Home Blog Page 261

અલવિદા ધર્મેન્દ્રઃ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી, અજય, કાજોલ સહિતની સેલિબ્રિટીઝે વ્યક્ત કર્યું દુઃખ

0

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. અનેક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી હતી. આજે પણ લોકો તે ફિલ્મ જોવાનું પસંદ કરે છે. હવે તેઓ ખૂબ જલ્દી અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે

વડાપ્રધાને કહ્યું, ધરમજી લાખો લોકોના હ્રદયમાં વસતા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી Prime Minister paid tribute છે. તેમણે લખ્યું છે કે ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ માત્ર એક મહાન અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું વ્યક્તિત્વ હતા, જે તેમણે ભજવેલી દરેક ભૂમિકામાં સરળતા, ઊંડાણ અને અજોડ આકર્ષણ લાવતા હતા. અલગ અલગ પાત્રોને દિલથી ભજવવાની તેમની ખાસિયતના કારણે જ તેઓ લાખો લોકોના હૃદયમાં વસતા હતા. તેમની નમ્રતા, સૌમ્ય સ્વભાવ અને માનવતાએ તેમને સ્ક્રીનની બહાર પણ એટલા જ પ્રિય બનાવ્યા હતા. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

અજય દેવગણે કહ્યું, ધરમજીના સમાચારે દિલ તોડી દીધું
અજય દેવગણે અભિનેતા ધર્મેન્દ્રને આંસુભરી આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે ધરમજીના નિધનના સમાચારે દિલ તોડી દીધું છે. તેમની હૂંફ, ઉદારતા અને હાજરીએ કલાકારોની પેઢીઓને રસ્તો બતાવ્યો છે. ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ ગુમાવ્યો છે અને આપણે એ વ્યક્તિને ગુમાવ્યો છે જેણે સિનેમાની આત્માને આકાર આપ્યો હતો. ધરમજી, શાંતિથી વિશ્રામ કરજો. ઓમ શાંતિ.

ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળીને કાજોલ દુઃખી થઈ
કાજોલનું દિલ તૂટી ગઈ છે. સ્વર્ગસ્થ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં તેણે લખ્યું છે કે એક સારા વ્યક્તિનો સાચો અર્થ દર્શાવનાર બીજો સ્ટાર ચાલ્યો ગયો છે અને દુનિયા થોડી ગરીબ બની ગઈ છે. એવું લાગે છે કે ફક્ત સારા લોકોને જ આપણી પાસેથી છીનવી લેવામાં આવી રહ્યા છે. ધરમજી હૃદયના શુદ્ધ હતા, બધાને હંમેશા પ્રેમ આપનારા હતા. ધરમજી તમારી ખોટ હંમેશા રહેશે. તમારા આત્માને શાંતિ મળે… હંમેશા ઘણો પ્રેમ.

મધુર ભંડારકરે કહ્યું, ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે
મધુર ભંડારકરે અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું છે કે સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના સાચા હી-મેન હતા. મને તેમને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું અને દરેક વખતે તેઓ ખૂબ જ જીવંત અને આનંદથી ભરેલા હતા. તેમનું અવિશ્વસનીય યોગદાન એક યુગનો અંત દર્શાવે છે. ભારતીય સિનેમામાં તેમનો વારસો હંમેશા યાદ રહેશે. ઓમ શાંતિ.

જુનિયર એનટીઆરે કહ્યું, તેમણે જાતે એક યુગ બનાવ્યો હતો
જુનિયર એનટીઆરે લખ્યું છે, ધર્મેન્દ્રજીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે જે યુગ બનાવ્યો તે ક્યારેય બદલી શકાશે નહીં. તેમણે ભારતીય સિનેમામાં જે હૂંફ અને પોતાનાપણું ઉમેર્યું તે હંમેશા આપણી સાથે રહેશે. મારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.

નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના બાદ 7 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તબીબી શિક્ષણ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.

તબીબી શિક્ષણ મંત્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

કચ્છના ભુજમાં ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ પોલીસ પરિવારની રેલી, રાજીનામાની માંગ તેજ

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ મથકે ઉશ્કેરણીજનક નિવેદન આપવાના મામલે આજે પાટણમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મેવાણીએ જાહેરમાં પોલીસના પટ્ટા ઉતરાવવાની ચીમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ પરિવારે સખત નારાજગી વ્યક્ત કરી છે. આ નિવેદનના વિરોધમાં આજે પોલીસ પરિવારના સભ્યો દ્વારા પાટણમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો બેનરો સાથે રેલીમાં જોડાયા હતા અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ અગાઉ થરાદ ખાતે ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન પોલીસ સામે કરેલા આકરા નિવેદનો અને ‘પટ્ટા ઉતારી દેશું’ની ચીમકીને પગલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પોલીસ પરિવારની સાથે હવે સ્થાનિક જનતા પણ મેવાણી વિરુદ્ધ મેદાનમાં આવી છે.

