Home Blog Page 263

ઉત્તર પ્રદેશના અલમોરામાં શાળા નજીકના જંગલમાં 161 શંકાસ્પદ જિલેટીન સ્ટીક મળી

0

ઉત્તર પ્રદેશના અલ્મોરાના સોલ્ટ વિસ્તારમાં ડાબરાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાસેના જંગલમાં શંકાસ્પદ સામગ્રી મળી આવતા હોબાળો મચી ગયો હતો. શાળાના આચાર્યએ સોલ્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે બાળકોને રમતી વખતે કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસે જંગલમાંથી કુલ 161 જિલેટીન સળિયા જપ્ત કર્યા હતા.

શુક્રવારે, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સામગ્રીના નમૂના એકત્રિત કર્યા હતા. જિલેટીન સળિયાનો ઉપયોગ સામાન્ય રીતે રસ્તાના બાંધકામ પ્રોજેક્ટ્સમાં પથ્થરો તોડવા માટે થાય છે. હાલમાં તે સળિયા કોણ અને શા માટે લાવ્યું તે નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.

લો, હવે મહાદેવ પણ અસુરક્ષિત, ઉંડાચમાં મંદિરમાંથી શિવલિંગ ચોરાયું!

ઘોર કળિયુગ આવ્યો હોય એમ હવે મંદિરમાં મહાદેવ પણ સુરક્ષિત નથી ! ગણદેવી તાલુકાના ઉંડાચ ગામના મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. મંદિરમાં દાનપેટીમાંથી ચોરી થાય કે ભગવાને ધારણ કરેલા આભુષણો કોઈ ચોરી જાય એવું તમે સાંભળ્યું હશે, પરંતુ ભગવાનને જ કોઈ ચોરી જાય એવું સાંભળ્યું છે ખરું? હા, ભગવાનની મૂર્તિ ચાંદી કે સોનાની હોય તો કોઈ ચોરી જાય, પણ શિવલિંગ તો કોઈ ચોરી જાય એવું બને જ નહીં. પરંતુ એવી આશ્ચર્યજનક ઘટના બીલીમોરા પાસેના ગામમાં નોંધાઈ છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયા ગામેઆવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાના વૃક્ષ પાસેનું શિવલિંગ કોઈ શખ્શ કારમાં આવીને ચોરી ગયો હતો.

ભાવનગર પોલીસે ગૌ-માંસનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, 2 લોકોની કરી અટકાયત

ભાવનગર પોલીસે શંકાસ્પદ ગૌ-માંસનો જથ્થો ઝડપી પાડ્યો. શહેરનાં સાંઢીયાવાડ મટન માર્કેટ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો જથ્થો. 100 કિલોથી વધુનાં શંકાસ્પદ ગૌ માંસનાં જથ્થા સાથે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. 100 કિલો ગૌ માંસ ઉપરાંત 8 જીવતા પશુઓ ઘરમાંથી છોડાવવામાં આવ્યા છે. 8 પશુઓમાં 1 ગાય અને 7 ભેંસ અને પાડાને મુક્ત કરવામાં આવ્યા છે. રેડ દરમિયાન હુસેન અને મોસીમ નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે સતાવાર ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.

નકલી દસ્તાવેજો બનાવીને અફઘાનિસ્તાની કરતો વસવાટ, LCBએ આરોપીને ઝડપી પાડ્યો

0

સુરત શહેરમાં રહેતા મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમદ આમીર જાવીદ ખાનની કરી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મૂળ અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરી છે. આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ પણ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમદ આમીર જાવીદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ-1967ની કલમ 12(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી એક વર્ષ પેહલા પરિવાર સાથે સુરત આવ્યો હતો. આરોપી ભારતીય પાસપોર્ટના આધારે યુએઈ અને અફઘાનિસ્તાન જઈને આવ્યો છે. આરોપીએ પોતાના બોગસ ડોક્યુમેન્ટ મહારાષ્ટ્રમાંથી બનાવ્યા હતા, જે તપાસ હાલ ચાલી રહી છે. આરોપી સુરતમાં કાપડનો ધંધો કરતો હતો. હોલસેલ માર્કેટથી કાપડ લઈ આરોપી અલગ અલગ રાજ્યોમાં વેચતો હતો. સુરતમાં શા માટે રહેવા માટે આવ્યો તે અંગે તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ, પાઇલટનું મોત

દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું છે. અલ મક્યૂમ એરપોર્ટ પર ચાલી રહેલા એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો.

તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.

વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.

SIRના કામના વધતા દબાણે કોડીનારના BLOએ કર્યો આપઘાત, અત્યાર સુધીમાં 8 BLOના મોત

0

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચરા ગામમાં SIR તરીકે કાર્યરત બૂથ લેવલ ઓફિસર (BLO) અને શિક્ષક અરવિંદ વાઢેરે કામના તણાવને કારણે આત્મહત્યા કરી. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ સમુદાયને આઘાત પહોંચાડ્યો છે અને શૈક્ષણિક સંગઠનોમાં ઊંડો રોષ ફેલાવ્યો છે.

શિક્ષક સંઘ દ્વારા કામગીરીનો બહિષ્કાર
આ કરૂણ ઘટનાના પગલે શિક્ષક સંઘ દ્વારા સખત વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. શિક્ષક સંઘે મૃતક શિક્ષકને શ્રદ્ધાંજલિ પાઠવતા તાત્કાલિક અસરથી બી.એલ.ઓ.ની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કોડીનારથી શરૂ કરીને રાજ્યભરના શિક્ષકોએ આ બિન-શૈક્ષણિક કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં ન આવે.

શિક્ષક સંઘની માંગણી છે કે શિક્ષકોને માત્ર શૈક્ષણિક કાર્ય જ સોંપવું જોઈએ, જેથી બાળકોના ભવિષ્ય પર અને શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર ન પડે. આ ઘટનાએ શિક્ષણ વિભાગ અને ચૂંટણી પંચ દ્વારા શિક્ષકો પર લાદવામાં આવતા વધારાના કામગીરીના ભારણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હું હવે આ SIR કરી શકતો નથી
40 વર્ષીય અરવિંદ વાઢેરે આત્મહત્યા કરતા પહેલા તેની પત્નીને સંબોધીને એક ભાવનાત્મક સુસાઇડ નોટ છોડી હતી, જેમાં લખ્યું હતું, “હું હવે આ SIR કરી શકતો નથી. હું છેલ્લા કેટલાક દિવસોથી થાક અને તણાવમાં છું. કૃપા કરીને તમારી અને મારા પુત્રની સંભાળ રાખો.” હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું, પણ હવે હું લાચાર છું. મારી પાસે કોઈ વિકલ્પ બાકી નથી.’

શૈક્ષણિક સંગઠનોમાં આક્રોશ
તેમણે લખ્યું, “મારી પાસે બધા SIR દસ્તાવેજો મારી બેગમાં છે, કૃપા કરીને તેને શાળામાં જમા કરાવો. મને મારી પ્રિય પત્ની સંગીતા અને મારા પ્રેમાળ પ્રિય પુત્ર ક્રિષય માટે ખૂબ જ દુઃખ છે.” આ ઘટના બાદ ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન, ગુજરાત પ્રાંતે SIR હેઠળ શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવતી ઓનલાઈન પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે.

કામના દબાણને લઇને વિશે પ્રશ્નો ઉભા થયા
અરવિંદ વાઢેરના મૃત્યુથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં રોકાયેલા BLO દ્વારા સામનો કરવામાં આવતી કાર્યકારી પરિસ્થિતિઓ અને ભારે દબાણ વિશે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. દેશભરના ઘણા રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર્સના મૃત્યુના બનાવોએ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે, પરિવારો મૃત્યુને વધુ પડતા કાર્યભારને આભારી છે, ખાસ કરીને SIR સાથે સંકળાયેલા દબાણને.

