Home Blog Page 26

જંતર-મંતર CJP પ્રદર્શનમાં ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા 2,500 લોકો ? FRSથી થયો મોટો ખુલાસો

0

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા CJP (કોકરોચ જનતા પાર્ટી)ના NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસનો મોટો દાવો સામે આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 20 જુલાઈની હિંસા બાદ લગાવવામાં આવેલી ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 2,500થી વધુ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ઓળખ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 20 જુલાઈના ‘સંસદ ચાલો’ માર્ચ દરમિયાન થયેલી અથડામણમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસકર્મીઓ પર ચાકૂ સહિત ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા વધારવા માટે જંતર-મંતરના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ FRSની ચાર યુનિટ તૈનાત કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના ડેટાબેઝ સાથે જોડાયેલી આ સિસ્ટમ 21થી 23 જુલાઈ દરમિયાન 2,500થી વધુ એવા લોકોની ઓળખ કરવામાં સફળ રહી, જેમનો અગાઉથી ગુનાહિત રેકોર્ડ હોવાનું પોલીસનો દાવો છે.

https://twitter.com/War_crazy44/status/2080773317515210921

આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 15 FIR નોંધાઈ છે અને પોલીસકર્મીઓ પર હુમલો તેમજ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર લોકો સામે તપાસ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે CJP દ્વારા જંતર-મંતર પર NEET પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરવામાં આવી રહી છે.

સુરતમાં ખાડી પૂર નિવારણ માટે સરકારની મોટી પહેલ, બે ઉચ્ચસ્તરીય સમિતિઓની રચના

સુરત: શહેરમાં દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવાની અને ખાડી પૂર (Creek Flooding)ની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે બે વિશેષ સમિતિઓની રચના કરી છે.

રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે અગ્ર સચિવ એમ. થેન્નારસન (IAS)ની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, સુરત કલેક્ટર તેજસ પરમાર, SUDAના CEO સહિત સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (R&B) તથા GPCBના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ પૂર નિયંત્રણ માટે તૈયાર થનારા માસ્ટર પ્લાન અને DPRની સમીક્ષા કરી મંજૂરી આપશે તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરશે.

શહેર કક્ષાની કમિટીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજનની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ (IAS), SUDA, જિલ્લા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારીઓ, SMCના એન્જિનિયરો અને SVNITના ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ડ્રેનેજ અને ખાડી વિસ્તારોનું ટેકનિકલ સર્વેક્ષણ કરશે, પાણી ભરાવાના કારણો અને દબાણો ઓળખશે તેમજ ટૂંકા અને લાંબા ગાળાના ઉકેલો અંગે ભલામણ કરશે.

ગુજરાત સરકારે સુરત મહાનગરપાલિકાને આ સમગ્ર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા મંજૂર થનારા તમામ પૂર નિવારણ અને ડ્રેનેજ સુધારણા પ્રોજેક્ટ્સનું અમલીકરણ SMC દ્વારા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સુરત શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઘટાડવા અને ખાડી પૂર સામે લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં મદદ મળશે.

પેપર લીક પર મોદી સરકારનો પ્રહાર, નવા કાયદામાં આટલા કરોડ સુધીના દંડની જોગવાઈ

NEET પેપર લીક વિવાદ અને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે પરીક્ષા ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી માટે મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2024માં સુધારા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકાર આ સુધારા બિલને આગામી સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

સુધારેલા કાયદામાં પેપર લીક કરનારા માફિયા અને સંગઠિત ગેંગ સામે વધુ કડક જોગવાઈઓ ઉમેરવામાં આવશે. પ્રસ્તાવિત ફેરફારો મુજબ પેપર લીકના ગંભીર કેસોમાં દોષિતોને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે NEET-UG પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને સંગઠનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યું હતું કે પેપર લીક લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ગંભીર સમસ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે પેપર લીક સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની પણ તૈયારી દર્શાવી છે. આવા કેસોમાં ત્રણ મહિનાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાની યોજના છે.

હાલમાં દેશમાં લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) અધિનિયમ, 2024 લાગુ છે, જે 21 જૂન 2024થી અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ પેપર લીક માટે 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે, જ્યારે સંગઠિત ગુનામાં 5 થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે.

