Home Blog Page 21

રેડ એલર્ટ વચ્ચે સુરતમાં ખાડી પૂરનો ભય, NDRF-SDRF સહિત રેસ્ક્યૂ ટીમો તૈનાત

સતત વધી રહેલા વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની ખાડીઓના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે તંત્ર એલર્ટ મોડ પર છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજે જણાવ્યું કે શહેરમાં કલાકે કલાકે વરસાદની તીવ્રતા વધી રહી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારો, કીમ અને ભરૂચ હાઇવે તરફના વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાંજ સુધીમાં વિવિધ ખાડીઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચવાની શક્યતા છે.

ખાડીઓ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની અને જળબંબાકાર સર્જાવાની આશંકા છે. આ સંજોગોમાં મનપાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી માટે 1 NDRF અને 2 SDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે 16 રેસ્ક્યૂ બોટ પણ તૈયાર રાખવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, ભોજન અને તબીબી સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

કમિશનરે ખાસ કરીને વેલંજા, ગોઠણ તેમજ કીમ-ભરૂચ હાઇવે નજીકના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને જરૂરી હોય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવું અત્યંત જરૂરી છે. હાલ સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું છે.

નવસારીના ગણદેવામાં કરૂણ દુર્ઘટના: વીજકરંટથી 3 મજૂરોના મોત, 3 ગંભીર

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આજે કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મજૂરોથી ભરેલો ટેમ્પો અકસ્માતે ઉપરથી પસાર થતા વીજ તારના સંપર્કમાં આવી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ થયેલા બે મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ગણદેવી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

રાજ્યસભા બાદ હવે લોકસભામાં પણ ‘વંદે માતરમ’ Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026 પાસ

‘વંદે માતરમ’ને લઈને સંસદમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું ‘Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026’ આજે લોકસભામાં પણ મંજૂર થઈ ગયું છે. આ સાથે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ આપવાનો માર્ગ ખુલ્યો છે.

હવે આ બિલ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ‘વંદે માતરમ’ના અપમાન અથવા તેના ગાનમાં વિક્ષેપ જેવા મામલાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ ખુલશે.

આ સુધારા દ્વારા Prevention of Insults to National Honour Act, 1971માં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાન સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. નવા સુધારા બાદ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને પણ આ જ સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.

સરકારનું કહેવું છે કે ‘વંદે માતરમ’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક રહ્યું છે અને તેને રાષ્ટ્રીય સન્માન સાથે જોડાયેલી સમાન કાનૂની સુરક્ષા મળવી જોઈએ.

31 જુલાઈએ ઘરની બહાર નીકળતા પહેલાં સુરતવાસીઓ આ સમાચાર જરૂર વાંચજો! IMDની મોટી ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બનવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી નવી આગાહી મુજબ 31 જુલાઈ, શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.


દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદ સૌથી વધુ અસરકારક રહેવાની સંભાવના છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને સ્થાનિક સ્તરે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા પડવાની સંભાવના હોવાથી નાગરિકોને ખુલ્લા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે.

નાસીરનગર ડિમોલિશન કેસમાં HCનો સવાલ: ‘અધિકારીઓ ભૂલ કરે તો પણ કોઈ કાર્યવાહી નહીં થાય?’ SMC કમિશનર મુદ્દે સરકારને ઘેર્યું

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણીએ ફરી એકવાર સમગ્ર મામલાને ચર્ચામાં લાવી દીધો છે. કોર્ટે SMC કમિશનર હજુ પણ હોદ્દા પર હોવા અંગે રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને પૂછ્યું કે અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય તો રાજ્યની છબી કેવી બનશે?

