Home Blog Page 259

CISF યુનિટ-સુરત એરપોર્ટ દ્વારા ‘360° ટ્રાન્સફોર્મેશન’ પર બે દિવસીય તાલીમ યોજાઈ

CISF યુનિટ, સુરત એરપોર્ટ દ્વારા ‘૩૬૦° ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ અને મોટિવેશનલ ટૉક’ વિષય પર બે દિવસીય તાલીમ યોજાઈ હતી. જેનું સંચાલન બિહેવિયરલ ટ્રેનિંગ એક્સપર્ટ અને ‘સ્ટાર્ટ સીખના’ના સ્થાપક સુશ્રી સ્વાતિ બંસલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંશોધન અને અનુભવના આધારે, પ્રાચીન અંકશાસ્ત્રને આધુનિક માનવ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડી કુલ ૪૯ CISF કર્મચારીઓને માનવ વિચાર, લાગણીઓ અને વર્તન પર ઊંડું તેમજ વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ફરજના લાંબા કલાકો અને વ્યાવસાયિક દબાણના પડકારો દરમિયાન કર્મચારીઓમાં સ્વાસ્થ્ય, શિસ્ત, ફોકસ અને નેતૃત્વની ઊર્જાનો પુનઃસંચાર કરવાનો હતો. તેમજ કાર્યસ્થળ પર સકારાત્મકતા, ટીમ ભાવના અને સર્વગ્રાહી વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમમાં જોડાનારા દરેક સહભાગીઓએ શીખેલા કૌશલ્યોને વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

RSS વાળી ટી-શર્ટને લઈને કોમેડિયન કુણાલ કામરા ફરી મુશ્કેલીમાં, ભાજપે કાર્યવાહીની ચેતવણી આપી

0

કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ એક એવી ટી-શર્ટ પહેરેલા નજરે પડે છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મજાક ઉડાવી રહ્યો છે. આ પોસ્ટ પર ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી છે. પાર્ટીએ મંગળવારે સંભવિત પોલીસ કાર્યવાહીની ચેતવણી આપી છે.

કામરાએ સ્પષ્ટતા કરી
એકનાથ શિંદે પર કામરા દ્વારા કરવામાં આવેલી ટીકાને લગતા અગાઉના વિવાદના સંદર્ભમાં, કામરાએ તેની નવી પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે આ ફોટો કોઈ કોમેડી ક્લબમાં લેવામાં આવ્યો નથી. વધુમાં, ફોટામાં ‘R’ પુરો દેખાતો નથી, તેથી એવી અટકળો છે કે ટી-શર્ટ પરના અક્ષરો ‘PSS’ પણ હોઈ શકે છે.

પોલીસ તેના પર કાર્યવાહીની ચેતવણી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન “વાંધાજનક” સામગ્રી શેર કરશે તો પોલીસ તેના પર કાર્યવાહી કરી શકે છે. આ નિવેદન કામરાના તે ફોટાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં ટી-શર્ટ પર એક કૂતરાનો ફોટ અને RSS લખેલું ચિત્ર દેખાતું હતું.

RSS કડક જવાબ આપવો જોઈએ-સંજય શિરસાત
ભાજપના સહયોગી શિવસેનાના મંત્રી સંજય શિરસાતે કહ્યું કે RSS એ આ પોસ્ટનો કડક જવાબ આપવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કામરાએ અગાઉ વડા પ્રધાન મોદી અને એકનાથ શિંદે પર નિશાન સાધ્યું હતું, અને હવે તેમણે સીધા RSS પર હુમલો કર્યો છે. ભાજપે જવાબ આપવો જોઈએ. તેમણે એ પણ યાદ અપાવ્યું કે આ વર્ષે માર્ચમાં, શિંદે પર કામરાની ટિપ્પણીઓ બાદ, શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખારમાં હેબિટેટ કોમેડી ક્લબ અને તે હોટલમાં તોડફોડ કરી હતી. ભાજપના નેતાઓએ કામરાની નવી પોસ્ટને “અપમાનજનક અને ઉશ્કેરણીજનક” ગણાવી છે.