પાલનપુરમાં પોલીસ પરિવાર એકત્રિત
પાલનપુર ખાતે પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે આ ‘વાણી વિલાસ’ બદલ રોષ વ્યક્ત કર્યો હતો. ‘ગુજરાત પોલીસ જિંદાબાદ’ અને ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થઈને આ પરિવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

થરાદમાં સ્થાનિક જનતાનો મોરચો
વાવ-થરાદ વિસ્તારની સ્થાનિક જનતા પણ પોલીસના સમર્થનમાં આવી હતી. મેવાણીના આક્ષેપો બાદ સ્થાનિક લોકોએ તેમની સામે મોરચો માંડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પોલીસના સમર્થનમાં જોડાયા હતા. સ્થાનિક મહિલાઓએ હાથમાં બેનરો સાથે જિલ્લા એસપી કચેરીથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી અને આવેદનપત્ર સુપરત કર્યું. રેલીમાં ‘જીગ્નેશ મેવાણી હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા.

ભુજ ખાતે વિશાળ રેલી
જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓને “પટ્ટા ઊતરી જશે” તેવું નિવેદન આપ્યું હતું, જે પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે અપમાનજનક હોવાનો આક્ષેપ છે. પોલીસ પરિવારનું કહેવું છે કે, ધારાસભ્ય મેવાણી અવારનવાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખરાબ ભાષાનો પ્રયોગ કરીને અને “પટ્ટા-ટોપી ઊતરી જશે” તેવી ધમકીઓ આપીને પોલીસ દળનું અપમાન કરી રહ્યા છે અને તેમનું મનોબળ તોડી રહ્યા છે.

પોલીસ પરિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પ્રજાના જાનમાલની રક્ષા કરે છે અને ખડે પગે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે ધારાસભ્યનું આ નિવેદન અસહ્ય છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેરમાં પોલીસકર્મીઓની માફી માંગે અને તાત્કાલિક પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે. આ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરતના મજુરાગેટ તથા ઉધના દરવાજા મેટ્રો કાર્યથી રૂટ બંધ, ટ્રાફિકમાં ફેરફાર

સુરત શહેર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત (૧) મજુરાગેટ મેટ્રો સ્ટેશન તથા (૨) ઉધના દરવાજા મેટ્રો સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના હેતુસર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે એક જાહેરનામાં દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી બે માસ(૨૪ કલાક) માટે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકી તેના માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે.

જે અનુસાર (૧) કૃષી મંગલ હોલથી મજુરા ગેટ ચાર રસ્તા તરફ જતાં ડાબી બાજુનો સર્વીસ રોડ (૧૬૦ મીટર) તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે (૧) જુની RTO થી ઉંઘના દરવાજા, માનદરવાજા તથા સુરત રેલ્વે સ્ટેશન તરફ જવા માટે મજુરા ગેટ બન્ને તરફનો ઓવર બ્રીજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. (૨) જુની RTOથી ભટાર તથા એલ.બી.ટર્નીંગ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી તરફ જવા માટે મજુરા ગેટ ઓવરબ્રીજ ઉપરથી નીચે ઉતરી ડાબી બાજુ થઇ – કડીવાલા સ્કુલથી જમણી બાજુ યુ-ટર્ન લઇ નવી સિવિલ હોસ્પીટલ થઇ ડાબી બાજુ વળાંક લઇ એલ.બી.ટર્નીંગ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી તથા ભટાર તરફ જઈ શકાશે., જુની RTO થી જમણી બાજુ ચાન્સલર બિલ્ડીંગ થઇ ભુતમામા મંદીર થી ડાબી બાજુ થઈ ગોકુલમ ડેરી થઇ PF ઓફીસ થઇ ઘોડદોડ રોડ થઈ એલ.બી. તરફ તથા ભટાર તરફ જઈ શકાશે., જુની RTOથી જમણી બાજુ ચાન્સલર બિલ્ડીંગ થઈ ભુતમામા મંદીરથી ડાબી બાજુ થઇ ગોકુલમ ડેરી થઇ PF ઓફીસથી ડાબી બાજુ થઇ પાંજરાપોળ થઇ ઇન્કમટેક્ષ ઓફીસ થઇ મજુરા ગેટ તથા એલ.બી.તરફ જઈ શકાશે., જુની RTO થી ડાબી બાજુ થઈ જીવન ભારતી ત્રણ રસ્તા થી જમણી બાજુ થઇ લાફીંગ બુધ્ધા સ્ટેચ્યુથી જમણી બાજુ થઇ સોરથીયા રામીમાળી પંચની વાડી થઇ મજુરાગેટ તરફ જઇ શકાશે.