ક્યાં અને કેટલા BLO એ પોતાના જીવ ગુમાવ્યા છે?
ગુજરાતના ખેડામાં એક BLOનું મૃત્યુ નોંધાયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં એક BLOએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. રાજસ્થાનમાં બે કેસ નોંધાયા હતા: સવાઈ માધોપુરમાં એક BLOનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું, અને જયપુરમાં એક સરકારી શાળાના શિક્ષકે 16 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી હતી. પરિવારનો આરોપ છે કે તે મતદાર યાદી સંબંધિત ભારે દબાણ હેઠળ હતો.

તમિલનાડુના કુંભકોણમમાં એક વરિષ્ઠ આંગણવાડી BLO, જે કામના ભારણથી દબાઈ ગયા હતા, તેમણે 44 ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. કેરળના કન્નુરમાં, એક BLOએ પણ SIR સંબંધિત તણાવને કારણે પોતાનો જીવ લીધો. 9 નવેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાનમાં એક BLOનું મગજના સ્ટ્રોકથી મૃત્યુ થયું હતું, જે પરિવારના સભ્યોએ માનસિક તણાવને કારણે હતું.

દિલ્હી બ્લાસ્ટમાં મોટો ખુલાસો: આતંકી ફંડિંગની કથિત માસ્ટરમાઇન્ડ ડૉ. શાહીન!

0

ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલમાંથી પકડાયેલા આરોપીઓના મોબાઇલ ફોનની તપાસ અને પૂછપરછમાં ડૉ. શાહીનની ભૂમિકા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્રિત કરનાર તરીકે સામે આવી છે. મળતી માહિતી અનુસાર જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના હેન્ડલરો ડૉ. શાહીનને બિટકોઇન દ્વારા ₹ 9 લાખથી વધુની રકમ મોકલતા હતા. આ રકમને શાહીન P2P પદ્ધતિનો ઉપયોગ કરીને 10થી વધુ બેંક ખાતામાં વિડ્રો કરતી હતી. આ ઉપરાંત, વિદેશમાં સાઉદી અરેબિયા, તુર્કિયે અને સીરિયા તરફથી હવાલા દ્વારા પણ ડૉ. શાહીન પાસે ₹ 6 લાખથી વધુની રકમ આવી હતી.

પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે ડૉ. શાહીન પોતે પણ આ મોડ્યુલ માટે ફાળાના માધ્યમથી પૈસા એકઠા કરતી હતી. લોકોને તે એમ કહીને છેતરતી હતી કે આ રકમ તે મુસ્લિમોના સસ્તા ઈલાજ માટે હોસ્પિટલ બનાવવા માટે લઈ રહી છે. એટલું જ નહીં, ડૉ. શાહીને પોતાની કમાણીમાંથી પણ ₹ 4 લાખની રકમ મોડ્યુલના આતંકવાદી ગતિવિધિઓમાં રોકી હતી. 10 નવેમ્બરથી અત્યાર સુધીની 10 દિવસની પૂછપરછમાં એક રસપ્રદ તથ્ય સામે આવ્યું છે કે તમામ આરોપીઓના કાર્યો નક્કી હતા.

જ્યાં ડૉ. શાહીનનું કામ પૈસા એકઠા કરવા અને હેન્ડલરો દ્વારા અપાયેલા નાણાંને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું હતું, ત્યાં મોડ્યુલના અન્ય આરોપી ઓમરનું કામ આ પૈસાથી વિસ્ફોટક અને રસાયણ ખરીદવાનું, રૂમમાં કેમિકલમાંથી વિસ્ફોટક બનાવવાનું, તેનું ટેસ્ટિંગ કરવાનું અને ફિદાયીન હુમલા માટે વાહનો ખરીદવાનું હતું. આ રીતે, દરેક આરોપી એક સુનિયોજિત યોજના હેઠળ કામ કરી રહ્યા હતા.

જોકે, અત્યાર સુધીની પૂછપરછ અને તપાસમાં પોલીસને ડૉ. શાહીનના મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર અથવા માર્યા ગયેલા આતંકી ઉમર ફારૂકની પત્ની અફીરા ફારૂક સાથે સીધા સંપર્કના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તપાસ ટીમે આતંકી ગતિવિધિઓમાં ફંડિંગના નેટવર્કને ઊંડાણપૂર્વક સમજવા અને તેની સાથે જોડાયેલા અન્ય તત્વોને પકડવા માટે વધુ તપાસ આદરી છે.