NEET પેપર લીક કેસની તપાસ હાલ ચાલુ છે અને સરકાર પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે કાયદાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.

NEET પેપર લીક મામલે CJP-સરકાર વચ્ચે 45 મિનિટ બેઠક, ત્રણ માગણીઓ પર સરકાર પાસે માંગ્યો સમય

0

NEET પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ વચ્ચે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે શુક્રવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જે. પી.નડ્ડા અને જિતેન્દ્ર સિંઘ સાથે CJPના આશુતોષ રાકા અને સૌરવ દાસ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન CJP તરફથી સરકારને પોતાની ત્રણ મુખ્ય માગણીઓનું પત્ર સોંપવામાં આવ્યું હતું. બેઠક બાદ CJP નેતાઓએ જણાવ્યું કે તેમની ત્રણમાંથી બે માગણીઓ પર સરકાર વિચાર કરવા તૈયાર છે, જ્યારે અંતિમ નિર્ણય માટે સરકારે શનિવાર સુધીનો સમય માંગ્યો છે.

CJPએ કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ મૂકી છે. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામાની માંગ, NEET પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર અને વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ સામેલ છે.

CJP નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર શનિવાર સુધી યોગ્ય નિર્ણય નહીં લે તો દેશભરમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ બેઠક પહેલા CJPનું પ્રદર્શન દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહ્યું હતું, જે દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પ્રદર્શન સમયે કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવામાં આવી હતી, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

હવે સૌની નજર સરકારના નિર્ણય પર છે કે શું CJPની માગણીઓમાંથી કેટલી બાબતો સ્વીકારવામાં આવે છે.

Video: નવસારીમાં પૂરનો કહેર: કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી 30 લોકોનું રેસ્ક્યુ, NDRFએ 67 લોકોને બચાવ્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાતા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. મેંધર ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા આશરે 30 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિલધડક એર રેસ્ક્યુ ઓપરેશનમાં અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

ગણદેવી તાલુકાના સરીખુર્દ ગામમાં અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા અને કેટલાક લોકોને છત તથા ઊંચા સ્થળોએ આશરો લેવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRFની ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.

NDRF જવાનોએ ભારે પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સરીખુર્દ ગામમાંથી કુલ 67 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જેમાં 25 મહિલાઓ, 20 પુરુષો અને 22 બાળકોનો સમાવેશ થાય છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટ ગાર્ડ અને NDRFની સંકલિત કામગીરીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

વલસાડથી અમદાવાદ સુધી સેનાની મદદ, પૂર રાહત માટે Golden Katar Division તૈનાત

0

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂર જેવી સ્થિતિ વચ્ચે ભારતીય સેનાની Golden Katar Divisionને રાહત અને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વલસાડ, નવસારી તેમજ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સેનાની પૂર રાહત ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

સેનાના જવાનો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા, જરૂરી સામગ્રી પહોંચાડવા અને સ્થાનિક તંત્રને રાહત કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. નવસારીના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સેનાની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Golden Katar Division ભારતીય સેનાની મહત્વપૂર્ણ ઇન્ફેન્ટ્રી ડિવિઝન છે, જેને સત્તાવાર રીતે 11મી ઇન્ફેન્ટ્રી ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય મથક અમદાવાદમાં આવેલું છે અને તે સેનાની Southern Command હેઠળ કાર્ય કરે છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે સેનાની મદદ લેવામાં આવી છે.

ભારે વરસાદથી રેલવે સેવા ખોરવાઈ: પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો રદ કરી, મુંબઈ-સુરત-વલસાડ રૂટ સૌથી વધુ અસરગ્રસ્ત

0

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની કામગીરી પર મોટી અસર પડી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવા અને ઓપરેશનલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 24 જુલાઈના રોજ 15 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત એક સ્પેશિયલ ટ્રેનનું સમયપત્રક બદલવામાં આવ્યું છે, જ્યારે બે ટ્રેનોને આંશિક રીતે રદ અથવા ટૂંકાવવામાં આવી છે.