ગૌતમ ગંભીરે BCCIને પોતાના ભવિષ્ય પર નિર્ણય લેવા કહ્યું: “મહત્વપૂર્ણ ભારતીય ક્રિકેટ છે, હું નહીં”

0

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન પછી ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની ચારેબાજુથી ટીકાઓ થઇ રહી છે. ટેસ્ટ મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં કારમાં પરાજય બાદ તેના ભવિષ્ય પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) નિર્ણય કરવાનો છે. જોકે તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ટીમે કેટલી સફળતા મેળવી છે.

બુધવારે ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી થયેલા કારમા પરાજય પછી પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે કહ્યું કે મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈએ નક્કી કરવાનો છે. પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડમાં અનુકૂળ પરિણામો આપ્યા હતા અને હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ કોચ હતો. ઉલ્લેખનીય છે કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.

95/1 થી 112/7 સ્વીકાર્ય નથી – ગંભીર
ગંભીરે ચાલુ વર્ષના પ્રારંભે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ટાઇટલ જીત અને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે 2-2થી ડ્રો થયાનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામે 0-2થી હાર બાદ ગંભીરે કહ્યું કે દોષ દરેકનો છે અને તેની શરૂઆત મારાથી થાય છે. અમારે વધુ સારું રમવું પડશે. પ્રથમ ઈનિંગ્સમાં એક તબક્કે અમારો સ્કોર એક વિકેટે 95 રન હતો, જે 7 વિકેટે 122 રન થઈ ગયો હતો. આ સ્વીકાર્ય નથી.

દરેકનો દોષ છે
ગંભીરે કહ્યું કે તમે એક વ્યક્તિ અથવા ચોક્કસ શોટને દોષી ઠેરવી શકતા નથી. બધાનો દોષ છે. મેં ક્યારેય કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવ્યો નથી અને ભવિષ્યમાં પણ આવું કરીશ નહીં. ગંભીરની આગેવાનીમાં ભારત 18માંથી 10 ટેસ્ટ મેચ હારી ચૂક્યું છે, જેમાં ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ક્લિન સ્વિપ અને હવે સાઉથ આફ્રિકા સામે ક્લિન સ્વિપ સામેલ છે.

ટેસ્ટમાં કેવા ખેલાડીઓ જોઇએ
ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી હાર છે. ગંભીરે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે ખૂબ ઝડપી અને પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી. અમને મર્યાદિત કૌશલ વાળા મજબૂત માનસિકતાવાળા ખેલાડીઓની જરૂર છે. તેઓ સારા ટેસ્ટ ક્રિકેટર બને છે.

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા પૂર્વ મંગેતરે નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ

0

ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) એ આજે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ છે. તમને જણાવી દઈએ કે, આજથી એક વર્ષ અગાઉ ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી પર તેની પૂર્વ મંગેતરે દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં લગ્નની લાલચ આપી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધાનો આરોપ મૂકયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. આ મામલે માલવિયાનગર પોલીસે દૂષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે જીત રસિકભાઈ પાબારી પર આજથી એક વર્ષ પહેલા 26 નવેમ્બર 2024 ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને આજે ઠીક એક વર્ષ બાદ તે જ તારીખ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ જીત પાબારીએ આત્મહત્યા કરી લીધી છે. હાલમાં માલવિયાનગર પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની હત્યા? અદિયાલા જેલમાં મુલાકાત લેવા ગયેલી બહેનને ભગાડી

બુધવારે અફઘાન મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની રાવલપિંડીની અદિયાલા જેલમાં હત્યા કરવામાં આવી છે. આનાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. ઇમરાન ખાનના સમર્થકો માંગ કરી રહ્યા છે કે જો તેઓ સુરક્ષિત અને જીવિત છે, તો તેમને મળવા કેમ નથી દેવામાં આવી રહ્યા? લોકો સોશિયલ મીડિયા પર પણ શાહબાઝ શરીફની સરકાર સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની હત્યાની અફવાઓ તેજ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે, પરંતુ પાકિસ્તાનમાં તેમની હત્યાની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી છે. પાકિસ્તાની સેના અને સરકાર પર જેલમાં તેમને ત્રાસ આપવાનો આરોપ છે. જોકે, કોઈને પણ તેમને મળવા દેવામાં આવી રહ્યા નથી. મંગળવારે રાત્રે (25 નવેમ્બર) ઇમરાન ખાનની બહેનો, નૌરીન ખાન, અલીમા ખાન અને ઉઝમા ખાનને જેલમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ)ના કાર્યકરો કોઈપણ ભોગે ઇમરાન ખાનને મળવાની માંગ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન સરકાર તેમના મૃત્યુના અહેવાલોને અફવા ગણાવીને ફગાવી રહી છે.