(૨) સોની TV શો રૂમ થી ઉંઘના દરવાજા ચાર રસ્તા તરફ જતાં (૨૦૦ મીટર) રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે નિર્મલ હોસ્પીટલ થી યુનીક હોસ્પીટલ થઇ ડાબે ટર્ન લઇ રોકડીયા ચાર રસ્તા થઈ ઉંધના દરવાજા તરફ જઈ શકાશે તથા ૨.૮ મીટરની ઉંચાઇવાળા વાહનો ચામુંડા રેસ્ટોરેન્ટથી બ્રીજ નીચેથી સામેની સાઇડ જુની સબ જેલ થઇ જયેશ ભંડારી કબાબ એન્ડ ચીકન રેસ્ટોરેન્ટથી ડાબે થઈ ખટોદરા જી.આઇ.ડી.સી. માંથી સુરત-નવસારી રોડ તરફ આવી શકાશે. અને ICICI બેંકથી ઉધના દરવાજા તરફ જતા આગળ સોની TVની દુકાન પાસેથી ડાબી બાજુ તરફથી પાછળના રસ્તા ઉપરથી ઉઘના ચાર રસ્તા તરફ નાના-વાહનો (ફોર-વ્હીલ કાર તથા બાઇક તથા ઓટો રીક્ષા) માટે ખુલ્લો રહેશે.

(૩)ઉધના દરવાજા ઓવરબ્રિજ તથા કડીવાલા ઓવરબ્રીજ વચ્ચે ગુજરાત સમાચાર પ્રેસની સામે ઉતરતાં અને ચઢતાં બે બ્રીજ વચ્ચેનો ગેપ બંધ કરી તેના વૈકલ્પિક રૂટ તરીકે ઉધના દરવાજાથી જુની સબજેલ સુધીના રોડ ઉપર આવવા-જવા માટે બન્ને તરફનો ટ્રાફિક વ્યવહાર ચાલુ કરી ડાયર્વઝન આપી શકાશે. અને ચામુંડા રેસ્ટોરેન્ટથી બ્રીજ નીચેથી ડાબી બાજુ થઇ ઉધના દરવાજા તરફ તથા ઉધના દરવાજાથી જુની સબજેલ સુધી વચ્ચે બેરીકેટીંગ કરી ડાયર્વઝન આપી શકાશે.

બોલિવૂડના હી-મેનને દિકરા સનીએ મુખાગ્નિ આપી, કરણ જોહરે કહ્યું, એક યુગનો અંત

0

બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રસિદ્ધ હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાયો છે. ધર્મેન્દ્રને છેલ્લા થોડા સમયથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બોલિવૂડના હી-મેનને તેમના સૌથી મોટા દીકરા સની દેઓલે મુખાગ્નિ આપી છે અને ધર્મેન્દ્રનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે.

કરણ જોહરે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી
કરણ જોહરે હી-મેનને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ એક યુગનો અંત છે… એક વિશાળ મેગાસ્ટાર… સિનેમામાં એક હીરોની વ્યાખ્યા… અજોડ આકર્ષણ, ખૂબ જ હેન્ડસમ અને રહસ્યમય સ્ક્રીન પ્રેઝન્સ ધરાવતા અભિનેતા. તેઓ ભારતીય સિનેમા માટે ખરેખર એક દંતકથા સમાન હતા, છે અને હંમેશા રહેશે… તેમનું નામ ઇતિહાસના પાનાઓમાં હંમેશા ચમકશે. પરંતુ સૌથી વધુ તો એ છે કે તેઓ ખરેખર એક ઉમદા માનવી હતા. આપણા ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરતી હતી. તેમના હૃદયમાં દરેક માટે ફક્ત પ્રેમ અને સકારાત્મકતા હતી. તેમના આશીર્વાદ, તેમનું આલિંગન, તેમની હૂંફ… શબ્દો તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આજે આપણા ઉદ્યોગમાં એક ખાલી જગ્યા બની ગઈ છે, જે કોઈ કાળે ભરી શકાશે નહીં. ધરમજી ફક્ત એક નામ નહોતા, તેઓ એક અહેસાસ હતા… એક વારસો હતા. અમે હંમેશા તમને યાદ કરીશું, સર. આજે સ્વર્ગ ખરેખર ધન્ય છે. તમારી સાથે કામ કરવું મારા માટે હંમેશા એક સૌભાગ્ય રહેશે. મારું હૃદય ફક્ત એટલું જ કહેવા માંગે છે કે સન્માન અને આદર સાથે ઘણો બધો પ્રેમ…અભી ન જાઓ છોડકર…દિલ અભી ભરા નહીં!

કરીના કપૂરે તેના દાદા રાજ કપૂર અને ધર્મેન્દ્રનો એક જૂનો ફોટો શેર કર્યો છે, જેમાં તે એકબીજાને ગળે લગાવી રહ્યા છે. તેણે આ ફોટોને હાર્ટના ઇમોજી સાથે કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું છે, ફોર એવર ઈન પાવર અને ચઢદી કળા

ઉત્તરાખંડમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીઓના મોતની શંકા, અનેક ઘાયલ

0

ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા છે. ટિહરીના પોલીસ અધિક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો ગુજરાતી હોવાની આશંકા છે.

બસમાં 29થી વધુ લોકો સવાર હતા. SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની પાંચ વધુ ટીમો રવાના કરવામાં આવી છે. બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી.

આ અકસ્માત નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક થયો હતો. ઘાયલોને ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસ નંબર UK14PA1769 છે.

મધ્યપ્રદેશમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, મંત્રી શિવરાજ સિંહે કહ્યું- ‘હું ચેનથી નહીં બેસું’

0

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. શુક્રવારે બનેલી આ હેવાનિયતભરી ઘટના બાદ પણ રવિવાર સુધી આરોપી પકડાયો ન હોવાથી લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. રવિવારે ગુસ્સે ભરાયેલા હજારો લોકોએ જયપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગને જામ કરી દીધો અને ન્યાય માટે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

આ ઘટના વિદિશા લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જ્યાંથી સાંસદ અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું: “મારા સંસદીય ક્ષેત્રમાં માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાથી મારું મન વ્યથિત અને અત્યંત આક્રોશિત છે. આજે મેં કેન્દ્રીય ચિકિત્સાલય, ભોપાલ પહોંચીને પીડિતાના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પરિવારજનોને દિલાસો આપ્યો કે અમે મજબૂતીથી સાથે ઊભા છીએ અને ન્યાય જરૂર અપાવીશું. દીકરીના ઉપચારમાં કોઈ કમી ન રહે અને સંપૂર્ણ ઇલાજની વ્યવસ્થા થાય, તે માટે હોસ્પિટલ પ્રબંધનને નિર્દેશિત કર્યા છે.”

ચૌહાણે વધુમાં ઉમેર્યું કે “મેં વહીવટીતંત્રને કડક નિર્દેશ આપ્યા છે કે આરોપીને જલદીથી જલદી પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે. મેં એ પણ નિર્દેશ આપ્યો છે કે આરોપીની ધરપકડ બાદ આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવામાં આવે, જેથી પીડિતાને જલદીથી જલદી ન્યાય મળી શકે. જ્યાં સુધી અપરાધી પકડાશે નહીં, ત્યાં સુધી હું ચેનથી નહીં બેસું.”

આ હેવાનિયતભરી ઘટના રાયસેનના ગોહરગંજમાં બની છે. માસૂમ બાળકી પર બળાત્કાર કરનાર આરોપીની ઓળખ 23 વર્ષીય સલમાન તરીકે થઈ છે. આરોપી છેલ્લા બેથી ત્રણ મહિના પહેલા જ ગોહરગંજના ઘટનાસ્થળવાળા ગામમાં આવ્યો હતો. ઘટના બાદથી જ આરોપી સલમાન ફરાર છે. પોલીસની આઠ ટીમો ડ્રોન વડે આરોપીની શોધ કરી રહી છે. આરોપી સીહોર જિલ્લાનો નિવાસી હોવાથી સીહોરમાં પણ તેની શોધ ચાલી રહી છે. આરોપીનો પતો આપનારને 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Surat: લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદી યુવકનો આપઘાત

સુરતમાં પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક યુવકે ચોથામાળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં જ યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુવક કોણ છે, અને તે આરોપી છે કે ફરિયાદી? એ અંગે પોલીસ મૌન છે. જે કારણે શંકાના વાદળો વધુ ઘેરા બન્યા છે.

મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે (24 નવેમ્બર) પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું.

પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

0

આજે દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. મહત્વની વાત એ છે કે, બર્થ-ડેના 14 દિવસ પહેલા જ ધર્મેન્દ્રનું નિધન થયું છે. નોંધનીય છે કે, 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ઘરે જ ચાલી રહી છે સારવાર
ધર્મેન્દ્ર ઘણા સમયથી બીમાર છે. તેમને 31 ઓક્ટોબર, 2025 ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 નવેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા. ઘણા કલાકારો તેમને મળવા હોસ્પિટલમાં ગયા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારોએ તેમની મુલાકાત લીધી હતી. એવા અહેવાલો હતા કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ ઇચ્છતી હતી કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે, તેથી જ તેમની સારવાર ઘરેથી જ કરવામાં આવી રહી હતી.

આ ફિલ્મોમાં ધર્મેન્દ્રએ કર્યુ કામ
ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યુ. તેમણે 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ શોલા ઔર શબનમમાં જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રએ અનપધ, બંદિની, પૂજા કે ફૂલ, હકીકત, ફૂલ ઔર પથ્થર, અનુપમા, ખામોશી, પ્યાર હી પ્યાર, તુમ હસીન મેં જવાન, સીતા ઔર ગીતા, લોફર, યાદો કી બારાત અને શોલે સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યાં છે. તેમણે છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઉલ્ઝા જિયામાં જય સિંહ અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ આગામી ફિલ્મ 21 માં જોવા મળશે. 21 25મી ડિસેમ્બરે રિલીઝ થશે. સોમવારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત, આ એક યુદ્ધ-ડ્રામા ફિલ્મ છે જેમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે.

જસ્ટિસ સૂર્યકાંત બન્યા 53માં મુખ્ય ન્યાયાધીશ, જાણો વકીલથી લઇને CJI સુધીની સફર

0

જસ્ટિસ સૂર્યકાંતે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બે દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવતા જસ્ટિસ સૂર્ય કાંતનો કાર્યકાળ 9 ફેબ્રુઆરી, 2027 સુધી રહેશે.

જસ્ટિસ સૂર્યકાંતની ન્યાયિક કારકિર્દી અત્યંત નોંધનીય રહી છે. સુપ્રીમ કોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન, તેમણે કેટલાક ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વના ચુકાદાઓમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમાં જમ્મુ-કાશ્મીર માટેના કલમ 370ને નાબૂદ કરવાના નિર્ણય, અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને લૈંગિક સમાનતા જેવા સંવેદનશીલ અને બંધારણીય મુદ્દાઓ પરના મહત્ત્વના ચુકાદાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ હાઈકોર્ટમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને ન્યાયના ક્ષેત્રમાં તેમનો અનુભવ તેમને આ સર્વોચ્ચ પદ માટે વિશેષ યોગ્યતા પ્રદાન કરે છે.

જસ્ટિસ સૂર્યકાન્ત કોણ છે?
10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા જસ્ટિસ કાંત નાના શહેરના પ્રેક્ટિશનરમાંથી બારમાંથી ઉદય પામીને દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ સુધી પહોંચ્યા. વર્ષોથી તેઓ અનેક રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ચુકાદાઓ અને બંધારણીય નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેમણે 2011 માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, ‘ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ’ પ્રાપ્ત કર્યું.

જસ્ટિસ કાંત અગાઉ 5 ઓક્ટોબર, 2018થી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. તે પહેલાં, તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા.

ન્યાયાધીશ કાંત સંબંધિત કેટલાક નોંધપાત્ર નિર્ણયો

  • સુપ્રીમ કોર્ટમાં તેમના કાર્યકાળમાં કલમ 370, વાણી સ્વાતંત્ર્ય અને નાગરિકતાના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિર્ણયો શામેલ હતા, જે આજના બંધારણીય કાયદાને આકાર આપવામાં તેમની ભૂમિકા દર્શાવે છે.
  • ન્યાયાધીશ તાજેતરમાં રાષ્ટ્રપતિ સંદર્ભની સુનાવણી કરનારી બેન્ચમાં પણ હતા, જેમાં રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો સાથે વ્યવહાર કરવામાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તાઓના અવકાશની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં નિર્ણયની રાહ જોવાઈ રહી છે અને તેની ઘણા રાજ્યો પર મોટી અસર થવાની અપેક્ષા છે.
  • એક અલગ સુનાવણીમાં ન્યાયાધીશ કાંતે ચૂંટણી પંચને બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત રહેલા 6.5 મિલિયન મતદારોની માહિતી પ્રદાન કરવા અપીલ કરી હતી. આ નિર્દેશ ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટ રાજ્યની ચૂંટણીઓ પહેલાં મતદાર યાદીના ખાસ સઘન સંશોધન કરવાના કમિશનના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી.