Home Blog Page 230

નવા વર્ષમાં ગ્લોઈંગ સ્કિન માટે માત્ર આટલું કરો, સ્કિન ગ્લાસ જેવી ચમકશે !

નવા વર્ષની પાર્ટી માટે તૈયારીઓ ચાલી રહી છે અને જો તમે સુંદર અને અન્ય લોકોથી અલગ દેખાવા માંગતા હો તો ચમકતો ચહેરો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ સ્કિન કેર ટિપ્સ શોધી રહ્યા છો જેને અપનાવીને તમે નવા વર્ષ નિમિત્તે ગ્લોઈંગ સ્કિન સાથે પાર્ટીનો આનંદ માણી શકો છો. વાસ્તવમાં આજકાલ બીઝી લાઈફ અને મોડી રાત સુધી જાગવાને કારણે નિસ્તેજ, થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

સ્કિન કેર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્કિન કેર એક્સપર્ટ હાયાવીએ કેટલીક સરળ અને અસરકારક સ્કિન કેર હેક્સ જણાવી છે, જે ગ્લોઈંગ સ્કિન મેળવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

ડૉ. હાયાવીના મતે નવા વર્ષ પહેલા તમારી સ્કિનને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પહેલા હાયલ્યુરોનિક એસિડ ધરાવતું હાઇડ્રેટિંગ સીરમ લગાવોપછી તેને સમૃદ્ધ મોઇશ્ચરાઇઝરથી બંધ કરો. આ તમારી સ્કિનને અંદરથી હાઈડ્રેટ કરે છે.

ન્યુ યર ગ્લોઈંગ સ્કિન

  • માસ્કનો ઉપયોગ : નિયમિત નાઇટ ક્રીમને બદલે ઓવરનાઈટ માસ્કનો ઉપયોગ કરો. રાતોરાત માસ્ક તમારી સ્કિનને ઊંડે સુધી પોષણ આપે છે, તેને ચમકદાર બનાવે છે. ઓવરનાઈટ માસ્ક તમારી સ્કિનને સ્પા જેવો અનુભવ આપે છે. તેમાં સક્રિય ઘટકોની ઉચ્ચ સાંદ્રતા હોય છે જે તમે સૂતી વખતે સ્કિનમાં ઊંડે સુધી જઈને કામ કરે છે, અને તેજ માટે નિયાસીનામાઇડ ધરાવતા માસ્ક અથવા મજબૂતાઈ માટે પેપ્ટાઇડ્સ પસંદ કરો.
  • એક્સફોલિએટ કરો : ગ્લોઈંગ સ્કિન માટે એક્સફોલિએશન જરૂરી છે. એક્સફોલિએટિંગ ડેડ સ્કિનના કોષોને દૂર કરે છે અને તમારી સ્કિનને એક નવો ગ્લો આપે છે, પરંતુ તે કરવા માટે યોગ્ય સમય પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • શીટ માસ્કનો ઉપયોગ : શીટ માસ્ક તમારી સ્કિનને તરત જ હાઇડ્રેટ અને પોષણ આપે છે. શીટ માસ્ક એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે ગંદકી-મુક્ત અને ઉપયોગમાં સરળ છે.
  • આંખની ક્રીમનો ઉપયોગ : આઈ ક્રીમ તમારી આંખો નીચેની સ્કિનને હાઇડ્રેટ અને પોષણ આપે છે. આઈ ક્રીમ તમારી આંખોને તાજી અને ચમકતી બનાવે છે.

નાતાલના દિવસે અમેરિકા દ્વારા નાઇજીરીયા પર મિસાઈલ હુમલો, ટ્રમ્પે કરી જાહેરાત

એક અંદાજ મુજબ છેલ્લા એક દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના 80થી વધુ દેશોમાં “આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ”ના નામે હુમલા કરી ચુક્યું છે, એવામાં ગઈ કાલે નાતાલના દિવસે આ યાદીમાં હજુ એક દેશનું નામ ઉમેરાયું છે. યુએસ સેનાના આફ્રિકા કમાન્ડે પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાં મિસાઈલ હુમલો કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની જાહેરાત કરી હતી.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ્સ(IS)ના આતંકવાદીઓને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવમાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે નાઇજીરીયામાં ખ્રિસ્તીઓની ઘાતકી હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

નાઇજીરીયાના ઉત્તર ભાગમાં મુસ્લિમો અને દક્ષિણમાં રહેતા ખ્રિસ્તીઓની બહુમતી છે. નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં 15 વર્ષથી વધુ સમયથી ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામ આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાં બંને સુમુદાયના 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું.”આજે રાત્રે, કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશો પર યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી પર એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓ નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી રહ્યા હતાં.”