PTI ના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા
અહેવાલો અનુસાર, ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા છે, અને માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ તેમના નેતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપે. સમર્થકોને નિયંત્રિત કરવા અને કોઈપણ હિંસક ઘટનાઓને રોકવા માટે જેલની બહાર સેંકડો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલો સૂચવે છે કે ઇમરાન ખાનની બહેનો, અલીમા ખાન, ડૉ. ઉઝમા અને નૂરીન નિયાઝી, અન્ય પાર્ટી નેતાઓ સાથે, જેલ નજીક ફેક્ટરી નાકા પર ધરણા પર બેઠા છે, પરંતુ તેમને આગળ વધવા દેવામાં આવ્યા નથી.

પંજાબ પોલીસ પર ક્રૂર હિંસાનો આરોપ
ઇમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનની પંજાબ પોલીસ પર ક્રૂર હિંસાનો આરોપ લગાવ્યો છે. પંજાબ પોલીસ વડા ઉસ્માન અનવરને કરેલી ફરિયાદમાં, નૂરીન નિયાઝીએ જણાવ્યું હતું કે 71 વર્ષની હોવા છતાં, પોલીસ અધિકારીઓ તેમને વાળ પકડીને બહાર કાઢ્યા. તેમણે આરોપ લગાવ્યો કે, અચાનક સ્ટ્રીટલાઇટ બંધ કરી દેવામાં આવી જેથી અંધારામાં પોલીસ કાર્યવાહી કરી શકે. બહેનોને ઇમરાન ખાનને મળવાની મંજૂરી ન મળ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ છેલ્લી વખત 30 ઓક્ટોબર, 2024 ના રોજ મળ્યા હતા. વધુમાં, ઓક્ટોબર 2024 થી, તેમના રાજકીય પક્ષના કોઈપણ સમર્થક કે સભ્યને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી, જે તેમના સ્વાસ્થ્ય અથવા તેમના અસ્તિત્વ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

ભારતીય સેનામાં આવી ભરતી, જો તમે આ લાયકાતો ધરાવો છો તો ફટાફટ કરો અરજી

0

ભારતીય સેના હાલમાં તેના સૌથી મોટા માનવશક્તિ સંકટમાંથી એકનો સામનો કરી રહી છે. આશરે 1.8 લાખ સૈનિકોની અછત સ્પષ્ટ થઈ ગઈ છે. કોવિડ-19 મહામારી દરમિયાન સેનાએ આ પરિસ્થિતિનો સૌથી વધુ સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભરતી બે વર્ષ સુધી બંધ રહી હતી અને દર વર્ષે હજારો સૈનિકો નિવૃત્ત થતા રહ્યા. ભરતીના આ અભાવ અને સતત નિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓમાં વધારો થયો. 2022માં અગ્નિપથ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો તે પહેલાં જ આ અછત ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી. આ તે જગ્યા છે જ્યાં ભારતીય સેનાનું માળખું ધીમે ધીમે અસંતુલિત થવા લાગ્યું.

અગ્નિપથ પ્રોજેક્ટ 2022માં અમલમાં મૂકવામાં આવ્યો હતો, અને પ્રથમ તબક્કામાં, ફક્ત 46,000 અગ્નિવીરોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી આશરે 40,000 સૈન્યમાં ગયા જ્યારે બાકીના નૌકાદળ અને વાયુસેનાને ફાળવવામાં આવ્યા હતા. યોજના મુજબ થોડા વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા વધારીને 1.75 લાખ કરવામાં આવી હતી પરંતુ આ સમયગાળા દરમિયાન 60,000-65,000 નિવૃત્ત સૈનિકો દર વર્ષે નિવૃત્ત થતા રહ્યા. નવા અગ્નિવીરોની સંખ્યા ઓછી હતી અને નિવૃત્તિઓ વધુ હતી. આના કારણે દર વર્ષે વધુ અછત સર્જાઈ અને દળનું સંતુલન બગડવા લાગ્યું.

પહેલી બેચ 2026 માં નિવૃત્ત થશે
અગ્નિવીર મોડેલ હેઠળ પહેલી બેચ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી 2026 માં નિવૃત્ત થવાનું શરૂ કરશે. આમાંથી માત્ર 25 ટકા કર્મચારીઓને કાયમી ધોરણે સેનામાં સોંપવામાં આવશે. ત્યારબાદ બાકીના કર્મચારીઓ જશે. આનાથી સેનાની એકંદર અછતમાં વધુ વધારો થશે. આ પડકારને ધ્યાનમાં રાખીને સેનાએ હવે તેની ભરતી પેટર્ન બદલવા માટે કામ કરવાનું શરૂ કર્યું છે.

દર વર્ષે 1 લાખથી વધુ અગ્નિવીરોની ભરતી કરવાની તૈયારીઓ
સૂત્રો અનુસાર સેના હવે મોટા પાયે ખાલી જગ્યાઓ ભરવાની યોજના બનાવી રહી છે. વર્તમાન વાર્ષિક ભરતી લગભગ 45-50 હજાર છે, જેને વધારીને 100,000 થી વધુ કરવાનો પ્રસ્તાવ છે. આટલી મોટી સંખ્યા જરૂરી છે કારણ કે પહેલી બેચ 2026 માં નિવૃત્ત થશે જ્યારે નિયમિત સૈનિકો નિવૃત્ત થતા રહેશે જેનાથી મોટો તફાવત સર્જાશે. સમયસર અછતને પહોંચી વળવા માટે 2025 થી ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

શું તાલીમ કેન્દ્રો આટલી મોટી બેચને સંભાળી શકશે?
સેના હાલમાં તેના રેજિમેન્ટલ કેન્દ્રોમાં શક્તિ, તાલીમ ક્ષમતાઓ અને ઉપલબ્ધ સ્ટાફનું મૂલ્યાંકન કરી રહી છે. મોટી સંખ્યામાં અગ્નિવીરોની ભરતી ફક્ત ત્યારે જ લાગુ કરવામાં આવશે જ્યારે ખાતરી કરવામાં આવે કે તાલીમની ગુણવત્તા પ્રભાવિત ન થાય અને તમામ સલામતી ધોરણો જાળવવામાં આવે. તેથી, નિર્ણય ઉતાવળમાં લેવામાં આવશે નહીં, પરંતુ સેનાની વાસ્તવિક ક્ષમતાઓ અનુસાર આગળ વધશે.

સેનાનું સત્તાવાર નિવેદન
મીડિયા સાથેની વાતચીતમાં, સેનાએ સ્પષ્ટ કર્યું કે અગ્નિપથના પ્રથમ તબક્કામાં 1.75 લાખ અગ્નિવીરોને સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વધુમાં વર્તમાન અછતને પહોંચી વળવા માટે વધારાની ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવશે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે આગામી મહિનાઓમાં નોંધપાત્ર ભરતીની અપેક્ષા રાખવામાં આવશે.

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ગરમાયો, શિવકુમારનો સિક્રેટ ડીલનો દાવો

0

કર્ણાટકમાં નેતૃત્વનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હાઇકમાન્ડને કન્ફ્યુઝન દૂર કરવા કહ્યું છે. તેમનું આ નિવેદન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતુ કે સત્તા વહેંચણી અંગે પાંચ કે છ પક્ષના સભ્યો વચ્ચે સિક્રેટ ડીલ થઈ હતી. અગાઉ, એઆઈસીસી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો જાહેરમાં ચર્ચા કરવાનો નથી. 20 નવેમ્બરે કોંગ્રેસ સરકાર તેના પાંચ વર્ષના કાર્યકાળનો અડધો ભાગ પૂર્ણ કરી રહી છે, ત્યારે પાર્ટીના ટોચના નેતૃત્વમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે.

નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો
2023 માં સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે થયેલી સત્તા વહેંચણીની ચર્ચા હવે સમાચારમાં છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે આ બાબતે હાઇકમાન્ડનો નિર્ણય તેમને અને શિવકુમાર સહિત દરેકને લાગુ પડશે. તેમણે કહ્યું, આખરે, નિર્ણય હાઇકમાન્ડે જ લેવાનો છે. અમે તેનું પાલન કરીશું. તેમણે એવી પણ માંગણી કરી કે હાઇકમાન્ડ આ કન્ફ્યુઝનને દુર કરવા માટે નિર્ણય લે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે રાહુલ ગાંધીને મળવાની તેમની કોઈ યોજના નથી.

પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ
આ અંગે ડીકે શિવકુમારની પ્રતિક્રિયા એ હતી કે, તેઓ આ મુદ્દા પર જાહેરમાં ચર્ચા કરવા માંગતા નથી કારણ કે તે પાર્ટીની અંદર પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ હતી. તેમણે કહ્યું, મેં મુખ્યમંત્રી બનાવવાની માંગ નથી કરી. આ પાંચ કે છ લોકો વચ્ચેની સિક્રેટ ડીલ છે. હું આ અંગે જાહેરમાં ચર્ચા કરવા માંગતો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પાર્ટીને શરમજનક કે નબળી પાડવા માંગતા નથી.

દરમિયાન, કોંગ્રેસ પક્ષની અંદરનો આ સત્તા સંઘર્ષ વિપક્ષો, એટલે કે ભાજપ અને જેડીએસ માટે એક હથિયાર બની ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે શાસક પક્ષના નેતાઓ મુખ્યમંત્રી પદ માટે લડી રહ્યા છે અને શાસનની અવગણના કરી રહ્યા છે.

મુંબઇમાં 5 મિત્રોએ જન્મદિવસ પર યુવકને બોલાવી, પેટ્રોલ છાંટીને આગ લગાવી

0

મુંબઈમાં એક વ્યક્તિના જન્મદિવસની ઉજવણી તેના મિત્રો દ્વારા જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના જન્મદિવસની ઉજવણી મૃત્યુની નજીક પહોંચી ગઈ. પાંચ મિત્રોના જૂથે તેમના એક મિત્ર, અબુલ રહેમાન મક્સૂદ આલમ ખાનને કેક કાપવા અને તેનો જન્મદિવસ ઉજવવાના બહાને આમંત્રણ આપ્યું હતું. જોકે, અબુલે કેક કાપવાનું શરૂ કરતાની સાથે જ, તેઓએ તેને જીવતો સળગાવી દેવાની તેમની મૂળ યોજનાને અમલમાં મૂકી. હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.

25 નવેમ્બરનો દિવસ હતો, અબુલ રહેમાન મકસૂદ આલમ ખાનના જન્મદિવસની પૂર્વસંધ્યાએ. રાત્રે લગભગ 8 વાગ્યે, તેના એક મિત્ર, અયાઝ મલિકે, તેને કેક કાપવાની યોજના વિશે જણાવવા માટે ફોન કર્યો. 21 વર્ષીય અબુલ ખુશ થઈને આ યોજનામાં સહમત થઈ ગયો.

પછી, મધ્યરાત્રિએ, બીજા મિત્ર, શરીફે ફોન કરીને અબુલને કોહિનૂર ફેઝ 3 સોસાયટીના વિંગ નંબર 26 પર આવવા કહ્યું. જ્યારે અબુલ નીચે ગયો, ત્યારે તેનું સ્વાગત પાંચ મિત્રો – અયાઝ મલિક, અશરફ મલિક, કાસિમ ચૌધરી, હુઝૈફા ખાન અને શરીફ શેખ – અને એક કેક દ્વારા કરવામાં આવ્યું.

પીડિતાએ જણાવ્યું કે, અબુલે કેક કાપવા અને તેના જન્મદિવસ પર વીંટી પહેરવા માટે છરી ઉપાડી કે તરત જ ઉજવણી જીવલેણ બની ગઈ. બધાએ તેના પર પથ્થરમારો શરૂ કરી દીધો.