મુંબઈ-અમદાવાદ રેલ રૂટ પર ભારે વરસાદની અસર જોવા મળી છે. ખાસ કરીને ઘોલવડ-ઉમરગામ રોડ વચ્ચેના વિસ્તારમાં પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી 15 ટ્રેનોની યાદી
ટ્રેન નંબર ટ્રેનનું નામ/રૂટ
19002 સુરત – વિરાર
22444 બાંદ્રા ટર્મિનસ – કાનપુર સેન્ટ્રલ
19011 વલસાડ – દાહોદ
22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન
20959 વલસાડ – વડનગર
20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ
59049 વલસાડ – વડોદરા જંક્શન
12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ જંક્શન (શતાબ્દી)
12935 બાંદ્રા ટર્મિનસ – સુરત
69139 બોરીવલી – વલસાડ
59045 મુંબઈ સેન્ટ્રલ – વાપી
59024 વલસાડ – મુંબઈ સેન્ટ્રલ
19010 વિરાર – ભરૂચ જંક્શન
69161 વિરાર – સુરત
59039 વિરાર – વલસાડ

બે ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત
04727 હિસાર-વલસાડ એક્સપ્રેસ: ટ્રેનને મરોલી ખાતે ટૂંકાવવામાં આવી છે. મરોલીથી વલસાડ વચ્ચેની સેવા રદ રહેશે.
22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ: હવે આ ટ્રેન બાંદ્રા ટર્મિનસના બદલે સુરતથી શરૂ થશે. બાંદ્રા ટર્મિનસથી સુરત વચ્ચેનો ભાગ રદ રહેશે.

રેલવે પ્રશાસને જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ ટ્રેન સેવા તબક્કાવાર પૂર્વવત કરવામાં આવશે. મુસાફરોને સત્તાવાર રેલવે અપડેટ્સ ચેક કરવાની અપીલ કરવામાં આવી છે.

અલ-નીનો નહીં, PDO બન્યું ગુજરાતમાં અતિભારે વરસાદનું મોટું કારણ? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નવસારી, સુરત, વલસાડ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં થોડા જ કલાકોમાં 400 મિમીથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે નદીઓમાં પૂર, રસ્તાઓ પર જળબંબાકાર અને ખેતીને ભારે નુકસાન થયું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સ્થિતિ માત્ર એક વરસાદી સિસ્ટમનું પરિણામ નથી, પરંતુ વૈશ્વિક આબોહવાની પ્રક્રિયાઓ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે પેસિફિક ડેકેડલ ઓસિલેશન (PDO). PDO એ પ્રશાંત મહાસાગરના સપાટી તાપમાનમાં દાયકાઓ સુધી ચાલતા ફેરફારોનું ચક્ર છે. હાલમાં PDO મજબૂત નેગેટિવ ફેઝમાં હોવાનું માનવામાં આવે છે, જે ભારતીય દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને વધુ સક્રિય બનાવવામાં મદદરૂપ બની શકે છે. આવા સંજોગોમાં અરબી સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ વધે છે અને ચોમાસાની ટ્રફ વધુ મજબૂત બનતાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વધી જાય છે.

આ વર્ષે અનેક મોસમી મોડેલોએ અલ-નીનોના પ્રભાવને ધ્યાનમાં રાખીને વરસાદ સામાન્યથી ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હાલની પરિસ્થિતિમાં કેટલાક હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે PDOના નેગેટિવ ચરણે વરસાદ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હોઈ શકે છે. તેમ છતાં, નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે કોઈ એક પરિબળને જવાબદાર ગણાવી શકાય નહીં. ભારતીય મહાસાગર ડાયપોલ (IOD), સ્થાનિક નીચા દબાણની પ્રણાલીઓ, અરબી સમુદ્રમાંથી સતત ભેજનો પુરવઠો અને આબોહવા પરિવર્તન જેવા અનેક પરિબળો સાથે મળીને આવી અતિશય વરસાદી પરિસ્થિતિ સર્જાય છે.

હવામાન નિષ્ણાતોના મતે ભવિષ્યમાં વધુ ચોક્કસ આગાહી માટે ENSO ઉપરાંત PDO, IOD અને અન્ય વૈશ્વિક આબોહવા સૂચકોને પણ સમાન મહત્વ આપવું જરૂરી બનશે. વધતા આબોહવા પરિવર્તન વચ્ચે અતિશય વરસાદ અને પૂર જેવી ઘટનાઓની આવર્તન અને તીવ્રતા બંનેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી સમયસર આગાહી, અસરકારક આપત્તિ વ્યવસ્થાપન અને લોકોમાં વૈજ્ઞાનિક જાગૃતિ વધારવી હવે વધુ જરૂરી બની છે.

અમદાવાદમાં 24 કલાકમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો ; જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ઐતિહાસિક બેટિંગ કરી હતી. શહેરમાં સરેરાશ 295.59 મિમી (11.64 ઇંચ) વરસાદ નોંધાયો, જ્યારે અનેક વિસ્તારોમાં 16થી 18 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી.

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના સવારે 6 વાગ્યે જાહેર કરાયેલા આંકડા મુજબ બોપલમાં સૌથી વધુ 467.50 મિમી (18.41 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તેના પછી બાકરોલમાં 18.21 ઇંચ, સરખેજ અર્બન હેલ્થમાં 17.32 ઇંચ, જોધપુરમાં 16.46 ઇંચ, સરખેજમાં 16.34 ઇંચ, થલતેજમાં 16.08 ઇંચ, જોધપુર ઝોનલમાં 16.06 ઇંચ અને બોડકદેવમાં 16.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ઝોન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 16.88 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 14.32 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 12.58 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 12.42 ઇંચ, દક્ષિણ ઝોનમાં 9.27 ઇંચ, ઉત્તર ઝોનમાં 9.17 ઇંચ અને પૂર્વ ઝોનમાં 6.83 ઇંચ વરસાદ નોંધાયો હતો.

શહેરમાં કુલ વરસાદનો આંકડો 2,069.11 મિમી (81.46 ઇંચ) સુધી પહોંચ્યો હતો. ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા વાસણા બેરેજના તમામ 22 દરવાજા ખોલવામાં આવ્યા, જેથી વધારાનું પાણી સુરક્ષિત રીતે નીચેના વિસ્તારો તરફ છોડવામાં આવી શકે.

વાંગચુકના અનશન પાછળની ઇનસાઇડ સ્ટોરી, અમિત શાહથી લઈને નડ્ડા સુધીની ભૂમિકા

0

નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન વચ્ચે 26 દિવસથી અનિશ્ચિત ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આખરે કેન્દ્ર સરકારના લેખિત આશ્વાસન બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું. લાંબા સમયથી ચાલતી વાટાઘાટો, ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક અને કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા તથા ડૉ. જીતેન્દ્ર સિંહની સીધી મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરકારી સૂત્રો મુજબ, વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકની પત્ની ગીતાંજલી આંગમો સાથે ફોન પર વાત કરી અને સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક રીતે વિચાર કરી રહી હોવાનું વિશ્વાસ અપાવ્યો.

મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકને લેખિત આશ્વાસનપત્ર આપ્યું. તેમાં પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ હતો. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના સંસદ માર્ચમાં જોડાયેલા લોકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની સકારાત્મક ખાતરી. બીજું, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને પેપર લીક રોકવા માટે કડક કાયદો તથા નવા વિધેયકને સંસદમાં રજૂ કરવાની તૈયારી. ત્રીજું, શિક્ષણ સુધારાઓ પર સંસદમાં ચર્ચા. ચોથું, નીટ પેપર લીકથી અસરગ્રસ્ત અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સકારાત્મક વિચારણા. તેમજ પાંચમું, સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં.

આ આશ્વાસનો મળ્યા બાદ સોનમ વાંગચુકે 26 દિવસનું અનશન સમાપ્ત કરતાં કહ્યું કે આ માત્ર “અનશનનો અંત નહીં, પરંતુ જવાબદારીની શરૂઆત” છે. તેમણે જણાવ્યું કે દેશના હિતમાં અને સંભવિત હિંસા ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. તેમણે લદ્દાખ પરત જતાં પહેલાં વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા યુવાનો સાથે મુલાકાત કરવાની પણ જાહેરાત કરી.

અનશન સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાંગચુકના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી અને ડૉક્ટરોની સલાહનું પાલન કરવાની અપીલ કરી. બીજી તરફ, સરકારે પરીક્ષા પેપર લીક સામે વધુ કડક કાયદો અને ફાસ્ટ-ટ્રેક ન્યાયિક પ્રક્રિયા લાવવાની દિશામાં આગળ વધવાનું પણ સંકેત આપ્યું છે.