આતંકવાદીઓને મેરી ક્રિસમસ:
ટ્રમ્પે વધુ ચેતવણી આપતા કહ્યું કે તેઓ તેમના નેતૃત્વ હેઠળ યુએસ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને આગળ વધવા નહીં દે. જો ખ્રિસ્તીઓની કતલ ચાલુ રહેશે તો ઘણા આતંકવાદીઓ મોતને ભેટશે.

ટ્રમ્પે કહ્યું, “મેં અગાઉ આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા કરશે, તો તેમને કિંમત ચૂકવવી પડશે. ડીપાર્ટમેન્ટ ઓફ વોરએ હુમલાઓ કર્યા, કેમ કે યુએસ જ આવું કરી શકે એમ છે. ભગવાન આપણી સેનાને આશીર્વાદ આપે, માર્યા ગયેલા આતંકવાદીઓ સહિત બધાને મેરી ક્રિસમસ.”

નાઇજીરીયાની સરકારે જણાવ્યું કે તેમના દેશના સશસ્ત્ર જૂથો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંનેને નિશાન બનાવે છે, ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે એવા ટ્રમ્પના દાવા ભૂલ ભરેલા છે. ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ આતંકવાદી જૂથો લડાઈ માટે યુએસ સાથે કામ કરવા નાઇજીરીયાન સરકારે સંમતી દર્શાવી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાતના બે યુવાનોના મોત

0

રાજસ્થાનમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ-બરોડા એક્સપ્રેસવે પર ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. સવાઈ માધોપુર જિલ્લાના બાઉનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં ગુજરાતના બે યુવાનોના મોત થયા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફુલ સ્પીડે આવતી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને એક્સપ્રેસવે પર ખાડામાં પડી ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પિલર નંબર 246 પાસે થયો હતો, જ્યાં એક અજાણ્યા વાહને Kia Sonet કારને ટક્કર મારી હતી. ટક્કર લાગતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર બે લેન વચ્ચે ખાડામાં જઈને પડી. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ.

આ અકસ્માતમાં ગુજરાતના બરોડાના રહેવાસી કમલ ગોહિલ(35) નું ઘટનાસ્થળે જ મોત થયું છે. કારમાં સવાર ભાવનગરના રહેવાસી 32 વર્ષીય તેજસ્વી સોલંકી ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતાં, બાઉનલી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢ્યા અને બાઉનલી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. ડોક્ટરોએ કમલ ગોહિલને મૃત જાહેર કર્યો, જ્યારે તેજસ્વી સોલંકીને પ્રાથમિક સારવાર બાદ જયપુર રિફર કરવામાં આવ્યો હતો. જોકે, તેનું પણ જયપુર જતા રસ્તામાં જ મૃત્યુ થયું.

પોલીસે બંનેના મૃતદેહને સીએચસી બાઉનલી ખાતેના શબઘરમાં સુરક્ષિત રીતે રાખ્યા છે. પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરવામાં આવી છે. સવાઈ માધોપુર પહોંચ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.

અકસ્માત બાદ, ટ્રાફિકમાં અવરોધ ન આવે તે માટે ક્રેશ થયેલી સોનેટ કારને એક્સપ્રેસવે પરથી હટાવીને રેસ્ટ એરિયામાં પાર્ક કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતનું કારણ જાણવા માટે એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપી ડ્રાઇવરને ઓળખીને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA-National Tiger Conservation Authority) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જેને કારણે રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વાઘની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે વાઘની વસ્તી વધારવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વસાવી શકાય. સરકારનું માનવું છે કે અનુકૂળ પર્યાવરણ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાઘના કુટુંબ માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. વાઘ માટે રહેઠાણ, શિકાર માટે પૂરતું આહાર, પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં વન્યજીવન વૈવિધ્ય
ઉલ્લેખનીય છે કે સિંહ, દીપડા અને વાઘ – ત્રણેય મોટા બિલાડી પ્રજાતિ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. ગીરના સિંહ, વિવિધ વિસ્તારોમાં દીપડા અને હવે વાઘની હાજરી ગુજરાતના વન્યજીવન વૈવિધ્યને વધુ સમૃદ્ધ બનાવે છે.