આ દરમિયાન, અયાઝ પેટ્રોલની બોટલ લાવ્યો અને અશરફની મદદથી અબુલ પર રેડવાનું શરૂ કર્યું. અબુલને પેટ્રોલની ગંધ આવી અને તે ચીસો પાડવા લાગ્યો અને પૂછવા લાગ્યો, “તમે શું કરી રહ્યા છો?” બીજા ત્રણ આરોપીઓએ અબુલને પકડવાનો પ્રયાસ કર્યો અને કહેતા રહ્યા, “તે રેડો.”

અબુલ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અયાઝ મલિકે કથિત રીતે તેના લાઇટરથી તેને આગ લગાવી દીધી હતી. થોડી જ સેકન્ડોમાં, અબુલના કપડાંમાં આગ લાગી ગઈ અને તે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો.

પીડિત બાજુની ઇમારત તરફ દોડી ગયો. તેણે સુરક્ષા ગાર્ડ પાસેથી પાણીની બોટલ લીધી અને તે પોતાના પર રેડી, પરંતુ તે આગ ઓલવવા માટે પૂરતી ન હતી. ત્યારબાદ તે નજીકના નળ પાસે દોડી ગયો અને આગ ઓલવાઈ જાય ત્યાં સુધી પોતાના પર પાણી રેડતો રહ્યો.

આરોપીઓમાંથી એક હુઝૈફા અબુલને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં લઈ ગઈ.

મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં બેચલર ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ પ્રોગ્રામના બીજા વર્ષના વિદ્યાર્થી અબુલને ચહેરા, કાન, વાળ, છાતી, બંને હાથ અને જમણા હાથમાં ગંભીર દાઝી ગયેલી ઇજાઓ થઈ છે.

હત્યાના પ્રયાસના કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવી છે, અને પાંચ મિત્રોના નામ આપવામાં આવ્યા છે.

કમલા પસંદ પાન મસાલાના માલિકના પુત્રવધૂની આત્મહત્યા, જાણો સુસાઇડ નોટમાં શું લખ્યું?

0

દેશની જાણીતી પાન મસાલા બ્રાન્ડ ‘કમલા પસંદ’ અને ‘રાજશ્રી’ના માલિક કમલ કિશોરના પરિવારમાં એક દુઃખદ ઘટના બની છે. દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતી તેમની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયા (40 વર્ષ) એ આત્મહત્યા કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મંગળવાર સાંજે દીપ્તિનો મૃતદેહ તેમના ઘરના રૂમમાં ચૂંદડી વડે લટકાવેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટનાએ વેપારી વર્તુળ તેમજ પરિવારજનોમાં શોક અને દુઃખનો માહોલ છવાવી દીધો છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દીપ્તિ ચૌરસિયા અને તેમના પતિ હરપ્રીત ચૌરસિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક તણાવ ચાલી રહ્યો હતો. 2010માં લગ્ન કરનાર આ દંપતીને એક 14 વર્ષનો પુત્ર પણ છે. આત્મહત્યાના સાચા કારણને જાણી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પોલીસે એક સુસાઇડ નોટ પણ પ્રાપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નોટમાં દીપ્તિએ કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ લગાવ્યો નથી, પરંતુ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસના અભાવ અંગે ભાવનાત્મક લખાણ કર્યું છે. નોટમાં લખાયું છે: “જો કોઈ સંબંધમાં પ્રેમ ન હોય, વિશ્વાસ ન હોય, તો પછી તે સંબંધમાં રહેવાનું અને જીવવાનું કારણ શું છે?”

પોલીસ પ્રાથમિક તપાસમાં આ મામલાને આત્મહત્યા માની રહી છે, પરંતુ તમામ સંજોગોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પરિવારના સભ્યોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે દીપ્તિ કોઈ માનસિક તણાવ, ડિપ્રેશન અથવા અન્ય પારિવારિક સમસ્યાથી પીડાઈ રહી હતી કે નહીં. હાઈ-પ્રોફાઇલ કેસ હોવાથી પોલીસ દરેક પુરાવા અને ઘટનાના તમામ પાસાઓને ખૂબ ધ્યાનપૂર્વક તપાસી રહી છે.

દીપ્તિ અને તેના પતિ હરપ્રીત વચ્ચે ચાલી રહેલા મતભેદને ધ્યાનમાં રાખીને, પોલીસ હરપ્રીતનો વિગતવાર નિવેદન લઈ રહી છે અને જરૂર પડે તો વધુ પૂછપરછ કરવાની શક્યતા છે. પારિવારિક કલહના કેસોમાં માત્ર સુસાઇડ નોટના આધારે તમામ બાબતો સ્પષ્ટ થતી નથી, તેથી પરિવારજનો અને નજીકના લોકો પાસેથી દીપ્તિના છેલ્લા દિવસોના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ માહિતી મેળવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થતાં જ આ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવી શકે છે.

દિલ્હી હુમલોમાં NIAની મોટી કાર્યવાહી, આતંકી ઉમરને સહારો આપનાર સહિત 7ની ધરપકડ

0

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ એક વધુ આરોપીની ધરપકડ કરી છે, જે બ્લાસ્ટ કરનાર આતંકી ઉમર ઉન નબીને ઘટના પહેલાં છુપાવવાની જગ્યા અને અન્ય સુવિધાઓ આપી રહ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપી શોયબ, હરિયાણાના ફરીદાબાદના ધોઉજ વિસ્તારનો રહેવાસી છે. આ કેસમાં તે સાતમો આરોપી છે, જેની ધરપકડ થઈ છે. દિલ્હી બ્લાસ્ટ પછીથી શોયબ ભાગી ગયો હતો. NIAના જણાવ્યા અનુસાર, શોયબે આતંકી ઉમર ઉન નબીને ઘટના પહેલાં છુપાવ્યો હતો.

શોયબે ઉમરને કેવી મદદ આપી?
શોયબે બ્લાસ્ટ પહેલાં ઉમરને લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો, જેમાં રહેવા, મુવમેન્ટ અને અન્ય જરૂરિયાતોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓએ અગાઉ પણ 6 આરોપીઓને ધરપકડ કરી છે, જેમને ઉમરના સહયોગી તરીકે ઓળખવામાં આવ્યા છે.

આ ઉપરાંત, હુમલાની આખી સાજિશનું ખુલાસો કરવા માટે NIA અનેક રાજ્યોમાં દહેડુકી કરી રહી છે. આ સુસાઇડ કાર બ્લાસ્ટની સંપૂર્ણ સાજિશ ઉજાગર કરવા અને બાકીના સંડોવણીકર્તાઓ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ છે.

દિલ્હી બ્લાસ્ટની વિગતો
10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં થયેલા વિસ્ફોટે રાજધાની સહિત સમગ્ર દેશને હલાવી નાખ્યો હતો. આ ઘટનાને ‘વ્હાઇટ કોલર ટેરર’ નેટવર્કનો ભાગ ગણાવવામાં આવી રહ્યું છે, જેમાં વાંચનઘરેલા વ્યાવસાયિક ડોક્ટર્સની સંડોવણી છે. આ હુમલામાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસમાં આ હુમલાના તાર વિદેશો સાથે જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત થઈ છે, જેમાં પાકિસ્તાન તથા તુર્કીનો પણ હાથ હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી કોઈ વિદેશી આતંકવાદી વિરુદ્ધ નામીના રિપોર્ટ સામે આવ્યો નથી.

મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન નબી વિશે
આ કેસના મુખ્ય આરોપી 36 વર્ષીય ડૉ. ઉમર મોહમ્મદ ઉન નબી, પુલવામાનો ડોક્ટર છે, જેને સુસાઈડ બોમ્બર તરીકે ઓળખાય છે. તપાસમાં મળેલા વીડિયોમાં તે આ હુમલાને ‘વ્હાઈટ કોલર ટેરર ’ તરીકે યોગ્ય ઠેરવે છે. તે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિનના એસિસ્ટન્ટ પ્રોફેસર હતા અને તેઓએ બ્લાસ્ટ પહેલાં કારમાં બોમ્બ એસેમ્બલ કરવા માટે 3 કલાક વિતાવ્યા હતા.

આ ઘટના પછી કેન્દ્ર સરકારે તેને આતંકવાદી ઘટના ગણાવી છે અને તપાસ એજન્સીઓને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. દિલ્હી સરકારે પીડિતોના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.