નાસીરનગર ડિમોલિશન મામલે 26 અરજદારોની અરજી પર થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, અધિકારીઓ કંઈ પણ કરે અને તેમને કોઈ અસર ન થાય તેવી સ્થિતિ યોગ્ય નથી. જોકે કમિશનરને હટાવવા કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારનો વિષય હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન કરાયેલી જમીન ખાનગી માલિકીની છે. જ્યારે જમીન માલિકના વકીલે જણાવ્યું કે જમીન અગાઉથી જ SMCને સોંપવામાં આવી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે રોડલાઇન પર દબાણ હોય તો પણ યોગ્ય પ્રક્રિયા અને નોટિસ વિના કાર્યવાહી કરી શકાય નહીં.

સરકાર તરફથી જણાવાયું કે સમગ્ર મામલાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે અને તેનો અહેવાલ 60 દિવસમાં રજૂ કરાશે. હાઇકોર્ટે તપાસની નિષ્પક્ષતા પર ભાર મૂકતા પૂછ્યું કે કમિશનર હોદ્દા પર રહેતા તપાસને અસર તો નહીં થાય ને?

આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટે યોજાશે. દરમિયાન રાજ્ય સરકારને સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારવા હાઇકોર્ટે સૂચના આપી છે.

NEET પેપર લીક તપાસમાં મોટો ખુલાસો! આ કોડનેમથી તૈયાર થયા હતા પ્રશ્નપત્ર સેટ

દેશભરમાં કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા NEET પેપર લીક કેસમાં તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના વિવિધ પ્રશ્નપત્ર સેટને આંતરિક રીતે ‘કૈલાશ‘ અને ‘શિવાલિક‘ જેવા કોડનેમ આપવામાં આવ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ કોડનેમ ધરાવતા પ્રશ્નપત્રો પરીક્ષા પહેલાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા અને આખું કાવતરું કેવી રીતે રચાયું હતું.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ કોડનેમનો ઉપયોગ પ્રશ્નપત્રના અલગ-અલગ સેટની ઓળખ અને સુરક્ષા માટે કરવામાં આવતો હતો. CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં ત્રણ વિષય નિષ્ણાતોની ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી છે. તેમના પર પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર સુધી પહોંચ મેળવી તેને લીક કરવામાં સહભાગી હોવાનો આરોપ છે. કેસમાં મોટી સંખ્યામાં દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

તપાસ દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પેપર લીકમાં સામેલ તમામ લોકોની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. સાથે જ કોડનેમ આધારિત પ્રશ્નપત્રોની હેરફેર ક્યાંથી શરૂ થઈ અને તે કેવી રીતે બહાર આવ્યા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ ખુલાસાએ ફરી એકવાર દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વંદે માતરમ’ના અપમાન પર હવે જેલની સજા? રાજ્યસભાએ પાસ કર્યું મહત્વપૂર્ણ બિલ, જાણો શું બદલાશે

0

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને હવે રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલું જ કાનૂની રક્ષણ મજબૂત બન્યું છે. રાજ્યસભાએ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (સંશોધન) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલ અમલમાં આવ્યા બાદ વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું, તેના ગાનમાં અવરોધ ઉભો કરવો અથવા તેના ગાન દરમિયાન સભામાં વિક્ષેપ પાડવો કાયદેસર ગુનો ગણાશે અને તેના માટે ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ રહેશે.

હાલમાં અમલમાં રહેલો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 રાષ્ટ્રીય ધ્વજ, ભારતીય સંવિધાન અને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ને કાનૂની સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ગાનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરવો અથવા તેનું ગાન અટકાવવું દંડનીય ગુનો છે. નવા સંશોધન દ્વારા આ જ સુરક્ષા હવે ‘વંદે માતરમ’ સુધી વિસ્તૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે આ માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક ધરોહર, સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં આ ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સભામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ને ‘જન ગણ મન’ જેટલું જ સન્માન આપવામાં આવશે. જોકે, તેને અત્યાર સુધી સમાન કાનૂની રક્ષણ મળતું નહોતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન દ્વારા તે તફાવત દૂર કરવામાં આવશે.

રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કાયદો બનવા માટે બાકી રહેલી બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થવી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી રહેશે.

