Home Blog Page 21

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા કલેક્ટરનો હુકમ

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૬ અને તા. ૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. તોફાની પવન અને ભારે વરસાદના કારણે કોઈ અણબનાવ ન બને તથા વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ તેજસ પરમારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે.


​આ હુકમ મુજબ સમગ્ર સુરત જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલી તમામ આંગણવાડીઓ, સરકારી તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. (ITI), કોલેજો, તેમજ ખાનગી ટ્યુશન/કોચિંગ ક્લાસીસ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
​આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.

એક દિવસ પહેલાં શેર કર્યો હતો જૂનો ઈન્ટરવ્યૂ… શહેઝાદ પૂનાવાલાએ કેમ આપ્યું BJP માંથી રાજીનામું ? કોણ છે શહેઝાદ પૂનાવાલા?

0

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે ટીવી ડિબેટ્સમાં પાર્ટીનો મજબૂત પક્ષ રજૂ કરનાર શહેઝાદ પૂનાવાલાએ ભાજપના નેતૃત્વને રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલો સામે આવતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે રાજીનામાની ચર્ચા સામે આવ્યાના માત્ર એક દિવસ પહેલાં જ પૂનાવાલાએ પોતાનો જૂનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ફરી શેર કર્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેમણે સક્રિય રાજકારણમાંથી દૂર થવાની પોતાની ઈચ્છા વિશે વાત કરી હતી.

અહેવાલો અનુસાર, પૂનાવાલાએ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હજુ સુધી તેમના રાજીનામાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. તેથી હાલ તેમના જૂના નિવેદનને રાજીનામા સાથે સીધું જોડવું યોગ્ય નથી. સત્તાવાર નિવેદન આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.

શહેઝાદ પૂનાવાલાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી નહીં પરંતુ કોંગ્રેસથી કરી હતી. 2008માં કોંગ્રેસ સાથે જોડાયા બાદ તેમણે NSUI, કોંગ્રેસની મીડિયા રિસર્ચ ટીમ અને મહારાષ્ટ્ર કોંગ્રેસમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 2017માં કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી અને રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે તેમણે જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસથી અલગ થયા અને ભાજપમાં જોડાયા.

ભાજપમાં આવ્યા બાદ પૂનાવાલા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા અને ટીવી ડિબેટ્સમાં ભાજપનો આક્રમક પક્ષ રજૂ કરવા માટે જાણીતા થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 2017માં કોંગ્રેસની આંતરિક લોકશાહી અંગે સવાલ ઉઠાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

પૂનાવાલાએ અગાઉના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ લગભગ 18-19 વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને હવે સક્રિય રાજકીય જીવનથી આગળ વધવાનો સમય આવી ગયો હોવાનું તેમને લાગે છે. હવે તેમના રાજીનામા બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું તેઓ ખરેખર રાજકારણને અલવિદા કહી રહ્યા છે કે પછી કોઈ નવી ભૂમિકા સાથે પરત ફરશે?

સુરતના ઉમરપાડામાં મેઘતાંડવ: આટલા ઈંચ વરસાદથી જળબંબાકાર, આમલી ડેમના દરવાજા ખોલાયા

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં માત્ર થોડા કલાકોમાં પડેલા ભારે વરસાદે તંત્રની ચિંતા વધારી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ડેમોમાં પાણીની આવક પણ ઝડપથી વધી રહી છે.

ઉમરપાડા તાલુકામાં છેલ્લા 4 કલાક દરમિયાન 8 ઈંચથી વધુ વરસાદ નોંધાતા ભરવાડ ફળિયા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઝંખવાવ-માંડવી રોડ પર પાણી ભરાયા છે, જ્યારે ઉમરઝરથી વાડી ગામ વચ્ચે આવેલું ગરનાળું પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે.

બીજી તરફ, ઉમરપાડામાં આવેલા આમલી ડેમમાં વરસાદી પાણીની આવકમાં મોટો વધારો થયો છે. ડેમમાં 9574 ક્યુસેક પાણીની આવક નોંધાતા પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ડેમના 8 પૈકી 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના 15 જેટલા નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ટાળવા અને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વરસાદ વધે તે પહેલાં તંત્ર સતર્ક! તાપીમાં 20 સગર્ભા માતાઓને આરોગ્ય કેન્દ્રોમાં પહોંચાડાઈ

તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તેજ કરવામાં આવ્યા છે. રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ આગોતરી તૈયારી હાથ ધરી હતી, જેમાં પ્રસૂતિની સંભવિત તારીખ નજીક હોય તેવી 20 સગર્ભા મહિલાઓને સમયસર ઓળખી સુરક્ષિત આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી. આ નિર્ણયથી વરસાદી પરિસ્થિતિમાં માતા અને બાળકને તાત્કાલિક તબીબી સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આરોગ્ય ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘર-ઘર જઈને સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. જે મહિલાઓની પ્રસૂતિ નજીક હતી તેમને કોઈપણ કટોકટી સમયે મુશ્કેલી ન સર્જાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત વાલોડ, વેલધા, ખેરવાડા, ગડત અને બોરદા સહિતના આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 20 મહિલાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) તેમજ સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન માતા અને નવજાત શિશુના આરોગ્યની સુરક્ષા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તંત્રએ લોકોને પણ વરસાદ દરમિયાન સતર્ક રહેવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

વરસાદની આગાહી વચ્ચે તાપીમાં હાઈ એલર્ટના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્રે સમયસર લીધેલા નિર્ણયથી સંભવિત જોખમને ટાળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉકાઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વચ્ચે નાગરિકો અને આશ્રમશાળાના બાળકોનું અગાઉથી કાલે સાંજે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેથી કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ન બને.