કોડીનારમાં BLO શિક્ષકની આત્મહત્યા, શિક્ષક સંઘે BLO કામગીરીનો કર્યો બહિષ્કાર

ગુજરાતમાંથી ફરી એક BLO શિક્ષકના મોતના સમાચાર સામે આવતાં ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ, કોડીનારના BLO શિક્ષકે SIR કામગીરીના દબાણથી માનસિક તણાવ અનુભવાતા આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું છે. ત્યારે પીડિત પરિવારે પણ BLOની કામગીરીના કારણે શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી છે.

ગીર સોમનાથના કોડીનારનાં દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. શિક્ષકે આત્મહત્યા પહેલા લખાયેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં sirની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે, બી.એલ.ઓની કામગીરીને કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. અને આવા અનેક શિક્ષકો આવી માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. પીડિત પરિવારને એક કરોડ આપવાની માંગ ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે.

BLO શિક્ષકો પર વધું પડતું દબાણ
આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, SIRની કામગીરીના દબાણના કારણે શિક્ષકે આત્મહત્યા કરી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારના ધ્યાનમાં આ બાબત લાવી રહી છે. 15 તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેદન આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લાના કુટુંબે પણ આક્ષેપ કર્યો છે. આ કામગીરી લઈને શિક્ષક માનસિક સંતુલન અને હતોત્સાહ થઈ ગયો હતો અને આત્મહત્યા તરફ પ્રેરાયો. શિક્ષકના મોતથી એમના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે તેમ નથી. જો કે આ મામલે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી હારીજ શુક્લાએ આ સંદર્ભે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ એસપી દ્વારા તપાસ ચાલુ હોવાની વાતનું રટણ કર્યું.

ગુજરાતમાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ! લાખોની લૂંટ કરતી 3 યુવતીઓ ઝડપાઈ, જાણો

ગુજરાત પોલીસને યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં આ મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.

આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નના ચારેક દિવસ બાદ યુવતીના બનેવી તરીકે ઓળખ આપનાર રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ તેમ કહીને યુવતીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી પરત ન ફરતા યુવાને છૂટાછેડાની વાત કરી હતી, જેના માટે આરોપીઓએ રૂ. 50 હજારની માંગણી કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં યુવક સાથે ગાળાગાળી કરી, છૂટાછેડા આપવાને બદલે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. જે અંગે રૂ. 5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

આ મામલે કાર્યવાહી કરતા, ત્રણ મહિલા અને એક પુરૂષની ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટો થયા છે કે, મુખ્ય આરોપી ચાંદનીએ અલગ-અલગ જગ્યાએ ખોટા નામ અને દસ્તાવેજોના આધારે 15 યુવાનો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અન્ય આરોપી રશ્મિકાએ 4 અને સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિએ 2 યુવાનો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હતી. આમ આ ટોળકીએ અલગ અલગ યુવતીઓ મારફતે અનેક યુવકોને ફસાવ્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ:

  • ચાંદની રમેશભાઈ રાઠોડ (દુલ્હન)
  • સુશિલા ઉર્ફે સવિતા રાઠોડ (દુલ્હનની માતા બનતી મહિલા)
  • રાજેશ જીવણભાઈ ઠક્કર (બ્રોકર/બનેવી બનતો પુરુષ)
  • રશ્મિકા સચિનભાઈ પંચાલ (સૂત્રધાર અને મેરેજ બ્યુરો ચલાવતી મહિલા)

છેતરપિંડીનો મોટો આંકડો:
પોલીસ પૂછપરછમાં આ ટોળકીના કારનામા બહાર આવ્યા હતા. ચાંદની નામે યુવતીએ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રશ્મિકા નામે યુવતીએ 4 યુવકો સાથે લગ્ન કર્યા હતા. સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિ નામે યુવતીએ 2 યુવકો સાથે લગ્ન કર્યા હતા. કુલ 21 યુવકો સાથે લગ્ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

કેવી રીતે ફસાવતા હતા?
મુખ્ય આરોપી રશ્મિકા પંચાલ પોતાને ‘મેરેજ બ્યુરો’ ચલાવતી હોવાનું કહીને યુવકોને શોધતી હતી. લગ્ન કરવા માંગતા યુવક અને તેના પરિવારને પોતાની ટોળકીની યુવતી સાથે મુલાકાત કરાવતી. ખોટા સંબંધો અને લગ્નની શરતો નક્કી કરીને પૈસા અને દાગીના પડાવતી.

લગ્ન માટે યુવતીના બનાવટી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા. એક જગ્યાએ લગ્ન કરાવ્યા પછી થોડા જ સમયમાં યુવતીને ત્યાંથી ભગાડી દેવામાં આવતી અને બીજા શિકાર સાથે તેના લગ્ન કરાવી દેવાતા.

આ ટોળકીએ ગુજરાતના 10 જિલ્લાઓમાં જાળ બિછાવી હતી, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વેરાવળ અને વડોદરા સહિતના વિસ્તારોના યુવકોનો સમાવેશ થાય છે.

નેપાળમાં ગુજરાતી ખેલાડીનો ધમાકો: ડેબ્યૂ મેચમાં જ ઇતિહાસ રચ્યો

0

ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવવા છતાં પ્રિયાંક પંચાલ ક્યારેય ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નહીં. જોકે નિવૃત્તિ પછી પ્રિયાંકે નેપાળની ધરતી પર પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 35 વર્ષીય બેટ્સમેને પોતાની પહેલી નેપાળ પ્રીમિયર લીગ મેચમાં 48 બોલમાં 90 રન બનાવીને ઇતિહાસ રચ્યો છે.

પ્રિયાંક આ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બન્યો છે. આ વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન પ્રિયાંકે સાત વખત બોલને બાઉન્ડ્રીને પાર કર્યો અને છ જબરદસ્ત સિક્સર પણ ફટકારી હતી.

પ્રિયાંકે મચાવ્યો કોહરામ
પ્રિયાંક પંચાલ નેપાળ પ્રીમિયર લીગ 2025 માં કરનાલી યક્સ માટે રમી રહ્યો છે. પહેલી જ મેચમાં પ્રિયાંકને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળી. ચિત્વન રાઇનોઝ સામે પ્રિયાંકનું બેટ જોરદાર બોલ્યું. પ્રિયાંકે વિસ્ફોટક બેટિંગ રમી અને માત્ર 48 બોલમાં 90 રન બનાવ્યા હતા.

પ્રિયાંકે તેની ઇનિંગ્સ દરમિયાન 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. 187 ના સ્ટ્રાઇક રેટથી રમતા પ્રિયાંકે બોલિંગ આક્રમણને તોડી નાખ્યું. તેણે ટુર્નામેન્ટના ઇતિહાસમાં ડેબ્યૂ પર સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ પણ બનાવ્યો. જોકે પ્રિયાંક પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં અને રવિ બોપારાના હાથે કેચ આઉટ થયો. પ્રિયાંકની ઇનિંગ્સને કારણે કર્નાલી યક્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા.

પ્રિયાંકની ઇનિંગ્સ ટીમને મદદ કરી શકી નહીં
જોકે પ્રિયાંક પંચાલની વિસ્ફોટક ઇનિંગ્સ છતાં કર્નાલી યક્સનો પરાજય થયો. ટીમના બોલરો 167 રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા. ચિત્વન રાઇનોઝ માટે વિસ્ફોટક બેટિંગ કરતા રવિ બોપારાએ માત્ર 36 બોલમાં ઝડપી 52 રન બનાવ્યા. પોતાની ઇનિંગ્સ દરમિયાન રવિએ ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. દીપક બોહરાએ પણ 42 રન બનાવ્યા. અંતિમ ઓવરોમાં સૈફ ઝૈબે માત્ર 16 બોલમાં 38 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી. સૈફે પોતાની ઇનિંગ્સમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.