આ સંદર્ભે ગુજરાત સરકારે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA)ને પત્ર લખી રાજ્યમાં વાઘ સંરક્ષણ અને વસવાટ માટેની તૈયારી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ NTCAની ટીમે ગુજરાતની મુલાકાત લઈ રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પરિસ્થિતિને વાઘ માટે અનુકૂળ ગણાવી હતી.

વન્યજીવન નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ગુજરાતમાં પર્યટનને પણ વેગ મળશે અને વન્યજીવન સંરક્ષણ અંગે જાગૃતિ વધશે. સાથે જ, રાજ્ય સરકાર માટે વાઘ સંરક્ષણ એક નવી જવાબદારી પણ બની છે. કુલ મળીને, NTCA દ્વારા ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવું રાજ્ય માટે ગૌરવની બાબત છે અને આવનારા સમયમાં ગુજરાત વાઘ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વૈભવ સૂર્યવંશીને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

0

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં જ વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી ચૂક્યો છે અને અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ક્રિકેટ પીચ પર તેની નોંધપાત્ર સફળતા માટે જ તેને ભારત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને દેશના સૌથી મોટા બાળ પુરસ્કાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ એક ખાસ સમારોહમાં બિહારના આ આશાસ્પદ બેટ્સમેનને વ્યક્તિગત રીતે આ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

શુક્રવાર, 26 ડિસેમ્બરના રોજ જ્યારે બિહારની ટીમ વિજય હજારે ટ્રોફીમાં તેની બીજી મેચ માટે મેદાન પર હતી, ત્યારે ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હાજર હતો. પ્રસંગ હતો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના સન્માનનો. દર વર્ષની જેમ, આ વર્ષે પણ દેશભરના ઘણા યુવાનો અને બાળકોને તેમની સિદ્ધિઓ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, કેટલાકને તેમની બહાદુરી માટે, તો કેટલાકને રમતગમત, સંગીત અથવા વિજ્ઞાનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવને ક્રિકેટની દુનિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મૂર્મુએ વૈભવને તેની સિદ્ધિઓ માટે એવોર્ડ અર્પણ કર્યો હતો, જેમાં IPLમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બનવાનો સમાવેશ થાય છે. એવોર્ડ માટે વૈભવનું નામ બોલાવાતાની સાથે જ સમગ્ર વિજ્ઞાન ભવન તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યો. વૈભવ નારંગી બ્લેઝર અને સફેદ કુર્તા-પાયજામો પહેરીને પહોંચ્યો હતો.

પુરસ્કાર મેળવવો એ ફક્ત તેના માટે જ નહીં, પરંતુ તેના પરિવાર માટે પણ ખૂબ ગર્વની ક્ષણ હતી, અને તેના ભાઈએ આ ક્ષણને બધા સાથે શેર કરી. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વૈભવને એવોર્ડ મેળવતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, આ અમારા માટે ગર્વની ક્ષણ છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા વૈભવને બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આપણા રાષ્ટ્રપતિએ વૈભવની પ્રશંસા પણ કરી.’

જયપુરમાં ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ

0

રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હિંસક બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જોકે ભારે જહેમત બાદ થોડા જ કલાકોમાં સ્થિતિ થાળે પડી હતી.

મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજથી જ મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પથ્થરો લાંબા સમયથી અવરોધરૂપ બનતા હોવાથી ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે, આ સફાઈ કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કરતા જ જોતજોતામાં ત્યાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અચાનક પોલીસ ટુકડી પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક અથડામણમાં અનેક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ અધિકારીઓએ પોતે મોરચો સંભાળીને મામલો શાંત પાડ્યો હતો.

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચોમૂ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસને ચોમૂમાં 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

પુણાગામમાં ઓવરસ્પીડે બે યુવાનોનો ભોગ લીધો

સુરત શહેરમાં ફરી એકવાર ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગના કારણે ગોઝારો અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં શિવનગર સોસાયટી નજીક BRTSના ડેડિકેટેડ રૂટમાં ઘૂસેલી એક સ્પોર્ટ્સ બાઈક ભયાનક રીતે અકસ્માતગ્રસ્ત થતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક સલામતી અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 18 વર્ષીય દિવ્યેશ પ્રવીણભાઈ કોટડીયા મૂળ ગીર સોમનાથનો રહેવાસી હતો અને હાલ પુણાના નેતલદે સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. દિવ્યેશ પરિવારનો એકનો એક દીકરો હતો અને મીની બજાર વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક સહાય આપતો હતો. બીજી તરફ, 23 વર્ષીય રોનક અશોકભાઈ સોલંકી મૂળ ગીર સોમનાથનો રહેવાસી હતો અને હાલ વરાછાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો હતો. રોનક પણ પરિવારનો એકમાત્ર પુત્ર હતો અને હીરાના લેસર મશીન પર કામ કરતો હતો.

બંને યુવકો રાત્રિ શિફ્ટ પૂર્ણ કર્યા બાદ મિત્રો સાથે સીતાનગરની ચાની દુકાને ચા પીવા ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વેળાએ રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા સર્કલ વચ્ચે BRTS રૂટ પર તેમની KTM સ્પોર્ટ્સ બાઈક અકસ્માતગ્રસ્ત થઈ. પ્રાથમિક તપાસ મુજબ, બાઈક ઓવરસ્પીડમાં હતી અને બંને સવારોએ હેલ્મેટ પહેરેલું નહોતું. સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હોવાની શંકા છે.

પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર એ સંદેશ આપ્યો છે કે ક્ષણિક રોમાંચ માટે ઝડપ અને નિયમોનો ભંગ કરવો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે.

કચ્છમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ગયા.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

યુપીનાં ઉદ્યોગ વિકાસને નવી ગતિ: ટાટા સન્સ અને સિફીના પ્રમુખો સાથે સીએમ યોગીની મુલાકાત

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો વર્ષના અંતનો સંકેત આપે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક પરિદૃશ્ય માટે, ડિસેમ્બર એક નવી શરૂઆત બની ગયો છે. દેશના બે મુખ્ય ઔદ્યોગિક જૂથો, ટાટા સન્સ અને સિફી ટેક્નોલોજીસના ટોચના નેતૃત્વએ રાજધાની લખનૌ પહોંચીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા અને રાજ્યમાં રોકાણ વધારવાનો સંકેત આપ્યો.

15 ડિસેમ્બરે, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને 23 ડિસેમ્બરે, સિફી ટેક્નોલોજીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજુ વેગેસ્નાએ મુખ્યમંત્રી યોગી સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. આ બેઠકોમાં, બંને જૂથોએ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી થયેલા રોકાણો, ચાલુ પ્રોજેક્ટ્સ અને ભવિષ્યના વિસ્તરણ યોજનાઓ વિશે માહિતી આપી હતી.

આ બેઠકો બદલાયેલા ઉત્તર પ્રદેશને પ્રતિબિંબિત કરે છે, જ્યાં મુખ્ય ઔદ્યોગિક ગૃહો હવે રાજ્યને લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય સ્થાન તરીકે જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોકાણકારોને ખાતરી આપી હતી કે તેમની સરકાર સ્થિર નીતિ માળખા, પારદર્શક વહીવટ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

યોગી સરકારના શાસનમાં ટાટા ગ્રુપનું રોકાણ કેવી રીતે વધી રહ્યું છે
બેઠકમાં, ટાટા ગ્રુપે લખનૌમાં એક અત્યાધુનિક “AI સિટી” વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે ઉત્તર પ્રદેશને કૃત્રિમ બુદ્ધિ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા તરફનું એક મોટું પગલું છે. લખનૌ અને નોઈડામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એકમોમાં કાર્યબળને 16,000 થી 30,000 સુધી વધારવા પર પણ ચર્ચા થઈ.

ટાટા ગ્રુપ તાજ, વિવાંતા અને સિલેક્શન બ્રાન્ડ્સ હેઠળ રાજ્યમાં 30 નવી હોટલો વિકસાવી રહ્યું છે, જેનાથી પ્રવાસન અને રોજગાર બંનેને વેગ મળશે. બેઠકમાં સંરક્ષણ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા અને અયોધ્યામાં ‘મ્યુઝિયમ ઓફ ટેમ્પલ્સ’ પ્રોજેક્ટની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉર્જા ક્ષેત્રમાં, ટાટા પાવર પ્રયાગરાજમાં બારા થર્મલ પ્લાન્ટમાં 1,900 મેગાવોટનું યુનિટ ચલાવે છે. બુંદેલખંડ અને પ્રયાગરાજમાં 50 મેગાવોટના સૌર પ્રોજેક્ટ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. ગોરખપુરમાં IIT કાનપુરના સહયોગથી 48 કરોડ રૂપિયાના ખર્ચે એક સેન્ટર ઓફ એક્સેલન્સ વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં યુવાનોને AI, ડ્રોન અને 3D પ્રિન્ટિંગ જેવી આધુનિક ટેકનોલોજીમાં તાલીમ આપવામાં આવશે.

યુપીમાં સિફીનું વધતું ટેકનોલોજી રોકાણ
સિફી ટેક્નોલોજીસના ચેરમેન રાજુ વેગેસનાએ મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં, કંપનીએ લખનૌ અને નોઈડામાં અત્યાધુનિક ડેટા સેન્ટરો સ્થાપિત કરવા માટે ₹12,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તેઓ આગામી ત્રણ વર્ષમાં આ રોકાણને બમણું કરવાની યોજના ધરાવે છે. લખનૌમાં

સિફીનું AI એજ ડેટા સેન્ટર ટૂંક સમયમાં સંપૂર્ણપણે કાર્યરત થશે, જ્યારે નજીકમાં એક વિશાળ હાઇપરસ્કેલ AI કેમ્પસનું પણ આયોજન છે. નોઈડામાં, સિફી ઉત્તર ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ, “નોઈડા-02” ચલાવે છે, જ્યાં બીજું AI કેમ્પસ વિકસાવવામાં આવશે.

ધુમાં, સિફીનું પ્રથમ ગ્રીન હાઇપરસ્કેલ ડેટા સેન્ટર, “નોઈડા-01,” હાલમાં 100 થી વધુ એન્ટરપ્રાઇઝ, સરકાર અને હાઇપરસ્કેલ ગ્રાહકોને સેવા આપે છે. ભવિષ્યમાં, લખનૌ અને નોઈડા AI ક્લસ્ટરોને સિફીના રાષ્ટ્રીય ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે.

બદલાતા વાતાવરણ વિશે નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતો માને છે કે યોગી આદિત્યનાથ સરકાર હેઠળ ઉત્તર પ્રદેશમાં વ્યવસાય અને રોકાણનું વાતાવરણ બદલાયું છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અટલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર ડૉ. બ્રજેશ કુમાર તિવારીના મતે, વાસ્તવિક વિકાસ ઉદ્ઘાટનથી નહીં પરંતુ વિશ્વાસથી શરૂ થાય છે, પછી ભલે તે નાગરિક સુરક્ષા હોય કે રોકાણકારોનો નીતિમાં વિશ્વાસ હોય.

તેમનો દલીલ છે કે વિશ્વસનીય પોલીસિંગ સિસ્ટમ જોખમ ઘટાડે છે અને મૂડી આકર્ષે છે. લખનૌમાં પ્રસ્તાવિત ટાટા એઆઈ સેન્ટર ઉત્તર પ્રદેશને ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ધાર આપશે, ઉચ્ચ-કુશળ નોકરીઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમને વેગ આપશે.

સમાજવાદી પાર્ટી સરકાર દરમિયાન ઉદ્યોગોનો અનુભવ
ઉદ્યોગનો અનુભવ પણ આ પરિવર્તનને રેખાંકિત કરે છે. ટાટા મોટર્સે ૧૯૯૨માં લખનૌમાં એક પ્લાન્ટ સ્થાપ્યો હતો, જ્યારે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં હતી. ૨૦૦૬માં, સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન, પ્લાન્ટના વિસ્તરણ માટે પ્રોત્સાહનોનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ ટાટાને તેનો લાભ મળ્યો ન હતો.

૨૦૧૨માં સમાજવાદી પાર્ટી સત્તામાં આવી તે પછી પણ, અગાઉના વચનોનો અમલ કરવામાં આવ્યો ન હતો. નિરાશ થઈને, ટાટા મોટર્સે તેના ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો ઉત્તરાખંડ ખસેડ્યો. ઉદ્યોગ આને નીતિગત અસ્થિરતાનું ઉદાહરણ માને છે.

કેનેડામાં બે અઠવાડિયામાં બે ભારતીયોના મોત: વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ

કેનેડામાં બે અઠવાડિયામાં બે ભારતીયોની હત્યાઓએ સનસનાટી મચાવી દીધી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોણ નિશાન બનાવી રહ્યું છે? તાજેતરનો મામલો ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનો છે, જેને ગયા મંગળવારે ટોરોન્ટોમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબોરો (UTSC) કેમ્પસ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પહેલા ગયા અઠવાડિયે વધુ એક ભારતીય નાગરિક હિમાંશુ ખુરાનાની હત્યા કરવામાં આવી હતી. કેનેડિયન પોલીસ હજુ પણ આ બે વિદ્યાર્થીઓને કોણે માર્યા તે અંગે અજાણ છે.

શિવાંક અવસ્થી અને હિમાંશી ખુરાના કોણ હતા?
ભારતીય મૂળનો 20 વર્ષનો વિદ્યાર્થી શિવાંક અવસ્થી, કેનેડાના ટોરોન્ટોમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબોરો (UTSC) કેમ્પસ નજીક અભ્યાસ કરી રહ્યો હતો. તે જીવ વિજ્ઞાનમાં ત્રીજા વર્ષનો અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતો (જોકે કેટલાક અહેવાલો સૂચવે છે કે તે ડોક્ટરલ વિદ્યાર્થી હતો, પરંતુ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ અનુસાર, તે અંડરગ્રેજ્યુએટ હતો). તે UTSC ચીયરલીડિંગ ટીમનો સક્રિય સભ્ય હતો. શિવાંકના સહાધ્યાયીઓ અનુસાર, તે મદદરૂપ અને હંમેશા હસતો વિદ્યાર્થી હતો. પ્રેક્ટિસ દરમિયાન તે દરેકનું મનોબળ વધારતો હતો. ૨૩ ડિસેમ્બરના રોજ હાઇલેન્ડ ક્રીક ટ્રેઇલ વિસ્તારમાં શિવાંકને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. આ કેસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી.

ગયા અઠવાડિયે હિમાંશીની પણ હત્યા કરવામાં આવી હતી.
એક અલગ ઘટનામાં, ગયા અઠવાડિયે ટોરોન્ટોમાં 30 વર્ષીય ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની પણ હત્યા કરવામાં આવી હતી. કેનેડિયન કાયદા અમલીકરણ અધિકારીઓએ હિમાંશીની હત્યાની પુષ્ટિ કરી છે અને શંકાસ્પદ, 32 વર્ષીય અબ્દુલ ગફૂરી સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે સર્ચ વોરંટ જારી કર્યું છે. 20 ડિસેમ્બરના રોજ સવારે 6:30 વાગ્યે પોલીસને હિમાંશી એક રહેઠાણની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પીડિત અને શંકાસ્પદ વ્યક્તિ એકબીજાને જાણતા હોવાનું કહેવાય છે. ટોરોન્ટો પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે.

ભારતીય દૂતાવાસે દુઃખ વ્યક્ત કર્યું
બે અઠવાડિયામાં બે ભારતીયોની હત્યાથી ભારતીય દૂતાવાસે દુ:ખ વ્યક્ત કર્યું છે.દૂતાવાસે બંને ભારતીયોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને પરિવારોને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. આ ઘટનાએ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેનેડામાં બે અઠવાડિયામાં બે ભારતીય નાગરિકોની હત્યાથી ભારતીય સમુદાયમાં પણ ચિંતા ફેલાઈ છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે તે પીડિત પરિવારના સંપર્કમાં છે અને સહાય પૂરી પાડી રહ્યું છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, “યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબોરો કેમ્પસ નજીક થયેલી ગોળીબારની ઘટનામાં એક યુવાન ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શ્રી શિવાંક અવસ્થીના દુ:ખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”