Home Blog Page 229

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ, હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો

0

ભારતની ટેક્ટોનિક પ્લેટમાં ભેદી હિલચાલ થઈ રહી છે. પૃથ્વીનો ઉપરનો હિસ્સો ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. એ મેગ્મા નામના પદાર્થ પર તરે છે. મેગ્મા એવા પદાર્થને કહેવાય છે કે જે ખનીજ, ગેસ વગેરેથી બને છે અને તે મજબૂત મિશ્રણ હોય છે. જો કોઈ સ્થળે એનો ભરાવો થાય તો એ લાવાના રૂપમાં બહાર નીકળે છે. એ પદાર્થ મેગ્મા પર ગાઢ ટેક્ટોનિક પ્લેટ હોય છે અને તેમાં જો હિલચાલ થાય તો ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટનું હલનચલન ખૂબ ઓછું હોય ત્યારે ભૂકંપની તીવ્રતા પણ નગણ્ય હોય છે, પરંતુ જો એમાં હિલચાલ વધે તો શક્તિશાળી ભૂકંપ ત્રાટકીને હાહાકાર મચાવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સિસ્મોલોજી વિભાગના સાઈમન ક્લેમ્પરર અને તેમની ટીમે ભારતની ટેક્ટોનિક પ્લેટનો અહેવાલ તૈયાર કરીને અમેરિકન જિયોફિઝિકલ યુનિયન સમક્ષ રજૂ કર્યો હતો. એમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતીય ટેક્ટોનિકમાં મોટી ઉથલપાથલ થઈ રહી હોવાથી હિમાલયન રેન્જ અને તિબેટ પર ભવિષ્યમાં મોટા ભૂકંપનો ખતરો છે. વૈજ્ઞાાનિકોએ નોંધ્યું કે ભારતની ટેક્ટોનિક પ્લેટ તિબેટની નીચે બે ભાગમાં વહેચાઈ રહી છે. નીચલો મજબૂત હિસ્સો એક તરફ ખસી રહ્યો છે અને ઉપરનો હિસ્સો મેંટલમાં સરકી રહ્યો છે. મેન્ટલ એને કહેવાય છે જે પ્લેટની નીચેનો હિસ્સો હોય. ઉપરનો હિસ્સો થોડો હળવો હોવાથી એ આગળની બાજુ સરકે છે. તેનાથી ભવિષ્યમાં હિમાલય હજુ ઊંચો થશે, અથવા તો એકાએક નીચો થઈ જશે. જોકે, આ પ્રક્રિયામાં સદીઓ નીકળી જશે.

નજીકમાં ખતરો એટલો છે કે ભારતની ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે પાંચ સેન્ટિમીટર પહોળી થઈ રહી છે. ખાસ તો આખીય પ્લેટ ઉત્તરની તરફ ખસે છે. તેનાથી તિબેટ અને હિમાલયના પેટાળમાં ખતરો સર્જાયો છે. ઉત્તર ભારત પર પણ ભૂકંપનો ખતરો છે. સેટેલાઈટ ઈમેજથી પણ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે તિબેટનો હિસ્સો હજુય ઊંચો થઈ રહ્યો છે. તેનો અર્થ એ કે બીજો હિસ્સો નીચે જશે. આ પ્રક્રિયા ધીમે થશે, પરંતુ લાંબાં ગાળાની અસર કરશે. આવું તારણ કાઢવા માટે બે બાબતો મહત્ત્વની સાબિત થઈ હતી.

વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે તિબેટના પાતાળ કુવાઓમાં હિલિયમ-૩ ગેસનું પ્રમાણ વધારે જોવા મળ્યું. હિલિયમ-૩ વાયુ વધારે હોય એનું કારણ એ કે તે તિરાડના કારણે જે મેન્ટલનો હિસ્સો બને છે એમાંથી એ ગેસ આવે છે. બજી બાબત એવી જાણી કે હિમાલયન રેન્જમાં ભૂકંપ આવે ત્યારે તેના વેવ્ઝ ટેક્ટોનિક પ્લેટથી કંઈક વિચિત્ર હરકત કરીને ફંટાઈ જાય છે. આ બંને બાબતોથી સંશોધકો એ તારણ પર આવ્યા કે ભારતની ટેક્ટોનિક પ્લેટમાં તિરાડ પડી રહી છે. ભવિષ્યમાં નવી જ પ્લેટ બનશે, પરંતુ તે દરમિયાન અનેક ભૂકંપો ત્રાટકે તેવી શક્યતા છે.

વડોદરામાં મનપાની બેદરકારી: ખુલ્લી ગટરમાં પડતાં નિવૃત Dy SPના પુત્રનું મોત

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી. જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિકોએ સાથે મળીને દોરડા વડે યુવકને બહાર કઢાયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો. નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ ન હતું.

આ વખતે એક યુવક ત્યાંથી પસાર થતો હોવાથી 30 ફૂટ ઊંડી અને ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેથી તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા-ચાલતા પડી ગયું હતું. જોકે, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો, પણ જો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ?

CBI કોર્ટનો મોટો ચુકાદો: 16 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં DRTના પૂર્વ ઇન્સ્પેક્ટર અને વકીલને સજા

0

અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મોટો નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2009ની આ ઘટનામાં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT)ના તત્કાલીન રિકવરી ઇન્સ્પેક્ટર અનિલકુમાર શર્મા તથા વકીલ અમિત કોટકને કોર્ટે ગુનેગાર ગણીને દરેકને બે વર્ષની સખત જેલની સજા ફટકારી છે. સાથે જ બંનેને દોઢ-દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 16 વર્ષથી ચાલી રહેલા આ કેસનો ચુકાદો 23 ડિસેમ્બર, 2025ના રોજ આવ્યો છે.

આ કેસની પૃષ્ઠભૂમિમાં જોતાં, અનિલકુમાર શર્મા તે સમયે અમદાવાદના અશ્રમ રોડ પર આવેલી DRT કચેરીમાં રિકવરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા, જ્યારે અમિત કોટક તે જ ટ્રિબ્યુનલમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ફરિયાદીના પિતરાઈ ભાઈની ત્રણ મિલકતોની હરાજી રોકવા અને પહેલેથી વેચાઈ ગયેલી એક મિલકતના દસ્તાવેજીકરણને અટકાવવા માટે બંનેએ 3.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમાંથી શરૂઆતમાં 1 લાખ રૂપિયા અને બાકીના 2.50 લાખ પાછળથી આપવાનું કહેવામાં આવ્યું હતું.

CBIને ફરિયાદ મળતાં જ તેમણે ઝડપી કાર્યવાહી કરી. 15 જાન્યુઆરી 2009ના રોજ ટ્રેપ ગોઠવીને વકીલ અમિત કોટકને 1 લાખ રૂપિયા લેતી વખતે રંગેહાથ પકડી પાડ્યો. બીજા દિવસે બંનેની ધરપકડ કરી તેમની ઓફિસ અને ઘરે તલાશી લીધી. તપાસ બાદ નવેમ્બર 2009માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

લાંચ માંગવા અને લેવાના આરોપો સાબિત થતા કોર્ટે આ કડક સજા ફટકારી છે. આ નિર્ણયને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે અધિકારીઓ અને કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પારદર્શિતા અને નૈતિકતા જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે. CBIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવા કેસોમાં કડક કાર્યવાહીથી ભ્રષ્ટાચાર પર નિયંત્રણ આવશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલામાં અકસ્માત, DSPને પાછળથી કારની જોરદાર ટક્કર

0

બિહારમાં શુક્રવારે એક વિચિત્ર ઘટના બની, જ્યાં મુખ્યમંત્રી નીતીશ કુમારના કાફલામાં સામેલ એક ગાડીએ ડ્યુટી પર તૈનાત એક વરિષ્ઠ પોલીસ અધિકારીને જ ટક્કર મારી દીધી. જોકે, ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓની સતર્કતાને કારણે ટ્રાફિક ડીએસપી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા હતા. જો થોડી પણ ચૂક થઈ હોત તો કોઈ મોટો અકસ્માત થઈ શકતો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી નીતીશ કુમાર શીખોના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ મહારાજના પ્રકાશ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

જ્યારે CM નીતીશ કુમાર દીદારગંજના બજાર સમિતિમાં બનેલા પ્રકાશ પુંજ પાસે વૉચ ટાવરનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે જ તેમના કાફલામાં સામેલ સ્કોર્પિયો ગાડીએ ડ્યુટી પર તૈનાત ટ્રાફિક ડીએસપીને ટક્કર મારી દીધી હતી. જોરદાર ટક્કર વાગતા જ ડીએસપી જમીન પર પડતા-પડતા બચ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે મુખ્યમંત્રી સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે સ્કોર્પિયોનો ડ્રાઈવર ગાડીને પાછળ (બેક) કરી રહ્યો હતો. આ દરમિયાન જ ડીએસપીને ટક્કર લાગી ગઈ. જોકે, ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી અને ડીએસપીને પકડી લીધા. તેમણે ગાડીને પાછળથી હાથ મારીને રોકી દીધી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

આ ઘટના બાદ ત્યાં હાજર પોલીસકર્મીઓ સ્કોર્પિયો પાસે ભેગા થઈ ગયા અને ડ્રાઈવરની પૂછપરછ કરવા લાગ્યા. સદભાગ્યે, ડીએસપીને કોઈ ઈજા થઈ ન હતી, નહીંતર મામલો મોટો બની શકતો હતો.

અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, બિઝનેસ મહાસંમેલન સહિત આ કાર્યક્રમમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ડિસેમ્બર રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી આપશે. આ સિવાય વિવિધ વિકાસ-લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.

રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ એક દિવસમાં વિવિધ સાત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ -IMA NATCON 2025 માં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. ત્યારબાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોપાલ ફાર્મ પાસે એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

  • કાર્યક્રમ 1 (જાહેર કાર્યક્રમ)
  • IMA ગુજરાત બ્રાન્ચ દ્રારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ-IMA NATCON 2025 જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી
  • સમય: સવારે 10:15 કલાકે
  • સ્થળ: ક્લબ 07, શેલા, અમદાવાદ
  • કાર્યક્રમ 2
    વૈષ્ણોદેવી સર્કલ થી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી AMC દ્વારા નાખવામાં આવેલ નવી ટૂંક મેઈન લાઈનના કાર્યનું લોકાર્પણ
    સમય: સવારે 11:30 કલાકે |
    સ્થળ: ગોપાલ ફાર્મ પાસે, એસપી રિંગ રોડ, શેલા, અમદાવાદ
  • કાર્યક્રમ 3 (જાહેર કાર્યક્રમ)
    નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ
    સમય: સવારે 11:45 કલાકે |
    સ્થળ: ભવાની ચોક, નવા વણઝર, અમદાવાદ
  • કાર્યક્રમ 4
    આઈકોનિક એસજી હાઇવે ના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ
    સમય: બપોરે 12:45 કલાકે
    સ્થળ: પકવાન સર્કલ પાસે, એસજી ડાઈવે, બોડકદેવ,અમદાવાદ
  • કાર્યક્રમ 5
    ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે
    સમય: બપોરે 1:00 કલાકે । સ્થળ: ગુરુદ્વારા, એસજી ડાઈવે, થલતેજ, અમદાવાદ
  • કાર્યક્રમ 6 (જાહેર કાર્યક્રમ)
    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન 2025 નો ઉદ્ઘાટન સમારોડ
    સમય: બપોરે 3:45 કલાકે |
    સ્થળ: વિશ્વ ઉમિયાધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ
  • કાર્યક્રમ 7 (જાહેર કાર્યક્રમ)
    સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ “નમોત્સવ”
    સમય: સાંજે 5:45 કલાકે |
    સ્થળ: સંસ્કાર ધામ, ગોધાવી, અમદાવાદ

તિરુવનંતપુરમમાં ઈતિહાસ રચાયો: પ્રથમ વખત BJPના મેયર બન્યા વી.વી. રાજેશ

0

વી.વી. રાજેશ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ BJP મેયર બન્યા છે. આ પદ પર પાર્ટીએ પ્રથમ વખત જીત મેળવી છે, જેનાથી 45 વર્ષના વામપંથી શાસનનો અંત આવ્યો છે. જણાવી દઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવ-નિર્વાચિત BJP પાર્ષદો અને પાર્ટીના જિલ્લા નેતાઓની બેઠકમાં પાર્ટીના રાજ્ય મહાસચિવ એસ. સુરેશે આ નામની જાહેરાત કરી છે. આ નિર્ણય પાર્ટીના રાજ્ય અને જિલ્લા નેતૃત્વ વચ્ચે લાંબી ચર્ચાઓ પછી લેવામાં આવ્યો છે.

વી.વી. રાજેશનું મેયર બનવું કેરળની રાજધાનીમાં BJP માટે એક પ્રતીકાત્મક સિદ્ધિ ગણાઈ રહ્યું છે. તેને રાજ્યની શહેરી રાજનીતિમાં મોટા ફેરફાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

વી.વી. રાજેશ કોણ છે?
આ પહેલાં નિવૃત્ત પોલીસ મહાનિદેશક (DGP) આર. શ્રીલેખાને મેયર પદના સંભવિત ઉમેદવાર તરીકે ધારીને ચલાવવામાં આવતી હતી, પરંતુ પાર્ટીના એક વર્ગે તેમની નિમણૂકનો વિરોધ કર્યો. અંતે BJPના રાષ્ટ્રીય નેતૃત્વના હસ્તક્ષેપ પછી રાજેશના નામ પર સહમતિ બની. વી.વી. રાજેશ બે વખત પાર્ષદ, રાજ્ય સચિવ, પૂર્વ યુવા મોરચા રાજ્ય અધ્યક્ષ અને પૂર્વ BJP તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યા છે. અગાઉની વિધાનસભામાં તેઓ વિપક્ષના વાસ્તવિક નેતા હતા. તેમણે CPIM શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું.

કોણે કેટલી સીટો જીતી?
જણાવી દઈએ કે BJPએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 50 સીટો જીતીને પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે અને ચાર દાયકાઓથી ચાલતા વામપંથી ગઢને તોડી નાખ્યો છે. કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોરચા (UDF)એ પણ પોતાની સીટોની સંખ્યા બમણી કરીને મહત્વની આગળ વધી છે. 100 વોર્ડોમાંથી LDFને 29 સીટો મળી છે, જ્યારે UDF 19 સીટો પર સીમિત રહ્યું છે. બે સીટો પર નિર્દલિય ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે એક વોર્ડમાં નિર્દલિય ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું.

જાપાનની રબર ફેક્ટરીમાં ચાકુથી હુમલો: 14 લોકો ઘાયલ, હુમલાખોર ઝડપાયો

આજે શુક્રવારે સાંજે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના મિશિમા શહેરમાં આવેલી એક રબર ફેક્ટરીમાં એક શખ્સે ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં 14 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન લોકો પર પ્રવાહી પણ છાંટવામાં આવ્યું હતું, હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરને ફેક્ટરીમાંથી જ પકડી પાડવામાં આવ્યો છે.

જાપાનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ હુમલામાં 14 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ઘાયલોની સ્થિતિ અંગે હજુ જાણકારી આપવામાં આવી નથી. હુમલાખોરની ઓળખ અને હુમલા પાછળના હેતુ અંગે તાપસ કરવામાં આવી રહી છે. યોકોહામા રબર કંપનીની મિશિમા શહેરમાં આવેલી ફેક્ટરીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, આ ફેક્ટરીમાં ટ્રક અને બસો માટે ટાયર બનાવવામાં આવે છે.

શાંત ગણાતા જાપાનમાં ગુનાખોરી વધી:
નોંધનીય છે કે જાપાનમાં મર્ડર રેટ ખુબ જ ઓછો છે અને બંદુક પર અત્યંત કડક કાયદાઓ છે. જાપાનમાં આવી હિંસક ઘટના દુર્લભ છે, છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઘટનાઓ બની રહી છે.

2022 માં ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની એક જાહેર સભામાં ગોળી મારીને હત્યા કરવમાં આવી હતી. 2023 માં ગોળીબાર અને છરા વડે થયેલા હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા, બાદમાં હુમલાખોરને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ વર્ષે મે મહિનામાં ટોક્યોના ટોડા-મે મેટ્રો સ્ટેશન પર છરી વડે હુમલો થયો હતો, જેમાં 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

એસ.ટી નિગમનો નવતર અભિગમ, વિમાન અને રેલવે જેવી આ સુવિધા હવે ગુજરાતની બસમાં અપાશે

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે.

એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે.

આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

પાયલોટ પ્રોજેકટ આ સ્ટેશનોથી શરુ થશે
આ સેવા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે.

આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે.

મુસાફર ઓનલાઈન એડવાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે. આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસ.ટી નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે.

સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં દંડની જોગવાઈ
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યું છે કે નક્કી થયેલ એજન્સી તમાકુ, બિડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહીં. બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં 5000 થી 10,000 રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

નવા વર્ષમાં ગ્લોઈંગ સ્કિન માટે માત્ર આટલું કરો, સ્કિન ગ્લાસ જેવી ચમકશે !

નવા વર્ષની પાર્ટી માટે તૈયારીઓ ચાલી રહી છે અને જો તમે સુંદર અને અન્ય લોકોથી અલગ દેખાવા માંગતા હો તો ચમકતો ચહેરો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ સ્કિન કેર ટિપ્સ શોધી રહ્યા છો જેને અપનાવીને તમે નવા વર્ષ નિમિત્તે ગ્લોઈંગ સ્કિન સાથે પાર્ટીનો આનંદ માણી શકો છો. વાસ્તવમાં આજકાલ બીઝી લાઈફ અને મોડી રાત સુધી જાગવાને કારણે નિસ્તેજ, થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

સ્કિન કેર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્કિન કેર એક્સપર્ટ હાયાવીએ કેટલીક સરળ અને અસરકારક સ્કિન કેર હેક્સ જણાવી છે, જે ગ્લોઈંગ સ્કિન મેળવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

ડૉ. હાયાવીના મતે નવા વર્ષ પહેલા તમારી સ્કિનને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પહેલા હાયલ્યુરોનિક એસિડ ધરાવતું હાઇડ્રેટિંગ સીરમ લગાવોપછી તેને સમૃદ્ધ મોઇશ્ચરાઇઝરથી બંધ કરો. આ તમારી સ્કિનને અંદરથી હાઈડ્રેટ કરે છે.

ન્યુ યર ગ્લોઈંગ સ્કિન

  • માસ્કનો ઉપયોગ : નિયમિત નાઇટ ક્રીમને બદલે ઓવરનાઈટ માસ્કનો ઉપયોગ કરો. રાતોરાત માસ્ક તમારી સ્કિનને ઊંડે સુધી પોષણ આપે છે, તેને ચમકદાર બનાવે છે. ઓવરનાઈટ માસ્ક તમારી સ્કિનને સ્પા જેવો અનુભવ આપે છે. તેમાં સક્રિય ઘટકોની ઉચ્ચ સાંદ્રતા હોય છે જે તમે સૂતી વખતે સ્કિનમાં ઊંડે સુધી જઈને કામ કરે છે, અને તેજ માટે નિયાસીનામાઇડ ધરાવતા માસ્ક અથવા મજબૂતાઈ માટે પેપ્ટાઇડ્સ પસંદ કરો.
  • એક્સફોલિએટ કરો : ગ્લોઈંગ સ્કિન માટે એક્સફોલિએશન જરૂરી છે. એક્સફોલિએટિંગ ડેડ સ્કિનના કોષોને દૂર કરે છે અને તમારી સ્કિનને એક નવો ગ્લો આપે છે, પરંતુ તે કરવા માટે યોગ્ય સમય પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • શીટ માસ્કનો ઉપયોગ : શીટ માસ્ક તમારી સ્કિનને તરત જ હાઇડ્રેટ અને પોષણ આપે છે. શીટ માસ્ક એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે ગંદકી-મુક્ત અને ઉપયોગમાં સરળ છે.
  • આંખની ક્રીમનો ઉપયોગ : આઈ ક્રીમ તમારી આંખો નીચેની સ્કિનને હાઇડ્રેટ અને પોષણ આપે છે. આઈ ક્રીમ તમારી આંખોને તાજી અને ચમકતી બનાવે છે.

નાતાલના દિવસે અમેરિકા દ્વારા નાઇજીરીયા પર મિસાઈલ હુમલો, ટ્રમ્પે કરી જાહેરાત

એક અંદાજ મુજબ છેલ્લા એક દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના 80થી વધુ દેશોમાં “આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ”ના નામે હુમલા કરી ચુક્યું છે, એવામાં ગઈ કાલે નાતાલના દિવસે આ યાદીમાં હજુ એક દેશનું નામ ઉમેરાયું છે. યુએસ સેનાના આફ્રિકા કમાન્ડે પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાં મિસાઈલ હુમલો કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની જાહેરાત કરી હતી.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ્સ(IS)ના આતંકવાદીઓને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવમાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે નાઇજીરીયામાં ખ્રિસ્તીઓની ઘાતકી હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

નાઇજીરીયાના ઉત્તર ભાગમાં મુસ્લિમો અને દક્ષિણમાં રહેતા ખ્રિસ્તીઓની બહુમતી છે. નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં 15 વર્ષથી વધુ સમયથી ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામ આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાં બંને સુમુદાયના 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું.”આજે રાત્રે, કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશો પર યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી પર એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓ નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી રહ્યા હતાં.”

આતંકવાદીઓને મેરી ક્રિસમસ:
ટ્રમ્પે વધુ ચેતવણી આપતા કહ્યું કે તેઓ તેમના નેતૃત્વ હેઠળ યુએસ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને આગળ વધવા નહીં દે. જો ખ્રિસ્તીઓની કતલ ચાલુ રહેશે તો ઘણા આતંકવાદીઓ મોતને ભેટશે.

ટ્રમ્પે કહ્યું, “મેં અગાઉ આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા કરશે, તો તેમને કિંમત ચૂકવવી પડશે. ડીપાર્ટમેન્ટ ઓફ વોરએ હુમલાઓ કર્યા, કેમ કે યુએસ જ આવું કરી શકે એમ છે. ભગવાન આપણી સેનાને આશીર્વાદ આપે, માર્યા ગયેલા આતંકવાદીઓ સહિત બધાને મેરી ક્રિસમસ.”

નાઇજીરીયાની સરકારે જણાવ્યું કે તેમના દેશના સશસ્ત્ર જૂથો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંનેને નિશાન બનાવે છે, ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે એવા ટ્રમ્પના દાવા ભૂલ ભરેલા છે. ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ આતંકવાદી જૂથો લડાઈ માટે યુએસ સાથે કામ કરવા નાઇજીરીયાન સરકારે સંમતી દર્શાવી છે.