Video: હવે માલસામાન પણ દોડશે વંદે ભારતની સ્પીડે, ટોપ સ્પીડ રહેશે આટલા KM પ્રતિ કલાક

ભારતીય રેલવે હવે માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ ઝડપી માલસામાન પહોંચાડવામાં પણ નવી ક્રાંતિ લાવવા તૈયાર છે. 145 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ હાંસલ કરનારી દેશની પ્રથમ વંદે ભારત આધારિત હાઈ-સ્પીડ ફ્રેટ EMU (કાર્ગો ટ્રેન) નું ટ્રાયલ શરૂ થયું છે. આ ટ્રેન સફળ થઈ તો ઈ-કોમર્સ પાર્સલ, દવાઓ, નાશવંત ખાદ્યપદાર્થો અને કોલ્ડ-ચેન લોજિસ્ટિક્સનું પરિવહન પહેલાં કરતાં વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે થઈ શકશે.

ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં નિર્મિત 16 કોચની આ પ્રોટોટાઇપ કાર્ગો ટ્રેનનું પરીક્ષણ રાજસ્થાનના કોટા-નાગદા-સવાઈ માધોપુર હાઈ-સ્પીડ રેલવે સેક્શન પર થઈ રહ્યું છે. પશ્ચિમ-મધ્ય રેલવેના જણાવ્યા મુજબ પ્રથમ જ દિવસે ટ્રેને સફળતાપૂર્વક 145 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. આગામી લગભગ એક મહિના દરમિયાન વિવિધ ગતિ, ભાર અને ઓપરેશનલ પરિસ્થિતિઓમાં તેના અનેક ટેક્નિકલ ટેસ્ટ હાથ ધરાશે.

આ ફ્રેટ EMUમાં કુલ 16 કોચ છે, જેમાં 12 પાર્સલ કોચ, 2 રીફર (રેફ્રિજરેટેડ) વાન અને 2 અન્ય કોચનો સમાવેશ થાય છે. ટ્રેનની કુલ પેલોડ ક્ષમતા 397 ટનથી વધુ છે અને તેમાં 20 ટનથી વધુ એક્સલ લોડ ક્ષમતા છે. ટ્રેનમાં રેફ્રિજરેટેડ પાર્સલ સુવિધા, ફોર્સ્ડ વેન્ટિલેશન, ન્યૂમેટિક રિટ્રેક્ટેબલ રોલર ફ્લોરિંગ, આધુનિક બ્રેકિંગ અને પ્રોપલ્શન સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સુરક્ષા માટે ભારતીય રેલવેની કવચ (KAVACH) એન્ટી-કોલિઝન સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે.

ટ્રાયલ દરમિયાન ઓસિલેશન ટેસ્ટ, ઇમર્જન્સી બ્રેકિંગ, કપલર ફોર્સ, કર્વ પરફોર્મન્સ, ટ્રેક્શન, બ્રેકિંગ, રિજનરેટિવ એનર્જી, સિગ્નલિંગ અને અન્ય સુરક્ષા પરીક્ષણો કરવામાં આવશે. તમામ પરીક્ષણો સફળ રહ્યા બાદ આ હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેન દેશના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ઝડપી અને સમયસર માલ પરિવહન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

હાથ ગુમાવ્યો, હિંમત નહીં! આદિવાસી ગામના દિલીપ ગાવિતે કોમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, જાણો સંઘર્ષથી ગોલ્ડ સુધીની સફર

0

ગ્લાસ્ગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ, જ્યારે નાસિક જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામમાંથી આવેલા પેરા એથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં ગેમ્સ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો. પાંચ વર્ષની ઉંમરે અકસ્માતમાં એક હાથ ગુમાવનાર દિલીપ આજે પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પથી દેશના કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. તેની આ સફર સાબિત કરે છે કે મુશ્કેલીઓ ભલે મોટી હોય, પરંતુ મજબૂત ઇચ્છાશક્તિ હોય તો સફળતા જરૂર મળે છે.