જિલ્લા તંત્ર દ્વારા ઉખલદા ગામના દાદરી ફળિયામાં રહેતા અંદાજે 30 લોકોને સુરક્ષિત રીતે ઉખલદા આદર્શ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થળે પાથરણાં, ઓઢવાની વ્યવસ્થા, ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત માછલી ફળિયાના 17 નાગરિકોને સાવચેતીના ભાગરૂપે તેમના સંબંધીઓના સુરક્ષિત ઘરોમાં મોકલવામાં આવ્યા હતા.

વરસાદી પરિસ્થિતિમાં કાચા અને જૂના મકાનો જોખમી બનતા ભેંસરોટ આશ્રમશાળાના 48 બાળકોને પતરાવાળા મકાનમાંથી નવી સ્લેબવાળી ઇમારતમાં તેમજ બોરીસાવર આશ્રમશાળાના 91 બાળકોને નળિયાવાળા મકાનમાંથી પાકી સ્લેબવાળી બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આમ કુલ 139 બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તમામ તાલુકાઓમાં રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનું જોખમ ટાળી શકાય.

તાપી જિલ્લામાં વરસાદનું જોર યથાવત: માત્ર બે કલાકમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો

તાપી જિલ્લામાં આજે સવારે માત્ર બે કલાકના ગાળામાં વરસાદે જોરદાર હાજરી નોંધાવતા અનેક તાલુકાઓમાં જનજીવન પર તેની અસર જોવા મળી છે. 10થી 12 વાગ્યા દરમિયાન વ્યારા તાલુકામાં સૌથી વધુ 50 મિમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ડોલવણમાં 48 મિમી અને વાલોડમાં 44 મિમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ વચ્ચે તાપી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

સત્તાવાર વરસાદના આંકડા મુજબ નિઝર તાલુકામાં 25 મિમી, ઉચ્છલમાં 18 મિમી, ઉકાઈમાં 16 મિમી, સોનગઢમાં 15 મિમી અને કૂકરમુંડામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાળા અને ખાળાઓમાં પાણીની આવક વધી છે, જ્યારે કેટલાક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી.

સતત વરસાદને પગલે ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જો આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો જળાશયો અને નદીઓમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેડ એલર્ટ વચ્ચે સુરતમાં ખાડી પૂરનો ભય, NDRF-SDRF સહિત રેસ્ક્યૂ ટીમો તૈનાત

સતત વધી રહેલા વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની ખાડીઓના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે તંત્ર એલર્ટ મોડ પર છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજે જણાવ્યું કે શહેરમાં કલાકે કલાકે વરસાદની તીવ્રતા વધી રહી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારો, કીમ અને ભરૂચ હાઇવે તરફના વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાંજ સુધીમાં વિવિધ ખાડીઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચવાની શક્યતા છે.

ખાડીઓ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની અને જળબંબાકાર સર્જાવાની આશંકા છે. આ સંજોગોમાં મનપાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી માટે 1 NDRF અને 2 SDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે 16 રેસ્ક્યૂ બોટ પણ તૈયાર રાખવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, ભોજન અને તબીબી સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

કમિશનરે ખાસ કરીને વેલંજા, ગોઠણ તેમજ કીમ-ભરૂચ હાઇવે નજીકના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને જરૂરી હોય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવું અત્યંત જરૂરી છે. હાલ સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું છે.

નવસારીના ગણદેવામાં કરૂણ દુર્ઘટના: વીજકરંટથી 3 મજૂરોના મોત, 3 ગંભીર

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આજે કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મજૂરોથી ભરેલો ટેમ્પો અકસ્માતે ઉપરથી પસાર થતા વીજ તારના સંપર્કમાં આવી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ થયેલા બે મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ગણદેવી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

રાજ્યસભા બાદ હવે લોકસભામાં પણ ‘વંદે માતરમ’ Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026 પાસ

‘વંદે માતરમ’ને લઈને સંસદમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું ‘Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026’ આજે લોકસભામાં પણ મંજૂર થઈ ગયું છે. આ સાથે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ આપવાનો માર્ગ ખુલ્યો છે.

હવે આ બિલ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ‘વંદે માતરમ’ના અપમાન અથવા તેના ગાનમાં વિક્ષેપ જેવા મામલાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ ખુલશે.

આ સુધારા દ્વારા Prevention of Insults to National Honour Act, 1971માં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાન સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. નવા સુધારા બાદ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને પણ આ જ સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.

સરકારનું કહેવું છે કે ‘વંદે માતરમ’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક રહ્યું છે અને તેને રાષ્ટ્રીય સન્માન સાથે જોડાયેલી સમાન કાનૂની સુરક્ષા મળવી જોઈએ.

31 જુલાઈએ ઘરની બહાર નીકળતા પહેલાં સુરતવાસીઓ આ સમાચાર જરૂર વાંચજો! IMDની મોટી ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બનવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી નવી આગાહી મુજબ 31 જુલાઈ, શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.


દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદ સૌથી વધુ અસરકારક રહેવાની સંભાવના છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને સ્થાનિક સ્તરે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા પડવાની સંભાવના હોવાથી નાગરિકોને ખુલ્લા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે.