્યૂ; અમદાવાદ-સુરતમાં પણ ધોધમાર વરસાદ

0

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજે 36 ઈંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા છે. અનેક લોકો ઘરોમાં ફસાઈ જતા તંત્ર દ્વારા બોટની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉમરગામ ઉપરાંત વાપી, પારડી અને આસપાસના વિસ્તારોમાં નદીઓ અને ખાડીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને સ્થાનિક બચાવ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

રાજ્યની રાજધાની અમદાવાદમાં પણ ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક પર ગંભીર અસર જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં વાહનો ધીમે ધીમે પસાર થતા લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.

સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં આશરે 4 ઈંચ વરસાદ નોંધાતા શહેર ફરી જળબંબાકાર બન્યું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે શહેરની બે ખાડીઓ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમ પર પણ ભારે દબાણ સર્જાયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-ખાડીના કિનારેથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

સુરતીજનોને રાત્રે ૮ વાગ્યા સુધીમાં સલામત ઘરે પહોંચી જવા મ્યુનિસિપલ કમિશનરની ભાવુક અપીલ

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત પર ફરી એકવાર જળબંબાકાર અને ‘ખાડી પૂર’નું ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રિથી સવારના ૪ વાગ્યા દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પૂર અને જળભરાવની ભયાનક સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે તમામ સુરતીજનોને રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમાં પોતપોતાના ઘેર પહોંચી જવા અને સુરક્ષિત રહેવા જાહેર અપીલ કરી છે.

સુરત મનપા તંત્ર ‘હાઈ એલર્ટ’ મોડ પરહવામાન ખાતાની ડરામણી આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સંભાવનાને પગલે ફાયર બ્રિગેડ, ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને ડ્રેનેજ વિભાગને સ્ટેન્ડબાય રાખી દેવાયા છે.

નાગરિકો માટે તંત્રની મુખ્ય માર્ગદર્શિકા

  • ઝડપથી ઘેર પહોંચો: રાત્રે ૮ વાગ્યા સુધીમાં તમામ સુરતીઓ પોતપોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય.
  • અનાવશ્યક પ્રવાસ ટાળો: મધ્યરાત્રિ પછી કોઈ પણ સંજોગોમાં ઘરની બહાર નીકળવાનું સાહસ ન કરવું.
  • અફવાઓથી બચો: માત્ર મનપા અને સરકારી તંત્રની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો.
  • નીચાણવાળા વિસ્તારના લોકો જાગૃત રહે: ખાડી કિનારે રહેતા લોકોને જરૂરી સામાન સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે.

શહેર પર તોળાઈ રહેલા આ કુદરતી સંકટ સામે તંત્ર સજ્જ છે, પરંતુ જાનમાલની સુરક્ષા માટે પ્રશાસને નાગરિકોને સહયોગ આપવા અને સાવચેતી રાખવા આગ્રહભરી વિનંતી કરી છે.

કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ: વિકાસની કિંમત કોણ ચૂકવશે?

0

જંતર-મંતર પરના આંદોલનો દેશવ્યાપી ચર્ચાનો વિષય બને છે, પરંતુ મધ્યપ્રદેશમાં કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ સામે પોતાના ઘર અને જંગલો બચાવવા બેઠેલા આદિવાસીઓનો અવાજ હજુ મર્યાદિત વર્તુળોમાં જ સંભળાઈ રહ્યો છે. આંદોલનકારીઓનું કહેવું છે કે પ્રોજેક્ટથી અનેક ગામો, જંગલો અને લોકોના જીવન પર અસર પડશે. બીજી તરફ સરકાર આ પ્રોજેક્ટને પાણી, સિંચાઈ અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવે છે. આ મુદ્દાએ ફરી એકવાર વિકાસ અને સ્થાનિક લોકોના અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે ચર્ચા તેજ કરી છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે 15 દિવસ સુધી ચાલેલા આંદોલનને 19 જુલાઈએ પોલીસ કાર્યવાહી બાદ સમાપ્ત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોનો મુખ્ય વિરોધ પ્રોજેક્ટ સામે નહીં પરંતુ યોગ્ય વળતર, જમીનના અધિકાર અને સન્માનજનક પુનર્વસનને લઈને છે. અસરગ્રસ્ત આદિવાસી પરિવારોનો આરોપ છે કે બાંધકામ આગળ વધારવામાં આવી રહ્યું છે, પરંતુ તમામ પરિવારોને યોગ્ય રીતે પુનર્વસનની સુવિધા મળી નથી. વિરોધ દરમિયાન મહિલાઓએ ‘ચિતા આંદોલન’ અને ‘ફાંસી સત્યાગ્રહ’ જેવા પ્રતીકાત્મક પ્રદર્શન કરીને પોતાની માંગો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ દેશની પ્રથમ મોટી નદી જોડાણ યોજનાઓમાં સામેલ છે. સરકાર મુજબ આ યોજના દ્વારા બુન્દેલખંડ વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા, પીવાનું પાણી પહોંચાડવા અને વીજ ઉત્પાદનનો ઉદ્દેશ છે. પ્રોજેક્ટમાં મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લાનો મોટો વિસ્તાર અસરગ્રસ્ત થવાની શક્યતા છે.

વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જમીન ગુમાવવાનો અર્થ માત્ર ઘર ગુમાવવું નથી, પરંતુ તેમની ખેતી, જંગલ આધારિત જીવનશૈલી અને સામાજિક ઓળખ પર પણ અસર પડે છે. કેટલાક આંદોલનકારીઓએ જમીન સર્વે, વળતર પ્રક્રિયા અને પુનર્વસન વ્યવસ્થામાં અનિયમિતતાના આરોપ લગાવ્યા છે.

બીજી તરફ, વહીવટીતંત્રનું કહેવું છે કે પુનર્વસન પેકેજમાં સુધારા કરવામાં આવ્યા છે અને પાત્ર પરિવારોને નિયમ મુજબ લાભ આપવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલીક બાકી માંગણીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટને લઈને પર્યાવરણના મુદ્દા પણ ચર્ચામાં છે. ખાસ કરીને પન્ના ટાઇગર રિઝર્વ અને જંગલ વિસ્તાર પર થનારી અસર અંગે પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી છે. હવે સૌથી મોટો પડકાર એ છે કે વિકાસની સાથે અસરગ્રસ્ત લોકોના અધિકારો અને પર્યાવરણનું સંતુલન કેવી રીતે જાળવવામાં આવે.

વરસાદથી તરબોળ દક્ષિણ ગુજરાત માટે અઠવાડિયું ભારે, નવસારી, વલસાડ અને દાનહ માટે રેડ એલર્ટ, સુરત, ડાંગ, તાપી નર્મદા માટે ઓરેન્જ એલર્ટ

0

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં વલસાડ અને નવસારી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અનેક વરસાદી સિસ્ટમો સક્રિય બની છે. ચોમાસાનો ટ્રફ ઉત્તર ભારતથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તરફ વિસ્તરેલો છે, જ્યારે રાજસ્થાન, બંગાળની ખાડી અને ગુજરાત આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

23 અને 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાની સંભાવના છે.

ઈરાન પર હુમલો કરવા અમેરિકાએ એક જ રાતમાં આટલાં કરોડ ખર્ચી નાંખ્યા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકી સેનાએ સતત 11મી રાતે ઈરાનના પાંચ શહેરો અને મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનું અમેરિકી સૈન્યએ જણાવ્યું છે. તાજેતરના હુમલાઓમાં ડ્રોન બેઝ, હથિયારોના ભંડાર, એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય વ્યૂહાત્મક લશ્કરી માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

મીડિયા અહેવાલો મુજબ, આ સંઘર્ષ ફેબ્રુઆરીથી શરૂ થયો ત્યારથી અમેરિકાએ અત્યાર સુધી અંદાજે 37.5 અબજ ડોલર (ભારતીય ચલણમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ) ખર્ચી દીધા છે. આ ખર્ચમાં હવાઈ હુમલા, મિસાઇલ, સૈન્ય તૈનાતી, લોજિસ્ટિક્સ અને સુરક્ષા કામગીરીનો સમાવેશ થાય છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે કોંગ્રેસ સમક્ષ વધારાના યુદ્ધ ભંડોળની પણ માંગણી કરી છે.

બીજી તરફ, ઈરાને પણ જવાબી કાર્યવાહી તેજ બનાવી છે. ઈરાન તરફથી બહેરિન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને મિસાઇલ અને ડ્રોન દ્વારા નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વધતા તણાવને કારણે મધ્યપૂર્વમાં સુરક્ષા સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને વૈશ્વિક તેલ પુરવઠા પર પણ તેની અસર જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર વધતા જોખમને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં અસ્થિરતા નોંધાઈ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશોએ બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે. નિષ્ણાતોના મતે જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે તો તેની અસર માત્ર મધ્યપૂર્વ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ ગંભીર અસર પડી શકે છે.

ટ્રમ્પના નવા ટેરિફ પ્લાનથી ભારતના ફાર્મા ઉદ્યોગ સામે પડકાર, અમેરિકામાં નિકાસ પર પડી શકે મોટી અસર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેનરિક દવાઓ માટેની નવી ટેરિફ નીતિ હેઠળ ઓગસ્ટ 2028થી એક વર્ષ માટે 100 ટકા અને ત્યારબાદ 200 ટકા સુધીનો ટેરિફ લાગુ કરવામાં આવશે. આ નવી નીતિને પગલે ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને મોટો ફટકો પડી શકે એવી ચિંતા વધી છે. જો આ ટેરિફ લાગુ કરવામાં આવશે તો ભારતમાંથી અમેરિકાને સપ્લાય થતી જેનરિક દવાઓની નિકાસ મોંઘી થતાં તેના વેચાણમાં મોટો ઘટાડો થઈ શકે છે.

અમેરિકા ભારત માટે સૌથી મોટું ફાર્માસ્યુટિકલ નિકાસ બજાર છે. ભારતીય કંપનીઓ દર વર્ષે અબજો ડોલરની જેનરિક દવાઓ અમેરિકામાં મોકલે છે. નવા ટેરિફ અમલમાં આવ્યા બાદ ભારતીય દવાઓ અમેરિકન બજારમાં મોંઘી બનવાની શક્યતા છે, જેના કારણે નિકાસમાં ઘટાડો અને કંપનીઓના નફા પર અસર પડી શકે છે. ખાસ કરીને જે કંપનીઓનો મોટો વ્યવસાય અમેરિકન બજાર પર આધારિત છે, તેમના માટે પડકાર વધુ વધી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે મોટી ભારતીય ફાર્મા કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન એકમો સ્થાપવા અથવા સ્થાનિક ભાગીદારો સાથે ઉત્પાદન વધારવા જેવા વિકલ્પો પર વિચાર કરી શકે છે. બીજી તરફ, નાના અને મધ્યમ કદના નિકાસકારો માટે વધેલા ટેરિફ વચ્ચે અમેરિકન બજારમાં સ્પર્ધા જાળવવી મુશ્કેલ બની શકે છે. જોકે, કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ભારતીય જેનરિક દવાઓની ઓછી ઉત્પાદન કિંમતને કારણે ઘણી દવાઓ ટેરિફ પછી પણ સ્પર્ધાત્મક રહી શકે છે.

આ જાહેરાત બાદ ભારતીય ફાર્મા ક્ષેત્રના શેરોમાં પણ દબાણ જોવા મળ્યું છે. હવે ઉદ્યોગ અને સરકાર બંનેની નજર અમેરિકાની આગામી નીતિ અને તેના અમલીકરણ પર કેન્દ્રિત છે, કારણ કે આ નિર્ણય ભારત-અમેરિકા ફાર્મા વેપાર પર લાંબા ગાળે મહત્વપૂર્ણ અસર કરી શકે છે.

5Gની જરૂર નથી ? તો JIOનો આ પ્લાન બની શકે છે બેસ્ટ ઓપ્શન, 84 દિવસની વેલિડિટી સાથે મળશે અનેક સુવિધાઓ

રિલાયન્સ જિયોએ એવા પ્રીપેડ ગ્રાહકો માટે ₹799નો રિચાર્જ પ્લાન ઉપલબ્ધ રાખ્યો છે, જેમને દૈનિક ઉપયોગ માટે પૂરતો ડેટા, લાંબી વેલિડિટી અને કોલિંગ સુવિધા જોઈએ છે, પરંતુ અનલિમિટેડ 5G અથવા OTT સબ્સ્ક્રિપ્શનની ખાસ જરૂરિયાત નથી. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને નિયમિત સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે.

આ પ્લાન હેઠળ ગ્રાહકોને દરરોજ 1.5GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. ઉપરાંત, તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા આપવામાં આવે છે. સાથે જ JioTV અને JioAICloud જેવી જિયોની પસંદગીની ડિજિટલ સેવાઓનો પણ લાભ મળે છે. ડેટાની દૈનિક મર્યાદા પૂર્ણ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ 64 Kbps સુધી ઘટી જાય છે.

આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં લગભગ 18 મહિના માટે Google Gemini Proનો લાભ આપવામાં આવે છે. સાથે જ 5000GB સુધીનું ક્લાઉડ સ્ટોરેજ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે દસ્તાવેજો, ફોટા અને અન્ય ડિજિટલ ફાઇલો સુરક્ષિત રીતે સાચવવા માટે ઉપયોગી બની શકે છે.

જો કે, આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા અથવા કોઈ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન સામેલ નથી. જિયોની નીતિ મુજબ અનલિમિટેડ 5Gનો લાભ સામાન્ય રીતે રોજના 2GB અથવા તેથી વધુ ડેટા ધરાવતા પસંદગીના પ્લાનો સાથે જ આપવામાં આવે છે. ઉપરાંત, દરરોજ બચેલો ડેટા આગામી દિવસે કેરી ફોરવર્ડ થતો નથી.

જે ગ્રાહકોને મુખ્યત્વે કોલિંગ, મર્યાદિત ડેટા અને લાંબી વેલિડિટી જોઈએ છે, તેમના માટે ₹799નો આ પ્લાન ખર્ચની દ્રષ્ટિએ સંતુલિત અને ઉપયોગી વિકલ્પ બની શકે છે. આ પ્લાન My Jio એપ, જિયોની સત્તાવાર વેબસાઇટ તેમજ વિવિધ UPI આધારિત રિચાર્જ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ છે.