દિલીપ ગાવિતનો જન્મ મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલા તોરણ ડોંગરી ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણમાં ઝાડ પરથી પડી જતાં તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. સમયસર યોગ્ય સારવાર ન મળતાં ચેપ ફેલાયો અને અંતે તેનો એક હાથ કાપવો પડ્યો. આ ઘટના બાદ પણ તેણે જીવન સામે હાર માની નહીં. ગામમાં પૂરતી રમતગમતની સુવિધા ન હોવા છતાં તેણે દોડ પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો. શાળાના દિવસોમાં તેના કોચ વૈજનાથ કાલેએ તેમની પ્રતિભા ઓળખી અને વ્યવસ્થિત તાલીમ આપીને તેને પેરા એથ્લેટિક્સ તરફ આગળ વધાર્યો.

ગ્લાસ્ગોમાં યોજાયેલી 100 મીટર T47 ફાઇનલ વરસાદથી ભીના ટ્રેક પર યોજાઈ હતી. શરૂઆતમાં દિલીપ પાછળ દેખાતો હતો, પરંતુ અંતિમ મીટરોમાં તેણે જોરદાર ઝડપ પકડી 10.71 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જ સ્પર્ધામાં ભારતના મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતતા ભારતે ઐતિહાસિક 1-2 ફિનિશ નોંધાવી.

દિલીપ અગાઉ 400 મીટર T47 સ્પર્ધામાં પણ એશિયન સ્તરે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હવે તેનું આગામી લક્ષ્ય જાપાનમાં યોજાનારી પેરા એશિયન સ્પર્ધા અને ત્યારબાદ લોસ એન્જેલિસ 2028 પેરાલિમ્પિક્સમાં ભારત માટે વધુ સફળતા મેળવવાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં દિલીપનું આ ગોલ્ડ ભારત માટે ત્રીજું સુવર્ણ ચંદ્રક બન્યું અને દેશના પદકોની સંખ્યામાં વધુ વધારો કર્યો.

‘રામાયણ’નો ધમાકેદાર ટ્રેલર રિલીઝ: શ્રીરામ તરીકે રણબીર કપૂરે જીત્યું દિલ, રાવણના રોલમાં યશનો ખૂંખાર અવતાર છવાયો

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નો ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયો છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, શક્તિશાળી બેકગ્રાઉન્ડ સ્કોર અને કલાકારોના અભિનયને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં શાંત, સૌમ્ય અને પ્રભાવશાળી અંદાજમાં જોવા મળે છે. જ્યારે યશ રાવણના પાત્રમાં પોતાના ખૂંખાર અને શક્તિશાળી લુકથી સમગ્ર લાઇમલાઇટ ચોરી લે છે. સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં ખૂબ જ સુંદર અને અસરકારક લાગી રહી છે.

ટ્રેલરની શરૂઆત રાવણના શક્તિશાળી સંવાદથી થાય છે, જેમાં તે પોતાને ત્રણેય લોકનો સ્વામી ગણાવે છે. રાવણના અત્યાચાર વધતા ભગવાન વિષ્ણુ શ્રીરામ તરીકે અવતાર ધારણ કરે છે અને અધર્મના અંત માટે ધર્મયુદ્ધની શરૂઆત થાય છે. ત્યારબાદ શ્રીરામનું બાળપણ, માતા સીતાસાથેનું લગ્ન, 14 વર્ષનો વનવાસ અને અંતે સીતાહરણ બાદ લંકા સામેના મહાયુદ્ધની ઝલક દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને કાજલ અગ્રવાલ મંદોદરીના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત સની દેઓલ, રકુલ પ્રીત સિંહ અને અરુણ ગોવિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ આ વર્ષની દિવાળી પર સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થશે. મીડિયા અહેવાલો મુજબ, બંને ભાગનો અંદાજિત બજેટ લગભગ ₹4,000 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે.